એકસ્ટ્રા અફેરઃ ચીફ જસ્ટિસની ટિપ્પણી યોગ્ય પણ તેનો ફાયદો શું?

ભરત ભારદ્વાજ
ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) જસ્ટિસ સૂર્યકાંતના વડપણ હેઠળની 3 જજની બેંચે કરેલી ચર્ચાસ્પદ પણ અત્યંત મહત્ત્વની ટિપ્પણીની બહુ નોંધ ના લેવાઈ. મધ્ય પ્રદેશના એક પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને સસ્પેન્ડ કરી દેવાયા તેની સામે જજે કરેલી અરજી પર સુનાવણી દરમિયાન કરી સુપ્રીમ કોર્ટે સીધો કોઈ ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે, નિવૃત્તિના બરાબર પહેલાં ન્યાયાધીશો બાહ્ય કારણોથી પ્રભાવિત થઈને ઝડપથી ચુકાદા આપે છે એ દુર્ભાગ્યપૂર્ણ છે.
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું કે, મેચની છેલ્લી ઓવરોમાં સિક્સર્સ ફટકારી રહ્યા હોય એ રીતે કેટલાક ન્યાયાધીશો નિવૃત્તિના થોડા દિવસો પહેલાં ધડાધડ આદેશો આપે છે ને ચુકાદા ફટકારે છે. ન્યાયાધીશોમાં આ વૃત્તિ વધી રહી છે એ ખતરનાક છે. ચીફ જસ્ટિસ સહિતના માનનીય ન્યાયાધીશોએ સીધા શબ્દોમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વધ્યો છે એવું કહ્યું નથી પણ આડકતરી રીતે જજો છેલ્લે છેલ્લે રોકડી કરી લેવા માટે ભ્રષ્ટાચાર કરીને આડેધડ ચુકાદા આપે છે એવો સૂર કાઢ્યો છે. અલબત્ત અરજદાર જજને તો સુપ્રીમ કોર્ટે શબ્દો ચોર્યા વિના ભ્રષ્ટાચાર કર્યો હોવાનું કહીને તતડાવ્યા જ છે.
આ જજ 30 નવેમ્બરે નિવૃત્ત થવાના હતા પણ નિવૃત્તિના 10 દિવસ પહેલાં હાઈ કોર્ટ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જજે કેટલાક શંકાસ્પદ આદેશો પસાર કર્યા હોવાની ફરિયાદો મળતાં હાઈ કોર્ટ તવાઈ લાવીને 19 નવેમ્બરે બે ન્યાયિક આદેશોના આધારે સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્ડ કરાતાં ઘાંઘા થયેલા જજ સુપ્રીમ કોર્ટમાં દોડી આવ્યા છે ને રાવ નાખી છે.
જજની દલીલ છે કે, પોતાની કારકિર્દી નિષ્કલંક છે. અને વાર્ષિક રિપોર્ટમાં જજને સતત હાઈ રેટિગ મળ્યું છે. હાઈ કોર્ટે જે આદેશો સામે વાંધો લીધો છે તેની સામે હાઈ કોર્ટમાં અપીલ કરી શકાય છે અને હાઈ કોર્ટ આ ચુકાદાને બદલીને ન્યાય કરી શકે છે પણ તેના માટે જજને સસ્પેન્ડ કરવા ન્યાયી નથી એવી જજના વકીલની દલીલ છે.
બહુ મજાની વાત એ છે કે, જજ 30 નવેમ્બર 2025 ના રોજ નિવૃત્ત થવાના હતા પણ 19 નવેમ્બરે સસ્પેન્ડ થઈ ગયા. મધ્ય પ્રદેશ સરકારે નિવૃત્તિની ઉંમર 62 વર્ષ કરી હતી તેના પર એક દિવસ પછી એટલે કે 20 નવેમ્બરે મંજૂરીની મહોર મારી તેથી જજ હવે 30 નવેમ્બર 2026 ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે જજસાહેબની ફિરકી લેતાં ટિપ્પણી કરી છે કે, જજ સાહેબે સિક્સરો મારવાનું શરૂ કર્યું, ત્યારે તેમને ખબર ન હતી કે નિવૃત્તિની ઉંમર વધારવામાં આવશે. બાકી તેમણે પણ આ આદેશો ના આપ્યા હોત.
સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીનો ઈન્કાર કરીને કેસ હાઈ કોર્ટમાં મોકલી આપ્યો છે તેથી હવે હાઈ કોર્ટ આ મામલે નિર્ણય લેશે. હાઈ કોર્ટ આ કેસને ના લંબાવે એટલે ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા ફરમાન કર્યું છે પણ પોતે સુનાવણી નથી કરવાની એ નક્કી છે તેથી હવે આ મામલે સુપ્રીમ કોર્ટ કશું નહીં કહે પણ સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણીની ચર્ચા જરૂરી છે કેમ કે ન્યાયતંત્ર ભારતમાં હજુ સાબૂત હોવાની છાપ છે. હવે દેશના ચીફ જસ્ટિસ પોતે આ છાપ ખોટી હોવાનું આડકતરી રીતે સ્વીકારી રહ્યા હોય ત્યારે મુદ્દો ગંભીર બની જાય છે.
જસ્ટિસ સૂર્યકાન્ત પહેલા એવા ચીફ જસ્ટિસ નથી કે જેમણે નિખાલસતાથી આ વાત સ્વીકારી હોય. ભૂતકાળમાં ઘણા ચીફ જસ્ટિસ એવા આવી ગયા કે જેમણે ન્યાયતંત્ર ભ્રષ્ટ છે અને શંકાથી પર નથી એવું ખલ્લેઆમ સ્વીકાર્યું હોય. સુપ્રીમ કોર્ટમાં આવેલો કેસ તો નીચલી કોર્ટના જજનો છે પણ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના જજ પણ ભ્રષ્ટાચારમાં ખરડાયેલા છે એવું પણ ભૂતકાળમાં ઘણા ચીફ જસ્ટિસ સ્વીકારી ચૂક્યા છે.
કમનસીબે આ ટીકાઓનું કોઈ નક્કર પરિણામ આવતું નથી ને નિખાલસ કબૂલાતો વાંઝણી જ રહે છે. ભૂતકાળના ઘણા ચીફ જસ્ટિસ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હોવાની કબૂલાત કરીને વાહવાહી લૂંટી ચૂક્યા છે પણ આ ભ્રષ્ટાચારને દૂર કરવા કે સિસ્ટમને સાફ કરવા માટે કોઈ પગલાં ના લીધાં. બલ્કે તેમની સામે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારને લગતા કેસો આવ્યા ત્યારે આકરું વલણ લઈને દાખલા બેસાડવાના બદલે કુલડીમાં ગોળ ભાંગી દેવાયો.
દિલ્હી હાઈ કોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માનો કેસ તાજો જ છે. જસ્ટિસ વર્માના ઘરે રૂમમાં નોટોના થોકડા ખડકાયેલા હતા. જસ્ટિસ વર્મા બહાર ગયેલા ત્યારે રૂમમાં આગ લાગી ને ફાયર બ્રિગેડના જવાનોને બોલાવાયા ત્યારે ભાંડો ફૂટ્યો પછી દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આકરાં પગલાં લેવા માટે લખેલું પણ સુપ્રીમ કોર્ટે પહેલાં તો આખી વાતને દબાવી દઈને ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો પણ વાત મીડિયામાં આવી ગઈ એટલે દેખાવ ખાતર જસ્ટિસ વર્મા સામે તપાસનું નાટક કરીને તેમને અલાહાબાદ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાયેલા.
અલાહાબાદના વકીલોએ પોતાના માથે ભ્રષ્ટ જજને થોપવાનો વિરોધ કર્યો પછી ટ્રાન્સફર રોકીને તપાસ કરાવાઈ અને આ તપાસનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલીને સુપ્રીમ કોર્ટે હાથ ખંખેરી નાખ્યા. કેન્દ્ર સરકારે પણ પોતે ભ્રષ્ટાચારને સાંખવા નથી માગતી એવું બતાવવા માટે જસ્ટિસ વર્મા સામે ઈમ્પીચમેન્ટની કાર્યવાહી કરવાનું એલાન કર્યું પણ વાત આગળ વધતી નથી. જસ્ટિસ વર્મા હજુય ન્યાયતંત્રમાં છે ને તેમને કંઈ પણ થાય એવું કમ સે કમ અત્યારે તો લાગતું નથી. ઈમ્પીચમેન્ટની વાત પણ ભૂલાઈ ગઈ અને જસ્ટિસ વર્મા પણ ભૂલાઈ ગયા છે.
મધ્ય પ્રદેશના જજના કેસમાં પણ સુપ્રીમ કોર્ટનું વલણ અલગ નથી. સુપ્રીમ કોર્ટે પોતે કશું કરવાના બદલે કેસ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટને મોકલી દીધો. કાયદાકીય રીતે આ બરાબર હોઈ શકે છે પણ નૈતિક રીતે બરાબર નથી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરીને એક દાખલો બેસાડવાની જરૂર હતી. સુપ્રીમ કોર્ટ પોતે જે જજને ભ્રષ્ટ માને છે તેને સજા કરવામાં તેને ખચકાટ નહોતો થવો જોઈતો પણ તેના બદલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણીઓ કરીને સંતોષ માની લીધો.
ભારતમાં ન્યાયતંત્રમાં ધરખમ ફેરફારોની જરૂર છે. ખડકાતા જતા કેસોથી માંડીને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકોના ભ્રષ્ટાચાર સુધીની બાબતો સામાન્ય માણસોને પરેશાન કરે છે પણ સુપ્રીમ કોર્ટનું વલણ જોયા પછી લાગે કે, કોઈ આશા રાખવા જેવી નથી. સુપ્રીમ કોર્ટ પોતે કડક કાર્યવાહી કરવાના બદલે માત્ર ઝાટકણી કાઢીને સંતોષ માને તો પછી બીજાં પાસેથી તો શું આશા રખાય?
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ નીતીશે બુરખો ખેંચ્યો તેનો બચાવ ના કરી શકાય


