એકસ્ટ્રા અફેરઃ ખાલિદ-શર્જીલને જામીનનો ઈનકાર, ભારત અમેરિકાનું તાબેદાર નથી

ભરત ભારદ્વાજ
ન્યૂ યોર્કના નવાસવા મેયર બનેલા ઝોહરાન મમદાની અને અમેરિકાના 8 સાંસદને જેના પર બહુ હેત ઊભરાયેલું એવા ઉમર ખાલિદની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દઈને એક સ્પષ્ટ મેસેજ આપી દીધો કે, ભારત કોઈનું તાબેદાર નથી ને ભારતની ન્યાયિક પ્રક્રિયા કોઈના દબાણ હેઠળ ચાલતી નથી. મમદાની કે અમેરિકાના બીજા રાજકારણીઓને પોતાના રાજકીય સ્વાર્થ માટે ખાલિદ પર પ્રેમ ઊભરાતો હોય તો ભલે ઊભરાતો પણ ભારતના ન્યાયતંત્રને કોઈના કહેવાથી કોઈ ફરક પડતો નથી.
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 2020માં થયેલાં રમખાણોમાં 53 લોકો માર્યાં ગયાં હતાં અને 250થી વધુ ઘાયલ થયા હતા. દિલ્હી રમખાણોના આરોપી ખાલિદની સાથે બીજો વિદ્યાર્થી નેતા શર્જીલ ઈમામ પણ લાંબા સમયથી જેલની હવા ખાય છે. ઉમર ખાલિદ 13 સપ્ટેમ્બર, 2020થી જેલમાં છે તેથી તેના જેલવાસને 5 વર્ષ ને 3 મહિના થઈ ગયા જ્યારે શર્જીલ ઇમામની તો રમખાણોના 6 અઠવાડિયા પહેલાં 28 જાન્યુઆરી 2020ના રોજ ધરપકડ કરવામાં આવી હતી એ જોતાં આ મહિને શર્જીલ તો જેલવાસના છ વર્ષ પૂરાં કરી નાંખશે.
સુપ્રીમ કોર્ટે શર્જીલની જામીન અરજી પણ ફગાવી દીધી છે પણ તેમની સાથે જ જેલમાં તળિયાં તપાવતા બીજા પાંચને કોર્ટે જામીન આપી દેતાં તેમની મુક્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ તમામ સામે અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રીવેન્શન) એક્ટ (યુએપીએ) અને ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધાયેલા છે.
આ સાતેય લોકોએ દિલ્હી હાઈ કોર્ટે જામીન અરજી ફગાવી એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુલફિશા ફાતિમા, મીરાન હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહેમદને 12 શરતો સાથે જામીન આપ્યા ખાલિદ અને શર્જીલ પર રહેમ નથી બતાવી. બલકે વધારે સખ્તાઈ બતાવી છે કેમ કે કોર્ટે ફરમાન કર્યું છે કે ઉમર અને શર્જીલ આ કેસમાં એક વર્ષ સુધી જામીન અરજી કરી શકશે નહીં. મતલબ કે, શર્જીલ અને ખાલિદ બંનેનું 2026નું વર્ષ તિહાર જેલમાં જૂના ભાઈબંધો સાથે જ વિતશે.
ખાલિદ, શર્જીલ બંને દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હતા. 2020માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) લાવી ત્યારે જેએનયુ તેના વિરોધમાં એપીસેન્ટર બનેલું. કેન્દ્ર સરકાર નેશનલ સિટિઝન રજિસ્ટર (એનસીઆર) લાવીને મુસ્લિમોની નાગરિકતા છિનવી લેવાની ગંદી રમત રમી રહી છે એવો કુપ્રચાર એ વખતે જોરશોરથી ચલાવાયો હતો. તેની સામે આંદોલન શરૂ થયું એ વખતે જ યોગાનુયોગ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ભારતમાં પધરામણી થવાની હતી.
ડોનલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા વખતે જ દેશભરમાં તોફાનો ભડકે તો આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ભારત તરફ ખેંચાય અને સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ના મુદ્દાને વૈશ્વિક સ્તરે ઉઠાવી શકાય એ ગણતરીથી ખાલિદ, શર્જીલ સહિત આણિ મંડળીએ દેશભરમાં રમખાણો કરાવવાનો કારસો ઘડેલો. દેશમાં બીજે ક્યાંય તો આ ગેંગ ફાવી નહીં પણ દિલ્હીમાં હિંસા ફાટી નિકળી તેમાં 53 લોકો માર્યાં ગયેલાં અને 250થી વધુ લોકો ઘાયલ થયા હતા. રમખાણો બદલ 750થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
શર્જીલ પહેલેથી જેલમાં હતો જ તેથી રમખાણોની તપાસમાં સૌથી પહેલો એ જ ઝપટે ચડી ગયેલો. પોલીસે તેના છેડા ક્યાં ક્યાં પહોંચે છે તેની તપાસ કરી તેમાં ઉમર ખાલિદ સહિતના આરોપીઓનાં નામ ખૂલ્યાં એટલે એક પછી એક બધાંને ઉઠાવીને જેલમાં નાખી દેવાયેલા. યુએપીએ હેઠળ કેસ નોંધાયા હોવાથી બહુ હવાતિયાં માર્યા પછીય છૂટ્યા નહોતા ને સુપ્રીમ કોર્ટ છેલ્લો આરો હતો. ખાલિદ અને શર્જીલ માટે તો આ છેલ્લી આશા પણ કમ સે કમ એક વર્ષ લગી તો સમાપ્ત જ થઈ ગઈ છે. હવે આવતા વરસે જામીન અરજી કરે ને એ વખતે જજ સાહેબને દયા આવી જાય તો ઠીક, બાકી જય તિહાર.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં કેટલાંક મહત્ત્વનાં અવલોકનો પણ કર્યાં છે. આરોપીઓની દલીલ હતી કે, કેસ ચલાવ્યા વિના લાંબા સમય સુધી જેલમાં રાખવા એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ અપાયેલા જીવન જીવવાની આઝાદીના મૂળભૂત અધિકારનો ભંગ કરે છે. સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નથી. ઊલટાનું આરોપીઓ સામે કાવતરાના મજબૂત પુરાવા હોવાનું સ્વીકાર્યું છે.
દિલ્હી પોલીસે જામીન અરજીઓનો વિરોધ કરતાં કહેલું કે, સુનાવણીમાં વિલંબ માટે આરોપીઓ પોતે જવાબદાર છે કેમ કે તેમણે સહકાર ના આપ્યો. તપાસમાં સહકાર આપ્યો હોત તો કેસ બે વર્ષમાં પૂરો થઈ ગયો હોત. પોલીસે તો ખાલિદ સહિતના આરોપીઓ સામે આતંકવાદને લગતી કલમો લગાવી હતી. સુપ્રીમ કોર્ટે આ માન્ય નથી રાખ્યું પણ બંનેને મુખ્ય કાવતરાખોર તરીકે સ્વીકાર્યા છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે, ઉમર ખાલિદ અને શર્જીલે કાવતં ઘડ્યું હોવાના મજબૂત પુરાવા છે એ જોતાં ખાલિદ અને શરજીલ બંનેને આ કેસમાં સજા થવાની શક્યતા પણ પ્રબળ બની ગઈ છે.
સુપ્રીમ કોર્ટે કાયદાકીય બાબતોના આધારે ચુકાદો આપ્યો છે તેથી એ વિશે કોઈ કોમેન્ટ કરવી યોગ્ય નથી પણ આ ચુકાદાએ સુપ્રીમ કોર્ટને શરમજનક સ્થિતિમાં મૂકાતી બચાવી લીધી છે. ખાલિદ સહિતની જામીન અરજીઓની સુનાવણી પહેલાં ઝોહરાન મમદાનીએ તેને લાંબા સમયથી જેલમાં બંધ રખાયો છે એ અંગે ખરખરો કરેલો. એ પછી અમેરિકાના 8 સાંસદો મેદાનમાં આવી ગયા અને અમેરિકાના ખાતેના ભારતીય રાજદૂત વિનય મોહન કવાત્રાને પત્ર લખીને ખાલિદ સહિતના આરોપીઓને તાત્કાલિક જેલમાંથી છોડવા અપીલ કરતો પત્ર ફટકારી દીધેલો.
ઈલહાન ઉમર, રશિદા તલૈબ, પ્રમિલા જયપાલ, જિમ મેકગવર્ન, જેમી રસ્કિન, ક્રિસ વાન હૌલ્લેન, જાન સ્કેવોસ્કી અને લોયડ ડોગેટ્ટે ખાલિદ નિર્દોષ હોવાની રેકર્ડ વગાડીને તેને તાત્કાલિક મુક્ત કરવા માટે ભારત સરકારને અપીલ કરી હતી. આ આખો ડ્રામા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં થયો તેનો અર્થ સ્પષ્ટ હતો કે, પ્રેશર ટેક્ટિકના ભાગરૂપે આ પત્ર લખાયો છે. સદનસીબે સુપ્રીમ કોર્ટ એવા કોઈ દબાણમાં આવી નથી. ઊલટાનું આ લેટર બૂમરેંગ થયો અને ખાલિદ-શર્જીલને બરાબરનો બૂચ વાગી ગયો.
સુપ્રીમ કોર્ટે જેમને જામીન મળી શકે તેમ હતા તેમને જામીન આપી દીધા ને ખાલિદ-શર્જીલને અંદર જ રાખીને મેરિટના આધારે જ નિર્ણય લીધો છે પણ ખાલિદ-શર્જીલને પણ જામીન મળ્યા હોત તો એવી છાપ ઊભી થઈ હોત કે, અમેરિકાના સાંસદોના દબાણમાં બંને છૂટી ગયા. સુપ્રીમ કોર્ટે એવી છાપ ના પડવા દઈને ભારતીય ન્યાયતંત્રની આબરૂ બચાવી લીધી અને અમેરિકાના સાંસદોને પણ અહેસાસ કરાવી દીધો કે, ભારતની આંતરિક બાબતોમાં કડછો મારવાની ગમે તેટલી ખંજવાળ હોય પણ અહીં મેળ પડવાનો નથી.



