એકસ્ટ્રા અફેરઃ રાજ્ય સરકારને મરાઠાઓને ઓબીસીમાં લેવાનો અધિકાર જ નથી

ભરત ભારદ્વાજ
મુંબઈમાં મરાઠા અનામત માટેનું આંદોલન હાલ પૂરતું સમેટાઈ જતાં મુંબઈગરાઓને ભારે રાહત થઈ છે. મરાઠાઓ માટે અનામતના આંદોલનના મશાલચી મનોજ જરાંગે આઝાદ મેદાનમાં ડેરા નાખીને બેઠેલા પણ હજારોની સંખ્યામાં ઊમટી પડેલા આંદોલનકારીઓ મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ફેલાઈ ગયેલા તેથી મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયેલું.
લોકોને પડી રહેલી હાલાકીઓથી અલિપ્ત મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર અને આંદોલનકારીઓ રાજકીય દાવપેચમાં વ્યસ્ત હતા ને તેમને લોકોની કંઈ પડી નહોતી. મનોજ જરાંગે મરાઠા સમુદાયને કુણબી જ્ઞાતિમાં સમાવીને અન્ય પછાત વર્ગ (OBC) હેઠ હાઈ કોર્ટે લાલ આંખ ના કરી હોત તો આ ખેંચતાણ ચાલુ જ રહી હોત પણ હાઈ કોર્ટે બુધવાર સવાર સુધીમાં મનોજ જરાંગે તથા આંદોલનકારીઓને આઝાદ મેદાન ખાલી કરવાની કડક ચેતવણી આપી પછી સરકારે નમતું જોખવું પડ્યું.
મનોજ જરાંગે હાઈ કોર્ટના આદેશને સ્વીકારીને આઝાદ મેદાન છોડી જાય પણ આંદોલનકારીઓ મુંબઈ ના છોડે ને તોફાને ચડે તો સરકારની ઈજ્જતનો ફાલુદો થઈ જાય એટલે સરકાર છેવટે હૈદરાબાદ ગેઝેટને આધાર બનાવીને જાહેરનામું બહાર પાડીને મરાઠા સમુદાયના લોકોને `કુણબી’ જાતિનો દરજ્જો આપવાનું એલાન કરી દીધું.
ભારતની આઝાદી પહેલાં હાલના મહારાષ્ટ્રના આઠ દુષ્કાળગ્રસ્ત જિલ્લા મરાઠવાડા પ્રદેશમાં આવતા અને હૈદરાબાદના નિઝામના રાજ્યનો ભાગ હતા. 1918માં હૈદરાબાદના તત્કાલીન નિઝામે હૈદરાબાદ ગેઝેટ બહાર પાડીને મરાઠાવાડ પ્રદેશના તમામ રેકોર્ડ, વસ્તી, જ્ઞાતિઓ અને સમુદાયો, વ્યવસાયો, ખેતી વગેરે સંબંધિત માહિતી બહાર પાડી હતી.
હૈદરાબાદ ગેઝેટના રેકોર્ડ પ્રમાણે ખેતી સાથે સંકળાયેલા મરાઠાઓની મરાઠવાડામાં મોટી વસતી હતી પણ મરાઠા સમુદાય આર્થિક અને સામાજિક રીતે પછાત હતો. મરાઠા સમુદાયને કુણબી સમુદાય જેવો જ ગણવામાં આવતો હતો તેથી નિઝામની સરકારે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને અનામત આપવાનો આદેશ આપ્યો હતો અને ઔપચારિક રીતે સત્તાવાર ગેઝેટમાં નોંધવામાં આવ્યો હતો.
તેની જાહેરાત કરાઈ હતી તેથી હૈદરાબાદ ગેઝેટ તરીકે એ જાણીતું થયું. ફડણવીસ સરકારે આ ગેઝેટના આધારે મરાઠા સમુદાયને ઓબીસી ગણવાનું નક્કી કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલાં મરાઠા સમુદાયને ઓબીસી કેટેગરીમાં સમાવવા પણ તૈયાર નહોતા. તેમની દલીલ હતી કે, મહારાષ્ટ્રમાં અત્યારે જ ઓબીસી કેટેગરીમાં 350 કરતાં વધારે જ્ઞાતિઓ છે.
હવે મરાઠા સમુદાયો ઓબીસી તરીકે સમાવેશ કરાય તો આ 350 જ્ઞાતિઓને અન્યાય થશે એટલે મરાઠાઓને ઓબીસી હેઠળ અનમાત આપવાનો સવાલ જ પેદા થતો નથી. આ વાત કર્યાના બે દિવસમાં તો ફડણવીસ ગુલાંટ લગાવીને જીઆર બહાર પાડવાનું એલાન પણ કરી દીધું. જો કે સુપ્રીમ કોર્ટમાં આ સામાન્ય ઠરાવ (જીઆર) ટકી શકે તેમ નથી એ જોતાં તેની કિમત ફડણવીસ સરકારે મરાઠા આંદોલનકારીઓને પકડાવેલી વધુ એક લોલિપોપથી વધારે કંઈ નથી.
ફડણવીસે આ લોલિપોપ પકડાવવી જરૂરી હતી કેમ કે ફડણવીસે ભૂતકાળમાં મરાઠા આંદોલન વખતે ડહાપણ ડહોળેલું કે, ઈચ્છાશક્તિ હોય તો રસ્તો નીકળે જ પણ ઈચ્છાશક્તિ ના હોય તો ખાલી સર્વે અને રિપોર્ટ નીકળે. રાજકીય વિરોધીઓ પર પ્રહાર કરવા ફડણવીસે મરાઠા આંદોલન અંગે બીજાં પણ નિવેદનો આપેલાં.
મરાઠા આંદોલનકારીઓએ ફડણવીસનાં આ નિવેદનો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યાં તેમાં ફડણવીસ ભરાઈ ગયા. નાક બચાવવા માટે `ઈચ્છાશક્તિ’ બતાવ્યા વિના ફડણવીસ પાસે બીજો આરો જ નહોતો એટલે તેમણે મનોજ જરાંગેની માગણી નાકલીટી તાણીને સ્વીકારવી પડી પણ ફડણવીસ સરકારનો નિર્ણય મરાઠાઓને ફરી બેવકૂફ બનાવવાનો દાવ સાબિત થાય એવી પ્રબળ શક્યતા છે કેમ કે સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે આપેલી અનામત ટકવાની નથી.
ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકારે મરાઠાઓ માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 16 ટકા અનામતની જોગવાઈ કરેલી. બોમ્બે હાઈ કોર્ટે આ અનામતને માન્ય રાખેલી પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, મરાઠાઓને અનામત આપવાથી અનામતનું પ્રમાણ 50 ટકાથી વધી જશે તેથી આ અનામત ગેરકાયદેસર છે. મહારાષ્ટ્ર સરકારે તેની સામે કરેલી ક્યુરેટિવ પિટિશનનો નિકાલ હજુ થયો નથી એ જોતાં એ 50 ટકાની મર્યાદાનો મુદ્દો તો ઊભો જ છે ત્યાં ફડણવીસની સરકારે મરાઠાઓને સીધા ઓબીસીમાં ગણી લેવાનું એલાન કરીને નવો ડખો ઊભો કરી દીધો છે.
ફડણવીસ સરકારની લોલિપોપને સુપ્રીમ કોર્ટ બંધારણીય. જોગવાઈને આધારે કચરાટોપલીમાં નાખી શકે છે કેમ કે મરાઠા સમુદાયનો ઓબીસીમાં સમાવેશ કરવા માટે જરૂરી પ્રક્રિયાને અનુસરવામાં નથી આવી. ભારતમાં રાજ્યોને ઓબીસીની યાદીમાં ફેરફારનો કે કોઈના સમાવેશનો અધિકાર જ નથી ત્યારે ફડણવીસે બંધારણની ઉપરવટ જઈને મરાઠાઓને ઓબીસી ગણીને અનામત આપવાનું નક્કી કરી નાખ્યું છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન સાથે ક્રિકેટ, મોદી સરકારની પણ સગવડિયા નીતિ
ભારતમાં ભારતના રાષ્ટ્રપતિ પાસે દરેક રાજ્યના સંબંધમાં અન્ય પછાત વર્ગો (OBC) ની કેન્દ્રીય યાદી નક્કી કરવાનો અને આ યાદી અંગે નોટિફિકેશન બહાર પાડવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ પણ પોતાની રીતે કોને ઓબીસીમાં લેવા ને કોને ના લેવા એ નક્કી ના કરી શકે પણ કેન્દ્ર સરકારની સલાહને આધારે રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચાવિચારણા પછી બંધારણની કલમ 342-અ હેઠળ આ યાદી બહાર પાડે છે.
કેન્દ્ર સરકાર અને રાજ્યપાલે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસના સર્વેના આધારે ભલામણ કરવાની હોય છે. એનસીબીસી કોઈ પણ જ્ઞાતિ કે સમુદાયની આર્થિક અને સામાજિક બાબતોનું મૂલ્યાંકન કરવા માટે સર્વે કરે છે અને તેના આધારે ભલામણ કરે છે પણ મરાઠા સમુદાયના સંદર્ભમાં આવો કોઈ સર્વે થયો નથી.
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત આપવા માટે એકનાથ શિંદેની મહારાષ્ટ્ર સરકાર દ્વારા 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ પસાર કરેલા સોશ્યલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ (SEBC) એક્ટને આધાર બનાવ્યો છે. નિવૃત્ત જજ સુનિલ સુકરેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ક ક્લાસ કમિશન (MSBCC)ની ભલામણોના આધારે આ કાયદો બન્યો છે.
જસ્ટિસ સુકરેએ ભલામણ કરેલી કે, અસાધારણ પરિસ્થિતિઓ અને અલગ જ સંજોગોને ધ્યાનમાં રાખીને 50 ટકા અનામતની મર્યાદાનો ભંગ કરીને પણ મરાઠા સમુદાયને અનામતનો લાભ આપવો જોઈએ. આ સોશ્યલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ (SEBC) એક્ટને બોમ્બે હાઈકોર્ટમાં પડકારાયો છે અને તેનો નિવેડો આવ્યો નથી ત્યાં તેના આધારે અનામતનો અમલ શરૂ પણ કરી દેવાયો છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો સોશ્યલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ (SEBC) એક્ટને રદબાતલ ઠેરવે તો તેના આધારે નોકરી મેળવનારા બધા નોકરી ગુમાવશે એ ખતરો ઊભો છે ત્યાં ફડણવીસે કોઈ પણ આધાર વિના ઓબીસી લિસ્ટમાં મરાઠાઓને લઈ લેતાં ડખો થશે જ.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પને કાંડાં કાપી આપવા કરતાં ચીન પર ભરોસો કરવો બહેતર…