એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સ્ટાલિન તમિળનાડુમાં હિન્દી પર પ્રતિબંધ ના મૂકી શકે

ભરત ભારદ્વાજ

તમિળનાડુની એમ. કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને શાળાઓમાં ત્રિભાષી ફોર્મ્યુલાના અમલ મુદ્દે ચાલી રહેલી પટ્ટાબાજી વચ્ચે નવા સમાચાર આવ્યા છે. દેશભરના મીડિયાએ દાવો કર્યો છે કે, સ્ટાલિન સરકાર આખા તમિળનાડુમાં હિન્દી ભાષા પર પ્રતિબંધ મૂકવા માટેનું બિલ વિધાનસભામાં લાવવાની તૈયારીમાં છે.

આ બિલ દ્વારા તમિળનાડુમાં હિન્દી ભાષાનાં હોર્ડિંગ્સ, બેનર્સ, સાઈન બોર્ડ વગેરે પર તો પ્રતિબંધ મૂકી જ દેવાશે પણ હિન્દી ફિલ્મો અને ગીતો પર પણ પ્રતિબંધ મૂકી દેવાશે. મોદી સરકાર આખા દેશની જેમ તમિળનાડુની સરકારી શાળાઓમાં પણ ત્રિભાષી ફોર્મ્યુલાના અમલીકરણ અંગે મક્કમ છે ને સામે સ્ટાલિન પણ અડી ગયા છે તેથી તમિળનાડુમાં હિન્દી ભાષા પર પ્રતિબંધ આવી જશે.

મીડિયા રિપોર્ટમાં તો એવો દાવો પણ કરાયો કે, સૂચિત કાયદા અંગે ચર્ચા કરવા માટે મંગળવારે રાત્રે કાનૂની નિષ્ણાતો સાથે એક તાકીદની બેઠક કરાઈ હતી. ને તેમાં બિલનો મુસદ્દો તૈયાર કરી દેવાયો છે. બુધવારે વિધાનસભામાં આ બિલ મુકાશે એવો દાવો પણ કરાયેલો પણ આ દાવો સાચો પડ્યો નથી. અલબત્ત તમિળનાડુ સરકારના અધિકારીઓ અને ડીએમકેના નેતાઓ પણ ગોળ ગોળ વાતો કરી રહ્યા છે એટલે સાચું શું એ ખબર પડતી નથી.

પત્રકારોએ તમિળનાડુ સરકારના અધિકારીઓને આ અંગે સવાલ પૂછ્યો તો તેમણે સીધો જવાબ આપવાના બદલે એવું કહ્યું કે, સરકાર બંધારણનું પાલન કરશે. ડીએમકેના ટોચના નેતા ટીકેએસ એલંગોવને પણ એ જ રેકર્ડ વગાડીને કહ્યું છે કે, અમે બંધારણ વિરુદ્ધ કંઈ કરીશું નહીં અને બંધારણનું પાલન કરીશું પણ અમે હિન્દી લાદવાની વિરુદ્ધ છીએ.

હવે આ વાતમાં શું સમજવું ?

ખેર, સ્ટાલિન સરકાર આ બિલ લાવશે ને વાગતું વાગતું સામે આવશે ત્યારે સૌને ખબર પડશે જ પણ આ પ્રકારનું બિલ સ્ટાલિન લાવે તો એ બહુ મોટી મૂર્ખામી હશે કેમ કે બંધારણીય રીતે કોઈ રાજ્ય સરકાર આવું બિલ ના લાવી શકે. રાજ્ય સરકારોને કોઈ પણ ભાષા પર પ્રતિબંધ લાદવાનો અધિકાર જ નથી. ભારતમાં કોઈ ભાષા પર કાયદેસર રીતે પ્રતિબંધ ના મૂકી શકાય કારણ કે ભારતના બંધારણ કલમ 29 હેઠળ દેશના તમામ નાગરિકો માટે અલગ ભાષાઓ, લિપિઓ અને સંસ્કૃતિઓનું સંરક્ષણ કરવાનો અધિકાર મળેલો છે.

રાજ્ય સરકાર રાજ્યમાં સત્તાવાર કામગીરીમાં કોઈ ભાષાના ઉપયોગને નિયંત્રિત કરી શકે છે પણ જાહેર ઉપયોગને પ્રતિબંધિત ના કરી શકે અથવા ભાષાના વપરાશ પર પ્રતિબંધ ના મૂકી શકે. આ સંજોગોમાં સ્ટાલિન બહુ બહુ તો સરકારી કામકાજમાં હિંદીનો ઉપયોગ નહીં કરવાનો ફતવો બહાર પાડી શકે પણ હિંદીનો ઉપયોગ જ ના થાય એવું તો ના જ કરી શકે.

હિન્દી તો દેશની બંધારણીય રીતે સ્વીકૃત રાજ્યભાષા છે પણ કોઈ બહુ મર્યાદિત વિસ્તારમાં બોલાતી ભાષા પર પણ પ્રતિબંધ મૂકવાનો અધિકાર કેન્દ્ર સરકારને પણ નથી ત્યારે રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકવાની કોશિશ કરે એ મૂર્ખામી જ કહેવાય. સ્ટાલિન આ વાત ના જાણતા હોય કે સમજતા હોય એટલા મૂરખ નથી છતાં એ હિંદી પર પ્રતિબંધનું બિલ લાવવાની મૂર્ખામી કરવાનો દેખાવ કરી શકે છે કેમ કે આ દેખાવના કારણે રાજકીય ફાયદો થઈ શકે છે.

તમિળનાડુમાં 2026માં વિધાનસભાની ચૂંટણી છે તેથી સ્ટાલિને બહુ પહેલાંથી આ ચૂંટણી જીતવા માટે હિંદી વિરોધી માહોલ જમાવી દીધો છે. તેના ભાગરૂપે સ્ટાલિન સરકાર અને મોદી સરકાર વચ્ચે નવી શિક્ષણ નીતિના મુદ્દે લાંબા સમયથી ગજગ્રાહ ચાલે છે. મોદી સરકારે 2019માં નેશનલ એજ્યુકેશન પૉલિસીનો મુસદ્દો જાહેર કર્યો તેમાં પહેલા ધોરણથી બાળકોને ત્રણ ભાષા શીખવવાની દરખાસ્ત હતી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ગાઝાના યુદ્ધવિરામથી પાકિસ્તાનીઓ કેમ ખુશ નથી?

તેમાં બે ભાષા અંગ્રેજી અને હિંદી હોવી જોઈએ એવી દરખાસ્ત મુકાયેલી. સ્ટાલિન એ વખતે જ મેદાનમાં આવી ગયેલા. આ જોગવાઈ સામે દક્ષિણનાં બીજાં રાજ્યોમાં પણ પ્રચંડ વિરોધ થતાં મોદી સરકારે નવો મુસદ્દો બહાર પાડીને ફરજિયાત હિંદીની જોગવાઈ રદ કરી દેતાં વિવાદ શાંત થઈ ગયેલો.

મોદી સરકારે આ વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવા દેશનાં બધાં રાજ્યોને કહ્યું તેમાં પહેલા ધોરણથી ફરજિયાત ત્રણ ભાષા ભણાવવાની તાકીદ કરી તેમાં સ્ટાલિનને પાછી તક મળી ગઈ. મોદી સરકારના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ત્રિભાષી ચીમકી આપેલી કે, ત્રણ ભાષા શીખવવાની ફોર્મ્યુલા નહીં અપનાવનાર રાજ્યને કેન્દ્ર ગ્રાન્ટ નહીં આપે. મોદી સરકારે ચોખવટ કરેલી જ છે કે, તમિળનાડુ કે બીજા કોઈ પણ રાજ્યે ફરજિયાત હિંદી ભણાવવાની જરૂર નથી. ધર્મેન્દ્ર પ્રધાને પણ હિંદી શીખવવાની તો વાત જ નહોતી કરી છતાં સ્ટાલિન તલવાર તાણીને મેદાનમાં આવી ગયા.

સ્ટાલિને મોદી સરકાર હિંદી થોપવા માગે છે એવી રેકર્ડ પાછી શરૂ કરી દીધી અને આક્ષેપ કરેલો કે તમિળનાડુ સરકાર હિંદી ભાષાને ફરજિયાત નથી બનાવતી અને રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020 લાગુ કરવાનો ઇનકાર કર્યો તેથી કેન્દ્ર સરકારે તમિળનાડુના હકના 2,150 કરોડ રૂપિયા રોકી દીધા છે. મોદી સરકારે આ મામલો કોરઈ ચોખવટ ના કરી તેથી સ્ટાલિને આ વાતનો ધૂમ પ્રચાર કરેલો.

આ મુદ્દે સામસામી નિવેદનબાજી ચાલુ હતી ત્યાં સ્ટાલિને માર્ચમાં રજૂ કરાયેલા તમિલનાડુના બજેટમાં દેશના ચલણ એવા રૂપિયાના પ્રતિકને બદલે તમિળમાં રૂપિયાનો નવો સિમ્બોલ મૂકી દીધો હતો. સ્ટાલિનનું કહેવું હતું કે, રૂપિયાનું પ્રતિક હિંદી ભાષામાંથી લીધેલું છે એટલે નહીં ચાલે.

સ્ટાલિનની હરકત આઘાતજનક હતી કેમ કે, તેમની સરકારે દેશનાં પ્રતિકનું અપમાન દેશનું અપમાન કરી નાંખ્યું હતું. સ્ટાલિને રૂપિયાના પ્રતીકને ભાષા સાથે જોડીને પોતાની માનસિકતા છતી કરી દીધેલી પણ મોદી સરકાર સ્ટાલિન સરકાર સામે પગલાં લેવાની હિંમત ના બતાવી શકી તેમાં સ્ટાલિન ફાટીને ધુમાડે ગયા છે અને હવે તમિળનાડુમાંથી હિંદીનો એકડો જ કાઢી નાંખવા માગે છે એવી હવા જમાવી રહ્યા છે. તેના ભાગરૂપે તમિળનાડુમાં હિંદી પર પ્રતિબંધના નાટકનું બિલ રજૂ કરી શકે.

સ્ટાલિનને આ દાવ ફળી પણ શકે કેમ કે તમિળનાડુનું રાજકારણ હિંદીના વિરોધ પર ચાલે છે. છેક 1940ના દાયકાથી રાજકારણીઓ લોકોના માનસમાં ઝેર રેડ્યા કરે છે કે, હિદીને અપનાવવા જઈશું તો તમિળ ભાષા અને તમિળ સંસ્કૃતિ ખતમ થઈ જશે. ઉત્તર ભારતીયો તમિળ પ્રજા પર ચડી બેસશે ને આપણે તેમના ગુલામ થઈ જઈશું.

તમિળનાડુના બધા રાજકીય પક્ષો આ રીતે પોતાની દુકાન ચલાવે છે. તમિળ ગૌરવ અને હિંદીના વિરોધના મુદ્દે લોકોમાં ઉન્માદ પેદા કરીને રાજ્યમાં હિંદી વિરોધી આંદોલનો પણ થયા છે. સ્ટાલિને હિંદી વિરોધમાં મહારત હાંસલ કરેલી છે અને ફરી એ ઉન્માદ પેદા કરવા મથી રહ્યા છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ જનરલ નારવણેના પુસ્તકને મંજૂરી નહીં આપવાનો કેન્દ્રને અધિકાર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button