એકસ્ટ્રા અફેરઃ એસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદ

ભરત ભારદ્વાજ
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મંગળવારથી મતદાર યાદીની ચકાસણી અને સુધારણા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) શરૂ કર્યું એ પહેલાં ભાજપ વિરોધી રાજકીય પક્ષોની સરકારો છે એવાં રાજ્યોમાં વિરોધ શરૂ થઈ ગયો છે. તમિળનાડુનો શાસક ડીએમકે પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને પડકારતી અરજી કરી છે.
કૉંગ્રેસ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને કોર્ટમાં પડકારવાના મુદ્દે અવઢવમાં છે પણ કેરળની ડાબેરી સરકાર અને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉંગ્રેસ સરકારો પણ સ્ટાલિન સરકારના રસ્તે ચાલીને સુપ્રીમ કોર્ટમાં જાય એવી પૂરી શક્યતા છે કેમ કે મમતા બેનરજી અને પિનારાયી વિજયન બંને મતદાર યાદીમાં સુધારણા સામે આક્રમક મૂડમાં છે.
કેરળ વિધાનસભાએ સપ્ટેમ્બરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)નો વિરોધ કરતો ઠરાવ પસાર કરેલો. કેન્દ્રીય ચૂંટણી પંચે કેરળ સહિત દેશનાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હાથ ધરવાની જાહેરાત કરી તેનો પિનારાયી વિજયને વિરોધ કર્યો છે. વિજયને બુધવારે ખાસ બેઠક બોલાવીને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને કોર્ટમાં પડકારવા સહિતના કાનૂની રસ્તા અંગે ચર્ચા કરી તેના પરથી પણ સ્પષ્ટ છે કે, કેરળ પણ તમિળનાડુના રસ્તે જશે જ.
મમતા બેનરજી તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ના વિરોધના મુદ્દે વધારે આક્રમક છે. મમતા કોઈ પણ મુદ્દાનો વિરોધ કરવા શેરીઓમાં ઊતરી જવામાં માને છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ના મુદ્દે એ જ વલણ અપનાવીને મંગળવારે કોલકાતામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) સામે વિરોધ કૂચ યોજી. મમતાની તૃણમૂલ કૉંગ્રેસના મહામંત્રી અભિષેક બેનરજી, મંત્રીઓ અને લાખોની સંખ્યામાં કાર્યકરો જોડાયા, લગભગ ચાર કિલોમીટર લાંબી રેલીમાં લાખોની સંખ્યામાં સામાન્ય લોકો પણ જોડાયા હતા.
મમતાએ તો પશ્ર્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હાથ ના ધરી શકાય એ માટે બૂથ લેવલ ઓફિસર્સ એટલે કે બીએલઓને પણ રજા પર ઉતારી દીધા છે. ચૂંટણી પંચ પાસે પોતાનો કોઈ સ્ટાફ હોતો નથી તેથી સરકારી કર્મચારીઓને બીએલઓ બનાવે છે. મોટા ભાગના કિસ્સામાં શિક્ષકોની બીએલઓ તરીકે નિમણૂક થાય છે. મમતાએ આ શિક્ષકોને પણ રજા આપી દેતાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની કામગીરી કોણ કરશે એ સવાલ ઉભો થઈ ગયો છે.
તમિળનાડુ, કેરળ, પશ્ર્ચિમ બંગાળને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને શું વાંધો છે એ સૌ જાણે છે. આ રાજ્યોમાં ભાજપ વિરોધી પક્ષોની સરકારો છે. ભાજપ રાજકીય લડાઈમાં આ પક્ષોને હરાવી શકતો નથી અને ચૂંટણી જીતી શકતો નથી તેથી ચૂંટણી પંચના સહારે મતદાર યાદીમાં ગરબડ ગોટાળા કરીને જીતવા હવાતિયાં મારે છે એવો ભાજપ વિરોધી પક્ષોનો આક્ષેપ છે.
પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશીઓનો મુદ્દો મોટો છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાંથી ભારતમાં ઘૂસી ગયેલા લાખો બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ભારતના નાગરિક બની ગયા હોવાનો ભાજપનો આક્ષેપ છે.
આ બાંગ્લાદેશીઓની નાગરિકતાની ચકાસણી કરીને મતદાર યાદીમાંથી તેમના નામ કમી કરવાનો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)નો ઉદ્દેશ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બીજા તબક્કાના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની વાત કરી ત્યારે સત્તાવાર રીતે કહેલું કે, ગેરકાયદેસર રીતે ભારતના નાગરિક બની ગયેલા વિદેશીઓને ઓળખીને તેમનાં નામ દૂર કરવાનો આ ક્વાયતનો ઉદ્દેશ છે.
મમતા બેનરજીનું કહેવું છે કે, પશ્ર્ચિમ બંગાળમાં મુસ્લિમ મતદારોનાં નામ દૂર કરવા પંચ ત્રાગડો કરી રહ્યું છે અને તેના ભાગરૂપે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હાથ ધરાયું છે. મમતાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, બંગાળની 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીઓમાં શાંતિથી ફેરફાર કરવા માટે એસઆઈઆરનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે અને બંગળીભાષી મુસ્લિમોને બાંગ્લાદેશીઓમાં ખપાવીને તેમને બાદ કરી દેવાશે.
મમતાનું કહેવું છે કે, જેમ દરેક ઉર્દૂ ભાષી પાકિસ્તાની નથી તેમ દરેક બંગાળી ભાષી બાંગ્લાદેશી નથી પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)નો ઉપયોગ રાજકીય શસ્ત્ર તરીકે થઈ રહ્યો છે તેથી ભાજપ વિરોધી બંગાળીભાષીઓ પર બાંગ્લાદેશીઓના ઠપ્પા લગાવી દેવાશે.
કેરળ અને તમિળનાડુમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)નો ઉપયોગ મુસ્લિમ મતદારોનાં નામ દૂર કરવા કરાશે એવો ડર વ્યક્ત કરાયો છે. કેરળમાં લાખો લોકો અખાતના દેશોમાં રહે છે પણ એ બધા મતદારો ભારતના છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારત વર્લ્ડ ચેમ્પિયન, મહિલા ક્રિકેટરોની મહાન સિદ્ધિ
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) દરમિયાન એ લોકો હાજર નહીં હોય તેથી તેમનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નંખાશે એવો ડર ડાબેરીઓ બતાવી રહ્યા છે. તમિળનાડુમાં શ્રીલંકાથી ભાગી આવેલા તમિલ ભાષીઓ ગેરકાયદેસર રીતે ભારતના નાગરિક બની ગયા છે એવા દાવા કરાઈ રહ્યા છે. તેમને દૂર કરવાના બહાને મુસ્લિમોનાં નામ કાઢી નખાશે એવો ડર સ્ટાલિન સહિતના નેતા બતાવી રહ્યા છે.
મમતા, સ્ટાલિન અને વિજયન પોતાની મતબેંકોને સાચવવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)નો વિરોધ કરી રહ્યાં છે એ કહેવાની જરૂર નથી. એ લોકો ભાજપના ઈશારે ચૂંટણી પંચ રાજકીય રમત રમી રહ્યું હોવાના આક્ષેપો કરે છે પણ વાસ્તવમાં પોતે જ રાજકારણ રમી રહ્યાં છે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) મતદાર યાદીમાં સુધારાની પ્રક્રિયા છે કે જે સમયાંતરે હાથ ધરાય છે. દેશના મતદાર યાદીમાં દેશના નાગરિક ના હોય એવા લોકોને દૂર કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે. આ કામગીરી રાષ્ટ્રના હિતમાં છે તેથી કેન્દ્રીય ચૂંટણી પંચ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હાથ ધરીને કશું ખોટું કરી રહ્યું નથી કે ગેરબંધારણીય પણ કરી રહ્યું નથી.
બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હાથ ધરાયું તેની સામે થયેલી અરજીનો નિકાલ કરતી વખતે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની બંધારણીયતા પર મંજૂરીની મહોર મારી જ છે. હવે તમિળનાડુ સરકારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી કરી છે ને તેમાં પણ એ જ ચુકાદો આવશે તેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ જશે.
ટૂંકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની બંધારણીયતા સામે કોઈ પ્રશ્ન જ નથી છતાં સ્ટાલિન, મમતા, વિજયન સહિતના નેતા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) સામે શંકા કરી રહ્યાં છે તેનું કારણ કેન્દ્રીય ચૂંટણી પંચની શંકાસ્પદ વિશ્વસનિયતા છે. બલકે એમ કહી શકાય કે, ચૂંટણી પંચની કોઈ વિશ્વસનિયતા જ નથી. ચૂંટણી પંચ શાસક પક્ષના તાબેદાર તરીકે વર્તે છે એવા આક્ષેપો થાય છે અને આ આક્ષેપો સાચા લાગે એ રીતે પંચ વર્તે છે તેની બધી મોંકાણ છે. એક બંધારણીય સંસ્થા શંકાસ્પદ રીતે વર્તે તેનો ફાયદો નેતાઓ લેવાના જ અને મમતા, સ્ટાલિન, વિજયન વગેરે એ જ કરી રહ્યાં છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભાજપે વંશવાદી રાજકીય પક્ષોનો ટેકો કેમ લીધો?

