એકસ્ટ્રા અફેર

પાકિસ્તાનની ચોરી પર સીનાજોરી: પેલેસ્ટાઈન-કાશ્મીર એક નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

છાસવારે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને નરાતાર જૂઠાણાં ચલાવ્યા કરતા પાકિસ્તાને ફરી એક વાર યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં એક વાર ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. આઘાતની વાત એ છે કે, પાકિસ્તાને કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદનો ખુલ્લો બચાવ કર્યો છે અને ભારતે ગેરકાયદેસર રીતે જમ્મુ અને કાશ્મીર પચાવી પાડ્યું હોવાનું ખોટું આળ પણ મૂકી દીધું. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર મુદ્દાની સરખામણી પેલેસ્ટાઈન વિવાદ સાથે કરવાની સાવ હાસ્યાસ્પદ વાત પણ કરી.

યુનાઈટેડ નેશન્સ સિક્યુરિચટી કાઉન્સિલમાં હમાસ દ્વારા ઈઝરાયલમાં કરાયેલાં આતંકવાદી કૃત્યોની ટીકા કરીને અમેરિકાએ મુંબઈમાં ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલાની ઝાટકણી કાઢી તેનાથી પાકિસ્તાનને મરચાં લાગી ગયાં ને તેણે આ બધી પારાયણ માંડી દીધી. યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ મુનિર અકરમે ડહાપણ ડહોળ્યું કે, વિદેશી લશ્કરે પચાવી પાડેલી જમીનને મુક્ત કરાવવા માટે લોકો હથિયારો ઉઠાવે તેમાં કશું ખોટું નથી. પાકિસ્તાનના કહેવા પ્રમાણે જમ્મુ અને કાશ્મીરમાં જે થઈ રહ્યું છે એ આતંકવાદ નથી પણ આઝાદીની લડત છે.

પાકિસ્તાનનો દાવો તો એવો પણ છે કે, પેલેસ્ટાઈન અને જમ્મુ તથા કાશ્મીરનો મુદ્દો સરખો છે. કાશ્મીરનાં લોકો વિદેશી કબજા હેઠળથી પોતાની જમીન પાછી લેવા માટે લડે છે એ રીતે પેલેસ્ટાઈનાં લોકો પણ પોતાની જમીન ઈઝરાયલના કબજામાંથી છોડાવવા મથે છે એ જોતાં બંને કેસ સરખા છે. ભારતે પાકિસ્તાનની કોમેન્ટનો જવાબ આપવાનું પણ મુનાસિબ નથી સમજ્યું. ભારતનું આ વલણ યોગ્ય પણ છે કેમ કે આવા વાહિયાત વાતનો જવાબ પણ શું આપવાનો હોય?

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના પીઠ્ઠુઓ નિર્દોષ લોકોની હત્યાઓ કરે છે ને જનજીવન સામાન્ય ના ચાલે એવી હાલત કરીને મૂકી દીધી છે. પાકિસ્તાન તેને આતંકવાદ ના ગણવા માગતું હોય તો પછી આતંકવાદ કોને કહેવાય એ જ સવાલ થાય. નિર્દોષ લોકોની હત્યા, બોમ્બમારા, પથ્થરમારો, અરાજકતા, અશાંતિ વગેરે આતંકવાદ ના હોય તો પછી ચર્ચા કરવાનો મતલબ જ નથી ને એવી ચર્ચાનો જવાબ આપવાનો પણ મતલબ નથી એ જોતાં ભારત સરકારે યોગ્ય વલણ લીધું છે પણ ભારતીયોએ પાકિસ્તાનની આ ગંદી રમતોને સમજવાની જરૂર છે.

પાકિસ્તાન પેલેસ્ટાઈન અને જમ્મુ અને કાશ્મીરના મુદ્દાને એકસરખા ગણાવે છે એ પણ બકવાસ છે એ વાત પણ સમજવાની જરૂર છે. વાસ્તવમાં પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરને પેલેસ્ટાઈન સમસ્યા સાથે સરખાવીને ચોરી પર સીનાજોરી કરી રહ્યું છે. પેલેસ્ટાઈન અને ભારતના કબજા હેઠળનું જમ્મુ અને કાશ્મીર એ બંનેમાંથી કોઈ ઠેકાણે કોઈનો ગેરકાયદેસર કબજો નથી ને પાકિસ્તાન કહે છે તેમ કોઈ આઝાદીની લડાઈ ચાલતી નથી. જો ક્યાંય ગેરકાયદેસર કબજો હોય તો એ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં છે ને પાકિસ્તાન પોતાની નાગાઈ છૂપાવવા ભારત પર ખોટું આળ મૂકે છે.

જમ્મુ અને કાશ્મીરના રાજા હરિસિંહે ભારત સાથે સત્તાવાર જોડાણ કર્યું પછી જમ્મુ અને કાશ્મીર ભારતમાં ભળ્યું છે. ૧૯૪૭માં દેશ આઝાદ થતાં જવાહરલાલ નહેરું વડા પ્રધાન બન્યા ત્યારે જમ્મુ અને કાશ્મીર ભારતમાં નહોતું ભળ્યું. દેશ આઝાદ થયો એ પહેલાં કાશ્મીરમાં ડોંગરા વંશના મહારાજા હરિસિંહનું શાસન હતું અને હરિસિંહે કરેલી એ હિમાલય જેવી મોટી ભૂલ હતી. હરિંસિંહ સામે દેશ આઝાદ થયો એ પહેલાં જ કાશ્મીરમાં બગાવત શરૂ થઈ ગયેલી. તેની આગેવાની શેખ અબ્દુલ્લાએ લીધી હતી. હરિસિંહે આ આંદોલન પરથી સમજી જવાની જરૂર હતી કે, ભારત સાથે ભળી જવામાં શાણપણ છે.

કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાએ લોકોને હરિસિંહ સામે ભડકાવી રાખેલા. મુસ્લિમોને હિદુ રાજા સામે વાંધો હતો તેથી આંદોલન ઉગ્ર બન્યું હતું. હરિસિંહે ભારત સાથે ભળીને સૌને ઠંડા પાડી દેવાની જરૂર હતી પણ તેના બદલે તેમણે સ્વતંત્ર રહેવાની મૂર્ખામી કરી. તેનો લાભ લઈને પાકિસ્તાન તરફી મુસ્લિમોએ પૂંચમાં બગાવતનો ઝંડો ઉઠાવ્યો અને શ્રીનગરમાં પાકિસ્તાન સાથે જોડાવાની માગ સાથે દેખાવો શરૂ થયા. મહારાજાએ તેમને દબાવી દેવા લશ્કરને છૂટો દોર આપેલો પણ પાકિસ્તાન તેમની મદદ કરતું હતું તેથી તેમને દબાવી શકાયા નહીં.

આપણા ગુપ્તચર તંત્રે પાકિસ્તાનનો હાથ હોવાની ને પાકિસ્તાન હુમલો કરશે તેવી ચેતવણી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે ત્યારે જ ભારતીય લશ્કરને કાશ્મીરમાં મોકલીને ઓપરેશન હાથ ધરીને કાશ્મીર પર કબજો કરવા સૂચન કરેલું પણ નહેરૂએ લશ્કર ના મોકલવા દીધું. દરમિયાનમાં પાકિસ્તાનના પીઠ્ઠુઓએ ૨૨ ઑક્ટોબર, ૧૯૪૭ના રોજ કાશ્મીર પર હુમલો કર્યો. ગભરાયેલા હરિસિંહે સરદાર પટેલના પગ પકડ્યા ને કાશ્મીરનું જોડાણ ભારત સાથે કરવાના કરાર પર સહી કરી. સરદારે તરત ભારતીય લશ્કર મોકલ્યું.

હરિસિંહે કરેલા કરાર પ્રમાણે, આખું જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ બનેલું પણ પાકિસ્તાને ત્રીજા ભાગનું કાશ્મીર ના છોડ્યું અને નાગાઈ કરી. પાકિસ્તાને અત્યારે પણ એ વિસ્તાર પર ગેરકાયદેસર કબજો કરી રાખ્યો છે. ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં નિયમિત રીતે ચૂંટણીઓ થાય છે ને લોકો મતદાનમાં ભાગ લે છે. બહુમતી લોકો ભારતના બંધારણને સ્વીકારીને મતદાનમાં ભાગ લે છે તેના પરથી સ્પષ્ટ છે કે, કાશ્મીરીઓ ભારત સાથે છે. તેનાથી ઉલટું પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં લોકો પાકિસ્તાનથી અલગ થવા આંદોલન કરી રહ્યાં છે એ જોતાં આઝાદીની લડાઈ તો પીઓકેમાં ચાલી રહી છે.

ઈઝરાયલની આતંકવાદની સમસ્યા જમ્મુ અને કાશ્મીર જેવી છે પણ બંને મુદ્દા અલગ છે. ઈઝરાયલ તો યુનાઈટેડ નેશન્સ દ્વારા બનાવાયેલો દેશ છે ને મુસ્લિમો તેને પેલેસ્ટાઈન બનાવવા માગે છે. એ માટે તેમણે આતંકવાદનો રસ્તો અપનાવ્યો છે. બીજા દેશની જમીન પર નજર બગાડો અને તેને ઓળવી જવાની ખોરી દાનત રાખીને તેને આઝાદીની લડતનું નામ આપવાની નાગાઈ પાકિસ્તાન જ કરી શકે.

ઈઝરાયલ પેલેસ્ટાઈનનો ઝંડો ઝાલીને ફરતા આતંકીઓને પહોંચી વળવા સક્ષમ છે તેથી ભારતે તેમની ચિંતા કરવાની જરૂર નથી પણ કાશ્મીરનો પાકિસ્તાને પચાવી પાડેલો પ્રદેશ તો ભારતે પાછો મેળવવો જરૂરી છે. પાકિસ્તાનના બધા બકવાસનો જવાબ આખા કાશ્મીર પર ભારતનો કબજો છે, બીજો કોઈ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button