એકસ્ટ્રા અફેરઃ અમેરિકામાં શટડાઉન, ટ્રમ્પ જીદે ચડે તો અમેરિકનોની હાલત બગડી જાય

ભરત ભારદ્વાજ
અમેરિકામાં સાત વર્ષ પછી ફરી એક વાર શટડાઉન લાગુ થતાં આખી દુનિયાની મીટ અમેરિકા પર મંડાયેલી છે. શટડાઉનના કારણે અમેરિકાનું અડધું સરકારી તંત્ર ઠપ્પ થઈ ગયું છે કેમ કે લગભગ 7.50 લાખ સરકારી કર્મચારીઓને રજા પર ઉતારી દેવાયા છે. અમેરિકામાં ફેડરલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકારમાં 30 લાખની આસપાસ કર્મચારીઓ છે. તેમાંથી અત્યંત જરૂરી ના હોય એવી સેવાઓના 25 ટકા કર્મચારીઓને રજા પર ઉતારી દેવાતાં સંખ્યાબંધ સેવાઓ બંધ થઈ ગઈ છે.
શટડાઉનનું કારણ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વિપક્ષ વચ્ચે સરકારી ખર્ચ ઘટાડવાના મુદ્દે પડી મડાગાંઠ છે પણ આ મડાગાંઠની વાત કરતાં પહેલાં શટડાઉન શું છે એ સમજવું જરૂરી છે અને તેના માટે અમેરિકાની સિસ્ટમને સમજવી જરૂરી છે.
ભારતમાં 1 એપ્રિલથી નાણાકીય વર્ષ શરૂ થાય છે પણ અમેરિકામાં નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. મતલબ કે, 1 ઓક્ટોબરથી 30 સપ્ટેમ્બર સુધી નાણાકીય વર્ષ હોય છે. દરેક નાણાકીય વરસમાં સરકારી કર્મચારીઓને પગાર-ભથ્થાં સહિતના તમામ ખર્ચ માટેનું બિલ અમેરિકન કૉંગ્રેસ (સંસદ)માં પાસ કરાવવું પડે છે.
કૉંગ્રેસ સરકારના અંદાજિત ખર્ચનું બિલ પાસ ના કરે તો સરકારી કર્મચારીઓને પગારની મંજૂરી ના મળે તેથી સરકારી સેવાઓ બંધ કરાવી દેવાય તેને શટડાઉન કહે છે. અત્યારે એવી જ સ્થિતિ સર્જાઈ છે અને 1 ઓક્ટોબરથી મોટા ભાગની સરકારી સેવાઓ ઠપ્પ થઈ જતાં અમેરિકનો ઘાંઘા થઈ ગયા છે. શટડાઉન હેઠળ બધી સરકારી સેવાઓ બંધ રહેતી નથી પણ ફેડરલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકારની અનિવાર્ય ના હોય એવી ચોક્કસ સેવાઓ બંધ રહે છે. અનિવાર્ય સેવાઓમાં કામ કરતા કર્મચારીઓએ જખ મારીને કામ પર આવું પડે પણ તેમને પણ પગાર મળતો નથી.
શટડાઉનના કારણે અત્યારે હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે આંતરિક સુરક્ષા, ટ્રાન્સપોર્ટેશન, એગ્રીકલ્ચર, જસ્ટિસ, હેલ્થકેર, એજ્યુકેશન, સ્ટેટિસ્ટિક્સ વગેરે ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ રજા પર છે. નેશનલ પાર્ક અને બીજાં મ્યુઝિયમ સહિતનાં સરકારી પ્રવાસન સ્થળોને કામચલાઉ રીતે તાળાં વાગી ગયાં છે. અમેરિકન સરકારની 438 એજન્સીઓ કૉંગ્રેસ તરફથી મંજૂર થતા ફંડ પર નિર્ભર હોવાથી બધી એજન્સીઓ ઠપ્પ છે.
બીજી તરફ પેન્શન, હેલ્થ, મિલિટરી, બોર્ડર પેટ્રોલ, કોસ્ટ ગાર્ડ, ફેડરલ ન્યાયતંત્ર, ઍર ટ્રાફિક કંટ્રોલ અને ઍરપોર્ટ સુરક્ષા ચાલુ છે. અમેરિકામાં યુએસ પોસ્ટલ સર્વિસ વિભાગ સ્વતંત્ર છે તેથી એ પણ ચાલુ છે. ચાલુ સેવાઓ પૈકી મોટા ભાગની તો સુરક્ષાને લગતી છે તેથી લોકોએ ઊંચા જીવે જીવવું ના પડે પણ તેમની રોજબરોજની જિંદગી તો ખોરવાઈ જ ગઈ છે. ટ્રાન્સપોર્ટેશન સહિતની સરકારી સેવાઓ બંધ હોવાથી લોકો બહાર નિકળી શકતાં નથી. અમેરિકામાં સરકારી પાર્ક્સ, મ્યુઝિયમ વગેરે સસ્તાં છે પણ એ બંધ હોવાથી નવરાં હોવા છતાં લોકો બહાર ફરવા નથી જઈ શકતાં તેથી ઘરમાં ભરાઈ રહેવા સિવાય છૂટકો નથી.
આ પણ વાંચો…તાજના સ્થાને મંદિર હતું એ વાત મોદી સરકાર નકારી ચૂકી છે
શટડાઉનનું કારણ ટ્રમ્પની સરકારી ખર્ચ ઘટાડવાની મમત છે. ટ્રમ્પની ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા ભૂતકાળની ડેમોક્રેટિક પાર્ટી સરકાર દ્વારા શરૂ કરાયેલી ઘણી યોજનાઓને બિનજરૂરી ગણાવીને તેના માટેના બજેટમાં કાપ મૂકવાની દરખાસ્ત છે. શિક્ષણ, પર્યાવરણ અને આરોગ્ય માટે અપાતી સરકારી સબસિડી ટ્રમ્પ બંધ કરવા માગે છે જ્યારે સંરક્ષણ અને ઇમિગ્રેશનને અતિ આવશ્યક ગણીને તેના પર વધારે ખર્ચ કરવા માગે છે.
ટ્રમ્પે 2025ના અંત સુધીમાં 3 લાખ ફેડરલ નોકરીઓમાં કાપ મૂકવાનો નિર્ણય પણ લીધો છે. ભારતમાં સરકારી કર્મચારીઓ રાજા મનાય છે ને એક વાર સરકારી નોકરીમાં ઘૂસ્યા પછી કોઈનો બાપ પણ ના કાઢી શકે પણ અમેરિકામાં કામ નહીં કરનારા સરકારી કર્મચારીઓને પણ લાત મારીને તગેડી મૂકી શકાય છે. ટ્રમ્પ બજેટમાં સરકારી કર્મચારીઓની છટણી સહિતના નિર્ણયોનો અમલ કરવા માગે છે પણ ડેમોક્રેટિક પાર્ટી તેના માટે તૈયાર નથી.
અમેરિકામાં કોઈ પણ ખર્ચ માટે કૉંગ્રેસની મંજૂરી જરૂરી હોવાથી ટ્રમ્પ ભલે પ્રમુખ હોય પણ તેમની ચોટલી કૉંગ્રેસના હાથમાં છે. અમેરિકાની કૉંગ્રેસમાં સેનેટ અને હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ એમ બે ગૃહ છે. આ પૈકી સેનેટમાં ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટી સંપૂર્ણ બહુમતી ધરાવે છે જ્યારે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં કટોકટ બહુમતી છે.
આ સંજોગોમાં ટ્રમ્પની પાર્ટીને બજેટ મંજૂર કરાવવામાં વાંધો ના આવે પણ અમેરિકામાં લોકશાહી બહુ મજબૂત છે તેથી સાંસદો ઘેટાંના ટોળાની જેમ પોતાની પાર્ટીના નેતાના ફરમાન પ્રમાણે વોટિંગ નથી કરતા પણ પોતાના સ્ટેટ અને લોકોનાં હિતને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. ટ્રમ્પની પાર્ટીના જ કેટલાક સાંસદો ટ્રમ્પની ખર્ચમાં કાપ મૂકવાની દરખાસ્તની વિરુદ્ધ હોવાથી કોકડું ગૂંચવાયું છે. ટ્રમ્પે તેમને મનાવવા માટે સુધારા સાથેનાં બે બિલ બુધવારે રજૂ કરેલાં પણ ટ્રમ્પની પાર્ટીના જ સાંસદો ના માનતાં હવે ટ્રમ્પે નવો રસ્તો કાઢવો પડશે.
ટ્રમ્પ શું રસ્તો કાઢશે એ ખબર નથી પણ અમેરિકામાં શટડાઉન નવી વાત નથી. છેલ્લા 50 વર્ષોમાં અમેરિકામાં 20 વખત શટડાઉન થયું છે. ટ્રમ્પના પાછલા કાર્યકાળ દરમિયાન 2016થી 2020 દરમિયાન સરકારે ત્રણ વખત શટડાઉન કર્યું હતું. અમેરિકાના ઈતિહાસમાં સૌથી લાંબું શટડાઉન 2018માં થયું ત્યારે ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા.
ટ્રમ્પે મેક્સિકો સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસી જતાં લોકોને રોકવા દીવાલ બનાવવા માટે 2016ની પ્રમુખની ચૂંટણીમાં વચન આપેલું. આ વચન પૂરું કરવા ટ્રમ્પે અમેરિકાની તિજોરીમાંથી 500 કરોડ ડૉલર આપવા માટે ફેડરલ સ્પેન્ડિંગ બિલ રજૂ કરેલું પણ ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી ધરાવતી અમેરિકાની કૉંગ્રેસે મેક્સિકો સરહદે દીવાલ બાંધવા માટેનું ફંડ મંજૂર ના કરતાં ટ્રમ્પે નાક દબાવવા શટડાઉન કરાવી દીધેલું. ડીસેમ્બર-જાન્યુઆરીમાં 34 દિવસ માટે આખી સિસ્ટમ બંધ થઈ ગઈ હતી.
ટ્રમ્પે શટડાઉન કરાવ્યું પછી ભારે ગજગ્રાહ ચાલ્યો ને છેવટે ટ્રમ્પે ઝૂકવું પડ્યું. ડેમોક્રેટિક પાર્ટીએ બીજા ખર્ચા સાથેનું બિલ પસાર કર્યું પણ અમેરિકા-મેક્સિકો સરહદે દીવાલ બાંધવા માટે કોઈ પણ રકમ નહોતી આપી. શટડાઉન વધારે લાંબું ખેંચાય તો ટ્રમ્પ સામે લોકોનો અણગમો વધે તેથી છેવટે ટ્રમ્પે મન મારીને સમાધાન કરવું પડેલું.
અલબત્ત આ વખતે સ્થિતિ અલગ છે. ટ્રમ્પની આ બીજી ટર્મ છે અને અમેરિકાના બંધારણ પ્રમાણે ટ્રમ્પ ફરી પ્રમુખ બની શકે તેમ નથી. આ સંજોગોમાં લોકો નારાજ થઈને પોતાને ફરી મત નહીં આપે એવો ટ્રમ્પને ડર નથી. તેના કારણે ટ્રમ્પ જીદે ચડે તો શટડાઉન લંબાઈ શકે છે, નવો રેકોર્ડ સર્જાઈ શકે છે અને અમેરિકનોની હાલત વધારે બગડી શકે છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: મોહસિન નક્વી સીધાદોર: વાર્યા ના વળે એ હાર્યા વળે