એકસ્ટ્રા અફેરઃ શિબુ સોરેન અપરાધીકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદનો પર્યાય

ભરત ભારદ્વાજ
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું અવસાન થઈ ગયું. ‘ગુરૂજી’ તરીકે જાણીતા 81 વર્ષના શિબુ સોરેનને સંખ્યાબંધ રોગ હતા. લાંબા સમયથી કિડનીઓ ખરાબ હતી તેથી સોરેન ડાયાલિસિસ પર હતા. બાયપાસ સર્જરી પણ થઈ હતી. આ સિવાય ડાયાબિટીસ, હૃદયની તકલીફો પણ હતી. થોડા સમય પહેલાં બ્રેઈન સ્ટ્રોક પણ આવેલો.
ઓગસ્ટની શરૂઆતમાં હાલત ગંભીર થતાં દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. નિષ્ણાત ડૉકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી પણ શરીર ખખડી ગયેલું ને અવયવો સરખાં કામ નહોતાં કરતાં તેમાં છેવટે ઉપર પહોંચી ગયા.
ભારતમાં કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય પછી તેના અવગણોને કોરાણે મૂકીને તેનામાં ના હોય એવા પણ ગુણો ગણાવી ગણાવીને વખાણ કરાય છે. શિબુ સોરેનના કિસ્સામાં પણ એવું થઈ રહ્યું છે. કોઈ સોરેનને જમીન સાથે જોડાયેલા નેતા ગણાવી રહ્યું છે તો કોઈ તેમને ઝારખંડના આદિવાસીઓના મહાનાયક ગણાવી રહ્યું છે.
બીજાં પણ ઘણાં વિશેષણો અપાઈ રહ્યાં છે પણ શિબુ સોરેનનાં જેટલાં વખાણ થઈ રહ્યાં છે એટલા મહાન નેતા જરાય નહોતા. આદિવાસીઓના નામે તેમણે સત્તાલાલસા, પરિવારવાદ સંતોષ્યો, બેફામ ભ્રષ્ટાચાર કર્યો અને ગુંડાગીરીને પોષી. એ રીતે શિબુ સોરેન યુપી-બિહારના ટિપિકલ નેતાઓ જેવા જ હતા.
ઝારખંડ પહેલાં બિહારનો ભાગ હતો. શિબુ સોરેન એ વખતે રાજકારણમાં આદિવાસીઓના કલ્યાણનો ઝંડો લઈને કૂદી પડેલા, લગભગ છ દાયકા લગી આ વાતો કરીને સોરેને પોતાની દુકાન ચલાવીને સત્તા કબજે કરી પણ સત્તા મેળવ્યા પછી આદિવાસીઓનું કોઈ કલ્યાણ ના કર્યું, માત્ર ને માત્ર પોતાના પરિવારનું કલ્યાણ કર્યું. પહેલાં શિબુ પોતે તથા પછી તેમનો દીકરો હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યો તેમાં સોરેન પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ અને તાકાતવર બન્યો પણ ઝારખંડના આદિવાસી બિચારા ત્યાંના ત્યાં જ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: પહલગામના આતંકી પાકિસ્તાની નહોતા તેના પુરાવા ક્યાં છે?
શિબુ સોરેન ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા, ત્રણ વાર કેન્દ્રીય મંત્રી બન્યા, હેમંત ત્રણ વાર મુખ્યમંત્રી બન્યો એ દરમિયાન સોરેન પરિવારે અબજોનો ભ્રષ્ટાચાર કર્યો છે. આજેય ઝારખંડ ભારતમાં સૌથી પછાત રાજ્યોમાં એક છે ને તેમાં સોરેન પરિવારનું યોગદાન મોટું છે.
શિબુના નામે કુખ્યાત અપરાધીઓ જેવા હત્યા, ધાડ સહિતના ગુના પણ બોલે છે કેમ કે સોરેન મૂળ ગુનાઈત બેકગ્રાઉન્ડ ધરાવતા નેતા હતા. સંથાલ પરિવારમાં જન્મેલા શિબુ સોરેને 18 વર્ષની ઉંમરે સંથાલ નવયુવક સંઘની સ્થાપના કરી પછી તત્કાલીન બિહારમાં કાળો કેર વર્તાવેલો.
સોરેને 1972માં એ.કે. રોય અને બિનોદ બિહારી મહાતો સાથે મળીને ઝારખંડ મુક્તિ મોરચા નામે પક્ષ રચીને રાજકીય કારકિર્દી શરૂ કરી. પક્ષ સ્થાપ્યા પછી શિબુએ આદિવાસીઓને અધિકારો અપાવવાના નામે ચળવળ શરૂ કરી પણ આ ચળવળના નામે વાસ્તવમાં ગુંડાગીરી જ પોષી. શિબુ સોરેન હાલના ઝારખંડના પ્રદેશમાં સમાંતર સરકાર ચલાવતા અને બિન આદિવાસીઓની જમીનો પર કબજો કરીને ખેતી કરવી સહિતના ધંધા કરતા.
શિબુ પોતાની અદાલત ભરીને ન્યાય કરતા. તેમના ચુકાદાનું પાલન ના કરનારને પતાવી દેતા. 1975માં શિબુએ બહારનાં લોકોને આદિવાસી વિસ્તારોમાંથી હાંકી કાઢવા ચળવળ શરૂ કરી ત્યારે ચિરુથા હત્યાકાંડ થયેલો. 23 જાન્યુઆરી 1975ના રોજ ચિરુદીહમાં 9 મુસ્લિમો સહિત 11 લોકોની હત્યા કરાઈ એ કેસમાં શિબુ મુખ્ય આરોપી હતા પણ આ વાતને દબાવી દેવાયેલી. શિબુ સોરેન એ વાતને છૂપાવીને ઝારખંડમાં મોટા નેતા બની ગયેલા.
2004માં આ કેસ ખૂલ્યો ત્યારે શિબુ સોરેન કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા.કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ કાઢતાં શિબુએ ભાગી જવું પડેલું. પોલીસે તેમને પકડ્યા પછી મહિનો જેલમાં પણ રહેવું પડેલું.
શિબુ સોરેન 1993ના જેએમએમ લાંચ કેસમાં પણ બદનામ થયેલા. નરસિંહરાવ સરકારે સત્તામાં આવતાં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને વિદેશી રોકાણકારો માટે ભારતના દરવાજા ખોલી દીધા હતા. ડાબેરી પક્ષો આ આર્થિક સુધારાની વિરુદ્ધ હતા. તેમને લાગતું હતું કે, આર્થિક સુધારા દ્વારા નરસિંહરાવ દેશને વેચીને વિદેશીઓને હવાલે કરી રહ્યા છે તેથી આ સરકારને ઘરભેગી કરવી જોઈએ તેથી સીપીએમના અજોય મુખરજીએ 26 જુલાઈ, 1993ના દિવસે નરસિંહરાવ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો.
લોકસભામાં કુલ 528 સભ્યો હતા અને નરસિંહરાવ પાસે 251 સાંસદો હતા. તેથી સરકાર બચાવવા બીજા 13 વોટની જરૂર હતી. નરસિંહરાવ સરકાર ગબડી પડશે એવું લાગતું હતું પણ રાવ મોટા ખેલાડી સાબિત થયા. બે દિવસની ચર્ચા પછી 28 જુલાઈએ મતદાન કરાવાયું ત્યારે નરસિંહરાવ સરકારની તરફેણમાં 265 મત પડ્યા જ્યારે વિરુદ્ધમાં 251 મત પડતાં રાવ સરકાર બચી ગઈ.
શિબુ સોરેનની આગેવાનીમાં ઝારખંડ મુક્તિ મોરચાના છ સાંસદો અને જનતા દળના ચાર સાંસદોએ નરસિંહરાવ સરકારની તરફેણમાં મતદાન કરીને સરકારને બચાવી લીધેલી. 3 વર્ષ પછી બહાર આવ્યું કે, જેએમએમના 4 સાંસદે લાંચ લઈને રાવને ટેકો આપ્યો હતો. શિબુનો પર્સનલ સેક્રેટરી શશિકાન્ત ઝા આ કાંડ વિશે રજેરજ જાણતો હતો તેથી તેણે બ્લેકમેઈલિંગ શરૂ કરીને હિસ્સો માગ્યો તેમાં તેને પતાવી દેવાયેલો. આ કેસમાં શિબુ સોરેનને આજીવન કેદની સજા થયેલી.
ભારતના ઈતિહાસમાં કોઈ કેન્દ્રીય મંત્રીને ખૂન કેસમાં સજા થઈ હોય એવું પહેલી વાર બનેલું. શિબુ સોરેન પછીથી નિર્દોષ છૂટેલા એ અલગ વાત છે પણ શિબુ ક્યા પ્રકારના રાજકારણી હતા તેનો આ થોડાક કેસો પુરાવો છે. સોરેને ઝારખંડ મુક્તિ મોરચા પર કબજો કરીને તેને પોતાની બાપીકી પેઢી બનાવી દીધી છે.
હેમંત સોરેન શિબુ સોરેનનો સત્તાવાર રાજકીય વારસ છે તેથી મુખ્યમંત્રી છે પણ સોરેન પરિવારમાંથી બીજાં લોકો પણ ઝારખંડના રાજકારણમાં કેન્દ્રસ્થાને છે જ. શિબુનો અસલી રાજકીય વારસ તેમનો મોટો દીકરો દુર્ગા હતો. દુર્ગા પણ સમાંતર સરકાર ચલાવતો ને અદાલતો ભરીને ન્યાય તોળતો.
2009માં બ્રેઈન હેમરેજના કારણે તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું પછી શિબુએ બીજા નંબરના દીકરા હેમંતને રાજકીય વારસ તરીકે આગળ કર્યો. હેમંત ઓડિશાની કલ્પનાને પરણ્યો છે. બિઝનેસવુમન કલ્પનાની કંપનીઓને હેમંતે સરકારી જમીનોની મફતના ભાવે લહાણી કરી છે અને એ બદલ જેલની હવા પણ ખાઈ આવ્યો છે.
દુર્ગાની પત્ની સીતા પણ રાજકારણમાં છે ને અત્યારે ભાજપમાં છે. સીતા સોરેન માફિયા ક્વીન છે. 2012માં રાજ્યસભાની ચૂંટણી વખતે મતના બદલામાં નાણાં લેવાના કેસમાં નવ મહિના જેલની હવા ખાઈ આવેલી સીતાને મુખ્યમંત્રીપદના અભરખા હોવાથી હેમંતને છોડીને ભાજપમાં ગઈ પણ લોકસભાની ચૂંટણીમાં હારી ગયેલી. હેમંતનો સૌથી નાનો ભાઈ બસંત જેએમએમ યુવા મોરચાનો પ્રમુખ છે. બસંત પણ ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલો છે ને તેના નામે પણ બીજાં કાંડ બોલે જ છે.
શિબુ સોરેનનું દેશના રાજકારણમાં આ યોગદાન છે પણ મોતના મલાજાના કારણે બધાં સારી સારી વાતો જ કરે છે.