એકસ્ટ્રા અફેરઃ આફ્રિકા સામે શરમજનક હાર, એકલો ગંભીર દોષિત નથી

- ભરત ભારદ્વાજ
ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ શરમજનક રીતે હારી ગઈ અને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરાઈ ગયું. ભારતીય ટીમને ઘણા વિશ્વ ક્રિકેટમાં પાવરહાઉસ ગણાવે છે પણ આફ્રિકા સામેની શરમજનક શ્રેણી હાર પછી આ મિથ્યાભિમાનમાંથી બહાર આવવું જરૂરી છે. નબળામાં નબળી ટીમ પણ પોતાના ઘરમાં શેર હોય છે અને ઘરઆંગણે કોઈ પણ ટીમને હરાવવી અઘરી હોય છે ત્યારે અહીં તો ભારત સળંગ બે ટેસ્ટ હારી ગયું. આ હાર પણ પાછી દક્ષિણ આફ્રિકા જેવી ટીમ સામે છે કે જેને ભારત કરતાં ઊતરતી ગણવામાં આવે છે.
એક જમાનામાં આફ્રિકા પાસે ધરખમ બેટ્સમેન હતા ને ખૂનખાર બોલરો હતા. ટેમ્બા બવુમાની સાઉથ આફ્રિકાની ટીમ પાસે અત્યારે એઈડન મર્કરામને બાદ કરતાં બીજો કોઈ એવો બેટ્સમેન જ નથી કે જેને સામાન્ય ક્રિકેટ ચાહકો ઓળખતા હોય. બોલિંગમાં તો જેની જોરદાર ધાક હોય એવો કોઈ બોલર જ નથી એ જોતાં ટેમ્બા બવુમા સાઉથ આફ્રિકાથી સાવ નવા નિશાળીયાઓની ટીમ લઈને આવેલો છતાં આપણે ધોળકું ધોળીને બંને ટેસ્ટ હારી ગયા એ શરમજનક કહેવાય. વધારે શરમજનક વાત એ છે કે, આપણે આપણા બોલરોને માફક આવે એવી પિચો બનાવડાવી હતી છતાં આફ્રિકાએ આપણને ધૂળચાટતા કરી દીધા.
સ્પિનરોને અનુકૂળ આવે એવી પિચો પર આપણા બોલરોએ પ્રમાણમાં સારો દેખાવ કરેલો પણ બેટ્સમેન સાવ નપાણિયા સાબિત થયા તેમાં આપણે હારી ગયા. બે ટેસ્ટની ચાર ઈનિંગમાં ભારતે કુલ મળીને 623 રન કર્યા. મતલબ કે, ઈનિંગદીઠ 160થી પણ ઓછા રન થયા. 40 વિકેટો પડે ને ગણીને 623 રન થાય એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કહેવાય. આ બંને ટેસ્ટમાં ભારત તરફથી એક પણ સદી નથી નોંધાઈ ને અડધી સદી એક યશસ્વી જયસ્વાલની ને એક રવીન્દ્ર જાડેજાની એમ ગણીને માત્ર બે થઈ. સાવ નબળી મનાતી ટીમો પણ આવી શરમજનક બેટિગ કરતી નથી એ જોતાં આ હાર માટે બેટ્સમેન જવાબદાર છે.
આ હાર પછી ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે અને ગંભીરને બલિનો બકરો બનાવીને રવાના કરી દેવાય એવું પણ બને. આ પહેલાં ભારત ન્યૂ ઝીલેન્ડ સામે પણ શરમજનક રીતે સીરિઝ હારી ગયેલું તેથી ગંભીર નજરે ચડેલો જ ને તેમાં હવે આફ્રિકાએ પણ આપણને રગદોળી નાંખ્યા તેથી ગંભીરનો વારો પડી જાય એવું લાગે જ છે. ગંભીરને બહુ વખાણવા જેવો નથી તેથી તેનો અફસોસ કરવા જેવો નથી પણ આફ્રિકા સામેની હાર માટે માત્ર ગંભીરને દોષ ના દઈ શકાય. ગંભીર કરતાં વધારે દોષ આપણા બેજવાબદાર અને માથે ચડાવેલા બેટ્સમેનનો છે કે જેમણે પોતાના અણઘડપણાને કારણે બંને ટેસ્ટમાં જીતની બાજીને હારમાં ફેરવી નાંખી.
આપણે પહેલી ટેસ્ટ માત્ર 30 રને હારેલા. આપણે મોટો સ્કોર ચેઝ કરવાનો હોય ને હારી ગયા હોત તો સમજ્યા પણ ગણીને 123 રન કરવાના હતા. હવે આપણા બહુ વખાણેલા ક્રિકેટરો 123 રન પણ ના કરી શક્યા એ માટે ગંભીરને કઈ રીતે દોષિત ગણાવી શકાય? 123 રન ચેઝ કરવા ઊતરેલી આખી ટીમનું 35 ઓવરમાં પડીકું થઈ ગયું તેને માટે ગંભીર પર દોષનો ટોપલો કઈ રીતે ઢોળી શકાય?
ભારતીય બોલરોએ આફ્રિકાને માત્ર 159 રનમાં સમેટીને જંગી સ્કોર ખડકીને આફ્રિકાને ભીંસમાં લેવાનો તખ્તો તૈયાર કરી આપેલો પણ પહેલી ઈનિંગમાં પણ બેટ્સમેન સાવ પાણીમાં બેઠા તેમાં માત્ર 30 રનની લીડ મળી. પહેલી ઈનિંગમાં જ સારી બેટિગ કરી હોત તો ફરી બેટિગ કરવાની જ ના આર્વી હોત કેમ કે આપણા બોલરોએ આફ્રિકાને બીજી ઈનિંગમાં પણ 123 રનમાં જ સમેટી લીધેલું. હવે આવી ખરાબ બેટિગ માટે ગંભીરને દોષ ના આપી શકાય. નેશનલ ક્રિકેટ ટીમમાં પસંદ થયેલા ખેલાડીઓમાં જવાબદારીની ભાવના ના હોય ને સાવ બેજવાબદાર બનીને રમે તેના માટે ગંભીર કઈ રીતે જવાબદાર?
બીજી ટેસ્ટમાં પણ પહેલી ટેસ્ટનું જ પુનરાવર્તન થયું. બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં આપણી બીજી વિકેટ 95 રને પડી પછી `તુ જા હું આવું છું’ સિલસિલો શરૂ થઈ ગયેલો ને 122 રનમાં તો 7 વિકેટ પડી ગયેલી. વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ એ બે પૂંછડિયા ના રમ્યા હોત તો આપણો સ્કોર 200 રનને પાર પણ ના થયો હોત. આપણે જે પિચ પર 201 રનમાં સમેટાયા એ જ પિચ પર પહેલી ઈનિંગમાં આફ્રિકા 489 રન ઠોકી ગયું ને બીજી ઈનિંગમાં પણ 5 વિકેટે 265 રન કરી ગયા. સામે આપણે બીજી ઈનિંગમાં પણ ધોળકું ધોળવાનો સિલસિલો ચાલુ રાખીને માત્ર 140 રનમાં સમેટાઈ ગયા.
બીજી ઈનિંગમાં પણ રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે થોડો પ્રતિકાર કર્યો. બાકી આપણી અડધી ટીમ તો 58 રનમાં જ તંબુભેગી થઈ ગયેલી. આ દેખાવ માટે ગંભીર સંપૂર્ણપણે જવાબદાર ના ગણાય એ જોતાં ગંભીરની સાથે સાથે બીજા ક્રિકેટરોને પણ સજા થવી જોઈએ. ગંભીરને ઘરભેગો કરી દેવાય એ તો બરાબર છે પણ રીષભ પંત સહિતના બેટ્સમેન પણ ઘરભેગા થવા જરૂરી છે. જવાબદારી સાથે રમી ના શકે ને બાપાના બગીચામાં આવ્યા હોય એમ સૈરસપાટા કરીને જતા રહે એવા ખેલાડીઓ ટીમમાં નહીં હોય તો બહુ ફરક નહીં પડે. આનાથી વધારે શરમજનક હાર તો નહીં જ થાય.
આફ્રિકાની ટીમે બતાવેલી લડાયકતાને પણ સલામ મારવી પડે કેમ કે તેમણે વિદેશની ધરતી પર સિરીઝ જીતી બતાવી છે. આફ્રિકામાં પણ સૌથી વધારે વખાણ કેપ્ટન ટેમ્બા બવુમાનાં કરવાં જોઈએ કેમ કે બવુમાએ આગેવાની લઈને જંગ જીતી બતાવ્યો છે. ટેમ્બા બવુમા સાઉથ આફ્રિકાની ટીમને લઈને ભારત આવ્યો એ પહેલાં બવુમાનો ટેસ્ટમાં કેપ્ટન તરીકેનો રેકોર્ડ અજેય હતો. મતલબ કે, બવુમાની કેપ્ટન્સીમાં આફ્રિકા એક પણ ટેસ્ટ હાર્યું નહોતું.
ભારતમાં ભલભલાંનું પાણી ઊતરી જાય છે તેથી બવુમાનો રેકોર્ડ ભારતમાં ખરાબ થશે એવી આગાહીઓ થતી હતી, પણ ભારતીયોના શરમજનક દેખાવના કારણે બવુમા ભારતમાંથી પણ અજેય પાછો ગયો છે. બવુમાની કેપ્ટન્સીમાં આફ્રિકા 13 ટેસ્ચ રમ્યું છે અને તેમાંથી 12 જીત્યું છે જ્યારે 1 ટેસ્ટ ડ્રો થઈ છે. મતલબ કે, બવુમાનો ટેસ્ટ કેપ્ટન્સીનો સક્સેસ રેટ 90 ટકાથી વધારે છે. 10 ટેસ્ટથી વધારે કેપ્ટન્સી કરી હોય ને આવો જબરદસ્ત સક્સેસ રેટ કોઈનો નથી.
વિશ્વમાં સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ વો છે. સ્ટીવ વોની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા 57 ટેસ્ટ રમ્યું તેમાંથી 41 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીતેલું તેથી વોનો સક્સેસ રેટ 72 ટકા છે. બવુમાનો સક્સેસ રેટ સ્ટીવ વોથી બહુ વધારે છે. સ્ટીવ વોની સરખામણીમાં બવુમાએ બહુ ઓછી ટેસ્ટમાં સુકાનીપદ સંભાળ્યું છે તેથી બંનેની સરખામણી શક્ય નથી પણ બવુમાનું પાણી આપણે ના ઉતારી શક્યા એ વાસ્તવિકતા છે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ ધર્મેન્દ્રએ હિંદી ફિલ્મોના હીરોને મરદાના બનાવ્યા?

