એકસ્ટ્રા અફેરઃ કૉંગ્રેસમાં દિગ્વિજય જેવા ઘૈડિયા ખસે તો સામાન્ય કાર્યકર આગળ આવે ને?

ભરત ભારદ્વાજ
કૉંગ્રેસના બડફાઓના સરદાર દિગ્વિજયસિંહે કૉંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં કાઢેલા બળાપાએ ચર્ચા જગાવી છે. નરેન્દ્ર મોદી સરકારે મનરેગાનું નામ બદલી નાંખ્યું તેના વિરોધમાં આંદોલન કરવા અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે દિગ્વિજયે ડહાપણ ડહોળ્યું કે, કૉંગ્રેસ આંદોલનો અને વિરોધની વાતો તો કરે છે પણ તેની પાસે આંદોલનો કરવા માટે સંગઠન જ ક્યાં છે ? દિગ્વિજયે દાવો કર્યો કે, કૉંગ્રેસમાં ઘણા બધા સ્લીપર સેલ સક્રિય છે અને તેમને ઓળખી કાઢવાની જરૂર છે. કૉંગ્રેસ તેમના કારણે જ આગળ આવી શકતી નથી.
આ બળાપાના કારણે દિગ્વિજય ચર્ચામાં હતા જ ત્યાં નરેન્દ્ર મોદી અને સંઘનાં વખાણ કરતી તસવીર મૂકીને તેમણે નવો મુદ્દો આપી દીધો. તસવીરમાં મોદી લાલકૃષ્ણ અડવાણીના પગ પાસે નીચે બેઠા છે. દિગ્વિજયનું કહેવું છે કે, સંઘમાં સામાન્ય કાર્યકર નેતાઓના પગ પાસે બેસીને મુખ્યમંત્રી અને વડા પ્રધાન પણ બન્યો. આ સંગઠનની તાકાત છે, જય સિયારામ.
કૉંગ્રેસ પાસે સંગઠન નથી એ વાત સાચી છે પણ કૉંગ્રેસની અવદશા માટે સંગઠનની ઊણપ કરતાં વધારે મોટું કારણ તેની મુસ્લિમ પાર્ટી તરીકેની ઈમેજ છે. આ ઈમેજ દિગ્વિજય સહિતના નેતાઓની જ દેન છે. દિગ્વિજય સહિતના નેતાઓની હાલત સબ કુછ લૂટા કે હોશ મેં આયે તો ક્યા કિયા જેવી છે પણ તકલીફ એ છે કે, હજુ પણ એ લોકો પૂરા હોશમાં તો આવ્યા જ નથી અને કૉંગ્રેસની અવદશા પર આત્મમંથન કરીને પોતે શું કરી શકે એ વિચારવાના બદલે બીજાનો જ વાંક કાઢ્યા કરે છે.
કૉંગ્રેસની આજે જે અવદશા છે તેના માટે દિગ્વિજયસિંહ, મણિશંકર ઐયર જેવા નમૂના સૌથી વધારે જવાબદાર છે. આ નમૂના કૂવામાંના દેડકા જેવા છે અને મુસ્લિમ તુષ્ટિકરણથી આગળ તેમની બુદ્ધિ ચાલતી જ નથી. કૉંગ્રેસને સૌથી વધારે નુકસાન આ માનસિકતાના કારણે થયું છે. તેમને એમ જ લાગ્યા કરે છે કે, ચૂંટણી જીતવી હોય તો મુસ્લિમ તુષ્ટિકરણ જ કરવું પડે. મુસ્લિમોને લાડ લડાવો, તેમના પગમાં આળોટો તો સત્તા તમારા પગમાં આળોટવા માંડે.
આ છિછરા વિચારોના કારણે એ લોકો વરસોથી મુસ્લિમોને પંપાળ્યા કરે છે અને હિંદુવાદીઓને ગાળો આપે છે. મુસ્લિમોને રાજી કરવા માટે દિગ્વિજયે તો હિંદુ આતંકવાદીઓ છે એવું સ્થાપિત કરવા માટે સેફ્રન ટેરર એટલે કે ભગવો આતંકવાદ એવા શબ્દો પણ રમતા કરેલા. ઓસામા બિન લાદેન અને હફીઝ સઈદ સહિતના ખૂનખાર આતંકવાદીઓને માનાર્થે બોલાવીને ઓસામાજી કે હફીઝ સાબ જેવાં સંબોધનો આ નેતાઓએ બેશરમીથી કર્યાં છે.
દિગ્વિજય સહિતના આ નેતાઓના બકવાસના કારણે બહુમતી હિંદુઓ એમ જ માનવા લાગ્યા કે, કૉંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે અને હિંદુઓનાં હિતો સાચવી શકે તેમ જ નથી. કૉંગ્રેસને માત્ર ને માત્ર મુસ્લિમોને રાજી રાખવામાં રસ છે. આ માન્યતાના કારણે હિંદુઓનો મોટો વર્ગ કૉંગ્રેસને છોડીને ભાજપ તરફ વળી ગયો.
રાજકારણમાં તો એક-બે ટકા મતો પણ આમતેમ થાય તો પણ ચૂંટણીનાં પરિણામો બદલાઈ જાય છે ત્યારે અહીં તો સીધો દસેક ટકા હિંદુ મતદારોનો વર્ગ કૉંગ્રેસને છોડીને ભાજપ ભણી ઢળી ગયો. 1990 કે 2000ના દાયકામાં પણ ભાજપ લોકસભાની ચૂંટણીમાં 20 ટકાથી વધારે મતો નહોતો મેળવી શકતો. હવે ભાજપને 30 ટકાની આસપાસ મતો મળે છે તેનું કારણ હિંદુવાદી મતદારો છે.
દિગ્વિજય આણિ મંડળીને આ પરિવર્તનની ખબર જ ના પડી. 2002નાં રમખાણોથી શરૂ કરીને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (જઈંછ) ના મુદ્દે એ લોકો મુસ્લિમોનાં તળવાં ચાટીને હિંદુઓને નારાજ કરવા સિવાય કશું કરતા નથી. મુલાયમસિંહ-અખિલેશ યાદવ અને મમતા બેનરજી મુસ્લિમ મતબેંકનાં ચેમ્પિયન ગણાતાં. સમયને પારખીને અખિલેશ, મમતા વગેરે હિંદુઓને પંપાળતાં થઈ ગયાં પણ કૉંગ્રેસ સુધરવા તૈયાર જ નથી.
દિગ્વિજય સહિતના નેતા અત્યારે પણ બેફામ લવારા કરે છે અને કૉંગ્રેસ તેમને રોકી શકતી નથી. નરેન્દ્ર મોદીના દસ વર્ષના શાસનમાં આ દેશે બહુ જબરદસ્ત વિકાસ નથી કરી નાંખ્યો કે લોકોનાં જીવનધોરણ સુધરી ગયાં નથી છતાં ભાજપ હારતો નથી કેમ કે દિગ્વિજય સહિતના નેતાઓના કારણે હિંદુવાદી મતદારો પાછા કૉંગ્રેસ તરફ વળતા નથી. બેફામ મોંઘવારી, બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર સહિતની સમસ્યાઓ હજુય છે જ છતાં લોકોને ભાજપ ગમે છે કેમ કે કૉંગ્રેસ હજુય મુસ્લિમ તુષ્ટિકરણમાં અટવાયેલી છે.
દિગ્વિજય સહિતના સત્તામોહી નેતાઓના કારણે કૉંગ્રેસમાં જૂથવાદનું દૂષણ ઘર કરી ગયું એ પણ કૉંગ્રેસની અવદશા માટેનું એક કારણ છે. દિગ્વિજય સહિતના ઘૈડિયા ખસતા જ નથી ને ગેંગ બનાવીને યુવા નેતાઓને આગળ જ આવવા નથી દેતા. દિગ્વિજય સામાન્ય કાર્યકરોને આગળ લાવવાની વાતો કરે છે પણ પોતે ખસતા નથી પછી સામાન્ય કાર્યકર કઈ રીતે આગળ આવે ? તેના કારણે કૉંગ્રેસને કેવું નુકસાન થયું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દિગ્વિજયનાં જ કરતૂત છે.
2018ની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ જીતેલી અને સરકાર બનાવી હતી. મધ્ય પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ તરીકે જીતનો મુખ્ય યશ જ્યોતિરાદિત્ય સિંધિયાને જતો હતો ને સિંધિયાને મુખ્યમંત્રી બનાવવાની જરૂર હતી પણ દિગ્વિજય સહિતના જૂના નેતાઓએ સિંધિયાને મુખ્યમંત્રી ના બનવા દીધા ને સાવ ઘરડા ને ભ્રષ્ટ કમલનાથને ગાદી પર બેસાડ્યા. તેના કારણે ખફા થયેલા જ્યોતિરાદિત્યે બળવો કરીને કમલનાથની સરકારને ઘરભેગી કરી દીધી ને પોતે ભાજપમાં જતા રહ્યા. સિંધિયા અત્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી છે અને કૉંગ્રેસીઓ પાછા સત્તામાંથી ફેંકાઈ જઈને બેઠા બેઠા ઘૂઘરો વગાડ્યા કરે છે.
આસામમાં હિંમત બિસ્વ સરમાથી માંડીને રાજસ્થાનના સચિન પાયલોટ સહિતના તમામ યુવા નેતાઓના કેસમાં આવું જ થયું છે. કર્ણાટકમાં પણ છેલ્લા એવું જ થયું ને ડી.કે. શિવકુમારના બદલે ઘરડા સિધ્ધરામૈયાને બેસાડી દીધા છે. પાયલોટ ગમ ખાઈને કૉંગ્રેસમાં જ રહી ગયા છે પણ બીજા નેતા જતા રહ્યા તેમાં કૉંગ્રેસ વખારમાં નાંખવાને લાયક નેતાઓની જ પાર્ટી બનીને રહી ગઈ છે.
દિગ્વિજયનો સત્તામોહ તો એવો છે કે, છેલ્લાં ત્રણ દાયકાથી એ ચૂંટણીઓમાં હાર્યા કરે છે છતાં રાજ્યસભામાં ઘૂસીને દુકાન ચલાવે છે. વરસો પહેલાં અહમદ પટેલ સહિતના નેતા આ ખેલ કરતા. સાવ જનાધાર ગુમાવી બેઠેલા આ નેતા કૉંગ્રેસમાં મોટા ભા થઈને ફરતા ને પોતાના જેવા નેતાઓને પોષતા. દિગ્વિજયે પણ એ જ કર્યું છે ને કોઈ યુવાને તક આપવાના બદલે પોતે રાજ્યસભામાં ઘૂસી ગયા છે.
દિગ્વિજય સહિતના નેતાઓએ આ મુદ્દે આત્મમંથન કરવાની જરૂર છે. પોતે ખસીને યુવાઓને તક આપવાની જરૂર છે. કૉંગ્રેસને સ્લીપર સેલથી નહીં પણ પોતાના જેવા કૉંગ્રેસના જનાધાર વિનાના નેતાઓથી વધારે નુકસાન છે એ સમજવાની જરૂર છે. આ સમજ આવી જાય તો કૉંગ્રેસ પણ જીતી શકે પણ વો દિન કહાં કિ…
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: હિંદુઓની હત્યાઓ રોકવા બાંગ્લાદેશને ચમકારો બતાવવો પડે



