એકસ્ટ્રા અફેર

મોદી સરકારે એસસી-એસટી અનામતમાં ક્રિમીલેયરની હિંમત કરવી જોઈએ

એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ

અનુસૂચિત જાતિ એસસી  અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટેની અનામતમાં પણ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની જેમ ક્રિમીલેયરને બાકાત રાખવા જોઈએ કે નહીં એ મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. હવે સુપ્રીમ કોર્ટે  કેન્દ્ર સરકાર પાસેથી આ સંદર્ભમાં શું પગલાં લેવાયાં એ અંગેનો રિપોર્ટ માંગતાં આ મુદ્દો ફરી લાઈમલાઈટમાં આવી ગયો છે. 

સુપ્રીમ કોર્ટે 2024માં આપેલા ચુકાદામાં એસસી અને એસટી અનામતમાં પણ ક્રિમી લેયરની તરફેણ કરેલી. મતલબ કે, દલિત અને આદિવાસીઓમાં અનામતની મલાઈ ખાઈને તગડા થયેલા વર્ગને અનામતનો લાભ લેવામાંથી બાકાત કરીને ખરેખર જેમને જરૂર હોય એવાં લોકોને જ અનામતનો લાભ આપવા પર ભાર મૂકેલો. 

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટેની અનામત અંગે 1 ઑગસ્ટ, 2024ના રોજ ઐતિહાસિક ચુકાદો આપેલો કે, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)માં પણ સરકાર અલગ અલગ સમુદાયોનું વર્ગીકરણ કરી શકે છે અને તેમના માટે નક્કી કરાયેલી અનામતની મર્યાદામાં અલગ અલગ સમુદાયોને કરી શકે છે. 

પંજાબ સરકાર અન્ય વિરુદ્ધ દવિંદર સિંહ અને અન્યના કેસમાં સાત જજની બેંચમાંથી ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, બી આર ગવઈ, બેલા ત્રિવેદી,  પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશચંદ્ર શર્મા એ છ માનનીય જજ એસસી-એસટી અનામતમાં પેટા વર્ગીકરણની તરફેણમાં હતા જ્યારે એક જ જજ વિરુદ્ધમાં હતા. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે ભલામણ પણ કરી હતી કે એસસી-એસટી માટેની અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ હોવી જોઈએ પણ આ ક્રિમી લેયર માટેનાં ધારાધોરણ અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેની ક્રિમી લેયરની જોગવાઈથી અલગ હોવાં જોઈએ. 

ભારતમાં અનામતમાં ક્રિમી લેયરનો કન્સેપ્ટ પહેલાં હતો જ નહીં પણ વી.પી. સિંહની સરકારે ઓબીસી મતબેંક કબજે કરવા માટે મંડલ પંચની ભલામણોનો અમલ કરવાનું નક્કી કર્યું ત્યારે ભડકો થઈ ગયેલો. અનામતનું પ્રમાણ વધારવા સામે સવર્ણો મેદાનમાં આવી ગયેલા અને ઘણા વિદ્યાર્થીઓએ તો આત્મવિલોપનનું આત્યંતિક પગલું ભરીને વિરોધ કરેલો. 

આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચેલો. ઇન્દ્રા સાહનીએ ઓબીસી અનામતનો વિરોધ કરતાં ત્રણ દલીલો કરેલી. પહેલી દલીલ એ હતી કે, અનામતનું પ્રમાણ વધારવાથી તકની સમાનતાની બંધારણીય ગેરંટીનું ઉલ્લંઘન થયું છે તેથી ઓબીસી અનામતને ગેરબંધારણીય જાહેર કરીને ફગાવી દેવી જોઈએ. બીજી દલીલ એ હતી કે, જ્ઞાતિના આધારે કોઈનું પછાતપણું નક્કી ના કરી શકાય તેથી ચોક્કસ જ્ઞાતિને ઓબીસી અનામતનો લાભ આપવો બંધારણનો ભંગ છે. ત્રીજી દલીલ એ હતી કે, અનામત વધારવાથી જાહેર સંસ્થાઓની કાર્યક્ષમતા જોખમમાં મુકાઈ જશે.  

સુપ્રીમ કોર્ટે આ દલીલોને માન્ય નહોતી રાખી અને 6 નવેમ્બર, 1992ના રોજ ઈન્દ્રા સાહની કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો કે, અનામતનું પ્રમાણ 50 ટકાથી ના વધવું જોઈએ તેથી ઓબીસી અનામત ગેરબંધારણીય નથી. સુપ્રીમ કોર્ટે વધારાની 27 ટકા અનામતને તો માન્યતા આપી પણ સાથે સાથે ક્રિમી લેયરનો અમલ કરવા પણ કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઓબીસીમાં ઉચ્ચ વર્ગના લોકોને અનામતનો લાભ ના મળવો જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને જ લાભ મળવો જોઈએ. 

આ માટે અલગ અલગ માપદંડ નક્કી કરાયા ને તેમાં એક માપદંડ પરિવારની વાર્ષિક આવક પણ છે. સમય જતાં આ મર્યાદા બદલાઈ છે અને અત્યારે રૂપિયા  આઠ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને ક્રિમીલેયર ગણીને અનામતનો લાભ નથી મળતો. સુપ્રીમ કોર્ટે તેના 2024ના ચુકાદામાં આ માપદંડથી અલગ માપદંડ નક્કી કરીને ક્રિમીલેયરની વ્યાખ્યા નક્કી કરવા કહ્યું હતું. ભારતમાં અનામત અત્યંત સંવેદનશીલ મુદ્દો છે ને મતબૅંક સાથે જોડાયેલો છે.  અનામતમાં ફેરફારની વાત આવે એટલે જેમનાં હિતો જોખમાતાં હોય એ તલવાર તાણીને ઊભા થઈ જાય છે તેથી સરકાર આવા મુદ્દાઓને અડકતી જ નથી. 

મોદી સરકારે પણ એ જ વલણ અપનાવીને કશું ના કર્યું તેથી સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. આ અરજીની સુનાવણીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે,એસસી-એસટી જ્ઞાતિઓના પેટા-વર્ગીકરણ ને માન્ય રાખતા બંધારણીય બેન્ચના ચુકાદાના સંદર્ભમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો રિપોર્ટ અપાય અને  ક્રિમીલેયર સિદ્ધાંતને એસસી-એસટી અનામતમાં પણ લાગુ કરાય. સુપ્રીમ કોર્ટે તો કહી દીધું પણ આ દિશામાં કંઈ પણ થાય એવી શક્યતા ઓછી છે. 

સરકારે કોઈ પગલાં જ નથી લીધા પછી એક્શન ટેકન રિપોર્ટ શું હોય ? આ સંજોગોમાં સરકાર અઠ્ઠેકઠ્ઠે કંઈ પણ જવાબ રજૂ કરી દેશે ને ખેંચાય એટલો સમય ખેંચ્યા કરશે. તેમાં મોદી સરકારનો વાંક નથી. 

બીજી કોઈ પણ સરકાર હોય તો પણ એવું જ કરે કેમ કે અનામતમાં છેડછાડનાં શું પરિણામ આવે તેની બધાંને ખબર છે. જેવો ક્રિમીલેયરના માપદંડ જાહેર કરો કે તરત જેમને બાકાત રાખવાના હોય એ બધા મેદાનમાં આવી જાય ને શાસક પક્ષનું આવી બને. આ કારણે જ ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી માટે અનામતમાં પણ ક્રિમીલેયરનો અમલ કરવા કહેલું અને પ્રમોશન અટકાવી દીધેલાં ત્યારે મોદી સરકારે આ ચુકાદા અંગે  ફેરવિચારણા કરવા કહેલું. 

મોદી સરકારે પ્રમોશન આપવા સામે સુપ્રીમ કોર્ટે ફરમાવેલા પ્રતિબંધના કારણે કેન્દ્ર સરકારના 23 વિભાગોમાં 1.30 લાખ જગાઓ પર પ્રમોશન અટવાઈ ગયાં છે ને વહીવટ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે એવી દલીલ કરીને ફેરવિચારણા કરવા કહેલું. જો કે સુપ્રીમ કોર્ટે ઘસીને ના પાડીને સાફ શબ્દોમાં કહેલું કે, દલિતો અને આદિવાસીઓમાં જે લોકો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ વધીને સધ્ધર થયા છે તેમની સરકારી નોકરીઓમાંથી અનામતનો લાભ મેળવનારા વર્ગમાંથી બાદબાકી કરવી જ પડશે.

સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ટકોર છતાં સરકારે કશું ના કર્યું ને એ પછી તો 2024નો ચુકાદો આવી ગયો. એ છતાં મોદી સરકારે અત્યાર સુધી આ મુદ્દાને ટલ્લે ચડાવ્યો. અત્યારે પણ મોદી સરકારનું વલણ બદલાય એવી શક્યતા નથી પણ એસસી-એસટીમાં ક્રિમીલેયર જરૂરી તો છે જ એ જોતાં મોદી સરકારે એક વાર હિંમત કરીને તેનો અમલ કરી નાંખવાની જરૂર છે. 

અનામતનો ઉદ્દેશ સદીઓથી કચડાયેલા ને તેના કારણે વિકાસથી વંચિત રહેલા દલિત અને આદિવાસી સમાજને બીજી જ્ઞાતિઓની સમકક્ષ લાવવાનો છે. સામાજિક અસમાનતાના કારણે જેની પાસે સગવડો અને સમૃદ્ધિ છે એ લોકો જ બધો લાભ ના લઈ જાય એટલા માટે અનામતની જોગવાઈ કરાઈ. આ જોગવાઈનો લાભ લઈને જે લોકો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ આવ્યા તેમનાં સંતાનોને ખરેખર અનામતનો અધિકાર નથી. તેમનાં સંતાનોને તો એ બધી સગવડો મળે જ છે કે જે ઉચ્ચ વર્ગનાં લોકોને મળે છે પછી તેમને અનામતની શું જરૂર ? 

આ સંજોગોમાં તેમને ક્રિમી લેયર કેટેગરીમાં મૂકીને જે ખરેખર હજુ વિકાસથી વંચિત છે એ લોકોને જ અનામતનો લાભ આપવો એ વાત ન્યાયી પણ છે અને તર્કસંગત પણ છે. અનામતનો સાચો ઉદ્દેશ વંચિતોને તક આપવાનો છે પણ હાલની જોગવાઈમાં એ ઉદ્દેશ પાર નથી પડતો એ જોતાં એસસી-એસટી અનામતમાં ક્રિમી લેયર જરૂરી છે જ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button