એકસ્ટ્રા અફેર

એમજીઆર ભારતરત્ન બની શકે તો સાવરકર કેમ નહીં?

એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વિનાયક દામોદર સાવરકરને ભારતરત્ન આપવાની માગણી કરી એ સાથે સાવરકર અને ભારતરત્ન બંને ફરી ચર્ચામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગયા વર્ષે 100 વર્ષ પૂરાં થયાં તેની એક વરસથી ઉજવણી ચાલી રહી છે.આ ઉજવણીના ભાગરૂપે મુંબઈમાં ‘સંઘ યાત્રાના 100 વર્ષ- નવી ક્ષિતિજો’ કાર્યક્રમમાં મોહન ભાગવતે સળંગ બે દિવસ ભાષણબાજી કરી. આ ભાષણબાજીમાં ભાગવતે નરેન્દ્ર મોદીનાં વખાણ કરીને તેમને મજબૂત નેતા ગણાવ્યા તો ધર્માંતરણ, ઘૂસણખોરી અને નીચો જન્મદર વસતી અસંતુલનનાં મુખ્ય ત્રણ પરિબળો છે એવું જાહેર કરીને દરેક હિંદુ પરિવારને ત્રણ છોકરાં પેદા કરવાની વણમાગી સલાહ પણ આપી દીધી.

ભાગવતે છેલ્લાં કેટલાંક વરસોથી કહેવાતા હિંદુવાદીઓના લાડકા વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ છેડીને ફરી રાજકીય વિવાદ છેડી દીધો. સાવરકરને ભારતરત્ન આપવાની માગ ભાજપ અને કહેવાતાં હિંદુવાદી સંગઠનોના નેતા છાસવારે ઉઠાવ્યા કરે છે તેથી ભાગવતે કોઈ નવી વાત નથી કરી પણ આ માગણીએ કહેવાતા હિંદુવાદીઓ આ દેશના યુવાનો સામે કેવા બોદા આદર્શો મૂકી રહ્યા છે એ ફરી છતું કર્યું છે.

ભાગવતના કહેવા પ્રમાણે, સાવરકરને ભારતરત્નથી સમ્માનિત કરવાથી આ પુરસ્કારની પ્રતિષ્ઠા વધશે કેમ કે સાવરકર મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. ભાગવતની ટિપ્પણી સામે કૉંગ્રેસ સહિતના વિપક્ષો ઉકળ્યા છે ને એક નેતાએ તો એવી ટિપ્પણી કરી કે, સાવરકરને ખરેખર તો યુકેની સરકારે બ્રિટિશ રત્ન એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ કેમ કે સાવરકરે અંગ્રેજોના પગ પકડી લઈને બ્રિટિશ સરકારની સેવા કરી હતી. સામે ભાજપના નેતા સાવરકરની વીરગાથા વર્ણવવા કૂદી પડ્યા છે. સાવરકર કેવા વીર હતા ને અંગ્રેજ સરકાર સામે કેવી મર્દાનગીથી લડેલા તેની પરાક્રમ પારાયણ ભાજપ અને હિંદુવાદી નેતાઓ વર્ણવી રહ્યા છે.

કહેવાતા હિંદુવાદી નેતાઓ સાવરકર માટે વરસોથી વીર સાવરકર શબ્દો વાપરે છે પણ સાવરકરનો ભૂતકાળ તેમને વીર કહેવા માટે લાયક નથી બનાવતો. સાવરકર એક જમાનામાં દેશની આઝાદી માટે લડેલા પણ અંગ્રેજ સરકારે આંદામાનની સેલ્યુલર જેલમાં પૂર્યા પછી તેમનો દેશપ્રેમ હવા થઈ ગયેલો ને જીજીવિષા એ હદે પ્રબળ બની ગઈ કે, અંગ્રેજ સરકારની શરણાગતિ સ્વીકારી લીધેલી. શરૂઆતમાં સાવરકરે જેલમાંથી ભાગવાના પ્રયત્નો કરેલા પણ ફાવ્યા નહીં એટલે છેવટે અંગ્રેજ સરકારના પગમાં આળોટી ગયા ને માફી માગીને જેલમાંથી છૂટી ગયા.

સાવરકરે અંગ્રેજ સરકારને કોઈ રાજકીય પ્રવૃત્તિ નહીં કરવાની બાંયધરી આપેલી એટલે જેલમાંથી છૂટ્યા પછી આઝાદીની લડતથી દૂર રહ્યા ને અંગ્રેજોના પેન્શન પર ગુજારો કરતા. આ ઈતિહાસ છે અને તેને કોઈ નકારી શકે તેમ નથી. સાવરકરના ભક્તો સાવરકર પેન્શન નહોતા લેતા પણ ભથ્થું લેતા હતા ને આ ભથ્થું તો મહાત્મા ગાંધીએ પણ લીધું હતું એવું કહીને સાવરકરની કાયરતાનો બચાવ કરે છે. હવે જે માણસ પોતાના જીવને ખાતર દેશ માટે લડવાનું છોડી દે તેને વીર કઈ રીતે કહી શકાય ?

હિંદુઓમાં જે લડે છે એ વીર છે ને હીરો છે, જીવ બચાવવા માટે કાયરતા બતાવનારા નહીં. આ દેશમાં એવા સંખ્યાબંધ હિંદુ હીરો છે. શ્યામાપ્રસાદ મુખરજીથી માંડીને કનૈયાલાલ મુનશી સુધીના ઘણા એવા વીર આવ્યા કે જે હિંદુ અસ્મિતા માટે મરદની જેમ લડી ગયા પણ હિંદુવાદીઓ એ બધા અસલી હીરોને કોરાણે મૂકીને સાવરકરને જ વીર સાબિત કરવાના ધખારા કેમ છે એ ખબર નથી પડતી.

જો કે ભારત લોકશાહી દેશ છે તેથી દરેક વ્યક્તિને પોતાને મનફાવે એ માગણી કરવાનો અધિકાર છે. ભાગવતને પણ એ અધિકાર છે જ. કૉંગ્રેસ અત્યારે સાવરકરને ભારતરત્નની માગણીથી ઉકળી છે પણ પાંચેક વર્ષ પહેલાં ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના નેતા હરીશ રાવતે ટ્વિટ કરીને માગ કરેલી કે સોનિયા ગાંધી અને માયાવતીને ‘ભારતરત્ન’ મળવો જોઈએ.

હરીશ રાવતની દલીલ હતી કે, સોનિયા ગાંધી આજે ભારતની નારીશક્તિનું ગૌરવશાળી સ્વરૂપ મનાય છે જ્યારે માયાવતીએ દાયકાઓથી પીડિત-શોષિત લોકોમાં એક અદ્ભુત વિશ્વાસનો સંચાર કર્યો છે તેથી આ બંને સન્નારીનું દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’થી સન્માન કરવું જોઈએ. સોનિયા અને માયાવતી બંનેએ દેશની સેવા કરતાં વધારે તો આ દેશના રાજકારણને નિમ્ન સ્તરે લઈ જવામાં યોગદાન આપ્યું છે એ જોતાં બંનેને ‘ભારતરત્ન’ અપાય તો ‘ભારતરત્ન’ની કોઈ પ્રતિષ્ઠા જ ના રહે પણ આ દેશના નાગરિક તરીકે રાવતને બંનેને ‘ભારતરત્ન’ આપવાની માગણી કરવાનો અધિકાર છે જ.

એ જ રીતે મુલાયમસિંહ યાદવ ગુજરી ગયા ત્યારે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ.પી. સિંહ અને ધારાસભ્ય સ્વામીપ્રસાદ મૌર્ય સહિતના નેતાઓએ મુલાયમસિંહને ભારતરત્ન આપવાની માગ કરી. મોદી સરકારે મુલાયમસિંહને પદ્મવિભૂષણ આપ્યો તેનો વિરોધ કરીને આ નેતાઓએ કહેલું કે, મુલાયમસિંહનાં કાર્યો, મોભો તથા દેશના વિકાસમાં આપેલા યોગદાનને જોતાં તેમને ‘ભારતરત્ન’થી ઓછું કોઈ નાગરિક સન્માન ખપે જ નહીં. મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ આપવાની જાહેરાત કરીને મોદી સરકારે મુલાયમસિંહનાં યોગદાનની મજાક ઉડાવી છે.

બીજાં પણ ઘણાં એવાં નામો છે કે જેમને આ રીતે ભારતરત્ન આપવાની માગ થઈ જ છે પણ કોઈના કહેવાથી મુલાયમ, સોનિયા કે માયાવતી ‘ભારતરત્ન’ ને લાયક નથી બની જતાં. એ જ રીતે ભાગવતને પણ સાવરકરને ‘ભારતરત્ન’ની માગણી કરવાનો અધિકાર છે જ પણ ભાગવતના કહેવાથી સાવરકર પણ ‘ભારતરત્ન’ને લાયક નથી બની જતા.

આપણે ત્યાં ‘ભારતરત્ન’ સહિતનાં નાગરિક સન્માનો રાજકીય કારણસર અપાય છે. ખરેખર રાષ્ટ્ર નિર્માણમાં મહાન યોગદાન આપનારા ડૉ. હોમી ભાભા, ડૉ. વિક્રમ સારાભાઈ કે યુ. આર. રાવ જેવા મહાન લોકોને ‘ભારતરત્ન’ નથી મળતો પણ સત્તામાં બેઠેલા લોકોને વહાલ ઊભરાય તો ઓછી લાયકાત ધરાવતા લોકોને ‘ભારતરત્ન’ મળી જાય છે એ આપણી નજર સામે છે. કોંગ્રેસ સત્તામાં લાંબો સમય રહી તેથી કૉંગ્રેસના શાસનમાં તો આ પાપ વારંવાર થયું પણ ભાજપ શાસન પણ આ પાપ કરવામાંથી બાકાત નથી જ.

કૉંગ્રેસ શાસનમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ જેવા દેશ માટે લડનારા મહાન સ્વાતંત્ર્યવીરોની અવગણના કરીને ગોવિંદ વલ્લભ પંત, બિધાનચંદ્ર રોય, પુરૂષોત્તમદાસ ટંડન, કામરાજ વગેરે રાજકારણીઓને ભારતરત્ન અપાયા જ હતા. ઈન્દિરા ગાંધીએ તો પોતે સત્તામાં હતાં છતાં 1971માં જાતે જ ભારતરત્ન લઈને ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં એટલે નાળિયેર ઘર ભણી ફેંકાય એવો ઘાટ કરી દીધેલો. રાજીવ ગાંધીએ તો જયલલિતાને રાજી કરવા એમ.જી. રામચંદ્રનને ભારતરત્ન બનાવી દીધેલા. ભાજપ શાસનમાં પણ ચરણસિંહ અને કર્પૂરી ઠાકુર જેવા નેતાઓને માત્ર ને માત્ર રાજકીય કારણોસર જ ભારતરત્ન અપાયો જ છે.

આ જ ક્રમમાં સાવરકરને પણ મોદી સરકાર ભારતરત્ન આપી દે તો નવાઈ નહીં. એમજીઆર કે કર્પૂરી ઠાકુરને ભારતરત્ન મળી શકે તો સાવરકરને પણ મળી શકે પણ ભારતરત્ન આપી દેવાથી સાવરકર હીરો નથી બની જવાના કે અંગ્રેજ સરકાર સામે ઘૂંટણ ટેકવવાનું કરેલું પાપ પણ ધોવાઈ નથી જવાનું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button