રોહિત, વિરાટ, રાહુલને માનભેર વિદાય કરી દેવા જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં હાર સાથે ભારતીય ક્રિકેટ ટીમે વધુ એક નાલેશી નોંધાવી દીધી. જસપ્રિત બૂમરાહ અને મોહમ્મદ સિરાજની જબરદસ્ત બોલિંગના સહારે ભારતે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાનો કેટલા રનમાં વીંટો વાળી દીધો પછી ભારતે જીત માટે 340 રન કરવાના હતા. ટેસ્ટની ચોથી ઈનિંગમાં 340 રન કરવા કપરા છે ને ભારત પાસે પૂરતો સમય પણ નહોતો તેથી ભારતીય ક્રિકેટ ટીમ આ સ્કોર ચેઝ કરીને ઐતિહાસિક જીત મેળવે એવી સૌ અપેક્ષા રાખતાં નહતાં પણ છેલ્લો દિવસ હોવાથી શાંતિથી રમીને મેચને ડ્રોમાં ખેંચી કાઢે એવી અપેક્ષા સૌને ચોક્કસ હતી પણ ભારતીય ટીમે શરમજનક ધબડકો કરીને ઈજજત કાઢી.
ટીમ ઈન્ડિયાએ આખો દિવસ પણ કાઢવાનો નહોતો ને માત્ર 85 ઓવરો રમવાની હતી. બાકી રહેલા દિવસમાં 510 બોલ રમીને મેચને ડ્રોમાં લઈ જવાની હતી પણ આપણા કહેવાતા ધુરંધરો એ પણ ના કરી શક્યા. આપણી ટીમ 79 ઓવર રમીને 155 રનમાં લપેટાઈ ગઈ. આ 79 ઓવરમાંથી 208 બોલ એટલે કે 35 ઓવર તો યશસ્વી જયસ્વાલ રમ્યો, 104 બોલ એટલે કે 17 ઓવર રીષભ પંત રમ્યો જ્યારે 45 બોલ એટલે કે 7 ઓવર વોશિંગ્ટન સુંદર રમ્યો. મતલબ કે, ત્રણ ખેલાડી 69 ઓવર ખેંચી ગયા પણ બાકીના 8 ખેલાડી 26 ઓવર ના રમી શક્યા. આ પૈકી સૌથી શરમજનક દેખાવ આપણા ત્રણ કહેવાતા સુપરસ્ટાર્સનો રહ્યો. કેપ્ટન રોહિત શર્મા 40 બોલ રમીને 9 રન કરી શક્યો, કહેવાતો કિંગ વિરાટ કોહલી 29 બોલ રમીને 5 રન કરી શક્યો ને કે.એલ. રાહુલ 5 બોલમાં ખાતું ખોલાવ્યા વિના ધોયેલા મૂળા જેવો પાછો આવ્યો. આ કહેવાતા ત્રણ ધુરંધરે 74 બોલ એટલે કે 12.2 ઓવર રમીને ગણીને 14 રન બનાવ્યા.
આ શરમજનક હારનું બહુ વિશ્ર્લેષણ કરી શકાય તેમ નથી કેમ કે તેમાં કોઠી ધોઈને કાદવ જ કાઢવાનો છે, પણ આ દેખાવ જોયા પછી એક વાત સ્પષ્ટ છે કે, ભારતે હવે વિરાટ કોહલી, રોહિત શર્મા એ બે કહેવાતા ધુરંધરોને બાજુ પર મૂકીને આગળ વધવાની જરૂર છે. આ એક ટેસ્ટની વાત નથી પણ સળંગ છેલ્લા કેટલાય સમયથી તેમની બેટિંગ જોયા પછી લાગે કે, બંને ટીમ માટે બોજ બની ગયા છે. બંને અનુભવી હોવા છતાં ટીમને જીતાડવામાં તો કામના નથી જ પણ ટેસ્ટને ડ્રોમાં ખેંચવા માટે પણ નકામા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને હવે ચાલે એમ નથી અને ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં બંનેએ ધોળકું ધોળ્યું છે. રોહિત તો કેપ્ટન તરીકે પણ સાવ નિષ્ફળ ગયો છે અને બેટથી પણ કંઈ યોગદાન આપ્યું નથી એ જોતાં તેને વેળાસર વિદાય કરવાની જરૂર છે. રોહિત શર્માએ આખી સિરીઝમાં વારંવાર પોતાનો બેટિંગ ક્રમ બદલ્યો છતાં મેળ પડ્યો નથી.
ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં રોહિત ઓપનીંગ કરવા આવ્યો હતો પણ 3 રન બનાવીને પેટ કમિન્સનો શિકાર બની ગયો હતો. બીજી ઈનિંગમાં પણ માત્ર 9 રન કરી શક્યો. પેટ કમિન્સ અને સ્ટાર્ક સામે રોહિત શર્માની હેસિયત જ ના હોય એવું લાગે છે. રોહિત શર્માએ છેલ્લી 14 ઇનિંગ્સમાં 11 રનની સરેરાશથી માત્ર 155 રન બનાવ્યા છે એ જોતાં તે ઈન્ટરનેશનલ ક્રિકેટને લાયક જ નથી. આવી એવરેજ તો બૂમરાહની હશે. વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં સદી કરી હતી પણ એ પછીનો તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 36 રન જ રહ્યો છે. વિરાટ કોહલીએ આ સિરીઝમાં પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 5 રન કરેલા પણ બીજી ઇનિંગમાં સદી ફટકારીને ચાહકોમાં પુનરાગમનની આશા જગાવી હતી પણ પછી સતત ધોળકું ધોળ્યું છે. બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે 7 રન અને બીજી ઇનિંગમાં 11 રન કર્યા હતા.
ત્રીજી ટેસ્ટમાં વિરાટે પહેલી ઇનિંગમાં 3 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં તેને બેટિંગ કરવાની તક જ મળી ન હતી. કારણ કે ટેસ્ટ ડ્રો રહી હતી. આ પછી ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં વિરાટે 36 રનની ઇનિંગ રમી હતી. વિરાટ બીજી ઈનિંગમાં પણ તેનું બેટ ચાલ્યું ન હતું અને તે 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. વિરાટ ભારતીય બેટિંગનો આધારસ્તંભ ગણાય છે, પણ આ દેખાવ જોયા પછી લાગે કે, ભારતે તેના બદલે નવા ખેલાડીને તક આપવાની જરૂર છે. રાહુલને તો ટીમમાં શું કરવા લે છે એ જ ખબર પડતી નથી કેમ કે તેના જેટલો અસાતત્યપૂર્ણ રમનારો ખેલાડી જ બીજો નથી. આઘાતજનક વાત એ છે કે, આપણે ત્યાં વિરાટ, રોહિત કે રાહુલ ચાલતા નથી તેથી હારીએ છીએ તેની વાત કરવાના બદલે હાર માટે બહાનાં શોધીએ છીએ. યશસ્વી જયસ્વાલને થર્ડ અંપાયરે આઉટ આપ્યો એ ખોટો હતો એવો હોબાળો કરીને આપણે ખરાબ અંપાયરિંગના કારણે હાર્યા એવી હોહા કરી મૂકી છે. પેટ કમિન્સના બાઉન્સર બોલ પર યશસ્વી પૂલ શોટ રમ્યો અને બોલ વિકેટકીપરના હાથમાં ગયો પછી ઓસ્ટ્રેલિયાએ અપીલ કરી, પણ મેદાન પરના અમ્પાયરે યશસ્વીને નોટઆઉટ આપ્યો હતો.
Also read: એકસ્ટ્રા અફેર: રોહિત-વિરાટ અશ્વિનમાંથી પ્રેરણા લે તો સારું
ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો હતો તેમાં થર્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો હતો. રિવ્યૂમાં બોલ યશસ્વીના બેટ અને ગ્લોવ્ઝની નજીકથી પસાર થયો ત્યારે ગ્લોવ્ઝને અડકેલો દેખાય છે પણ સ્નિકો મિટર પર કોઈ હલચલ જોવા મળી ન હતી. થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલીને યશસ્વીને આઉટ આપ્યો તેમાં ભારતીય મીડિયા અને ચાહકોએ હોબાળો કરી દીધો છે. યશસ્વી આઉટ ના થયો હોત તો ભારત હાર્યું ના હોત એવી હોહા કરી નાંખી છે. થર્ડ અંપાયરે શંકાનો લાભ યશસ્વીને ના આપીને ખોટું કર્યું હોય તો પણ તેના કારણે આપણી શરમજનક બેટિંગ થોડી સારી થઈ જાય ? યશસ્વી જેવું જ રીષભ પંતના કેસમાં પણ થયું. પંત જામેલો હતો ત્યારે જ બેજવાબદાર શોટ મારીને આઉટ થયો તેની રોહિત શર્માથી માંડીને સુનિલ ગાવસકર સુધીનાં બધાંએ ટીકા કરી. પંત વારંવાર બેજવાબદાર શોટ મારીને આઉટ થાય છે એ વાત સાચી છે પણ તેના પર દોષનો ટોપલો ઢોળવાનો હોય કે જે નમૂના રમતા જ નથી તેમની વાત કરવાની હોય ? રોહિત શર્માએ તો ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એવું કરીને કહ્યું કે, પંતે હવે સમજવાની જરૂર છે, કે પોતાના માટે અને ટીમ માટે શું જરૂરી છે. ભલા માણસ, પંતને શિખામણ આપતાં પહેલાં તારે જ સમજવાની જરૂર છે કે, તમે કહેવાતા ધુરંધરો જવાબદારીપૂર્વક રમો તો બધા સારું રમશે.