એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન યુએનએસસીનું પ્રમુખ અને કૉંગ્રેસ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન

  • ભરત ભારદ્વાજ

કૉંગ્રેસનું નેતૃત્વ દિશાહીન તો છે જ પણ સામાન્ય વિવેકબુદ્ધિ પણ ખોઈ બેઠું હોય એવું લાગે છે. દેશના મુખ્ય વિપક્ષ તરીકે હકારાત્મક ભૂમિકા ભજવવાના બદલે કૉંગ્રેસ નરેન્દ્ર મોદી સરકારની સતત ટીકા કર્યા કરવાને જ પોતાની ફરજ માને છે ને તેમાં બુદ્ધિનું પ્રદર્શન કરી નાખે છે. 1 જુલાઈથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુનાઈટેડ નેશન્સ સીક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)નું પ્રમુખ બન્યું એ મુદ્દે કૉંગ્રેસે કરેલી ટીકા તેનો તાજો પુરાવો છે.

પાકિસ્તાન યુએનએસસીનું પ્રમુખ બન્યું એ અંગે કૉંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની ઝાટકણી કાઢી છે. કૉંગ્રેસનું કહેવું છે કે, યુએનએસસીના પ્રમુખપદે પાકિસ્તાનનું બેસવું મોદી સરકારની વિદેશ નીતિની નિષ્ફળતા છે. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાના કહેવા પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના થોડાક દિવસો પછી જ. પાકિસ્તાન યુએનએસસીનું પ્રમુખ બન્યું તેનો અર્થ એ થાય કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું કંઈ ઊપજતું નથી.

આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન તાલિબાન મેનેજમેન્ટ કમિટીનું પ્રમુખપદ પણ સંભાળશે અને યુનાઈટેડ નેશન્સની આતંકવાદ વિરોધી સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ કામ કરશે. કૉંગ્રેસનું કહેવું છે કે, આતંકવાદને પોષનારા પાકિસ્તાનને હવે વૈશ્વિક સુરક્ષાનો ઠેકેદાર બનાવી દેવાયો છે અને શેતાનને સત્તા સોંપી દેવાઈ છે. પાકિસ્તાનને આટલું મહત્ત્વ મળ્યું તેને રોકવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે.

કૉંગ્રેસની વાતો અત્યંત હાસ્યાસ્પદ છે ને આ વાતો સાંભળ્યા પછી કૉંગ્રેસના નેતાઓના જનરલ નોલેજ વિશે પણ શંકા થાય છે. યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)નું પ્રમુખ બન્યું એ સાચી વાત છે પણ આ પ્રમુખપદ મેળવવા માટે પાકિસ્તાને કોઈ મહેનત કરી હોય કે જબરદસ્ત લોબિઈંગ કર્યું હોય કે બહુ મહેનત કરી હોય એવું જરાય નથી. વાસ્તવમાં યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું પ્રમુખપદ રોટેશનલ છે અને યુએનએસસીના સભ્ય એવા દરેક દેશને વારાફરતી પ્રમુખપદ મળે છે.

પાકિસ્તાન અત્યારે યુએનએસસીમાં અસ્થાયી સભ્ય હોવાથી રોટેશન પ્રમાણે તેને પ્રમુખપદ મળ્યું છે. આ રોટેશન આલ્ફાબેટિકલ એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે નક્કી થાય છે. પાકિસ્તાનની શરૂઆત પી'થી થાય છે તેથી હવે પછીઆર’થી નામ શરૂ થતું હોય એવા દેશ એટલે કે રશિયાને યુએનએસસીનું પ્રમુખપદ મળશે.

યુએનએસસીમાં 5 કાયમી સભ્યો અને 10 અસ્થાયી સભ્યો મળીને કુલ 15 સભ્યો છે. ચીન, ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ યુએનએસસીના કાયમી સભ્યો છે. આ પાંચ દેશો પાસે વીટો પાવર છે. વીટો પાવરનો ઉપ.ગ કરીને યુએનએસસીમાં આવતી કોઈપણ દરખાસ્તને આ પાંચ સભ્યો રોકી શકે છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ટ્રમ્પ ઈરાન પર ઓળઘોળ થયા તેમાં ભારતને ફાયદો

યુએનએસસીમાં 10 બિન-કાયમી સભ્યો હોય છે કે જેમની મુદત બે વર્ષની હોય છે. આ સભ્યો રીજિયન પ્રમાણે ચૂંટાય છે-આફ્રિકા અને એશિયામાંથી પાંચ, પૂર્વ યુરોપમાંથી એક, લેટિન અમેરિકા અને કેરેબિયન ટાપુમાંથી બે, પશ્ચિમ યુરોપ અને અન્ય પ્રદેશોમાંથી બે મળીને કુલ 10 અસ્થાયી સભ્યો યુએનએસસીમાં ચૂંટાય છે.

ભારત પણ ઘણી વાર યુએનએસસીમાં અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું છે. ભારત છેલ્લે 2021-22 દરમિયાન યુએનએસસીમાં અસ્થાયી (બિન-કાયમી) સભ્ય હતું. જાન્યુઆરી 2023માં ભારતની મુદત પૂરી થઈ પછી ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં નથી પણ ભવિષ્યમાં ચૂંટાઈ શકે ને અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાય તો રોટેશન પ્રમાણે એક વાર કે બે વાર પણ પ્રમુખ બની શકે.

પાકિસ્તાન જાન્યુઆરી 2025માં બે વર્ષના કાર્યકાળ માટે અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું હતું. યુએનએસસીમાં ગુપ્ત મતદાન દ્વારા કામચલાઉ સભ્યોની પસંદગી કરવામાં આવે છે અને અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાવા માટે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્લીમાં બે તૃતીયાંશ બહુમતી જોઈએ.

પાકિસ્તાનને યુએનના 193 સભ્ય દેશોમાંથી 182 દેશોના મત મળ્યા હતા. પાકિસ્તાનને આટલું જબરદસ્ત સમર્થન મળ્યું તેમાં પણ કશું આશ્ચર્યજનક નથી. યુનાઈટેડ નેશન્સમાં મુસ્લિમ દેશો પાકિસ્તાનના પડખે રહે છે અને ચીનના પીઠ્ઠુ દેશો પણ પાકિસ્તાનને ટેકો આપે છે તેથી પાકિસ્તાન સરળતાથી ચૂંટાઈ ગયેલું. અમેરિકા અને તેના સાથી દેશો પણ પોતાનો સ્વાર્થ આવે ત્યારે ભારતને અછોવાનાં કરે છે પણ સામે પાકિસ્તાનને પણ પંપાળ્યા કરે છે તેથી તેમનો ટેકો પણ મળ્યો જ હશે. એ સિવાય આટલા બધા દેશોનો ટેકો પાકિસ્તાનને કઈ રીતે મળે ?

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસના મોઢે અઘોષિત કટોકટીની વાત શોભતી નથી

કૉંગ્રેસ પાકિસ્તાન યુએનએસસીનું પ્રમુખ બન્યું તેને મોદી સરકારની વિદેશ નીતિની વિફળતા ગણાવે છે એ પણ હાસ્યાસ્પદ છે. પાકિસ્તાન પહેલી વાર યુએનએસસીનું પ્રમુખ બન્યું નથી પણ આઠમી વાર બન્યું છે. પાકિસ્તાન અગાઉ 1952-53, 1968-69, 1976-77, 1983-84, 1993-94, 2003-04 અને 2012-13 માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખ રહી ચૂક્યું છે. આ પૈકી 2003-04ને બાદ કરતાં કેન્દ્રમાં કૉંગ્રેસની જ સરકારો હતી. કૅાંગ્રેસ સરકારો એ વખતે કેમ પાકિસ્તાનને યુએનએસસીનું પ્રમુખ બનતાં નહોતી રોકી શકી? એ પણ કૉંગ્રેસ સરકારોની વિદેશ નીતિની નિષ્ફળતા કહેવાય કે નહીં ?
કૉંગ્રેસની વાતો એ રીતે પણ બકવાસ છે કે, યુએનએસસી પ્રમુખપદમાં કશું કમાવાનું નથી ને આ હોદ્દો શોભાના ગાંઠિયા જેવો છે. યુએનએસસીના તમામ ઔપચારિક અને અનૌપચારિક બેઠકોના અધ્યક્ષસ્થાને હોય છે અને બેઠકનો એજન્ડા તેમના નામે નક્કી થાય છે પણ વાસ્તવમાં નિર્ણયો તો બધા વીટો પાવર ધરાવતા પાંચ દેશો જ લે છે. આ પાંચ દેશોમાંથી જેનો પ્રમુખ હોય તેનો નક્કી કરેલો એજન્ડા ચાલતો હોય છે. પાકિસ્તાન ચીનના ખોળામાં બેઠેલું છે એટલે અત્યારે ચીનનો એજન્ડા ચાલશે. યુએનએસસીનાં નિવેદનો અને પ્રેસ સ્ટેટમેન્ટ્સ પર પાકિસ્તાનની સહી હશે એ જોઈને પાકિસ્તાને હરખાયા કરવાનું પણ એ સિવાય બીજું કશું તેણે કરવાનું નથી. ચીનના ચિઠ્ઠીના ચાકર બનીને વર્તવાનું છે ને તેનાં હિતોને સાચવવાનાં છે.

આ સંજોગોમાં પાકિસ્તાન યુએનએસસીનું પ્રમુખ બની જાય તેમાં ભારતને કંઈ નુકસાન નથી ને પાકિસ્તાન કોઈ લાટા લઈ જવાનું નથી. કૅાંગ્રેસની નેતાગીરી એટલી ભોટ પણ નથી કે આ વાત તેને ના સમજાય છતાં આવા મુદ્દાને ચગાવીને હાસ્યાસ્પદ દેખાય છે. તેનું કારણ એ કે, કૉંગ્રેસની નેતાગીરી પાસે દિશા નથી. મોદી સરકારને ક્યા મુદ્દે ઘેરવી તેની સમજ નથી કેમ કે કૉંગ્રેસની નેતાગીરી મીડિયા અને સોશિયલ મીડિયાજીવી થઈ ગઈ છે. એર કન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને મીડિયા કે સોશિયલ મીડિયામાં આવતા સમાચારોને આધારે જ રીએક્શન આપીને કૉંગ્રેસની નેતાગીરી વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવ્યાનો સંતોષ માને છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ઈરાન હોરમુઝ ખાડી બંધ કરે તો યુદ્ધ ભીષણ બને…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button