એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ નીતીશે બુરખો ખેંચ્યો તેનો બચાવ ના કરી શકાય

ભરત ભારદ્વાજ

ભારતમાં સાવ ફાલતું કહેવાય એવા મુદ્દાઓને ચગાવીને ચોળીને ચિકણું કરવાની ફેશન છે ને નીતીશ કુમારે બિહારમાં એક ડૉક્ટર યુવતીનો હિજાબ એટલે કે બુરખો ખેંચ્યો એ મુદ્દે એવું જ થઈ રહ્યું છે. નીતીશની હરકત યોગ્ય નથી તેમાં બેમત નથી પણ તેમાં આભ તૂટી પડ્યું હોય એવો દેકારો મચાવી દેવાની પણ જરૂર નથી. સામે નીતીશ મુસ્લિમ ડૉક્ટર યુવતીની માફી માગીને આ વિવાદ પર પડદો પાડી શકે પણ તેમને પણ અહમ નડતો હશે તેથી જેમાં કોઈ દમ જ નથી એવી ઘટના રાષ્ટ્રીય વિવાદનો મુદ્દો બની ગઈ છે.

આ વિવાદમાં ઘણાં લોકો પોતાનો રોટલો શેકી રહ્યા છે. કેટલાક નમૂના આખી વાતને ઈસ્લામના નિયમો અને હિજાબની પવિત્રતા સાથે જોડીને જુદું જ વાજું વગાડી રહ્યા છે તો સોશ્યલ મીડિયા ના કારણે જેમની દુકાનો ચાલે છે એવી કેટલીક કહેવાતી સેલિબ્રિટી તો નીતીશને થપ્પડ મારવાની ને તેમની ધોતી ઉતારી નાખવા સુધીની વાતો પર પહોંચી ગઈ છે. નીતીશે કરેલી હરકત કરતાં પણ વધારે છિછરી હરકત કરવાની હોડ જામી ગઈ છે.

આ મોંકાણ મંડાઈ તેના મૂળમાં અઠવાડિયાં પહેલાંની ઘટના છે. ગયા અઠવાડિયે બિહારમાં 1,000 થી વધુ આયુષ ડૉકટરોને નિમણૂક પત્ર આપવા માટેના સમારોહમાં ડૉ. નુસરત પરવીન નામની મુસ્લિમ મહિલા હિજાબ એટલે કે બુરખો પહેરીને આવેલી. નુસરત પોતાનો એપોઈન્ટમેન્ટ લેટર લેવા માટે હિજાબ પહેરીને જ સ્ટેજ પર ગઈ હતી. નીતીશે તેને એપોઈન્ટમેન્ટ લેટર આપીને અભિનંદન આપ્યા પછી શું કુમતિ સૂઝી કે, નુસરતના ચહેરા પરથી બુરખો ખેંચીને નીચે કરી દીધો. અત્યારે મોબાઈલ ફોન હાથવગા છે તેથી નીતિશની હરકતનો વીડિયો ઉતરી ગયો ને આરજેડીએ વાઇરલ કરી દીધો.

નીતીશે આવી હરકત કેમ કરી એ ખબર નથી. ચહેરા પર બુરખો પહેરેલો હોય તેથી ફોટો સારો નહીં આવે એવું નીતીશને લાગ્યું હશે કે પછી પડદે કે પીછે ક્યા હૈ એ જાણવાની ચટપટી થઈ તેની ચોખવટ તો નીતિશ જ કરી શકે પણ નીતીશની આ હરકતે બબાલ ઉભી કરી દીધી છે. આ બબાલમાં રાજકારણીઓથી માંડીને સેલિબ્રિટી સુધીના બધા કૂદી પડ્યા છે અને ભાજપ-જેડીયુના બે-ચાર નેતાને બાદ કરતાં બીજાં બધાં નીતીશના માથે માછલં ધોઈ રહ્યા છે.

નીતીશે નુસરત સાથે ગંદી હરકત કરી છે એવા આક્ષેપોનો મારો પણ ચાલી રહ્યો છે અને નીતીશે નુસરતની માફી માગવી જોઈએ એવી માગ પણ થઈ રહી છે. કોંગ્રેસે તો નીતીશની હરકતને અધમ ગણાવીને રાજીનામાની માગણી પણ કરી નાખી છે. આરજેડીએ સોબત એવી અસરનો રાગ છેડીને નીતીશના કૃત્યને ભાજપ-સંઘની સંગતની અસર ગણાવી છે.

ભાજપના ગિરિરિજસિંહ નીતીશના ખુલ્લેઆમ બચાવમાં બહાર આવ્યા છે. ગિરિરાજનું કહેવું છે કે, ભારત મુસ્લિમ રાષ્ટ્ર નથી કે એપોઈન્ટમેન્ટ લેટર લેવા આવનારી છોકરીએ તેનો ચહેરો બુરખામાં છૂપાવીને આવવું પડે. પાસપોર્ટ લેવા જાઓ કે એરપોર્ટ પર જાઓ ત્યારે ચહેરો બતાવવામાં વાંધો નથી હોતો તો સરકારી કાર્યક્રમમાં ચહેરો બતાવવામાં શું વાંધો છે ? ગિરિરાજે તો નીતીશને છોકરીના ગાર્ડિયન ગણાવીને ખોખારીને કહ્યું છે કે, નીતીશે કશું જ ખોટું કર્યું નથી.

આ કડાકૂટ વચ્ચે મુસ્લિમ મહિલાઓને બુરખો પહેરવાની ફરજ પડાય છે એવો નવો ફણગો ફૂટી ગયો છે. તેમાં પણ કહેવાતી સેલિબ્રિટીઓ કૂદી પડી છે. કેટલાકનું કહેવું છે કે, મુસ્લિમ મહિલાઓ પોતાની ચોઈસ એટલે કે પસંદગીથી બુરખો પહેરે છે ને કોઈ જબરદસ્તી કરાતી નથી.

બીજી તરફ જાવેદ અખ્તર સહિતની સેલિબ્રિટીનું કહેવું છે કે, હું પોતે પડદા પ્રથાનો વિરોધી છું અને કોઈ સ્ત્રી પોતાનો ચહેરો બતાવે તેમાં કોઈ અશ્ર્લીલતા નથી તેથી બુરખાથી અશ્ર્લીલતા રોકાય છે એ વાત બકવાસ છે. જો કે જાવેદ અખ્તરે પણ નીતીશની હરકતને અયોગ્ય ગણાવીને બિનશરતી માફીની માગણી તો કરી જ છે.

નીતીશે કશું ખોટું કર્યું નથી એ બચાવ લૂલો છે. ડૉ. નુસરત પરવીને એપોઈન્ટમેન્ટ લેટર લેવા માટે આવતી વખતે બુરખો પહેરીને નહીં પણ ખુલ્લા ચહેરે જ આવવું જોઈએ એ વાત સાચી છે પણ આ બુરખો દૂર કરવાનું કામ મુખ્યમંત્રીનું નથી. વાસ્તવમાં નુસરત સ્ટેજ પર આવી એ પહેલાં જ તેનો બુરખો દૂર કરવાની સૂચના આપી દેવાની જરૂર હતી પણ નીતીશના સ્ટાફથી ચૂક થઈ ગઈ તેમાં નુસરત બુરખા સાથે સ્ટેજ પર પહોંચી ગઈ.

નીતીશના ધ્યાન પર આ વાત આવી પછી તેમણે નુસરતને બુરખો દૂર કરવાની સૂચના આપવાની જરૂર હતી. પોતે બુરખો ખેંચે એ શિષ્ટાચાર ના કહેવાય એ યાદ રાખવાની જરૂર હતી. નીતીશની માનસિક સ્થિતી સારી નથી એ જોતાં તેમને આ વાત યાદ ના રહી હોય એવું બને પણ એ ભૂલ જ કહેવાય તેથી તેનો બચાવ કરવાની જરૂર નથી. ગિરિરાજ સહિતના ભાજપના નેતાઓએ નીતીશનો બચાવ કરવાના બદલે નીતીશને સલાહ આપવી જોઈએ કે, માફી માગીને કકળાટ ખતમ કરે પણ તેના બદલે એ લોકો બળતામાં ઘી હોમી રહ્યા છે કેમ કે તેમના રાજકીય ફાયદાની વાત છે.

બુરખાને મુદ્દે થઈ રહેલી ચોવટ પણ નકામી છે કેમ કે બુરખો પહેરવો કે ના પહેરવો એ વ્યક્તિગત પસંદગીની બાબત છે. ભારત મુસ્લિમ રાષ્ટ્ર નથી એ સાચું પણ સામે ભારતમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ નથી એ પણ એટલી જ સાચી વાત છે એ જોતાં કોઈને બુરખો નહીં પહેરવાની ફરજ ના પાડી શકાય. જે રીતે આપણી બહેન-દીકરીઓ સલવાર-કમીઝ કે જીન્સ, ટીશર્ટ વગેરે પહેરે છે એ રીતે બુરખો પણ પહેરી જ શકે.

મુસ્લિમ મહિલાઓ બુરખો પોતાની પસંદગીથી પહેરે છે કે નહીં એ મુદ્દો પણ વાહિયાત છે અને એ અંગે કોઈ ચર્ચાનો અર્થ નથી. આપણો સમાજ પુરૂષ પ્રધાન છે તેથી પુરૂષોને યોગ્ય લાગે એવી પ્રથાઓ મહિલાઓએ મને-કમને પાળવી જ પડે છે. હિંદુ સમાજ તો મુસ્લિમો કરતાં ઘણો સુધરેલો છે છતાં ઘણે દોઢ હાથના ઘૂમટા તાણીને સ્ત્રીઓ રહે જ છે ને ?

બુરખાની મગજમારી ચાલી રહી છે ત્યારે જ યુપીમાં એક મુસ્લિમ યુવકે બુરખો નહીં પહેરતી પત્નીની હત્યા કરી નાખી એવી ઘટના બની છે. ઘણી મુસ્લિમ મહિલાઓ આ પ્રકારનાં રીએક્શનના ડરથી બુરખા પહેરતી હોય ને કોઈ ચોઈસથી પહેરતી હોય એવું બને.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ એક યોજનામાંથી નામ કાઢવાથી ગાંધીજીનું અપમાન ના થાય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button