એકસ્ટ્રા અફેરઃ પીજી મેડિકલમાં માઈનસ 40 ગુણે એડમિશનથી કેવા ડોક્ટરો બનશે?

ભરત ભારદ્વાજ
અમેરિકા અને ઈરાન વચ્ચે જામેલા જંગથી માંડીને સામ્યવાદી ચીના ભાજપની પરોણાગત માણવા ગયા ત્યાં સુધીના સમાચારોના કારણે અત્યારે રાજકીય રીતે ગરમીનો માહોલ છે તેથી એક મહત્ત્વના સમાચાર તરફ લોકોનું ધ્યાન નથી ગયું. ભારતમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) લેવાય છે. અંડર ગ્રેજ્યુએટ એટલે કે એમબીબીએસ સહિતના કોર્સ માટેની પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) લે છે જ્યારે એમડી, એમએસ સહિતના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટેની પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ લે છે.
હમણાં એનબીઇએમએસ એ મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે લેવાતીનીટ પીજી 2025ના ક્વોલિફાઇંગ પર્સન્ટાઇલની જાહેરાત કરી. આ જાહેરાત પ્રમાણે, સામાન્ય કેટેગરી માટે કટ-ઓફફ 50 પર્સન્ટાઇલથી ઘટાડીને 7 પર્સન્ટાઇલ કરી દેવાયો છે જ્યારે અનુસૂચિત જાતિ (એસસી) અનુસૂચિત જનજાતિ (એસટી) અને અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી) સહિતની અનામત કેટેગરી માટે કટ-ઓફ 40થી ઘટાડીને `શૂન્ય’ કરી દેવાયા છે.
મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે લેવાતી નીટ પીજીમાં કુલ 800 માર્ક્સ હોય છે. નવાં ધારાધોરણ પ્રમાણે, જનરલ કેટેગરીમાં 800માંથી 103 માર્ક્સ મેળવનારને જ્યારે અનામત કેટેગરીમાં તો માઇનસ 40 સ્કોર મેળવનારા ડોક્ટરો પણ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન માટે લાયક ઠરશે.
પહેલાં જનરલ કેટેગરીમાં 800માંથી 276 માર્ક્સ હોય અને અનામત કેટેગરીમાં 235 માર્ક્સ હોય તો જ એડમિશન માટે અરજી કરી શકાતી. હવે જનરલ કેટેગરીમાં પહેલાં કરતાં 40 ટકા માર્ક્સ હશે તો પણ એડમિશન મળશે જ્યારે અનામત કેટેગરીમાં તો એક પણ માર્ક લાવવાની પણ જરૂર નથી. ખાલી પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની પરીક્ષા આપી આવ્યા હોય ને પેપર કોં મૂકી આવ્યા હોય તેમને પણ એડમિશન મળી જશે. બલકે દોઢ ડાહ્યા થઈને ના આવડતું હોય છતાં અડસટ્ટે થોડા સવાલોના જવાબો લખી દીધા હોય તેમાં માઈનસ 40 સુધી માર્ક્સ આવી ગયા હશે તો પણ એડમિશન મળી જશે.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (એનબીઇએમએસ) કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે પણ સ્વાયત્ત સંસ્થા છે. આ કારણે આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હોવાનું સીધું આળ મૂકી ના શકાય પણ કેન્દ્ર સરકારની તાબેદાર સંસ્થાઓ કેટલી સ્વાયત્ત છે એ સૌ જાણે જ છે. આ સંજોગોમાં આ નિર્ણય પાછળ કેન્દ્ર સરકારનો દોરીસંચાર છે એ પણ સ્પષ્ટ છે. કેન્દ્ર સરકારે કોના લાભાર્થે આ નિર્ણય લીધો એ પણ સ્પષ્ટ છે.
મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિઝમાં ગયા વરસે 18,000 થી વધુ બેઠકો ખાલી રહી હતી. આ બેઠકો ભરવા માટે કેન્દ્ર સરકારના ઈશારે કટ ઓફ માર્ક્સમાં જ ઘટાડો કરી દેવાયો. ખાલી રહેલી બેઠકો ભરાશે તેથી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ચલાવતી કોલેજોને રોકડી થશે. ભારતમાં મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ સરકારી અને ખાનગી બંને કોલેજોમાં ચાલે છે તેથી સરકારોને પણ આવક થશે ને ખાનગી કોલેજોના સંચાલકોને પણ આવક થશે.
કેન્દ્ર સરકારે આવકના ચક્કરમાં કટ ઓફ માર્ક્સ ઘટાડી દીધા તેના કારણે શું અસર થશે એ વિશે વિચારવાની જરૂર છે. શૈક્ષણિક નિષ્ણાતોનું માનવું છે કે, ક્વોલિફાઇંગ સ્કોર એકદમ ઓછો રાખવાથી કોઈ પણ વ્યક્તિ મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન મેળવી શકશે અને તેના કારણે ડોક્ટરોનું સ્તર ખૂબ નીચું જશે.
નીટ-પીજીમાં જેમને 103 માર્ક્સ આવ્યા હોય એવા એમબીબીએસ થયેલા ડોક્ટરો બહુ હોંશિયાર ના હોય ને જેમને માઈનસ 40 સુધી માર્ક્સ સુધી આવ્યા હોય તેમના સ્તર વિશે તો કશું કહેવા જેવું જ નથી. અત્યાર લગી આવા ડોક્ટરોને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે લાયક જ નહોતા ગણવામાં આવતા. હવે અચાનક સરકાર રીઝીને તેમને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનાવી દેશે એવા ડોક્ટરોનો ફાલ ઉતરશે કે જેમનામાં કોઈ લાયકાત જ ના હોય.
આ લાયકાત વિનાના ડોક્ટરો રીતસર કાળો કેર વર્તાવી શકે કેમ કે મેડિકલ વ્યવસાય કંઈ કરિયાણાની દુકાન ખોલવાનો ધંધો નથી પણ એવો વ્યવસાય છે કે જેનો સીધો સંબંધ માણસની જીંદગી સાથે છે. તેમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ડોક્ટરો સ્પેશિયાલિસ્ટ કહેવાય છે અને તેમની પાસે તો મોટા ભાગે ગંભીર બીમારીઓના દર્દી જ આવતા હોય છે.
તો એ ગંભીર રોગની સર્જરી કરવાની હોય, સામાન્ય ડોક્ટર ના પકડી શકતો હોય એવો કોઈ ગંભીર રોગ થઈ ગયો હોય એવા દર્દીઓ સ્પેશિયાલિસ્ટ પાસે આવે છે. હવે માંડ માંડ એમબીબીએસ થયેલો ડોક્ટર સ્પેશિયાલિસ્ટ બને પછી એ કઈ રીતે સર્જરી કરી શકવાનો કે કઈ રીતે સાચું નિદાન કરી શકવાનો? એ દર્દીઓ પર અખતરા જ કરવાનો ને તેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મૂકાશે.
આ નિર્ણય દ્વારા દર્દીઓના જીવન સાથે ખતરનાક રમત રમાઈ રહી છે પણ કેન્દ્રની મોદી સરકારને તેની કશી પડી નથી. આમ પણ જે દેશના શાસકો યુવાનોને પકોડા તળીને કે મગફળી વેચીને કે રીલ્સ બનાવીને રોજગારી કમાવવાની સલાહ આપતા હોય તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકો?
મોદી સરકારે પહેલાં જ મતબેંકના રાજકારણને વાસ્તે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સીસમાં ઓબીસી અનામતનું લઠ્ઠું ઘૂસાડ્યું જ છે. તેના કારણે સ્તર નીચું ગયું જ છે ને હવે વધારે નીચું જશે. પહેલાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન માટે ઓલ ઈન્ડિયા કોટામાં માત્ર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ અનામત હતી.
આ બંને માટે થઈને 22.5 ટકા બેઠકો અનામત હતી. મોદી સરકારે 2022થી તેમાં 27 ટકા ઓબીસી ને 10 ટકા ઈડબલ્યુએસ અનમાત ઉમેરતાં ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળની મેડિકલ કોલેજોની બેઠકોમાં 60 ટકા જેટલી બેઠકો અનામત થઈ જ ગઈ છે. આ નિર્ણયના જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 40 ટકાની આસપાસ બેઠકો થઈ ગઈ છે.
આ સંજોગોમાં જનરલ કેટેગરી માટે કટ-ઓફફ નીચા લવાયા તેના કારણે બહુ ફરક નહીં પડે પણ અનામત કેટેગરીમાં કટ ઓફ ઓછા કરાયા તેના કારણે હવે ગમે તે આલિયા, માલિયા, જમાલિયા સ્પેશિયાલિસ્ટ બની જશે. તેમના અણઘડપણાને કારણે જીવ જશે તો લોકોના જશે, શાસકોએ થોડી તેમની પાસે સારવાર કરાવવાની છે? તેમના માટે તો સરકારી ને ખાનગી હોસ્પિટલોના ખ્યાતનામ નિષ્ણાતો ખડે પગે હાજર છે. જે કિમત ચૂકવશે એ સામાન્ય લોકો ચૂકવશે.
આ પણ વાંચો…પીઓકે હોય કે શક્સગામ ખીણ, પાછું લેવા મર્દાનગી બતાવવી પડે


