એકસ્ટ્રા અફેર : ‘નાટો’ની પ્રતિબંધોની ધમકી: ભસતાં કૂતરાં કરડે નહીં | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ‘નાટો’ની પ્રતિબંધોની ધમકી: ભસતાં કૂતરાં કરડે નહીં

  • ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ટૅરિફના નામે ભારત સહિતના દેશોને દબાવી જોવા ફાંફાં મારી જોયાં પણ કોઈએ મચક ના આપતાં ભોંઠા પડેલા ટ્રમ્પે નાટો (નોર્થ એન્ટલાન્ટિક ટ્રિટિ ઓર્ગેનાઈઝેશન)ના માધ્યમથી ભારત સહિતના દેશોને દબાવવાનો દાવ ખેલ્યો છે. ટ્રમ્પના ઈશારે નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારત, ચીન અને બ્રાઝિલ જો રશિયા સાથેનો વેપાર બંધ ના કરે તો તેમના પર 100 ટકા પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે.

ડોનલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલાં જ રશિયા સામે લડવા માટે યુક્રેનને નવા હથિયારો આપવાની અને રશિયા સાથે વેપાર કરતા દેશોના અમેરિકામાં આવતા માલ પર તોતિંગ ટૅરિફ લાદવાની ધમકી આપી હતી ને હવે રૂટ પણ એ જ ભાષા બોલી રહ્યા છે. તેના પરથી સ્પષ્ટ છે કે, રૂટ ટ્રમ્પના ચડાવ્યા આ ધંધો માંડીને બેઠા છે અને ટ્રમ્પના પઢાવેલા પોપટ તરીકે વર્તી રહ્યા છે.

રૂટનું કહેવું છે કે, ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન સાથેનું યુદ્ધ ખતમ કરવા માટે શાંતિ વાટાઘાટો શરૂ કરવા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન પર દબાણ કરવું જોઈએ. રૂટે રશિયા સાથે વ્યાપાર કરવા સામે પણ વાંધો લઈને કહ્યું છે કે, ચીન, ભારત, બ્રાઝિલે સમજવું પડશે કે રશિયા સાથે વેપાર ચાલુ રાખવાથી ભારે નુકસાન થઈ શકે છે. આ ત્રણેય દેશના નેતાઓને મારી અપીલ છે કે, પુતિન સાથે ફોન પર વાત કરે અને શાંતિ વાટાઘાટો માટે કહે. પુતિન તેમની વાત ના માનતા હોય તો રશિયા સાથે વ્યાપાર બંધ કરી નાંખે. રશિયા યુદ્ધ ચાલુ રાખે છતાં આ દેશો રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે તો તેમના પર 100 ટકા સેક્ધડરી પ્રતિબંધો લાદવામાં આવશે.

નાટો પાસે ધમકી અપાવીને ટ્રમ્પ એક કાંકરે બે પક્ષી મારવાની કોશિશ કરી રહ્યા છે. ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ પતાવી દેવાના બહુ ફડાકા મારેલા. પોતે અમેરિકાના પ્રમુખ બનશે તેના મહિનામાં દુનિયામાં શાંતિ થઈ જશે એવી મોટી મોટી વાતો ટ્રમ્પે કરેલી પણ કશું થયું નથી. વ્લાદિમિર પુતિન અને ઝેલેન્સ્કી બંને ટ્રમ્પને ઘોળીને પી ગયા છે તેથી યુદ્ધ પતતું જ નથી. બલકે યુદ્ધ ઉગ્ર બન્યું છે. ટ્રમ્પે પુતિનનું નાક દબાવવા માટે ભારે મથામણ કરી પણ મેળ પડતો જ નથી તેમાં આખી દુનિયામાં તેમના ઈજ્જતના ભડાકા થઈ રહ્યા છે એટલે આબરૂ બચાવવા માટે ટ્રમ્પે નાટોની ઓથ લેવી પડી છે.

બીજું એ કે, અમેરિકાને ફરી દુનિયાનો દાદો બનાવવા માટે ટ્રમ્પે ટૅરિફ લાદવાની જાહેરાતો કરી તેના કારણે અમેરિકાના સાથી દેશો પણ તેનાથી વેગળા થઈ ગયા છે. ‘નાટો’ની સ્થાપના બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિના ચાર વર્ષ પછી એટલે કે 1949માં થઈ હતી ને અમેરિકાએ તેની આગેવાની લીધી હતી. યુરોપ-અમેરિકાને અલગ પાડતા એટલાન્ટિક મહાસાગરના કાંઠે ફેલાયેલા દેશોએ ભેગા થઈને ‘નાટો’ બનાવ્યું છે,

‘નાટો’ની સ્થાપના થઈ ત્યારે સભ્ય દેશો 12 હતા. આ દેશોને જાપાન-ચીનથી ખતરો લાગતો હતો કેમ કે બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને હાહાકાર મચાવ્યો હતો. ચીન ઝડપથી ઊભરી રહ્યું હતું તેથી તેનાથી પણ ખતરો હતો. આ બેવડા ખતરા સામે અમેરિકા તેમનું રક્ષણ કરી શકશે તેવા વિશ્વાસ સાથે આ દેશો તેમાં જોડાયા. ‘નાટો’નો ઉદ્દેશ લશ્કરી તાકાત ઊભી કરવાનો હતો એટલે ‘નાટો’ આજે પણ દુનિયાનું સૌથી મોટું લશ્કરી સંગઠન છે.

‘નાટો’ના કુલ સભ્ય દેશો 29 છે અને બધા એકબીજાને લશ્કરી મદદ કરવા બંધાયેલા છે. વરસો લગી નાટોના દેશો એક થઈને રહ્યા અને તેના કારણે તેમની આર્થિક સમૃદ્ધિ વધી. ટ્રમ્પને એવો ભ્રમ છે કે, અમેરિકાના કારણે આ બધા દેશો માલદાર બની રહ્યા છે એટલે તેમણે તોરમાં ને તોરમાં આ દેશો પર પણ ધડાધડ ટૅરિફ ઠોકી દીધા. તેના કારણે ‘નાટો’ના દેશો અમેરિકાથી નારાજ છે અને પોતાનાં આર્થિક હિતો બનાવવા માટે નવી નવી ધરીઓ રચી રહ્યા છે. કેનેડાએ તો અમેરિકા સામે બાંયો જ ચડાવી દીધી છે. ટ્રમ્પને મોડે મોડે ભાન થયું છે કે, અમેરિકા એકલું આખી દુનિયા પર દાદાગીરી ના કરી શકે ને યુરોપના દેશો સાથે ના હોય તો અમેરિકાને કોઈ ગણકારે પણ નહીં એટલે તેમણે ફરી ‘નાટો’ને ભાવ આપવા માંડ્યો છે.

ટ્રમ્પે ‘નાટો’ના દેશો સાથે રશિયા-યુક્રેનના મુદ્દે પણ બાખડી બાંધી હતી. યુરોપિયન યુનિયનના દેશો રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને ‘નાટો’ના સભ્યોએ પૂરી તાકાતથી મદદ કરવી જોઈએ એવું માને છે, પણ ટ્રમ્પને દુનિયાના શાંતિદૂત બનવાના ધખારા હતા એટલે યુક્રેનને મદદ બંધ કરી દીધેલી. હવે ‘નાટો’ને સાથે રાખવા યુક્રેનને મદદ કરવાનું એલાન પણ કર્યું છે અને ‘નાટો’નો ઉપયોગ પોતાના બદઈરાદાને પાર પાડવા માટે પણ કરી રહ્યા છે.

ટ્રમ્પને જે દાવ ખેલવા હોય એ ખેલે પણ આપણા માટે મહત્ત્વનો મુદ્દો ‘નાટો’ પ્રતિબંધો લાદે તો શું થાય તેનો છે. વાસ્તવમાં તેનાથી ભારત, બ્રાઝિલ કે ચીનને કોઈ ફરક ના પડે. ચીન રશિયાનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને રશિયન ઓઈલનો મુખ્ય ખરીદદાર છે. ચીન રાક્ષસી તાકાત ધરાવે છે તેથી કોઈને ગણકારતું જ નથી. ટ્રમ્પે ચીનને દબાવવા કરેલા બધા કારસા નિષ્ફળ ગયા છે ને હાંફી ગયેલા ટ્રમ્પ ખુદ ચીનના પગમાં આળોટી ગયા છે એ જોતાં ‘નાટો’ પણ ચીનને કશું ના કરી શકે તેમાં બેમત નથી પણ ભારતનું પણ ‘નાટો’ કંઈ બગાડી ના શકે.

આપણ વાંચો:  શો-શરાબા – મધ્યાંતર પછી હવે શું?

ભારત અને રશિયા વચ્ચે અત્યારે સૌથી મોટો વેપાર ફ્રૂડ ઓઈલનો છે. ભારત રશિયા પાસેથી ફ્રૂડ ઓઇલનો મોટો ખરીદદાર છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી રશિયાએ પોતાના અર્થતંત્રને ધમધમતું રાખવા માટે દુનિયાભરના દેશોને સસ્તુ ફ્રૂડ આપવા માંડ્યું પછી ભારત પણ રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદીને ફાયદો લઈ શકે છે. ‘નાટો’ના દેશો દ્વારા સેક્ધડરી પ્રતિબંધો લાદવામાં આવે તો રશિયન ઓઈલનો પુરવઠો બંધ થઈ જાય એવું કહેવાય છે, પણ વાસ્તવમાં એવું થવાનું નથી.

ભારત થર્ડ પાર્ટી મારફતે રશિયન ઓઈલ ખરીદી જ શકે તેથી ‘નાટો’ કંઈ બગાડી ના શકે. ભૂતકાળમાં ટ્રમ્પે આ રીતે ભારતનું નાક દબાવવા કોશિશ કરેલી છે પણ ફાવ્યા નથી એટલે હવે ‘નાટો’ મારફતે મથી રહ્યા છે પણ આ વખતે પણ નહીં ફાવે.

ગુજરાતીમાં કહેવત છે કે, ભસતાં કૂતરાં કરડે નહીં. ‘નાટો’ના કેસમાં પણ એવું જ થવાનું છે કેમ કે ‘નાટો’ પ્રતિબંધ દે તો ભારત પણ સામે તેમના પર પ્રતિબંધો લાદી જ શકે છે. યુરોપના દેશો માટે ભારતના દરવાજા બંધ થાય તો તેમને પણ ફટકો પડે જ તેથી આ મુદ્દે ચિંતા કરવા જેવી નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button