એકસ્ટ્રા અફેર

કેનેડા સામે મોદી સરકારે વધારે આકરા થવું જોઈએ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારત અને કેનેડાના સંબધો વરસોથી સારા હતા પણ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓના કારણે કડવાશ આવવા માંડેલી. આ વરસના જૂનમાં કેનેડામાં ખાલિસ્તાનવાદી આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યા થયેલી ને ત્યારથી કેનેડા ઊંચુંનીચું થયા કરતું હતું. હવે અચાનક જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજજરની હત્યા માટે ભારત પર દોષારોપણ કરી દેતાં ભડકો થઈ ગયો.

ટ્રુડોએ ભારત પર માત્ર દોષારોપણ જ નથી કર્યું પણ ભારતના એક ડિપ્લોમેટની હકાલપટ્ટી પણ કરી નાંખી. ભારતે વળતો પ્રહાર કરીને કેનેડાના એક ડિપ્લોમેટને પાંચ દિવસમાં ભારત છોડીને રવાના થવા કહી દીધું. ભારત એવું કરશે એવું કેનેડાએ ધાર્યું નહોતું પણ તેની કળ વળે એ પહેલાં ભારતે કેનેડાના નાગરિકો માટેની વિઝા સેવા બંધ કરવાનું નક્કી કરી નાંખ્યું.

ભારત સરકારે કરેલી જાહેરાત પ્રમાણે, બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડામાં ભારતીય કોન્સ્યુલેટ્સની સુરક્ષા પર જોખમ વધતાં ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ર્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. ભારત સરકારે સત્તાવાર રીતે કરેલી જાહેરાત પ્રમાણે, કેનેડામાં હાઈકમિશન અને કોન્સ્યુલેટ સુરક્ષાને મુદ્દે ભારત ચિંતિત છે. કોન્સ્યુલેટનો સ્ટાફ ધમકીઓનો સામનો કરી રહ્યા છે તેથી તેમની સામાન્ય કામગીરી પર અસર પડી રહી છે, તેથી હાઈકમિશન અને કોન્સ્યુલટ વિઝા અંગેની કામગીરી કરી શકે તેમ નથી તેથી આ સેવા બંધ કરાઈ છે.

કેનેડા શું રીએક્શન આપે છે એ જોવાનું છે પણ મોદી સરકારે લીધેલું પગલું એકદમ યોગ્ય છે અને આખા દેશે તેનું સમર્થન કરવું જોઈએ. કેનેડાએ નિજજરની હત્યાના મામલે હોબાળો કરીને ચોરી પર સિનાજોરી કરી છે એ સંજોગોમાં ભારતે એ જ કરવાનું હોય.

ભારતે સત્તાવાર રીતે હરદીપસિંહ નિજજરની હત્યામા પોતાનો કોઈ હાથ હોવાનો ઈન્કાર કર્યો છે પણ માનો કે ભારતે નિજજરને પતાવી દીધો હોય તો પણ તેમાં કશું ખોટું કર્યું નથી. નિજજર કેનેડા માટે પોતાનો નાગરિક હશે પણ ભારત માટે તો આતંકવાદી જ હતો. એ ભારતમાં આતંકવાદ ફેલાવતો હતો ને ભારતના વારંવાર કહ્યા છતાં કેનેડા કશું કરતું નહોતું. આ સંજોગોમાં ભારત કંઈ મંજીરા થોડું વગાડ્યા કરે? કેનેડા જઈને ભારતના એજન્ટોએ કે માણસોએ પતાવી દીધો હોય તો બરાબર જ કર્યું છે.

ભારતે કેનેડા સામે હજુય આકરું વલણ લેવાની જરૂર છે કેમ કે કેનેડા લાંબા સમયથી ભારત વિરોધી પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે ને ખાલિસ્તાનની ચળવળને ફરી સક્રિય કરવાનું એપી સેન્ટર છે. ખાલિસ્તાન બનાવવામાં ભારતના શીખોને બહુ રસ નથી પણ વિદેશમાં રહેતા શીખોને રસ છે.

કેનેડા, બ્રિટન અને અમેરિકામાં રહેતા સીખોનો એક વર્ગ ખાલિસ્તાનનો સમર્થક છે. કેનેડામાં તો વારંવાર ખાલિસ્તાનનાં પોસ્ટર લાગે છે ને લોકો ભેગાં થઈને ખાલિસ્તાનની તરફેણમાં નારા લગાવે છે. કેનેડાની સરકારે સત્તાવાર રીતે કહ્યું છે કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદ ફરી માથું ઉંચકી રહ્યો છે. જેની હત્યાના કારણે બબાલ થઈ છે એ ખાલિસ્તાનવાદી આતંકી હરદીપસિંહ નિજજર તો કેનેડાના બ્રિટિશ કોલમ્પિયામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઈની મદદથી આતંકી કેમ્પો ચલાવતો હતો એવું કેનેડાની સરકારના સત્તાવાર રિપોર્ટમાં કહેવાયું છે.

કેનેડા ઉપરાંત બ્રિટન અને અમેરિકામાં પણ ખાલિસ્તાન સમર્થકો મોટી સંખ્યામાં છે કેમ કે તેમની પાસે પૈસો છે. કેનેડા, બ્રિટન અને અમેરિકામાં રહેતા શીખો ધનિક હોવાથી ખાલિસ્તાનવાદીઓને પોષી શકે છે. શીખો માટે નવો દેશ બને તો પોતાનો પ્રભાવ વધે એ કારણે એ લોકો ખાલિસ્તાનના વિચારને પોષે છે. પાકિસ્તાનમાં તો આજે પણ બબ્બર ખાલસા સહિતના સંગઠનોના ભારતમાંથી ભાગેલા ખાલિસ્તાની આતંકવાદી પાકિસ્તાનમાં જ છે. આ બધાંને ખાલિસ્તાનના વિચારને હવા આપીને ભારતમાં અરાજકતા ઉભી કરવા મથ્યા કરે છે ને તેમાં સૌથી વધારે પ્રવૃત્તિઓ કેનેડામાં ચાલે છે કેમ કે કેનેડામાં શીખો મોટી સંખ્યામાં રહે છે.

કેનેડામાં રહેતા આ ખાલિસ્તાનવાદીઓ ભારતમાં હત્યાઓ કરે છે ને બીજી પણ દેશવિરોધી પ્રવૃત્તિઓ કર્યા કરે છે. સ્વાભાવિક રીતે જ ભારત આ બધા સામે હાથ પર હાથ મૂકીને બેસી ના રહી શકે. ભારતે કેનેડાનું આ ભારત વિરોધી પ્રવૃત્તિઓ તરફ ધ્યાન પણ દોરેલું પણ શીખોની મતબૅન્ક મોટી હોવાથી કેનેડાની સરકારકને કશું કરવામાં રસ નહોતો. જસ્ટિન ટ્રુડો પોતાના સ્વાર્થ ખાતર ભારતની મેથી મારવા મથ્યા કરતા ખાલિસ્તાનવાદીઓને કશું કરતા નથી ત્યારે ભારતે પોતાનાં હિતો સાચવવા માટે જે કરવું પડે એ કરવાનું જ હોય.

મોદી સરકાર એ જ કરી રહી છે.

કેનેડામાં ઘૂસીને ભારતની મેથી મારતા આતંકીઓને પતાવવાના હોય કે કેનેડા સામે બીજાં પગલાં લેવાનાં હોય, મોદી સરકાર સો ટકા સાચી છે. કેનેડા ખાલિસ્તાની અલગતાવાદીઓને સુરક્ષિત આશ્રય પૂરું પાડે ને પાકિસ્તાને તેમને ફંડ આપ્યા કરે એ નજર સામે દેખાતું હોય છતાં મોદી સરકાર કશું ના કરે તો એ બાયલાગીરી કહેવાય. આપણે ખુશ થવું જોઈએ કે, આપણી સરકાર આવી બાયલાગીરી કરવાના બદલે દેશના આત્મસન્માનને વદારે મહત્ત્વ આપી રહી છે. મોદી સરકારે વધારે આકરા થઈને આ કંકાસનો કાયમ માટે નિવેડો લાવી દેવાની જરૂર છે.

કેનેડા સાથેના સંબોધો તંગ બનતાં ગુજરાતીઓ ફફડી ગયા છે કેમ કે ગુજરાતીઓ મોટા પ્રમાણમાં કેનેડામાં રહે છે. ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થી અને તેમના વાલીએ ચિંતિત છે કેમ કે, ગુજરાતમાંથી દર વર્ષે ૪૦ હજાર જેટલા ગુજરાતીઓ કેનેડાનાં અલગ અલગ શહેરમાં અને વિવિધ યુનિવર્સિટીમાં ભણવા જાય છે. ૨૦૨૩માં ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓએ કેનેડાની જુદી જુદી સંસ્થાઓમાં પ્રવેશ લીધો છે ને તેમાં ૧.૮૫ લાખ માત્ર ભારતના છે.

કેનેડા ભણવા જનારા સ્ટુડન્ટ્સમાં સૌથી વધારે પંજાબના છે, બીજા નંબરે હરિયાણાના છે અને ત્રીજા નંબરે ગુજરાતના છે. વાલીઓને પોતાનાં સંતાનોની ચિંતા થાય એ સમજી શકાય પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને કંઈ થાય તો કેનેડાની શિક્ષણની દુકાનો બંધ થઈ જાય તેથી કેનેડા તેમને કંઈ નહીં થવા દે.

બીજું એ કે, દેશપ્રેમ માટે થોડું વેઠવું પડે તો તેની પણ તૈયારી રાખવી પડે. ખાલી સોશિયલ મીડિયા પર ભક્તિ દેખાડો તેનાથી ના ચાલે. દેશના ગૌરવથી વધારે કંઈ નથી.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button