
- ભરત ભારદ્વાજ
હિંદ મહાસાગરમાં આવેલા ટચૂકડા ટાપુઓના બનેલો દેશ માલદીવ્સ ફરી ચર્ચામાં છે. એક સમયે હળાહળ ભારત વિરોધી વલણ અપનાવીને ચીનના ખોળામાં બેસી જનારા માલદીવ્સનું ફરી હૃદયપરિવર્તન થયું છે અને હવે ભારતનાં ગુણગાન ગાવા માંડ્યું છે. હમણાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્સના પ્રવાસે ગયા ત્યારે માલદીવ્સના શાસકોએ મોદીના પગમાં જ આળોટવાનું બાકી રાખ્યું.
માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મૂઈજજુથી માંડીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સુધીના નેતાઓએ મોદી અને ભારતની તારીફમાં કસિદા પઢવામાં કોઈ કસર ના છોડી. ભારત જ માલદીવ્સનું સાચું દોસ્ત છે ત્યાંથી માંડીને માલદીવ્સને ભારત સાથે મજબૂત સંબંધો રાખવામાં રસ છે ત્યાં સુધીનાં નિવેદનો દ્વારા માલદીવ્સના નેતાઓએ પોતે ચીનને છોડીને ભારત તરફ પાછા વળવા માગે છે તેનો સ્પષ્ટ સંકેત આપી દીધો.
માલદીવ્સનું બદલાયેલું વલણ ભારતની વિદેશી નીતિની મોટી જીત છે તેમાં શંકા નથી. તેનું કારણ એ કે, માલદીવ્સ ભલે સાવ ટચૂકડો દેશ હોય પણ ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો દેશ છે. માલદીવ્સમાં ભારતતરફી શાસકો આવે તો ભારતની સુરક્ષાને ઉની આંચ ના આવે એ હદે માલદીવ્સ ભારત માટે મહત્ત્વનું છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ઉપરાષ્ટ્રપતિપદે નાયડુ જેવા તટસ્થ માણસની પસંદગી થવી જોઈએ
માલદીવ્સની વસતી માંડ સવા પાંચ લાખની આસપાસ છે. માલદીવ્સ સાવ જ ઓછી વસતી ધરાવતો દેશ હોવાથી ત્યાં કોઈ માર્કેટ જ નથી તેથી માલદીવ્સને માલ વેચીને કે સારા આર્થિક સંબંધો રાખીને ભારતે કશું કમાવાનું નથી, પણ હિંદ મહાસાગરમાં માલદીવ્સનું ભૌગોલિક સ્થાન ભારત માટે બહુ મહત્ત્વનું છે. ભારતની દક્ષિણમાં શ્રીલંકાની ડાબી તરફમા આવેલા માલદીવ્સના ટાપુ હિંદ મહાસાગરમાં કોનું વર્ચસ્વ રહેશે એ નક્કી કરે છે.
ભારતના વરસો સુધી માલદીવ્સ સાથે સારા સંબધો હતા તેથી હિંદ મહાસાગરમાં ભારત સુરક્ષિત હતું પણ છેલ્લાં કેટલાંક વરસોમાં સ્થિતિ બદલાઈ છે. ચીન ભૂતકાળમાં પણ માલદીવ્સમાં ઘૂસવા મથતું હતું, પણ ભારતે માલદીવ્સને છૂટા હાથે મદદ કરીને ભૂતકાળમાં માલદીવ્સમાં ચીનનો પગપસારો રોકવામાં સફતા મેળવી હતી. માલદીવ્સમાં 1978માં પ્રમુખપદે આવેલા અબ્દુલ ગયુમ ભારતતરફી હતા.
ગયુમ રાષ્ટ્રપતિપદે ત્રણ દાયકા રહ્યા અન ગયુમના શાસન વખતે માલદીવ્સને ભારતે છૂટા હાથે મદદ કરીને તેમને સત્તામાં ટકાવી રાખેલા પણ ગયુમે 2008માં લોકો સીધી ચૂંટણી કરે તેવી પધ્ધતિ અપનાવી તેમાં હારી ગયા પછી મોહમેદ નાસિર પ્રમુખ બન્યા. નાસિર પણ ભારતતરફી હતા તેથી ચીનને મોકો ના મળ્યો પણ એ પછીની ચૂંટણીમાં યામીન જીત્યા એટલે ચીનને ઘૂસણખોરી કરવાની તક મળી ગઈ.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ધનખડના રાજીનામાનો બહુ વસવસો કરવા જેવો નથી…
યામીને ભારત પરની પોતાની નિર્ભરતા ઘટાડવાના નામે ચીનના પગમાં આળોટવાનું શરૂ કરતાં સ્થિતિ બદલાઈ, 2013થી સત્તા સંભાળનારા યામીને ચીન અને સાઉદી રોકાણકારોને નોંતરીને ચીનનો પગપેસારો કરાવ્યો. ભારતે માલદીવ્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર વિકસાવવામાં મદદની ઓફર કરી હતી પણ અબ્દુલ્લા યામને ભારતની ઓફરને ઠુકરાવીને ચીનના ખોળામાં બેસવાનું પસંદ કર્યું હતું. અબ્દુલ્લા યામીને ભારત વિરોધી વલણ અપનાવ્યું તેનું કારણ મુસ્લિમ કટ્ટરવાદીઓનો પ્રભાવ હતો.
માલદીવ્સ માત્ર 298 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. અમદાવાદથી પણ અડધો વિસ્તાર ધરાવતા માલદીવ્સની ગણતરી દુનિયાના સૌથી નાનકડા દેશોમાં થાય છે. માલદીવ્સમાં બહુમતી મુસ્લિમો છે કે જે 26 નાના નાના ટાપુઓમાં રહે છે. આ મુસ્લિમોમાં છેલ્લા કેટલાક વરસોમાં કટ્ટરવાદનો પ્રભાવ વધ્યો છે. યામીન તેમના મતોથી ચૂંટાયેલા એટલે તેમને રાજી રાખવા ભારત વિરોધી વલણ અપનાવીને બેસી ગયા. યામીને ધર્માંધ પરિબળોને પોષ્યાં તેથી માલદીવ્સમાં ભારત વિરોધી માનસિકતા પ્રબળ બની.
યામીન ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં ગયા પણ તેમના ચેલા મોહમ્મદ મુઈજ્જુએ ચીનતરફી વલણ ચાલુ રાખતાં ચીને ભરપૂર લાભ ઉઠાવ્યો છે. માલદીવ્સના 26માંથી 16 ટાપુ પર ચીનનાં લશ્કરી થાણાં બની ગયાં છે. માલદીવ્સ સાથે ચીને સત્તાવાર રીતે લશ્કરી કરાર કરીને પોતાનું લશ્કર મોકલ્યું છે. ચીન અને માલદીવ્સ વચ્ચે ફ્રી ટે્રડ એગ્રીમેન્ટ છે. માલદીવ્સ સાથે ફ્રી ટે્રડ એગ્રીમેન્ટ કરીને ચીને કશું મેળવવાનું નથી પણ વ્યૂહાત્મક રીતે માલદીવ્સ મહત્ત્વનું છે તેથી ચીને તેની સાથે કરાર કર્યા છે. 2017માં થયેલા કરાર પછી માલદીવ્સ સાથે વેપારના બહાને ચીને કબજો કરવા માંડ્યો એટલે માલદીવ્સના શાસકો જાગ્યા. તેમને પોતાનું અસ્તિત્વ જ ખતરામાં લાગતાં હવે પાછા ભારત તરફ વળવા માંડ્યા છે.
માલદીવ્સના વલણમાં આવેલા ફેરફારનો યશ નરેન્દ્ર મોદીને આપવો જોઈએ કેમ કે માલદીવ્સના ભારત વિરોધી વલણ છતાં મોદી સરકારે માલદીવ્સ સામે કોઈ ખાર નહોતો રાખ્યો. ભારત માટે માલદીવ્સ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનું છે એ વાત ધ્યાનમાં રાખીને તેમણે ધીરજ ધરી અને સાથે સાથે ભારતની માલદીવ્સને મદદ કરવાની વરસો જૂની પરંપરા પણ ન છોડી.
માલદીવ્સના વલણના કારણે ભારતમાં માલદીવ્સ વિરોધી માહોલ પેદા થયો હતો. એ વખતે માલદીવ્સના બહિષ્કારની હાકલો પણ થઈ હતી અને સોશિયલ મીડિયા પર કેમ્પેઈન પણ ચાલ્યાં હતાં. માલદીવ્સનું અર્થતંત્ર પ્રવાસન પર નિર્ભર છે અને મોટા ભાગના પ્રવાસી ભારતથી આવે છે તેથી ભારતીયોએ માલદીવ્સ જવાનું બંધ જ કરી દીધેલું. તેની સામે રીએક્શન આપીને માલદીવ્સના નેતાઓએ મોદી વિરોધી લવારા કર્યા તો પણ મોદીએ મોટપ બતાવીને તેની સામે પ્રતિક્રિયા સુધ્ધાં ના આપી. માલદીવ્સને ચીન સાથેના સંબંધોના કારણે નુકસાન છે અને પોતાનું અસ્તિત્વ મટી જવાનો ખતરો છે તેનું ભાન થાય ત્યાં સુધી મોદીએ શાંતિથી રાહ જોઈ છે.
માલદીવ્સને ભારતને છોડીને ખોટું કર્યું હોવાનું ભાન થયું પછી મોદીને માલદીવ્સ આવવા નિમંત્રણ આપ્યું તેનો પણ મોદીએ કોઈ પણ ડંખ વિના સ્વીકાર કર્યો. મોદીએ માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી અને ભારત અને માલદીવ્સ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાના 60 વર્ષ પૂર્ણ થયાના જલસામાં પણ ભાગ લઈને અહેસાસ કરાવ્યો કે, માલદીવ્સે ગમે તે કર્યું પણ ભારત એ બધું ભૂલીને માલદીવ્સ સાથે સારા સંબંધો રાખવામાં જ માને છે.
મોદીએ તો મોટપ બતાવી પણ હવે માલદીવ્સ પણ ભારતના અહેસાનનો બદલો ચૂકવે એ જરૂરી છે. માલદીવ્સના શાસકો મોદીના સૌજન્યપૂર્ણ વ્યવહાર અને ભારતે બતાવેલી ઉદારતાની માલદીવ્સ કદર કરે એ જરૂરી છે. ચીનના રવાડે ચડવામાં માલ નથી તેનો અહેસાસ માલદીવ્સને થયો છે પણ આ અહેસાસ કાયમી ટકે એ વધારે જરૂરી છે. બાકી માલદીવ્સ તો પતી જ જશે પણ ચીન માલદીવ્સમાં ઘૂસશે તેમાં આપણને પણ નુકસાન છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસને ટ્રમ્પ-પાકિસ્તાન સાચાં લાગે છે