એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ હુમાયુને તગેડી મમતા અઠંગ ખેલાડી સાબિત થયાં

ભરત ભારદ્વાજ

ભાજપના નેતા પોતાને બહુ મુત્સદ્દી સમજે છે પણ મમતા બેનરજી તેમને માથાનાં મળ્યાં છે. મમતા રાજકારણનાં અઠંગ ખેલાડી છે તેથી ભાજપની કોઈ જાળમાં ફસાતાં નથી ને તેનો તાજો પરચો તેમણે પશ્ચિમ બંગાળના તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરના કિસ્સામાં આપી દીધો છે. કબીરે એલાન કર્યું હતું કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તોડી પડાયેલી બાબરી મસ્જિદની યાદ તાજી રાખવા માટે બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવાશે. કબીરે આ પ્રસ્તાવિત બાબરી મસ્જિદનો શિલાન્યાસ 6 ડિસેમ્બરે કરવાનું એલાન પણ કર્યું હતું કેમ કે 6 ડિસેમ્બર બાબરી મસ્જિદના ધ્વંસની વરસી છે.

ભાજપે આક્ષેપ કરેલો કે, મુસ્લિમ તુષ્ટિકરણના ભાગરૂપે મમતા બેનરજી જ કબીર પાસે આ ખેલ કરાવી રહ્યાં છે અને બંગાળમાં બાબરી મસ્જિદ બનાવીને મમતા 2026ની બંગાળ વિધાનસભા ની ચૂંટણીમાં મુસ્લિમોના મત અંકે કરવા માગે છે. ભાજપની ગણતરી એવી હતી કે, મમતાને મુસ્લિમોનાં હમદર્દ અને પાછલા બારણે મુર્શિદાબાદની બાબરી મસ્જિદનાં સર્જક ઠરાવીને હિંદુ મતબેંકને પોતાની તરફ વાળી શકાશે પણ મમતાએ હુમાયુ કબીરને તૃણમૂલ કૉંગ્રેસમાંથી તગેડી મૂકીને આ દાવ ઊંધો વાળી દીધો.

મમતાએ કબીરની બરતરફીની જાહેરાતમાં પણ રાજકીય દાવ ખેલી નાંખ્યો. મમતાએ હુમાયુ મુસ્લિમોની હમદર્દી ના લઈ જાય એટલા માટે બીજા મુસ્લિમ નેતા ફિરહાદ હકીમને મેદાનમાં ઉતારી દીધા છે. ફિરહાદ હકીમે જ કબીરને તગેડી મૂક્યા હોવાની જાહેરાત કરી. ફિરહાદે હુમાયુ કબીરને કોમવાદી જાહેર કરીને કહી દીધું કે, મુસ્લિમો તેમની વાતોમાં ના આવે અને બંગાળમાં માહોલ ના બગડે તેનું ધ્યાન રાખે.

ફિરહાદે પ્રેસ કોન્ફરન્સમાં મુર્શિદાબાદના બે મુસ્લિમ નેતા અખરૂઝ ઝમાન અને નિયામત શેખને પણ હાજર રાખેલા કે જેથી મુર્શિદાબાદના મુસ્લિમો કબીરના ખૂંટે બંધાયેલા છે એવો મેસેજ ના જાય. મુર્શિદાબાદ હુમાયુ કબીરનો ગઢ છે અને મુસ્લિમોની બહુમતી ધરાવતો વિસ્તાર છે પણ મમતાના ડેરિંગને દાદ દેવી જોઈએ કે, હુમાયુ કબીરને તગેડી મૂકવાનું એલાન કર્યાના કલાકોમાં જ મમતાએ મુર્શિદાબાદમાં સભા કરીને હુંકાર કર્યો કે, તૃણમૂલ કૉંગ્રેસ કોઈ પણ પ્રકારનું કોમવાદી રાજકારણ નહીં ચલાવી લે.

કબીરે ચાર દિવસ પહેલાં મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરી તેનાથી મમતા બરાબર ભડકેલા હતાં. કબીરને આ વાતની ગંધ આવી ગયેલી તેથી તેમણે મમતા બેનરજીના પગ પકડી લીધા હતા. મુર્શિદાબાદ પહેલાં મમતાની જાહેર સભા બહેરામપોરમાં હતી ને હુમાયુ આ સભામાં હાજર રહ્યા હતા કે જેથી મમતાને પિગળાવી શકાય પણ મમતાએ તેમને ગણકાર્યા જ નહીં. હુમાયુ કબીર મમતાની સભામાં હાજર હતા ત્યારે જ તેમને ફોન કરીને કહી દેવાયેલું કે, હવે તમે તૃણમૂલ કૉંગ્રેસમાં નથી તેથી મમતાની સભામાંથી રવાના થઈ જાઓ.

કબીર વિલા મોંઢે નિકળી ગયા પછી હુમાયુના સમર્થકો મમતાની સભામાં બબાલ કરશે એવું સૌને લાગતું હતું પણ કોઈએ ચૂં કે ચાં પણ ના કર્યું. કબીરે પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા માટે પોતે બે દિવસ પછી રાજીનામું આપશે એવી જાહેરાત કરી કેમ કે બે દિવસ પછી બાબરી ધ્વંશની વરસી છે. 6 ડિસેમ્બર, 1992ના રોજ હિંદુવાદી સંગઠનનોના કાર્યકરોએ કારસેવા દરમિયાન બાબરી મસ્જિદને તોડી પાડી હતી અને બાબરીના સ્થાને સપાટ મેદાન બનાવી દીધું હતું. આ મસ્જિદના સ્થાને અત્યારે ભવ્ય રામમમંદિર ઉભું છે.

હુમાયુએ એલાન કર્યું છે કે, પોતે મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં 6 ડિસેમ્બરે ‘બાબરી’ મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હુમાયુ રાજીનામાનું નાટક કરીને પોતે મુસ્લિમોના હિતો માટે શહાદત વહોરી રહ્યા હોવાનું નાટક કરશે. હુમાયુએ પોતે 22 ડિસેમ્બરે નવી પાર્ટી લોચ કરશે એવું એલાન પણ કર્યું છે પણ મમતાએ જે રીતે કબીર ફરતે ગાળિયો કસ્યો છે એ જોતાં એ નવી પાર્ટી લોંચ કરે તો પણ ફાવશે કે કેમ તેમાં શંકા છે. મમતાએ મુર્શિદાબાદમાં ડંકે કી ચોટ પર જાહેર સભા કરીને સ્પષ્ટ કહી દીધું છે કે, કબીર તૃણમૂલ કૉંગ્રેસમાં હોય કે ન હોય, કોઈ ફરક પડતો નથી.

મમતાએ તગેડી મૂક્યા પછી હુમાયુ કબીરનો બાબરીના શિલાન્યાસનો કાર્યક્રમ પણ થશે કે કેમ તેમાં શંકા છે કેમ કે મમતા ભારે ડંખીલાં છે. પોતાની ઉપરવટ જનારને સત્તાના જોરે પછાડવામાં મમતાને કોઈ છોછ નડતો નથી એ જોતાં મમતા દંડો ચલાવીને હુમાયુના કાર્યક્રમની હવા કાઢી નાંખે એવું બની શકે.

મમતા હુમાયુ સામે દંડો ના ચલાવે તો પણ આ કાર્યક્રમ ના થવા દે એ શક્ય છે. હુમાયુ બાબરી મસ્જિદના મુદ્દે લાંબા સમયથી કૂદાકૂદ કરે છે. હુમાયુનું કહેવું છે કે, પોતે ગયા વર્ષે 12 ડિસેમ્બરે ‘બાબરી’ મસ્જિદના નિર્માણનું વચન આપેલું ને આ વચન પૂરું કરવાની દિશામાં 6 ડિસેમ્બરે મસ્જિદના શિલાન્યાસ સાથે પહેલું પગલું ભરાશે. ‘બાબરી’ મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમમાં લગભગ બે લાખ લોકોને હાજર રાખવાની અને 400 ધુરંધરોને સ્ટેજ પર બેસાડવાની પણ હુમાયુએ જાહેરાત કરી છે.

જો કે મમતાએ લાલ આંખ કર્યા પછી કમ સે કમ તૃણમૂલ કૉંગ્રેસમાંથી તો કોઈ મુસ્લિમ નેતા આ કાર્યક્રમમાં હાજર રહે એવી શક્યતા નથી. બંગાળમાં મુસ્લિમો પર મમતાનો પ્રભાવ જોતાં મુસ્લિમ ધર્મગુરૂઓ પણ હુમાયુ કબીરથી અંતર રાખતા થઈ જાય એ શક્ય છે. આ સંજોગોમાં હવે હુમાયુના કાર્યક્રમનો સાવ ફિયાસ્કો થઈ જાય એવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ‘સંચાર સાથી’ ફરજિયાત, કંસાર કરવા જતાં થૂલી થઈ ગઈ…

હુમાયુના કાર્યક્રમનો ફિયાસ્કો થાય એ દેશના હિતમાં પણ છે કેમ કે તેના કારણે ઉન્માદ ને ઉશ્કેરાટ સિવાય બીજું કશું પેદા થવાનું નથી. હુમાયુ કબીર પોતાના રાજકીય સ્વાર્થને ખાતર આ ઉશ્કેરાટ પેદા કરવા માગે છે પણ આ દેશના મુસ્લિમોને તેમાં કોઈ રસ નથી એ સારી વાત છે. હુમાયુ કબીરમાં અક્કલ હોય તો આ વાત સમજીને આ તાયફા બંધ કરવા જોઈએ. કબીરે બીજી વાત પણ સમજવી જોઈએ કે, બાબરી મસ્જિદ ધ્વંશ આ દેશનાં લોકો માટે ને મુસ્લિમો માટે પણ ભૂલાઈ ગયેલું પ્રકરણ છે.

બાબરી મસ્જિદ ઊભી હતી ત્યાં સુધી મુસ્લિમોને તેમાં રસ હતો પણ 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી તૂટી એ સાથે જ મુસ્લિમોને તેમાંથી રસ ઊડી ગયો. એ વખતે જ નક્કી થઈ ગયેલું કે, હવે આ મસ્જિદ ફરી ક્યારે નથી બનવાની. 2010માં આ કેસમાં હાઈ કોર્ટમાં હિંદુઓની તરફેણમાં ચુકાદો આવ્યો પછી તો મુસ્લિમોએ કાયમ માટે બાબરી મસ્જિદના નામનું નાહી જ નાખેલું.

સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના સ્થાને અયોધ્યામાં નવી મસ્જિદ બનાવવા કહ્યું તેમાં પણ મુસ્લિમોને રસ નથી તો આ મસ્જિદમાં તો કઈ રીતે રસ પડે? બીજું એ કે, દેશના પૂર્વના ભાગમાં આક્રમણખોર બાબરના નામે એક મસ્જિદ બને તેના કારણે દેશના મુસ્લિમોનું કશું ભલું થવાનું નથી તો પછી નકામા ઉધામા શું કરવા?

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ નહેરુ ખરેખર બાબરી મસ્જિદ બાંધવા માગતા હતા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button