એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ નિઠારીકાંડમાં કોલી પણ મુક્ત, ન્યાયની વાતો સાવ બોદી

ભરત ભારદ્વાજ

એક સમયે આખા દેશને ખળભળાવી મૂકનારા 2006ના નિઠારીકાંડનો સહ-આરોપી સુરેન્દ્ર કોલી પણ જેલની બહાર આવી જતાં આ દેશમાં ખરેખર ન્યાયના નામે તમાશા સિવાય કશું થતું નથી એ વરવી હકીકત ફરી મોં ફાડીને સામે આવી ગઈ છે. 2005 અને 2006ની વચ્ચે દિલ્હી પાસેના નોઈડાના સેક્ટર 31માં આવેલા નિઠારી ગામમાં અનેક બાળકો અને મહિલાઓ પર ક્રૂરતાથી બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેવાઈ હતી. આ પાશવી બળાત્કાર અને હત્યાઓ મોનિન્દરસિંહ પાંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીએ કર્યાં હોવાનું બહાર આવ્યું હતું કેમ કે પાંધેરના ઘરમાંથી 19 બાળકો અને સ્ત્રીઓનાં હાડપિંજર મળી આવ્યાં હતાં.

આ ઘટનાએ ખળભળાટ મચાવેલો અને પાંઢેર-કોલી બંને સામે બળાત્કાર અને હત્યાના 19 કેસ નોંધાયા હતા. કોલી સામે 13 ગુનામાં આરોપ મૂકવામાં આવ્યા હતા અને તેમાંથી 12 કેસમાં તેને પહેલાં જ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા રિમ્પા હલદર કેસમાં પહેલાં કોલીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પણ કોલીએ આ ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન કરેલી તેમાં એ છૂટી જતાં કોલી સાવ દૂધે ધોયેલો સાબિત થઈ ગયો .

આ કેસમાં કોલીનો શેઠ મોનિન્દર સિંહ પાંઢેર પહેલાં જ જેલની બહાર આવી ગયો છે. પાંઢેરને 30 જુલાઈ, 2025 ના રોજ તમામ આરોપોમાંથી મુક્ત કરીને છોડી મૂકવામાં આવ્યો હતો. કોલી પણ મંગળવારે જેલમાંથી બહાર આવી જતાં નિઠારીકાંડ પર પડદો પડી ગયો છે પણ આ દેશની સિસ્ટમની પોલ ખૂલી ગઈ છે અને ભારતમાં ન્યાયતંત્ર અને તપાસ માટેની એજન્સીઓ ફારસ સિવાય કશું કરી નથી રહી એ સ્પષ્ટ થઈ ગયું છે. 19 બાળકો અને સ્ત્રીઓનાં હાડપિંજર મળ્યાં છતાં આ કાંડમાં કોઈને સજા ના થાય તેનાથી વધારે મોટું ફારસ બીજું શું હોઈ શકે?

નિઠારી કાંડમાં કોલીની મુક્તિએ સીબીઆઈને પણ શંકાના દાયરામાં લાવી દીધી છે કેમ કે આ કેસની તપાસ સીબીઆઈ પાસે હતી. લગભગ બે દાયકા લગી કેસ ચાલ્યા પછી સીબીઆઈ પાંઢેર કે કોલીને સમ ખાવા પૂરતા એક કેસમાં પણ સજા ના અપાવી શકી એ જોતાં ખરેખર તો સીબીઆઈને ખંભાતી તાળાં લગાડી દેવાં જોઈએ. ન્યાયતંત્ર પણ શંકાના દાયરામાં છે કેમ કે પાંઢેર-કોલીને પહેલાં ફાંસીની સજા થઈ હતી. એ પછી અચાનક ચિત્ર બદલાઈ ગયું ને પાંઢેર-કોલી બંને એક પછી એક કેસમાં ધડાધડ છૂટી ગયા. પહેલાં કોર્ટને જે પુરાવા સજા કરવા જેવા લાગેલા એ પુરાવા અચાનક કેમ નકારી કઢાયા એ જ સમજાતું નથી.

સીબીઆઈ માટે શરમજનક વાત એ કહેવાય કે, નિઠારી કાંડ પેચીદો નહોતો પણ એકદમ સીધો ને સરળ કેસ હતો. ન્યાયની ભાષામાં કહીએ તો ઓપન એન્ડ શટ કેસ હતો. ઢગલાબંધ પુરાવા હતા ને છતાં સીબીઆઈ કોઈને સજા ના અપાવી શકી. કોર્ટે પહેલાં પાંઢેર ને પછી કોલીને એ કારણસર જ છોડી મૂક્યા છે કે, આરોપીઓની કબૂલાત સિવાય અન્ય કોઈ જડબેસલાક પુરાવા રજૂ નથી કરી શક્યા.

નિઠારીમાં 2005માં બાળકો અને સ્ત્રીઓ રહસ્યમય રીતે ગુમ થઈ જતાં હતાં અને તેમનો અતોપતો જ નહોતો લાગતો તેથી લોકો હેરાન હતા. બે વર્ષના ગાળામાં આ રીતે કેટલાંય લોકો ગુમ થઈ ગયાં પણ પોલીસ કદી ગુમ થયેલાં લોકોને શોધી ના શકી. પછીથી બહાર આવેલું કે, કેટલાક પોલીસવાળા પાંઢેરના પીઠ્ઠુ હતા તેથી પાંઢેરનાં કુકર્મો સામે આંખ આડા કાન કરીને તેને છાવરતા અને તપાસનો રેલો પાંઢેર સુધી પહોંચવા જ નહોતા દેતા. નોઈડાના સેક્ટર 31માં આવેલા ડી-પાંચ નંબરના ઘરમાં ચાલતી પાપલીલા પોલીસના પાપે જ બે વર્ષ લગી બેરોકટોક ચાલ્યા કરી.

પોલીસને તો રસ જ નહોતો પણ નોઈડામાં બે રહેવાસીઓએ પોતાની ગુમ થયેલી દીકરીઓની તપાસ કરી તેમાં બંને દીકરીઓ છેલ્લા પાંઢેરના ઘર પાસે દેખાઈ હોવાની ખબર પડી. બંનેએ પોલીસને રજૂઆત કરી પણ પોલીસે કશું ના કર્યું એટલે બંને રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન આરડબલ્યૂએના ભૂતપૂર્પ્રવ પ્રમુખ એસ.સી. મિશ્રાનો સંપર્ક કરીને પાંઢેરના ઘરના નોકર સુરિન્દર કોલી પર શંકા વ્યક્ત કરી.

મિશ્રા માનવિય અભિગમ ઘરાવતા હતા તેથી તરત બંનેને લઈને ટોળાં સાથે ડી-પાંચ મકાન પર ગયા. કોલીએ કકળાટ કર્યો પણ ટોળુ ઘરની પાછળના વંડામાં પહોંચી ગયું ને તપાસ કરી તેમાં એક સડી ગયેલો હાથ મળ્યો તેથી શંકા દૃઢ બની. મિશ્રાએ તરત પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે પહેલાં તો આનાકાની કરી પણ ટોળું મોટું હતું એટલે પોલીસનો છૂટકો નહોતો.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ દિલ્હીમાં બ્લાસ્ટ, હવે આતંકવાદનો કાયમી ઉપાય જરૂરી

પોલીસે પાંઢેરના ઘરમાં ઘૂસીને ખોદકામ કર્યું તો બધાંની આંખો પહોળી થઈ ગઈ. પાંઢેરના ઘરમાંથી થોકબંધ હાડકાં અને હાંડપિંજરો મળી આવ્યાં. પોલીસે પાંઢેરની પાછળના નાળામાં તપાસ કરી તો અનેક માનવ હાડપિંજર અને ખોપડીઓ મળી આવી. આટલાં હાડકાં અને હાડપિંજરો મળી આવ્યા પછી પોલીસને પાંઢેર સામે પગલાં લીધા વિના છૂટકો નહોતો.

પોલીસે 29 ડિસેમ્બર, 2006નાં રોજ મનિંદરસિંહ પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીની ધરપકડ કરી હતી. પાંઢેર અને કોલીએ પહેલાં તો હાથ જ ના મૂકવા દીધો પણ પોલીસ તપાસમાં તેમનાં ઘરમાંથી બાળકોના ચંપલ, કપડાં અને અન્ય સામાન જપ્ત કર્યો પછી બંનેનાં કુકર્મનાં ભાંડો ફૂટી ગયો.

ઉત્તર પ્રદેશમાં એ વખતે મુલાયમસિંહ યાદવની સરકાર હતી. મુલાયમે પહેલાં તો પોલીસને છાવરવા પ્રયત્ન કર્યા પણ લોકઆક્રોશ જબરદસ્ત હતો ને મીડિયા પણ તૂટી પડેલું. મીડિયામાં બાળકો તથા મહિલાઓ સાથે શું થયું તેને લગતા જાત જાતના રીપોર્ટ્સ છપાતા હતા. પાંઢેર-કોલી નરભક્ષી હતા ને પીડિતોનાં અંગો ખાઈ જતા હોવાની કબૂલાત કરી હોવાના રિપોર્ટ્સ છપાયા હતા.

બંને માનવઅંગોના ગંદા ધંધામાં સંડોવાયેલા હોવાના દાવા પણ કરાયા હતા. તેના કારણે લોકોમાં આક્રોશ વધતો જતો હતો તેથી મુલાયમે છેવટે પોલીસની ભૂમિકાની તપાસ માટે સમિત રચી. આ સમિતીની ભલામણોના આધારે થોડાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા ને 2007ના જાન્યુઆરીમાં તપાસ સીબીઆઈને સોંપીને હાથ ખંખેરી નાખ્યા.

સીબીઆઈ પાસે તપાસ ગઈ પછી શરૂઆતમાં ભારે ધમાધમી થઈ, દરોડા પડાયા, મજબૂત પુરાવા શોધી કઢાયા હોવાના દાવા પણ કરાયા, ફટાફટ ચાર્જશીટ પણ દાખલ કરી દેવાઈ. તેના આધારે પાંઢેર-કોલીને સજા પણ થઈ પણ પછી બધું બદલાઈ ગયું ને આજની તારીખે બંને બહાર છે.

નિઠારીકાંડમાં જેમણે પોતાનાં બાળકો, દીકરીઓ કે સ્વજનો ગુમાવ્યાં એ લોકોને હાથ બે દાયકા પછી નિરાશા સિવાય કંઈ હાથ લાગ્યું નથી. આ વાત આઘાતજનક કહેવાય ને આપણે ત્યાં ન્યાયની વાતો થાય છે એ સાવ બોદી છે એ પુરવાર કરનારી છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ આપણે આતંકવાદી નેટવર્ક્સને કેમ સાફ નથી કરી શકતા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button