એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કેરળની જીત ભાજપ માટે ઐતિહાસિક, ડાબેરીઓનાં વળતાં પાણી

ભરત ભારદ્વાજ

કેરળમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં શનિવારે આવેલાં પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે કેમ કે કેરળમાં પહેલી વાર ભાજપે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવીને સત્તા હાંસલ કરી છે. આ ચૂંટણીનાં પરિણામો પરથી સ્પષ્ટ છે કે, ભાજપ કેરળમાં પણ પગપેસારો કરી રહ્યો છે અને સાવ નગણ્ય રાજકીય પરિબળમાંથી જેને અવગણી ના શકાય એવી રાજકીય તાકાત બનીને ઉભરી રહ્યો છે.

લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર કેરળમાં બેઠક મેળવીને ભાજપે સૌને ચોંકાવી દીધેલા પણ એ વખતે એમ કહીને ભાજપની જીતને ઓછી આંકવામાં આવેલી કે આ જીત મલયાલમ ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીના સ્ટારડમની જીત છે. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ સ્ટાર નહોતા કે કોઈ હિંદુત્વની લહેર પણ નહોતી ને છતાં ભાજપ જીત્યો છે તેથી આ જીતને ગંભીરતાથી લેવી જ પડે.

આ પરિણામોએ કેરળમાં છેલ્લા એક દાયકાથી એકહથ્થુ શાસન ભોગવતા સીપીએમના પિનારાયી વિજયનનાં વળતાં પાણી થઈ રહ્યાં હોવાનો પણ સંકેત આપ્યો છે. કેરળમાં આવતા વરસે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામોને આધારે આગાહી કરવાની હોય તો કહી શકાય કે, કેરળમાં 2026માં જીતીને કૉંગ્રેસ એક દાયકા પછી સત્તામાં પાછી ફરી એવી પ્રબળ શક્યતા છે જ્યારે એક સમયે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને કેરળ એ ત્રણ રાજ્યોમાં એકચક્રી શાસન ભોગવતા ડાબેરીઓનો છેલ્લો ગઢ પણ ધરાશાયી થઈ જાય તો નવાઈ નહીં.

કેરળનાં પરિણામોથી સૌથી વધારે ઉત્સાહ સ્વાભાવિક રીતે જ કૉંગ્રેસમાં છે કેમ કે કૉંગ્રેસને સત્તા સામે દેખાવા માંડી છે પણ ભાજપ માટે પણ આ પરિણામો ખુશ થવા જેવાં તો છે જ.

કેરળમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનો, 14 જિલ્લા પંચાયતો, 86 નગરપાલિકાઓ, 152 બ્લોક એટલે કે તાલુકા પંચાયતો અને 941 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ ક્યાંય ચિત્રમાં જ નહોતો કેમ કે કેરળમાં પરંપરાગત રીતે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) અને સીપીએમ સહિતના ડાબેરી પક્ષોના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) વચ્ચે જંગ છે.

ભાજપ સમ ખાવા પૂરતો થોડીક બેઠકો જીતે તો પણ ઘણું છે એવું મનાતું હતું પણ ભાજપે તિરુવનંતપુરમમાં સપાટો બોલાવીને મ્યુનિસિપલ કોર્પોરેશન જ કબજે કરી લીધી. તિરુવનંતપુરમ કોર્પોરેશનની બેઠકોમાંથી ભાજપે 50 બેઠકો જીતી છે અને સ્પષ્ટ બહુમતીથી માત્ર એક બેઠક દૂર રહ્યો છે.

લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ને 29 અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ને 19 બેઠકો મળી છે જ્યારે બે અપક્ષો જીત્યા છે તેથી ભાજપ આરામથી સ્પષ્ટ બહુમતી માટે જરૂરી એક બેઠકનો વેત કરીને સત્તા કબજે કરી લેશે.

ભાજપ પાસે પલક્કડ નગરપાલિકામાં સત્તા હતી. આ ચૂંટણીમાં તિરુવનંતપુરમમાં જીત મેળવી અને પલક્કડ નગરપાલિકા જાળવી રાખી છે અને એ સિવાય ડાબેરી મોરચા પાસેથી થ્રિપ્પુનિથુરા નગરપાલિકા આંચકી લીધી છે તેથી ભાજપનો દેખાવ ધાર્યા કરતાં બહુ જ સારો છે.

તિરુવનંતપુરમની જીત તો ભાજપ માટે ઐતિહાસિક છે કેમ કે, તિરુવનંતપુરમ કોર્પોરેશન પર વરસોથી ડાબેરીઓનો કબજો હતો અને કૉંગ્રેસ પણ ડાબેરીઓના કાંગરા નહોતી ખેરવી શકી. ભાજપે તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં 45 વર્ષના ડાબેરી શાસનનો અંત આણ્યો એ બહુ મોટી વાત છે.

ભાજપની એર્નાકુલમ જિલ્લાના મુનંબમની બેઠક પરની જીતે પણ સૌને ચોંકાવ્યા છે કેમ કે આ જીત સાથે ભાજપે કેરળના ગ્રામીણ વિસ્તારમાં પણ તેનો પગપેસારો કર્યાનો સંકેત આપ્યો છે. ભાજપ તો આ જીતને કેરળના રાજકારણમાં એક ‘ટર્નિંગ પોઇન્ટ’ ગણાવી રહ્યો છે અને મુનંબમ બેઠકની જીતને ‘ઐતિહાસિક’ ગણાવીને દાવો કર્યો છે કે, આ જીત માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક સંદેશ પણ આપે છે.

ભાજપના નેતાઓનું કહેવું છે કે, મુનંબમ વિસ્તારમાં આશરે 500 ખ્રિસ્તી પરિવારો વક્ફ બોર્ડના કથિત ગેરકાયદે દાવાઓને કારણે પોતાનાં ઘરો ગુમાવે એવી સ્થિતિ પેદા કરી દીધી હતી. મુસ્લિમ તુષ્ટિકરણના કારણે કૉંગ્રેસ અને ડાબેરીઓ આ ખ્રિસ્તી પરિવારોની વહારે આવવા તૈયાર નહોતા પણ ભાજપે તેમની લડતમાં સાથ આપ્યો તેથી સ્થાનિક લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો અને તેના કારણે જ ભાજપ જીત્યો છે.

ભાજપની વાત સાચી હોય કે ન હોય પણ આ જીતે ભાજપ માટે ભવિષ્યની વ્યૂહરચના શું હોવી જોઈએ તેનો સ્પષ્ટ દિશાનિર્દેશ આપી દીધો છે. કેરળમાં હિંદુઓની બહુમતી છે પણ બહુ ઓછા હિંદુઓ ભાજપ સાથે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ કેરળની વસ્તીમાં 54.70 ટકા હિંદુ હતા જ્યારે 26.6 ટકા મુસ્લિમ હતા. ખ્રિસ્તીઓનું પ્રમાણ કુલ વસતીમાં લગભગ 18.4 ટકા હતું.

કેરળમાં વરસોથી સામ્યવાદનો પ્રભાવ છે પણ કૉંગ્રેસ પણ મજબૂત છે તેથી બહુમતી હિંદુઓ ડાબેરી પક્ષો અને કૉંગ્રેસમાં વહેંચાયેલા છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમોમાં પણ એ જ હાલત છે. ખ્રિસ્તીઓમાં બહુમતી કૉંગ્રેસ તરફી છે. કૉંગ્રેસનું મુસ્લિમ લીગ સાથે જોડાણ હોવાથી મુસ્લિમોનો એક વર્ગ કૉંગ્રેસ સાથે છે પણ બહુમતી મુસ્લિમો ડાબેરી પક્ષો તરફ છે.

ભાજપે હિંદુઓને પોતાની તરફ વાળવા લવ જિહાદને મુદ્દો બનાવ્યો છે પણ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને કઈ રીતે પોતાની તરફ વાળવા તેની ફોર્મ્યુલા નથી. એર્નાકુલમની જીત પછી ભાજપને કમ સે કમ ખ્રિસ્તી સમુદાયને પોતાની તરફ વાળવા માટે એક મુદ્દો મળ્યો છે. કેરળમાં ખ્રિસ્તીઓ પણ લવ જિહાદથી પરેશાન છે અને હવે વક્ફના નામે ચાલતી લુખ્ખાગીરીનો મુદ્દો મળ્યો છે તેથી ભાજપ હિંદુ-ખ્રિસ્તી ધરી રચીને કેરળમાં રાજકીય પ્રભાવ વધારી શકે છે.

ભાજપ ડાબેરીઓનો સફાયો કરીને ત્રિપુરાની જેમ સત્તામાં ના આવી શકે તો કંઈ નહીં પણ પશ્ર્ચિમ બંગાળની જેમ ડાબેરીઓની મતબેંકને પોતાની તરફ વાળીને મુખ્ય વિરોધ પક્ષ તો બની જ શકે છે.

કૉંગ્રેસ માટે આ પરિણામો બહુ સારાં છે કેમ કે કૉંગ્રેસે 4 મ્યુનિસિપલ કોર્પોરેશન જીતી છે. કેરળમાં તિરુવનંતપુરમ ઉપરાંત કોલ્લમ, એર્નાકુલમ, થ્રિસુર, કોઝિકોડ અને કન્નુર એમ કુલ છ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. તિરુવનંતપુરમ ભાજપના ફાળે ગઈ જ્યારે કોઝિકોડમાં ડાબેરીઓનો દબદબો રહ્યો છે પણ બાકીની ચાર કોર્પોરેશન કૉંગ્રેસે જીતી છે.

87 મ્યુનિસિપાલિટીમાંથી 54 કૉંગ્રેસે જીતી છે અને ડાબેરીઓ માત્ર 28 જીતી શક્યા છે. 14 જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસ અને ડાબેરી બંનેને 7-7 મળી છે તેથી બંને બરાબરી પર છે પણ કૉંગ્રેસ શહેરી વિસ્તારોમાં ડાબેરીઓના વર્ચસ્વને તોડવામાં સફળ રહી છે એ જોતાં 2026માં સરકાર રચવાના ઉજળા સંજોગો છે. પ્રિયંકાં ગાંધી અત્યારે વાયનાડનાં સાંસદ છે અને પ્રિયંકાનાં પગલાં કૉંગ્રેસ માટે શુભ સાબિત થયાં છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ જ્ઞાતિ આધારિત વસતિગણતરી, દેશ પાછો અંગ્રેજોના યુગમાં

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button