માલીવાલ કેસમાં કેજરીવાલ સામે તપાસ થવી જ જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાનો મુદ્દો ચગ્યો છે. માલીવાલે થોડા દિવસો પહેલા આક્ષેપ કર્યો હતો કે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને કેજરીવાલને પીએ બિભવ કુમારે તેને ફટકારી હતી, તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને નીચે પાડીને ગડદા-પાટુનો માર મારીને હાલત ખરાબ કરી દીધી હતી. સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને લેખિત નિવેદન આપ્યું પછી દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
દિલ્હી પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં સ્વાતિ માલીવાલે આક્ષેપ મૂક્યો છે કે, બિભવે તેને થપ્પડ મારી હતી અને પેટમાં લાત મારી હતી. સ્વાતિએ બૂમાબૂમ કરીને પોતાને છોડી દેવા બિનંતી કરી હતી પણ બિભવ કુમારે તેની સાથે દુર્વ્યવહાર ચાલુ રાખીને ધમકી પણ આપી હતી. બિભવે સ્વાતિ માલીવાલને છાતી, ચહેરા, પેટ અને પેટથી નીચેના ભાગમાં લાત મારી હતી. બિભવે સ્વાતિ માલીવાલ પર હુમલો કર્યો ત્યારે પોતાના પીરિયડ્સ ચાલતા હતા છતાં બિભવે કોઈ દયા નહોતી કરી એવો તેનો આક્ષેપ છે. સ્વાતિ માલીવાલની એફઆઈઆર અનુસાર સ્વાતિ માલીવાલ પર હુમલો થયો ત્યારે કેજરીવાલ ઘરે હાજર હતા. સ્વાતિ ડ્રોઈંગ રૂમમાં કેજરીવાલની રાહ જોઈ રહી હતી ત્યારે બિભવે ત્યાં આવીને ગાળો આપી અને કોઈપણ ઉશ્કેરણી વગર સ્વાતિને થપ્પડ મારી દીધી.
માલીવાલની મારપીટ કરાઈ તેનું કારણ સ્વાતી માલીવાલનો રાજ્યસભામાંથી રાજીનામું આપવાનો ઈન્કાર મનાય છે. કેજરીવાલે સ્વાતી માલીવાલને રાજ્યસભાની સભ્ય બનાવી પણ કોઈ કારણસર વાંકું પડતાં હવે માલીવાલને કાઢીને સિંઘવીને રાજ્યસભામાં મોકલવા માગે છે. માલીવાલ રાજ્યસભાનું સભ્યપદ છોડવા તૈયાર નથી. કેજરીવાલને પોતાનું ધાર્યું થયું નહીં તેથી ગુસ્સો આવી ગયો. તેણે બિભવ કુમારને કહીને પોતાના પર હુમલો કરાવ્યો હોવાનો પણ માલીવાલનો આક્ષેપ છે.
માલીવાલની ઘટનામાં તપાસ થવી જ જોઈએ અને અરવિંદ કેજરીવાલ દોષિત હોય તો તેમને પણ સજા થવી જ જોઈએ. સભ્ય સમાજમાં કોઈને આ રીતે જંગલીની જેમ વર્તવાનો અધિકાર નથી જ. ગમે તેવા મતભેદો હોય પણ કોઈને મારવા કે અસભ્ય વર્તન કરવાનો કોઈને અધિકાર નથી જ. કેજરીવાલ પણ તેમાં અપવાદ નથી એ જોતાં સ્વાતિ માલીવાલ પર હુમલો કેજરીવાલના ઈશારે થયો હોય તો કેજરીવાલને ઉઠાવીને અંદર કરવા જોઈએ, તેમની સામે કેસ કરીને તેમનાં કરમોની સજા અપાવવી જોઈએ. આ મુદ્દે કોઈ વાદવિવાદ કે દલીલોને અવકાશ જ નથી.
આ મુદ્દે ભાજપ તૂટી પડ્યો છે ને અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહારો કરી રહ્યો છે. ભાજપ અરવિંદ કેજરીવાલ માલીવાલ મુદ્દે અત્યાર સુધી મૌન કેમ રહ્યા એ સવાલ પણ કરી રહ્યો છે. ભાજપ કેટલો દંભી છે તેનો આ પુરાવો છે. ભાજપ બ્રિજભૂષણ શરણસિંહથી માંડીને પ્રજ્વલ રેવન્ના સુધીના મુદ્દે એક હરફ ઉચ્ચારતો નથી ને કેજરીવાલના મૌન સામે સવાલ કરે ત્યારે ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એના જેવું લાગે છે.
બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુશ્તીબાજ દીકરીઓનું જાતિય શોષણ કર્યું હોવાના પૂરતા પુરાવા છે એવું કોર્ટે પોતે સ્વીકાર્યું છે ને છતાં આ લંપટ માણસ હજુ ભાજપમાં છે. ભાજપે દંભ કરીને બ્રિજભૂષણના બદલે તેના દીકરાને ટિકિટ આપી પણ દીકરાનો પ્રચાર બ્રિજભૂષણ જ કરી રહ્યો છે. કોર્ટના આદેશના પગલે બ્રિજભૂષણ શરણ સામે ચાર્જશીટ દાખલ થયેલું છે ને છતાં ભાજપનો એક નેતા બોલતો નથી.
નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા સહિતના બધા ચૂપ છે. કેજરીવાલ સામે કૂદાકૂદ કરતા ને સ્ત્રી સન્માનના ઠેકેદાર હોવાનો દંભ કરતા ભાજપના બીજી કતારિયા નેતા પણ ચૂપ છે. આ લોકો બ્રિજભૂષણ સામે બોલવા સુદ્ધાં તૈયાર નથી ત્યારે તેને ભાજપમાંથી તગેડી મૂકાય એવી તો આશા જ ક્યાંથી રખાય.
નરેન્દ્ર મોદીએ પ્રજ્વલ રેવન્નાના સેક્સ કાંડ મુદ્દે લાંબા સમય સુધી મૌન રાખેલું ને પછી ડહાપણ ડહોળ્યું કે, આ પ્રકારની ઘટનાઓમાં ભાજપની નીતી ઝીરો ટોલરન્સની છે. સવાલ એ થાય કે, આ ઝોરી ટોલરન્સની નીતિ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કેમ લાગુ નથી કરાતી? બ્રિજભૂષણ જેવો નાની ઉંમરની દીકરીઓ સાથે અશ્લીલ હરકતો કરવાનો આરોપી ભાજપમાં શું કરે છે ? કમ સે કમ બ્રિજભૂષણ નિર્દોષ સાબિત ના થાય ત્યાં સુધી તો ભાજપ તેને કોરાણે મૂકી શકે કે ના મૂકી શકે?
પ્રજ્વલ રેવન્નાના મુદ્દે પણ ભાજપનાં બેવડાં ધોરણ છતાં થયાં જ છે. ભાજપના નેતા દેવરાજ ગૌડાએ પ્રજ્વલનાં કરતૂતો વિશે છ મહિના પહેલાં ભાજપ હાઈકમાન્ડને કહેલું છતાં ભાજપે કશું ના કર્યું. ઉલટાનું જેડીએસ સાથે જોડાણ કરીને બેસી ગયા. પ્રજ્વલનું પાપ છાપરે ચડીને ન પોકાર્યું હોત તો ભાજપ આ મુદ્દે ચૂપ જ હોત. નરેન્દ્ર મોદીએ તદ્દન વાહિયાત બચાવ કર્યો છે કે, પ્રજ્વલ કાંડ કૉંગ્રેસ શાસનમાં થયેલો પણ કૉંગ્રેસ ચૂપ હતી ને ચૂંટણીની રાહ જોતી હતી. સવાલ એ છે કે, તમે શું કરવા ચૂંટણી સુધી રાહ જોઈ? ચૂંટણી પહેલાં જ પ્રજ્વલના મુદ્દે સ્પષ્ટ વલણ લઈને તેને જેડીએસમાંથી દૂર કરવા કેમ ના કહ્યું ?
ભાજપનાં બેવડાં ધોરણ એ વાતનો પુરાવો છે કે, ભાજપનું સંપૂર્ણપણે કૉંગ્રેસીકરણ થઈ ગયું છે. કૉંગ્રેસ પોતે કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળુ એ માનસિકતામાં રાચતી રહી તેમાં લોકોને તેના તરફ અણગમો થઈ ગયો. લોકો ભાજપ તરફ વળવા માંડ્યા. હવે ભાજપ પણ એ જ રીતે વર્તી રહ્યો છે એ જોતાં ભાજપથી પણ ધીરે ધીરે લોકો કંટાળશે.
આ ઘટનામાં રાષ્ટ્રીય મહિલા પંચનુ વલણ પણ આઘાતજનક છે. પંચે બ્રિજભૂષણ કે જેડીએસના ધારાસભ્ય રેવન્નાને કશું કર્યું નહીં કે પૂછપરછ માટે પણ બોલાવ્યા નહીં. બલ્કે પ્રજ્વલના કેસમાં તો ખોટી ફરિયાદ કરવા મહિલાઓ પર દબાણ કરાતું હોવાનો દાવો કરીને પ્રજ્વલ રેવન્નાની દલાલી કરેલી. હવે બિભવ કુમારને તાત્કાલિક નોટિસ આપીને હાજર થવા કહી દીધું. બિભવ પાસે જવાબ માગવો જ જોઈએ, માલીવાલને ન્યાય અપાવવો જ જોઈએ. રાષ્ટ્રીય મહિલા પંચની એ ફરજ છે પણ ભાજપ કે તેના સાથી પક્ષોની વાત આવે ત્યારે પંચને એ ફરજ કેમ યાદ નથી આવતી?