એકસ્ટ્રા અફેર

દિલ્હીમાં  I.N.D.I.A. ની પસંદ કૉંગ્રેસ નહીં કેજરીવાલ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. આ જંગમાં કોણ જીતશે તેની ખબર મતદાન પછી પડશે, પણ અત્યારે વધારે ચર્ચા દિલ્હીની ચૂંટણીના કારણે ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝિવ એલાયન્સ (I.N.D.I.A..-ઇન્ડિયા)માં પડેલા ભંગાણની છે, બલકે ઈં.ગ.ઉ.ઈં.અ.ના વાવટા સંકેલાઈ જ ગયેલા લાગે છે.  

દિલ્હી વિધાનસભાની આ ચૂંટણીમાં I.N.D.I.A. ના બે મહત્ત્વના પક્ષો આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ સામસામે છે અને બંને જાહેરમાં એકબીજાનાં કપડાં ઉતારવામાં કોઈ કસર નથી રાખી રહ્યાં ત્યારે I.N.D.I.A. મૂકીને આમ આદમી પાર્ટીની પંગતમાં બેસી રહ્યા છે. એટલું જ નહીં, પણ ભવિષ્યમાં પોતપોતાની રીતે આગળ વધવાના સંકેત પણ આપી રહ્યા છે એ જોતાં I.N.D.I.A. મોરચો કાગળ પર પણ નહીં રહે એવું લાગે છે. 

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ અરવિંદ કેજરીવાલને ટેકો આપી ચૂક્યા છે. હવે શરદ પવારે પણ અરવિંદ કેજરીવાલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. શરદ પવારે કહ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપવિરોધી બધા પક્ષોએ અરવિંદ કેજરીવાલની મદદ કરવી જોઈએ એવી મારી લાગણી છે.

દિલ્હીમાં તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી (ટીએમસી), સમાજવાદી પાર્ટી (સપા) અને શિવસેના (યુબીટી) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નો કોઈ જનાધાર નથી. શરદ પવારની એનસીપીનો પણ કોઈ જનાધાર નથી એ જોતાં  આ પક્ષો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ખુલ્લેઆમ સમર્થન આપે તેનાથી પરિણામો પર કોઈ ફરક નહીં પડે, પણ આ પક્ષોનું અરવિંદ કેજરીવાલને સમર્થન એ વાતનો પુરાવો છે કે, I.N.D.I.A. મોરચાના સાથીઓ કૉંગ્રેસના જક્કી વલણને બહુ પસંદ નથી કરી રહ્યા અને કૉંગ્રેસ પોતાનો જ કક્કો ખરો કરવા મથ્યા કરે છે તેની સામે ખુલ્લેઆમ બહાર આવી રહ્યા છે. 

પહેલાં મમતા બનેરજી જેવાં એકલદોકલ નેતા કૉંગ્રેસની વિરુદ્ધ બોલતાં, પણ હવે મોટા ભાગના નેતા કૉંગ્રેસની વિરુદ્ધ વલણ અપનાવી રહ્યા છે કેમ કે કૉંગ્રેસ પોતાના સ્વાર્થને ખાતર ભાજપને ફાયદો કરાવી રહી છે એવું આ નેતાઓને લાગે છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત જ નહીં, પણ સમાજવાદી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી હતી. 

અખિલેશે એ પાછળનો તર્ક પણ આપ્યો હતો કે, દિલ્હીમાં કૉંગ્રેસમાં ભાજપને હરાવવાની તાકાત નથી. અખિલેશ યાદવે કહેલું કે, સમાજવાદી પાર્ટી કોઈ પણ રાજ્યમાં એવા પક્ષને ટેકો આપશે કે જે ભાજપને હરાવી શકે. કૉંગ્રેસ પાસે દિલ્હીમાં મજબૂત સંગઠન જ્યારે આપ દિલ્હીમાં મજબૂત છે તેથી આપ જ દિલ્હીમાં ભાજપને હરાવી શકે તેમ છે. આ કારણે તેથી સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટીને સમર્થન આપશે અને હું પણ આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરીશ. શરદ પવારે અખિલેશની જેમ સાફ શબ્દોમાં કૉંગ્રેસમાં ભાજપને હરાવવાની તાકાત નથી એવું કહ્યું નથી, પણ આડકતરી રીતે એ જ વાત કરી છે. 

રસપ્રદ વાત એ છે કે, આ વાત કૉંગ્રેસના નેતાઓ સિવાય બધાને સમજાય છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી છેલ્લી બે વિધાનસભા ચૂંટણી બમ્પર બહુમતીથી જીતી છે. 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 અને 2020માં 70માંથી 63 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો હતો. ગયા વરસે યોજાયેલી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપ અને કૉંગ્રેસ બંનેનાં સૂપડાં સાફ કરીને જીત મેળવી હતી. સામે કૉંગ્રેસ 2015 અને 2020 બંને ચૂંટણીમાં ખાતું પણ ખોલાવી નહોતી શકી. 2014, 2019 અને 2024 એમ સળંગ ત્રણ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં એક પણ બેઠક નથી જીતી શકી.

કેજરીવાલની પાર્ટી પણ 2014, 2019 અને 2024 એમ સળંગ ત્રણ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં એક પણ બેઠક નથી જીતી શકી, પણ તેનો સ્થાનિક સ્તરે રેકોર્ડ સારો છે. દિલ્હીમાં કૉંગ્રેસ સાથે જોડાણ છતાં આમ આદમી પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક ના જીતી શકી, પણ દિલ્હીમાં કેજરીવાલ સળંગ બે વાર જબરદસ્ત બહુમતી સાથે જીત્યા છે એ જોતાં તેમને હલકામાં લઈ શકાય તેમ નથી.

કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ ટ્રેક રેકોર્ડની સરખામણી કરો તો કોઈ સામાન્ય માણસ પણ આમ આદમી પાર્ટી પર જ દાવ લગાવે. તેના બદલે કૉંગ્રેસના નેતા પોતે જીતવાના જ હોય એ રીતે વર્તી રહ્યા છે ને અરવિંદ કેજરીવાલને વ્યક્તિગત રીતે નિશાન બનાવીને તેમને ગાળો દઈ રહ્યા છે. કૉંગ્રેસના ટોચના નેતા અજય માકને તો કેજરીવાલ દેશવિરોધી હોવાના આક્ષેપ કરીને તેના પુરાવા આપવા માટે પ્રેસ કૉન્ફરન્સની જાહેરાત કરી નાખી હતી. છેલ્લી ઘડીએ આ પ્રેસ કૉન્ફરન્સ મોકૂફ રખાઈ હતી, પણ તેના કારણે બંનેના સંબંધોની કડવાશ ઓગળી નથી. કૉંગ્રેસના નેતા કેજરીવાલ વિરુદ્ધ નિવેદનો ફટકારી જ રહ્યા છે અને યુથ કૉંગ્રેસે તો કેજરીવાલ સામે પોલીસ ફરિયાદ સુદ્ધાં નોંધાવી છે. આ બધાં કારણોસર I.N.D.I.A. મોરચાના નેતાઓને કેજરીવાલ માટે સહાનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.

કૉંગ્રેસ ક્યા જોર પર કૂદાકૂદ કરે છે એ સમજવું અઘરું છે. લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે પ્રમાણમાં સારો દેખાવ કરીને 99 બેઠકો જીતી હતી ત્યારેI.N.D.I.A. મોરચામાં કૉંગ્રેસ સામેનો અસંતોષ દબાઈ ગયેલો અને  નેતૃત્વનો મુદ્દે પણ શાંતિ થઈ ગઈ હતી. બધા પક્ષોએ કૉંગ્રેસના નેતૃત્વને સ્વીકારવા માંડ્યું હતું, પણ કૉંગ્રેસ એ નેતૃત્વને સાર્થક કરે એ રીતે વર્તી શકી નથી. હરિયાણા અને પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની ભૂંડી હાર થતાં કૉંગ્રેસના નેતૃત્વ સામે ફરી સવાલ ઊભા થઈ ગયા છે. મમતા બેનરજીએ તોI.N.D.I.A. મોરચાનું નેતૃત્વ પોતાને મળવું જોઈએ એવી માગ કરી હતી. લાલુ પ્રસાદ યાદવે આ વાતને ટેકો આપેલો તેના પરથી કૉંગ્રેસે વાસ્તવિકતા સમજવી જોઈએ અને સાથી પક્ષોની તાકાતને માન આપવું જોઈએ, પણ કૉંગ્રેસ એ નથી કરી શકતી તેથી દિલ્હીમાં I.N.D.I.A. મોરચાના સાથી પક્ષો તેની સાથે નહીં, પણ અરવિંદ કેજરીવાલની સાથે ઊભા છે.              

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button