એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: કેજરીવાલે કર્યો એ ભ્રષ્ટાચાર, રેખા મેડમ કરે એ ખર્ચ?

-ભરત ભારદ્વાજ

અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા ત્યારે ભાજપે કેજરીવાલના કહેવાતા ‘શીશમહલ’નો મુદ્દો ચગાવ્યો હતો. કેજરીવાલે પોતાના બંગલાને મહેલની જેમ સજાવવા માટે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કર્યું હોવાની વાતને ભાજપે ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવીને કેજરીવાલની વાટ લગાડી દીધેલી ને દિલ્હીમાં સત્તા કબજે કરી હતી. કેજરીવાલ સામે સીબીઆઈ તપાસ પણ કરાવી હતી ને કેજરીવાલને ઘરભેગા કરી દીધેલા.

હવે દિલ્હીમાં કેજરીવાલની સરકાર નથી ને ભાજપનાં રેખા ગુપ્તા મુખ્યપ્રધાન છે ત્યારે રેખા ગુપ્તાના પોતાના સત્તાવાર નિવાસસ્થાન પાછળ લાખોના આંધણનો વિવાદ ચગ્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે રેખા ગુપ્તાને રાજ નિવાસ માર્ગ ખાતે બંગલો નંબર 1 ફાળવાયો છે અને નવા સરકારી બંગલામાં સમારકામ અને સજાવટનું કામ ચોમાસા પછી શરૂ કરવાનું નક્કી કરાયું છે.

આ બંગલાના સમારકામ અને સજાવટ પાછળ થનારા ખર્ચની જે વિગતો બહાર આવી છે એ પ્રમાણે બંગાલાના રિનોવેશનના પ્રથમ તબક્કાનું કુલ બજેટ 60 લાખ રૂપિયા છે. તેમાંથી 11 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ ફક્ત એર કન્ડિશનિંગ પર કરાશે જ્યારે લાઇટ અને ઝુમ્મર માટે છ લાખ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. આ બંગલામાં 4 બેડરૂમ, ડ્રોઇંગ રૂમ, વિજિટર્સ હોલ, નોકરોનો રૂમ, કિચન, લોન અને પાછળના ભાગમાં વાડો છે.

આ બધાનું રીનોવેશન કરીને ચીફ મિનિસ્ટમ મેડમ તથા તેમના પરિવાર માટે રહેવાને લાયક બનાવવા પાછળ આ ખર્ચ કરાવાનો છે. આ બંગલો પહેલા લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયનું કાર્યાલય હતો. એ વખતે તેમાં લોકો બેસતાં જ હતાં તેથી એર કન્ડિશનર્સ, પંખા, વોશરૂમ, પીવાના પાણી માટેનો પ્લાન્ટ, ટેલિફોન લાઈન, ગેસ લાઈન સહિતની બધી સવલતો હતી જ પણ ગુપ્તા મેડમને જૂનું કશું જોઈતું નથી તેથી બધું નવુ નાંખવાનું ફરમાન આવ્યું છે. આ ફરમાનનો અમલ કરીને મુખ્યપ્રધાન અને તેમના પરિવારના રહેવા યોગ્ય બંગલો બનાવવા માટે સરકારી તિજોરી ખોલી દેવાઈ છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ભાજપની નેતાગીરીને હિંદીનું વળગણ કેમ છે ?

ચીફ મિનિસ્ટર મેડમ માટે બંગલામાં 24 એર કંડિશનર લગાવાશે જ્યારે 5 સ્માર્ટ ટીવી લગાવાશે કે જેમાંથી ચાર સ્માર્ટ ટીવી 55 ઇંચનાં અને એક 65 ઇંચનું હશે. બંગલાની શોભા વધારવા ત્રણ મોટાં ઝુમ્મર લગાવાશે જ્યારે 80થી વધુ પંખા લગાવવામાં આવશે. કિચનમાં ગેસ હોબ, ઇલેક્ટ્રિક ચીમની, માઇક્રોવેવ, ટોસ્ટ ગ્રીલ, વોશિંગ મશીન, ડીશવોશર, કલાકના 50 લિટર પાણી શુદ્ધ કરે એવો આરઓ વોટર પ્લાન્ટ જેવા નવા મશીનો હશે.

આ તો પાછી પાશેરામાં પહેલી પૂણી છે કેમ કે આ ખર્ચ તો પહેલા તબક્કાના રીનોવેશન પાછળ થવાનો છે. આ ખર્ચ પણ એક બંગલા પાછળ છે પણ સીએમ મેડમ માટે તેની બિલકુલ બાજુનો એટલે કે બંગલા નંબર 2 પણ રીનોવેટ કરવાનો છે. પબ્લિક વર્ક્સ ડીપાર્ટમેન્ટ (PWD) દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, બંગલા નંબર 2ને મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસ બનાવવામાં આવશે કે જ્યાં નેતાઓ, કાર્યકરો અને જાહેર જનતા તેમને મળી શકશે.

બંગલા નંબર 1 અને 2ને જોડવા માટે એક રસ્તો પણ બનાવવામાં આવશે અને તેની પાછળ થનારા ખર્ચની હજુ જાહેરાત કરાઈ નથી. આ બંને બંગલામાં એક વાર સીએમ મેડમ અને તેમનો પરિવાર રહેવા જાય કે કામ શરૂ કરે પછી તેમને ના ફાવે તો જે તોડફોડ કે બીજી સવલતો ઊભી કરવા પાછળ કેટલો ખર્ચ થશે એ ખબર નથી, પણ બધો ભાર ક્ધયાની કેડ પર એટલે કે દિલ્હીની સરકારી તિજોરી પર છે એ ખબર છે.

રેખ ગુપ્તા દ્વારા બંગલાના સમારકામ પાછળ થનારું લાખોનું આંધણ એ વાતનો પુરાવો છે કે, કાગડા બધે કાળા છે ને નેતાઓ મોટા ભાગે ભ્રષ્ટાચારી છે. એ લોકોની માનસિકતા પોતે કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળું જેવી હોય છે. રેખા ગુપ્તા અત્યારે એ જ માનસિકતા પ્રગટ કરી રહ્યાં છે. આ જ રેખા ગુપ્તા અને ભાજપના નેતાઓએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલના બંગલાનો એક વીડિયો જાહેર કર્યો હતો. ભાજપે આક્ષેપ મૂકેલો કે, આઠ એકર એટલે કે લગભગ 40 હજાર ચોરસ વારમાં બનેલા બંગલાના રિનોવેશન પાછળ 45 કરોડ રૂપિયાથી વધુનો ધુમાડો કરવામાં આવ્યો છે અને બાંધકામમાં પણ ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યા હતા. કેજરીવાલ 2015 થી 2024 સુધી આ બંગલામાં રહ્યા હતા. ભાજપે કટાક્ષમાં આ નિવાસસ્થાનને શીશ-મહલ ગણાવ્યો હતો. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાને ફરિયાદ કરી હતી કે, કેજરીવાલનો બંગલો 4 સરકારી મિલકતોને ગેરકાયદેસર રીતે મર્જ કરીને બનાવવામાં આવ્યો છે અને આ મર્જરની પ્રક્રિયા રદ થવી જોઈએ.

ભાજપની ફરિયાદ મળતાં જ વી.કે. સક્સેનાએ સીબીઆઈ ડિરેક્ટર પ્રવીણ સૂદને પત્ર લખીને સીએમ હાઉસ રિનોવેશન કેસની તપાસનું કામ સોંપ્યું હતું. સપ્ટેમ્બર 2023માં સીબીઆઈએ તપાસ રિપોર્ટ રજૂ કર્યો તેમાં દાવો કરેલો કે, કેજરીવાલે કોરોનાકાળ દરમિયાન સીએમ નિવાસસ્થાન પર લગભગ 45 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો હતો અને આ રૂપિયા સરકારી તિજોરીમાંથી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસના મોઢે અઘોષિત કટોકટીની વાત શોભતી નથી

આ રિપોર્ટના પગલે 13 ફેબ્રુઆરીના રોજ, કેન્દ્ર સરકારે બંગલાના રિનોવેશનની તપાસનો આદેશ આપ્યો હતો. હજુ સુધી આ તપાસનો કોઈ રિપોર્ટ બહાર આવ્યો નથી, પણ ભાજપ માટે મોસાળમાં જમણ ને મા પિરસે જેવો ઘાટ છે એટલે રિપોર્ટ ભાજપે કરેલા આક્ષેપોને સમર્થન આપનારો જ હશે તેમાં બેમત નથી.

ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દાને ચગાવીને સોશિયલ મીડિયા મારફતે દિલ્હીના મતદારો લગી પહોંચાડ્યો હતી. આ મુદ્દાના આધારે ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ સામે જનાક્રોશ પેદા કર્યો હતો અને કેજરીવાલની આમ આદમી પાર્ટીનો ઘડોલાડવો કરી નાંખ્યો હતો. ભાજપે એ વખતે જાહેર કરેલું કે, આ શીશમહલ ભષ્ટાચારનું પ્રતીક હોવાથી ભાજપ સત્તામાં આવશે તો મુખ્યપ્રધાન આ બંગલામાં રહેવા નહીં જાય તેથી મુખ્યપ્રધાન રેખા ગુપ્તા શાલીમાર બાગમાં તેમના પોતાના ઘરમાં રહે છે.

હવે રેખા ગુપ્તાને પણ સરકારી બંગલામાં રહેવાના અભરખા જાગ્યા છે એટલે સરકારી તિજોરીમાંથી લાખોનું આંધણ કરવા માંડ્યું છે. સ્વાભાવિક રીતે જ ભાજપ આ મુદ્દે ચૂપ છે, પણ ભાજપના ભક્તો બચાવમાં ઉતર્યા છે. રિનોવેશન પાછળ થનારો ખર્ચ બહુ મોટો નથી એવી દલીલો થઈ રહી છે.

ભાજપ ભક્તોને 60 લાખ રૂપિયા મોટી રકમ નહીં લાગતી હોય ને તેમની દલીલને સાચી માનીએ તો પણ મુદ્દો એ જ છે કે, કેજરીવાલ અને રેખા ગુપ્તામાં ફરક શું ? કેજરીવાલે રીનોવેશન પાછળ કરોડો ખર્ચ્યા એ ભ્રષ્ટાચાર કહેવાય જ પણ રેખા ગુપ્તા લાખો ખર્ચે તેથી ભ્રષ્ટાચાર ના કહેવાય ? સરકારી બંગલાઓની સાચવણી માટે નિયમિત બજેટ ફાળવાતું હોય છે તેથી બંગલા ગમે ત્યારે રહેવા જઈ શકો એવા હોય જ છે તો પછી નવો ખર્ચ કરવાની જરૂૂર શું ?

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: અમેરિકાની ઝાટકણી, પાકિસ્તાનને ઈરાન પર કેમ હેત ઊભરાયું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button