એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: સુપ્રીમની વાત સાચી, ટોળાશાહીને પ્રોત્સાહન ન જ અપાય

-ભરત ભારદ્વાજ

કમલ હાસને કન્નડ ભાષા તમિળમાંથી ઉદભવી હોવાનું નિવેદન આપ્યું તેના કારણે તેની ફિલ્મ ‘ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ ના થઈ શકી તેનો વિવાદ લાંબા સમયથી ચાલે છે. 24 મેએ ચેન્નાઈમાં ‘ઠગ લાઈફ’ની ઓડિયો લોન્ચ ઈવેન્ટમાં કમલ હાસને કહેલું કે કન્નડ ભાષા તમિળમાંથી ઉદ્ભવી છે. કમલ હાસનના નિવેદન સામે ભડકો થઈ ગયો ને કર્ણાટકમાં લોકો ઉકળી ઉઠેલાં.

કમલ હાસને તમિળ ભાષાને કન્નડ ભાષાની જન્મદાત્રી ગણાવી પછી કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (કેએફસીસી) એ માગ કરી હતી કે કમલ હાસન માફી ન માગે ત્યાં સુધી ફિલ્મ કર્ણાટકમાં રિલીઝ ના કરવા દેવી જોઈએ. કર્ણાટકની કૉંગ્રેસ સરકારે લોકોને ખુશ કરવા ‘ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ ના થવા દીધી તેની સામે કમલ કર્ણાટક હાઈ કોર્ટમાં ગયેલો પણ ઊલટાનું કર્ણાટક હાઈ કોર્ટે કમલ હાસનને તતડાવી નાખીને માફી માગવા કહેલું.

કમલ હાસને માફી માગવાના બદલે કર્ણાટકમાં ફિલ્મ રિલીઝ જ નથી કરવી એમ કહીને આખા ટંટાનો નિવેડો લાવી દીધેલો પણ કમલ હાસનનો એક ચાહક સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને જાહેર હિતની અરજી કરી હતી.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : મોદી વિરોધી રોડ શો, કેનેડા હવે ભારતનું મિત્ર ના બની શકે…

સદનસીબે સુપ્રીમ કોર્ટે એકદમ ન્યાયી વલણ લઈને સાબિત કર્યું છે કે, આ દેશમાં હજુ કાયદાનું શાસન છે અને ન્યાયતંત્ર સાબૂત છે. હાઈ કોર્ટ સહિતની નીચલી અદાલતો ભલે આ દેશના બંધારણ અને કાયદાઓને વફાદાર ના હોય ને સત્તામાં બેઠેલા લોકો કે લોકોની લાગણીઓના આધારે ફરમાનો કરતી હોય પણ સુપ્રીમ કોર્ટ હજુય કાયદાના શાસનમાં માને છે અને બંધારણની રક્ષા કરે છે.

સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કમલ હાસનની ફિલ્મ ઠગ લાઈફ રિલીઝ ન થવા દેવાઈ તેની ઝાટકણી કાઢીને બે મહત્ત્વના આદેશ આપ્યા છે. પહેલો આદેશ ફિલ્મની રિલીઝનો છે અને બીજો આદેશ કર્ણાટક હાઈ કોર્ટની ઝાટકણીનો છે. ન્યાયાધીશ ઉજજલ ભૂયાન અને ન્યાયાધીશ મનમોહનની બેન્ચે આદેશ આપ્યો છે કે, કોઈ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળી જાય છે પછી તેની રિલીઝને દેશના કોઈ પણ રાજ્યમાં ના રોકી શકાય. સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને ‘ઠગ લાઈફ’ની રિલીઝને મંજૂરી આપીને કહ્યું છે કે ટોળાં અને નૈતિકતાના ઠેકેદારો શું ચાલશે ને શું નહીં ચાલે એ નક્કી કરે એ સ્થિતિ જરાય નહીં ચલાવી લેવાય.

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી જવાબ પણ માગ્યો છે અને રાજ્ય સરકારને ફિલ્મ કેમ રિલીઝ ના થવા દેવાઈ તે અંગે સ્પષ્ટતા કરવા માટે એક દિવસનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી પણ કરી છે કે, લોકોના માથા પર બંદૂક તાકીને કોઈને પણ ફિલ્મ જોવાથી રોકી શકાય નહીં.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ લાંબું ચાલે તો હાલત બગડી જાય

સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈ કોર્ટની પણ ઝાટકી કાઢી છે. કર્ણાટક હાઈ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, કમલ હાસન ઈતિહાસકાર કે ભાષાવિદ નથી કે, કન્નડ ભાષા વિશે ટિપ્પણી કરી શકે. કર્ણાટક હાઈકોર્ટે આ મુદ્દે આડકતરી રીતે કમલ હાસનને માફી માગવાનું ફરમાન કરીને કહેલું કે, કમલ હાસન એકવાર માફી માગી લે તો આખો વિવાદ જ ઠંડો પડી જાય.

સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, હાઈ કોર્ટનું કામ માફી મંગાવવાનું નથી ને તેણે પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે, કમલ હાસને કોઈ ને ના ગમતી વાત કરી હોય તો પણ તેની વાતને સનાતન સત્ય ના ગણી શકાય. કમલ હાસને ખોટી વાત કરી હોય તો કર્ણાટકના વિદ્વાનોએ સત્યને લોકો સામે મૂકીને કમલ હાસનને ખોટા સાબિત કરવા જોઈતા હતા.

સુપ્રીમ કોર્ટનો કર્ણાટકમાં ઠગ લાઈફ ફિલ્મને રિલીઝ થવા દેવાનો આદેશ મહત્ત્વનો છે કેમ કે છેલ્લા ઘણા સમયથી ભારતમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. ધર્મ, જ્ઞાતિ, ભાષા, સંપ્રદાય સહિતના મુદ્દે ફાલતુ વિવાદો ઊભા કરીને ઘણી ફિલ્મો, પુસ્તકો વગેરેને રિલીઝ ના થવા દઈને સુપર સેન્સર બોર્ડ તરીકે વર્તવાનું વલણ વધતું જાય છે. ફિલ્મો માટે સેન્સર બોર્ડ છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલું છે. સેન્સર બોર્ડ દેશના બંધારણ પ્રમાણે વર્તે છે અને ફિલ્મમાં કશુંક વાંધાજનક હોય કે લોકોની લાગણી દુભાય એવું હોય તો સેન્સર બોર્ડ જ એવાં દૃશ્યો, સંવાદો વગેરે કાપી નાખે છે. સેન્સર બોર્ડ એક વાર ફિલ્મને મંજૂરી આપી દે તેનો અર્થ એ થયો કે, ફિલ્મમાં એવું કશું નથી કે જેની સામે વાંધો લઈ શકાય એ પછી તેને કોઈ પણ સ્થળે રોકી ના શકાય.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: અમેરિકા-ચીન વ્યાપાર કરાર, ટ્રમ્પને નમ્યા વિના છૂટકો નથી

કમનસીબે આપણે ત્યાં રાજકીય કે બીજા ફાયદા માટે થઈને સંગઠનો, રાજકીય પક્ષો, વ્યક્તિઓને ઘણી વાર તો જેમની મુખ્ય જ જવાબદારી બંધારણની રક્ષા કરવાની છે એવી રાજ્ય સરકારો પણ સાવ વાહિયાત વાંધા ઊભા કરીને ફિલ્મને રિલીઝ નથી થવા દેતી. આ વલણ દેશના બંધારણનું અપમાન કહેવાય, કેન્દ્ર સરકારની સત્તાની અવગણના કહેવાય. તેની સામે આકરાં પગલાં લેવાવાં જોઈએ પણ લેવાતાં નથી તેથી છેવટે સુપ્રીમ કોર્ટે બંધારણની રક્ષા માટે મેદાનમાં આવવું પડે છે, નેતાઓ તો તેને પણ જ્યુડિશિયલ એક્ટિવિઝમ ગણાવીને વાંધા લે છે પણ આ જ્યુડિશિયલ એક્ટિવિઝમ ના હોય તો નેતાઓની મનમાની ચાલે ને ટોળાશાહીનું રાજ ચાલે.

સુપ્રીમ કોર્ટે બીજો પણ મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો છે કે, કમલ હસને કહ્યું એ સનાતન સત્ય નથી તેથી તેની સામે ઉકળી ઊઠવાના બદલે સત્ય લોકો સામે મૂકીને તેનો પ્રતિકાર કરવો જોઈએ. વાત સો ટકા સાચી છે. કમલ હકસને કન્નડ ભાષા તમિળમાંથી જન્મી એવી વાત કરી એ સાચી નથી. કન્નડ અને તમિળ બંને સિસ્ટર લેંગ્વેજીસ એટલે કે એક ભાષામાંથી ઉદભવેલી ભાષા છે. દક્ષિણ ભારતની તમિળ, તુલુ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ પાંચ ભાષાઓનો આધાર એક પ્રોટો-દ્રવિડિયન ભાષા છે. આ ભાષા કઈ તે સ્પષ્ટ નથી પણ એ સ્પષ્ટ છે કે, આ પાંચ ભાષા એક પ્રાચીન ભાષામાંથી ઉદભવી છે અને કોઈ પણ ભાષા બીજી ભાષામાંથી જન્મી નથી.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : વિજય રૂપાણી સામાન્ય માણસોના નેતા તરીકે યાદ રહેશે

તમિળને સૌથી પ્રાચીન ભાષા માનવામાં આવે છે તેનું કારણ અંગ્રેજો છે. અંગ્રેજો મદ્રાસમાં સૌથી પહેલાં આવ્યા તેથી તમિળ વિશે વધારે સંશોધન કર્યું તેના કારણે તમિળ સૌથી જૂની ભાષા હોવાની માન્યતા પેદા થઈ. નેતાઓએ પોતાના ફાયદા માટે દક્ષિણની બાકીની ભાષાઓની માતા તમિળ છે એવી ખોટી માન્યતા પણ ફેલાવી પણ આ વાત ખોટી છે. કન્નડ વિદ્વાનોએ આ વાત મૂકીને કમલ હાસનને ખોટો સાબિત કરવો જોઈએ, તેની ફિલ્મની રિલીઝ રોકીને નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button