એકસ્ટ્રા અફેર

મોદીનું નામ એપસ્ટીન સાથે કઈ રીતે જોડી શકાય?

એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ

અંતે વિકૃત માનસિકતા ધરાવતા સેક્સ અપરાધી જેફરી એપસ્ટીનનો રેલો ભારત લગી આવી ગયો. અઠવાડિયા પહેલાં જેફરી એપસ્ટીનને લગતા 30 લાખ જેટલા દસ્તાવેજો અમેરિકન સરકારે બહાર પાડ્યા ત્યારથી દુનિયાભરમાં જેફરી એપસ્ટીન ફાઈલ્સની ચર્ચા થવા માંડેલી પણ ભારતમાં મીડિયા ચૂપ હતું. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનાં નામોનો ઉલ્લેખ હોવા છતાં ભારત સરકાર પણ ચૂપ હતી.

કેટલાક કૉંગ્રેસી નેતાઓએ એપસ્ટીન ફાઈલ્સમાં મોદીના ઉલ્લેખને આધાર બનાવીને ગંભીર આક્ષેપ કરેલા. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કૉંગ્રેસે એપ્સ્ટીન ફાઇલ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો પણ મીડિયાએ તેને મહત્ત્વ નહોતું આપ્યું. કૉંગ્રેસના નેતા પવન ખેરાએ 16 માર્ચ, 2017ના રોજ અનિલ અંબાણી અને જેફરી એપ્સટીન વચ્ચેની ચેટના સ્ક્રીનશોટ એક્સ પર મૂકેલા. આ ચેટમાં અનિલ અંબાણી ટ્રમ્પના જમાઈ જેડ કુશનર અને ટ્રમ્પના ખાસ માણસ બેનને મળવા માટે તથા ટ્રમ્પ-મોદીની મુલાકાત ગોઠવવામાં એપસ્ટીનની મદદ માગી રહ્યા છે.

ગુજરાતમાં કૉંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વીડિયો મૂકીને મોદીને સેક્સ અપરાધી સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરેલો, મોદીનો ઉલ્લેખ ધરાવતા એપસ્ટીને કરેલા કહેવાતા કેટલાક ઈ-મેલ પણ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયેલા છતાં ભારત સરકારે કોઈ ચોખવટ કરવાનું મુનાસિબ નહોતું માન્યું.

હવે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની એપસ્ટીન સાથેની મુલાકાતોનો ઉલ્લેખ કર્યો એ સાથે જ ભારત સરકાર સફાળી જાગી છે ને સ્પષ્ટતા કરી છે કે, મોદીના ઉલ્લેખ સાથે ફરતા થયા ઈ-મેલમાં જૂઠાણાં છે. વિદેશ મંત્રાલયે એપસ્ટીન ફાઈલ્સ અંગે સત્તાવાર નિવેદન આપીને કહ્યું છે કે, અમે એપસ્ટેઈન ફાઈલ્સ સંબંધિત એક ઈમેલ અંગેના અહેવાલો જોયા છે કે જેમાં વડા પ્રધાનની ઈઝરાયલ મુલાકાતનો ઉલ્લેખ છે. જુલાઈ 2017માં વડા પ્રધાનની ઈઝરાયલ મુલાકાત સત્તાવાર હતી પણ ઈમેલમાં લખાયેલી બીજી વાતો એક દોષિત અપરાધીએ કરેલો બકવાસ છે અને તેને સંપૂર્ણપણે નકારી કાઢવો જોઈએ.

રાહુલ ગાંધીએ લોકસભામાં વિવાદમાં તેમનું નામ લેતાં દોડતા થઈ ગયેલા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તો પ્રેસ કોન્ફરન્સ કરી નાંખી. પુરીએ એપસ્ટીનના ગુનાહિત કેસો સાથે પોતાને કોઈ સંબંધ હોવાના આક્ષેપોને બકવાસ ગણાવ્યા છે પણ સાથે સાથે કબૂલ્યું છે કે, પોતે જેફરી એપસ્ટીનને ત્રણ-ચાર વાર મળ્યા હતા પણ તેમની વાતચીત અને મુલાકાતો સંપૂર્ણપણે પ્રોફેશનલ હતી.

પુરીનો દાવો છે કે, પોતે મે 2009માં ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો પછી ઇન્ડિપેન્ડન્ટ કમિશન ઓન મલ્ટિલેટરલિઝમ અને અન્ય આંતરરાષ્ટ્રીય કાર્યોના સંદર્ભમાં એપસ્ટીનને મળ્યા હતા પણ એપસ્ટીનના જાકુબીના બીજા ધંધાઓ સાથે પોતાને કોઈ લેવાદેવા નથી. પુરીએ પોતે એપસ્ટીનના ખાસ સાથી મનાતા લિંક્ડઇનના સ્થાપક રીડ હોફમેનને મળ્યા હોવાનું પણ કબૂલ્યું છે પણ આ બેઠકો ભારતમાં ઇન્ટરનેટ અને પ્રોફેશનલ તકો વિશે ચર્ચાઓ માટે હતી એવો દાવો પણ કર્યો છે.

મોદીની નજીક કહેવાતા રવિ મંથાનો પણ એપસ્ટીન ફાઈલ્સમાં ઉલ્લેખ છે. અનિલ અંબાણીનો ઘણી વાર ઉલ્લેખ છે. અનિલે મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અમેરિકાના અધિકારીઓ સાથે મોદીની મુલાકાતો ગોઠવવા એપસ્ટીનનો સંપર્ક કરેલો એવા ઈ-મેલમાં ઉલ્લેખ છે. ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારે પણ અનિલે મોદી વતી ટ્રમ્પની નજીકના માણસો સાથે મુલાકાતો ગોઠવવા કહેલું એવા ઉલ્લેખ છે.

જેફરી એપસ્ટીને મોદીનો સીધો ઉલ્લેખ કરીને કરેલા ઈ-મેલમાં મોદી 2017માં ઈઝરાયલ ગયા હતા ત્યારે ડોનલ્ડ ટ્રમ્પના ઈશારે નાચ્યા હતા અને ગાયું હતું એવો ઉલ્લેખ છે. આ વાતનો મતલબ મોદીએ ડાન્સ કરેલો એવો નથી પણ ટ્રમ્પના ઈશારે વર્ત્યા હતા એવો થાય છે. મોદીની મુલાકાત પછી ભારતની ઈઝરાયલ પાસેથી શસ્ત્રોની ખરીદી વધી ગયેલી એ સંદર્ભમાં આ વાત છે. ભારત સરકારે આ ઈ-મેલના સંદર્ભમાં જ સ્પષ્ટતા કરી છે.

જેફરી એપસ્ટીન વિકૃત માનસિકતા ધરાવતો હતો. એપસ્ટીન ધનિકોને સેક્સ માટે સગીર છોકરીઓ અને છોકરા પૂરા પાડતો હતો. કુખ્યાત જેમ્સ એપસ્ટીન અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની માર-અ-લાગોનો સભ્ય હતો અને ટ્રમ્પનો મિત્ર હતો. એપસ્ટીન પોતાનો વિકૃત્તિનો ધંધો માર-અ-લાગોમાં જ ચલાવતો હતો એવું કહેવાય છે. એ સિવાય બીજા ટાપુઓ પર પણ એપસ્ટીન સેક્સ પાર્ટીઓ કરતો ને તેમાં દુનિયાભરના ધનિકો આવતા.

એપસ્ટીનને તેનાં કુકર્મો બદલ સજા થયેલી અને 2019માં જેલમાં જ તેણે આપઘાત કરી લીધો હતો. એપસ્ટીન ખરેખર મર્યો નથી પણ મરવાનું નાટક કરીને તેને ટ્રમ્પે ઈઝરાયલ મોકલી દીધેલો એવી વાતો પણ ચાલે છે. આ વાતો સાચી છે કે નહીં ખબર નથી પણ એપસ્ટીન મળવા જેવો કે સંબંધો રાખવા જેવો માણસ નહોતો એ સંપૂર્ણ સત્ય છે તેથી હરદીપ પુરી તેને મળ્યા હોય એ ખરાબ તો કહેવાય જ પણ માત્ર મળવાથી જ એપસ્ટીનનાં પાપોમાં ભાગીદાર હતા કે તેનો કોઈ ગેરફાયદો લીધો હતો એવું સાબિત થતું નથી.

એપસ્ટીન વગદાર માણસ હતો ને દુનિયામાં ઘણા શાસકો સાથે તેને દોસ્તી હતી. ડોનલ્ડ ટ્રમ્પનો તો એ ખાસ ગોઠિયો ગણાતો તેથી અમેરિકામાં ને બીજા દેશોમાં પણ ભારતમાં કામ કઢાવવા માટે હરદીપ પુરી એપસ્ટીનને મળ્યા હોઈ શકે છે પણ તેના કારણે પુરીનો પગ કુંડાળામાં પડેલો કે બીજા વિકૃતોની જેમ એપસ્ટેઈન સાથે તેમના વિકૃતિઓ સંતોષવા માટેના સંબંધો હતા એવું ના કહી શકાય.

મોદી તો કદી એપસ્ટીનને મળ્યા પણ નથી એ જોતાં મોદીનું એપસ્ટીન સાથે નામ જોડવું એ એક પ્રકારની માનસિક વિકૃતિ જ ગણાય. એપસ્ટીને પોતે મોદીનો ઉલ્લેખ કર્યો છે પણ એ પોતે સાચું બોલતો હોય તેની ગેરંટી નથી. દુનિયાભરના શાસકો પોતાના ઈશારે નાચે છે ને પોતાની આગળપાછળ ફરે છે એવું બતાવવા તેણે ફિશિયારી મારી હોય એ શક્ય છે. જે માણસ પોતે અત્યંત ગંભીર પ્રકારના અપરાધો માટે દોષિત ઠરી ચૂક્યો છે તેની વાતને સંપૂર્ણ સાચી કઈ રીતે માની શકાય ?

અનિલ અંબાણી મોદી વતી મુલાકાતો માટે મથતા હતા એવી વાતો સાચી હોય તો પણ તેનો અર્થ નથી. દેશના હિતમાં બીજા દેશના વગદાર લોકો સાથે મીટિંગો કરવા માટે ઘણી ચેનલો ચલાવાતી હોય છે. અનિલ અંબાણીએ પોતાના જોરદાર કોન્ટેક્ટ્સ હોવાની વાતો કરી હોય તેથી એ ચેનલ ચલાવાઈ હોય એ શક્ય છે પણ તેનો અર્થ એ પણ નથી કે, અનિલ અંબાણી એપસ્ટેઈન મારફતે બધી ગોઠવણો કરી રહ્યા છે તેની મોદીને ખબર હોય.

ટૂંકમાં મોદી કે હરદીપસિંહ પુરીને એપસ્ટીનના ખરાબ ધંધા સાથે કોઈ રીતે જોડી શકાય તેમ નથી. કૉંગ્રેસે રાજકીય ફાયદાને ખાતર આ સ્તરે જવાની જરૂર નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button