એકસ્ટ્રા અફેર : યમનમાં નિમિષા બચી જાય તો મોટો ચમત્કાર ગણાય

-ભરત ભારદ્વાજ
યમનની જેલમાં 2018થી સબડી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈ ને બુધવારે ફાંસી થવાની હતી પણ નિમિષાનાં નસીબ જોર કરતાં હશે એટલે ફરી એક વાર ફાંસીની સજા મુલતવી રહી છે. નિમિષાને મળેલી રાહત કામચલાઉ છે પણ તેના કારણે નિમિષા બચી જાય એવી આછીપાતળી આશા પાછી જાગી છે એ કબૂલવું પડે. 34 વર્ષની નિમિષાને તેના બિઝનેસ પાર્ટનર તલાલ આબ્દો મહદીની હત્યાના કેસમાં 2020માં ફાંસીની સજા થઈ છે.
નિમિષાએ સજા સામે યમનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી પણ કોર્ટે ફાંસીની સજા સામેની અપીલ ફગાવી દેતાં નિમિષા પાસે બચવા માટે ‘દિયાહ (બ્લડ મની)’ આપીને મૃતકના પરિવાર સાથે સોદાબાજી કરવાનો છેલ્લો વિકલ્પ બચ્યો છે. યમનમાં અમલી મુસ્લિમ કાયદા એટલે કે શરિયા પ્રમાણે નિમિષાનો પરિવાર તલાલના પરિવારને ‘બ્લડ મની’ આપે તેના બદલામાં તલાલનો પરિવાર નિમિષાને માફી આપી દે તો નિમિષા છૂટી શકે.
સામાન્ય સંજોગોમાં કોઈ ભારતીય નાગરિક વિદેશમાં ફસાય કે મુશ્કેલીમાં મુકાય તો ભારત સરકાર તેને મદદ કરતી હોય છે. નિમિષાના કિસ્સામાં તકલીફ એ થઈ કે, ભારત અને યમન વચ્ચે રાજદ્વારી સંબંધો નથી તેથી ભારતના નાગરિકોને યમન જવાની મંજૂરી નથી. આ સંજોગોમાં ‘બ્લડ મની’ એકઠા કરાય તો પણ નિમિષા વતી મૃતક તલાલના પરિવાર સાથે કોણ ચર્ચા કરે એ સવાલ હતો. દિલ્હી હાઈ કોર્ટે માનવીય અભિગમ બતાવીને નિમિષાની મા પ્રેમા કુમારીને યમન જવા દેવા માટે નિયમોમાં છૂટ આપવા ભારત સરકારને આદેશ આપતાં પ્રેમા યમન ગઈ છે.
નિમિષાના પરિવારે ‘બ્લડ મની’ પેટે આપવા 10 લાખ ડૉલર એટલે કે લગભગ 8.5 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે. ‘બ્લડ મની’ આપીને નિમિષાને બચાવવા નિમિષાની માતા તથા બીજાં સગાં વાટાઘાટો પણ કરી રહ્યાં છે પણ મહદીનો પરિવાર ‘બ્લડ મની’ લેવા તૈયાર નથી. તેમને નિમિષાને ફાંસીથી ઓછું કશું ખપતું નથી તેથી નિમિષાને ફાંસી થશે એ નક્કી લાગતું હતું ને બુધવારે તેનો ખેલ ખતમ થઈ જશે એ પણ નક્કી હતું ત્યાં અચાનક જ આવેલી રાહતે નિમિષાનો જીવ બચાવી શકાશે એવી આશા ઊભી કરી છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: લોર્ડ્સમાં હાર: યુવા ટીમે ભૂતકાળની ભૂલ દોહરાવી
નિમિષાને રાહત કેમ મળી તેનાં કારણ નથી અપાયાં પણ મહદીનો પરિવાર કૂણો પડ્યો હોય અને નિમિષાને ‘બ્લડ મની’ના બદલામાં માફી આપી દેવા તૈયાર થયો હોય એ શક્ય છે. એ માટેની કાનૂની પ્રક્રિયા પૂરી કરવામાં વાર લાગે તેથી સત્તાવાર રીતે જાહેરાત ના કરાઈ હોય એવું બને. આ એક અટકળ જ છે પણ આ અટકળ સાચી પડે એવી આશા રાખીએ કેમ કે સવાલ ભારતની એક દીકરીની જિંદગીનો છે.
નિમિષા બચી જશે તો મોટો ચમત્કાર ગણાશે કેમ કે અત્યાર સુધી કેસ જે રીતે ચાલ્યો છે એ જોતાં નિમિષાના બચવાની કોઈ આશા નહોતી. નિમિષાની સ્ટોરી કોઈ થ્રીલર નોવેલ જેવી છે. કેરળની નર્સ નિમિષા પ્રિયા 2008માં 23 વર્ષની ઉંમરે યમન ગઈ પછી યમનની રાજધાની સાનામાં સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ હતી. નિમિષાનો પરિવાર સાવ ગરીબ છે અને નિમિષાની માતા પ્રેમાએ લોકોનાં ઘરોમાં કામ કરીને દીકરીને ઉછેરી છે તેથી આ નોકરી આખા પરિવાર માટે આશીર્વાદરૂપ હતી.
ત્રણ વર્ષમાં નિમિષા નોકરીમાં સેટ થઈ ગઈ અને આર્થિક રીતે પગભર થઈ પછી 2011માં ભારત આવીને ઈલેક્ટ્રિશિયન ટોની થોમસ સાથે કેરળમાં લગ્ન કર્યાં અને પતિ સાથે યમન પાછી ગઈ. ટોનીએ યમનમાં કામ શરૂ કરતાં બંનેની જિંદગી ખુશહાલ હતી. 2012ના ડિસેમ્બરમાં નિમિષાએ દીકરીને જન્મ આપ્યો ત્યારે જિંદગીમાં બધું મળી ગયું હોય એવું લાગતું હતું.
યમન આતંકવાદી સંગઠનનો અડ્ડો છે તેથી આંતરિક વિગ્રહ ચાલ્યા જ કરે છે. 2012 પછી આંતરિક વિગ્રહ ઉગ્ર બનતાં અરાજકતા વધતાં ટોની બેકાર થઈ ગયો. ખાલી નિમિષાના પગારમાં ત્રણ વ્યક્તિનું પૂરું કરવું શક્ય નહોતું તેથી ટોની દીકરીને લઈને ભારત પાછો આવી ગયો. ટોની ભારતમાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરતો. બીજી તરફ યમનમાં સ્થિતિ બગડતી જતી હતી તેથી નિમિષાએ નોકરીના બદલે પોતાનું ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: અમદાવાદ પ્લેન ક્રેશ, પાઇલટ્સને બલિના બકરા બનાવાશે?