એકસ્ટ્રા અફેર

ભાજપ મમતા-નવિનને હરાવી દે તો મોટી વાત કહેવાય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને આવનારા પરિણામ પર સૌની નજર છે ત્યારે પરિણામ પહેલાં વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવી ગયા છે. આ અક્ઝિટ પોલમાં ભાજપના જયજયકારની આગાહીઓ કરાઈ છે.

ભાજપે પોતાના માટે ૩૫૦ કરતાં વધારે બેઠકો અને એનડીએ માટે ૪૦૦ પ્લસ બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. છેલ્લા તબક્કાના મતદાન પછી બહાર પડેલા ૧૩ એક્ઝિટ પોલના તારણ પ્રમાણે, ભાજપે ૩૫૦ કરતાં વધારે બેઠકો અને એનડીએ ૪૦૦ પ્લસ બેઠકો તો નહીં જીતી શકે પણ ભાજપની સરકાર ચોક્કસ રચાશે.

આ ૧૩ એક્ઝિટ પોલના તારણ પ્રમાણે એનડીએને ૩૬૫ બેઠકો મળવાનો અંદાજ છે કે જેમાં ભાજપની બેઠકો ૩૧૦ની આસપાસ રહેશે. કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા મોરચાને ૧૪૫ બેઠકો મળવાનો અંદાજ છે જ્યારે અન્યને ૩૨ બેઠકો મળી શકે છે. ભાજપ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હી સહિતનાં હિન્દી પટ્ટાના રાજ્યોમાં સપાટો બોલાવી દેશે અને આ રાજ્યોમાં ૯૦ ટકાથી વધુ બેઠકો પર ભાજપની જીત નિશ્ર્ચિત હોવાની આગાહી પણ એક્ઝિટ પોલમાં કરાઈ છે.

ગુજરાતમાં ભાજપ ફરી ૨૬ બેઠકો લઈ જશે એવું મોટા ભાગના એક્ઝિટ પોલ કહે છે જ્યારે કેટલાક પોલ એક-બે બેઠકો કૉંગ્રેસ જીતી જશે એવી આગાહી કરે છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપના નેતૃત્વ હેઠળનો એનડીએ ૪૮માંથી ૩૦ કરતાં વધારે બેઠકો જીતશે એવી આગાહી કરાઈ છે. મધ્ય પ્રદેશની ૨૯ બેઠકોમાંથી ભાજપને ૨૮થી ૨૯ બેઠકો અને રાજસ્થાનમાં પણ ૨૩થી ૨૫ બેઠકો મળવાની ધારણા છે. ઉત્તર પ્રદેશમાં ૬૯થી ૭૪ બેઠકો અને છત્તીસગઢમાં ૧૧માંથી ૧૧ બેઠકો મળી શકે છે એવી આગાહી છે એ જોતાં આ રાજ્યોમાં ભાજપનો દબદબો જળવાશે.

આ એક્ઝિટ પોલમાં સૌથી આશ્ર્ચર્યજનક તારણ ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળ અંગે કરાયાં છે. પશ્ર્ચિમ બંગાળમાં પવન બદલાશે અને લોકસભાની ૪૨ બેઠકોમાંથી ભાજપને ૨૬થી ૩૧ બેઠકો મળવાની સંભાવના છે એવી આગાહી કરાઈ છે. એ જ રીતે ઓડિશાની ૨૧ લોકસભા બેઠકોમાંથી ભાજપ ૧૭ સુધી બેઠકો લઈ જશે એવી પણ આગાહી કરાઈ છે. બંગાળમાં મમતા બેનર્જી અને ઓડિશામાં નવિન પટનાઈક વરસોથી એકચક્રી શાસન ચલાવે છે. ભાજપ ખરેખર તેમના વર્ચસ્વને તોડી નાંખે તો એ મોટી વાત કહેવાય.

પશ્ર્ચિમ બંગાળની લડાઈ જબરદસ્ત છે અને ભાજપનો દાવો છે કે, તે ૩૦થી વધુ લોકસભા બેઠકો જીતશે. ભાજપનો દાવો છે કે, લોકોમાં મમતા બેનર્જી સામે ગુસ્સો વધી રહ્યો છે. વધતી હિંસા, ભ્રષ્ટાચારના કેસમાં મંત્રીઓનો જેલવાસ, સંદેશખાલીમાં મહિલાઓનું શોષણ વગેરે મુદ્દે લોકો મમતા પર ભડકેલાં છે તેથી આ વખતે બંગાળમાં ભાજપનું કમળ ખિલશે. મમતા બેનર્જી બંગાળની ઓળખને મોટો મુદ્દો બનાવી રહ્યાં છે પણ મમતાનો ચહેરો લોકો સામે આવી ગયો છે તેથી લોકો ભાજપ તરફ વળશે એવા ભાજપના દાવાને એક્ઝિટ પોલ સમર્થન આપી રહ્યા છે.

ઓડિશામાં પણ નવિન પટનાઈક ૨૫ વર્ષથી મુખ્યમંત્રી છે તેથી લોકો કંટાળ્યાં છે. બીજેડીના ભ્રષ્ટાચાર સામે લોકોમાં આક્રોશ છે એવો ભાજપનો દાવો છે. આ કારણે બીજેડીને લોકો નકારી કાઢશે એવું કહેવાય છે. એક્ઝિટ પોલ આ વાતને સાચી ગણાવી રહ્યું છે. અલબત્ત ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીમાં શું થશે એ વિશે એક્ઝિટ પોલ થયા નથી તેથી નવિનનું શું થશે એ જાણવું રસપ્રદ છે.

ભાજપ માટે સૌથી મોટો ગઢ ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે કે જ્યાં લોકસભાની ૮૦ બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે યુપીમાં સપાટો બોલાવેલો. ૨૦૧૪ ની ચૂંટણીમાં એનડીએએ ૮૦માંથી ૭૩ બેઠકો જીતી હતી, તો ૨૦૧૯ની ચૂંટણીમાં ૬૪ જીતી હતી. આ વખતે એનડીએ તમામ ૮૦ બેઠકો જીતશે તેવો દાવો થઈ રહ્યો છે પણ એક્ઝિટ પોલ ભાજપ ૭૦ની આસપાસ બેઠકો જીતશે એવું લાગી રહ્યું છે.

ભાજપ માટે બીજું મહત્ત્વનું રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રની ૪૮ બેઠકો પર આકરી સ્પર્ધા છે. એનસીપીમાં ભાગલા પડી ગયા અને શિવસેના પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ પછી ભાજપ માટે મોટો પડકાર છે. શરદ પવારના જમણા હાથ ગણાતા અજિત પવાર એનડીએ સાથે છે અને શિવસેનાથી અલગ થયેલા એકનાથ શિંદે પણ ભાજપ સાથે છે. આ બંને ભાજપ માટે લાયેબિલિટી મનાય છે એ જોતાં મહારાષ્ટ્રમાં ભાજપનો દેખાવ કેવો હશે તેના પર સૌની નજર છે. એક્ઝિટ પોલમાં પણ આગાહી કરાઈ છે કે, ભાજપને થોડું નુકસાન સહન કરવું પડશે. શિંદે પોતાના દમ પર જીત મેળવી શકે તેમ નથી ને અજિત પવાર ભ્રષ્ટાચારી છે. આ કારણે ભાજપ માટે બંને બોજ છે ને તેની કિંમત ભાજપ ચૂકવશે એવું એક્ઝિટ પોલ પરથી લાગી રહ્યું છે.

કૉંગ્રેસ આ ચૂંટણીમાં ખરાબ રીતે હારશે એવી આગાહી એક્ઝિટ પોલમાં કરાઈ છે ને તેનાથી કોઈને આંચકો નથી લાગ્યો. વાસ્તવમાં કૉંગ્રેસને ચમત્કાર જ જીતાડી શકે તેમ છે ને અત્યારે ચમત્કાર થવાની શક્યતા ઓછી છે. કૉંગ્રેસ ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ માં એક્ઝિટ પોલ બહુ સાચા નહોતા પડ્યા એ પરિબળ પર નદાર રાખીને બેઠી છે.

૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપે જીત મેળવી ત્યારે ભાજપને જંગી બહુમતીની આગાહી એક્ઝિટ પોલમાં નહોતી થઈ. ૨૦૧૪ માં આઠ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને સરેરાશ ૨૮૩ બેઠકો અને કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને ૧૦૫ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી જ્યારે એનડીએ ૩૩૬ બેઠકો જીત્યો હતો. એક્ઝિટ પોલ ‘મોદી લહેર’ની આગાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભાજપે ૨૮૨ અને કૉંગ્રેસે ૪૪ બેઠકો જીતી હતી તેની આગાહી પણ સાચી નહોતી પડી.

૨૦૧૯ માં ૧૩ એક્ઝિટ પોલમાં એનડીએને સરેરાશ ૩૦૬ બેઠકો અને યુપીએને ૧૨૦ બેઠકો મળવાની આગાહી કરાયેલી પણ એનડીએ ૩૫૩ બેઠકો જીતી હતી. અને યુપીએને ૯૩ બેઠકો મળી હતી. ભાજપે એકલાએ ૩૦૩ અને કૉંગ્રેસે ૫૨ બેઠકો જીતી હતી.

૨૦૦૯માં કોઈએ કૉંગ્રેસ ૨૦૦ બેઠકોના આંકડાને પાર કરશે એવી આગાહી નહોતી કરી પણ કૉંગ્રેસ ૨૦૬ બેઠકો જીતી ગયેલી.
કૉંગ્રેસ અત્યારે એવા જ ચમત્કારની આશા રાખીને બેઠી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત