એકસ્ટ્રા અફેર: પાકિસ્તાનનો ધામા નાખીને પડેલા અફઘાનોથી છુટકારો શક્ય જ નથી

ભરત ભારદ્વાજ
એક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ જામ્યો છે અને પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકવાદી હુમલા માટે અફઘાનોને જવાબદાર ગણાવીને અફઘાનિસ્તાન પર હલ્લાબોલ કરી દીધું છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર પાકિસ્તાનમાં ધામા નાખીને પડેલ અફઘાનોનો મુદ્દો છેડી દીધો છે. ખ્વાજા આસિફે જાહેર કર્યું છે કે પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાનોએ પોતાના દેશમાં પાછા ફરવું જોઈએ કેમ કે અફઘાનિસ્તાન સાથે સારા સંબંધોનો યુગ સમાપ્ત થઈ ગયો છે.
આસિફે તો પાકિસ્તાનમાં થઈ રહેલા હુમલા માટે ભારત પર દોષારોપણ પણ કર્યું છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો ભારતના ઈશારે પાકિસ્તાનમાં હિંસા આચરી રહ્યા છે અને પાકિસ્તાન આર્મીને નિશાન બનાવી રહ્યા છે એવો દાવો પણ આસિફે કર્યો છે. ખ્વાજા આસિફે દિલ્હીથી તાલિબાનના નિર્ણયો લેવાય છે અને અફઘાનિસ્તાન ભારત માટે પ્રોક્સી યુદ્ધ લડે છે એવો આક્ષેપ પણ કર્યો છે.
આસિફે કટાક્ષ પણ કર્યો છે કે, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઘણાં વર્ષોથી સારા સંબંધ છે પણ પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાનના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી છતાં લાખો અફઘાનોએ પાકિસ્તાનમાં આશરો લીધો છે. અફઘાનિસ્તાનના ભારત સાથે આટલા સારા સંબંધો છે એ જોતાં પાકિસ્તાનમાં રહેતા અફઘાનોને ભારતમાં ખસેડી દેવા જોઈએ.
આસિફે ભારત પર કટાક્ષ કરવા જતાં એક સારી ને સાચી વાત એ કહી દીધી કે, પાકિસ્તાન અફઘાનોનો બોજ ઉઠાવી શકે તેમ નથી. પાકિસ્તાન પાસે પોતાનાં લોકો માટે પૂરતાં સંસાધનો નથી તો પછી અફઘાનોને કઈ રીતે નિભાવી શકે?
આસિફની આ વાત સાચી છે કેમ કે ભૂખડી બારસ પાકિસ્તાન અફઘાનોનો બોજ ઉઠાવી શકે તેમ નથી પણ આસિફનું નિવેદન પાકિસ્તાનની લુચ્ચાઈને પણ છતું કરે છે. આસિફ જે અફઘાનોની વાત કરે છે એ અફઘાનો કંઈ બે દિવસ પહેલાં પાકિસ્તાનમાં આવ્યા નથી. આ અફઘાનો વરસોથી પાકિસ્તાનમાં જ અડિંગા જમાવીને બેઠા છે પણ પાકિસ્તાને વરસો લગી તેમને કશું ના કર્યું કે, આ અફઘાનોના બહાને અમેરિકાને ખંખેરી શકાતું હતું. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ખસ્યું ને મદદ મળતી બંધ થઈ એટલે પાકિસ્તાનને અફઘાનો બોજ લાગવા માંડ્યા છે.
અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલા પછી અફઘાનિસ્તાન પર આક્રમણ કરતાં અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ ત્યારે અફઘાનિસ્તાન છોડીને જઈ રહેલા લોકોને પાકિસ્તાને લીલા તોરણે આવકારેલા ને તેમને રાખ્યા હતા કેમ કે અમેરિકાનું તેમને સાચવવાનું ફરમાન હતું. અમેરિકાનું ટાર્ગેટ ઓસામા બિન લાદેન અને અલ કાયદા હતાં. તાલિબાન અલ કાયદાને મદદ કરતું હતું તેથી તેમને સત્તામાંથી ઉખાડી ફેંકવા અમેરિકાએ હુમલો કર્યો.
આ હુમલાના કારણે અફઘાનિસ્તાનના નાગરિકોએ વેઠવું ના પડે એટલે અમેરિકાના કહેવાથી અફઘાનિસ્તાનથી આવતા લોકોને પાકિસ્તાને આશ્રય જ નહોતો આપ્યો પણ સત્તાવાર રીતે તેમની નિરાશ્રિતો તરીકે નોંધણી કરી હતી. આ નિરાશ્રિતોને મદદ કરવા માટે અમેરિકા પાસેથી જંગી રકમ પડાવી હતી. અમેરિકાને તેમાં વાંધો નહોતો કેમ કે અમેરિકાને વરસે બસો-પાંચસો અબજ ડૉલર વેડફાઈ જાય તો પણ કશું અડે તેમ નથી. કાનખજૂરાનો એક પગ ઓછો થાય તો કશો ફરક ના પડે એવી હાલત છે.
અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાનમાંથી 2022માં વિદાય થયું ત્યાં સુધી પાકિસ્તાન અમેરિકાની મદદ લેતું હતું. નિરાશ્રિતોને નામે પાકિસ્તાને મુસ્લિમ રાષ્ટ્રોને પણ બરાબરના દોહીને બહુ નાણાં પડાવ્યાં હતાં તેથી પાકિસ્તાનને આ અફઘાનો અકારા નહોતા લાગતા અમેરિકા પણ વેપારી દેશ છે ને ગરજ સરી એટલે વૈદ વેરી એ સિદ્ધાંતમાં માને છે તેથી જેવું અફઘાનિસ્તાનમાંથી તેનું લશ્કર વિદાય થયું કે તરત પાકિસ્તાનને અપાતી તમામ મદદ બંધ કરી દેવાઈ.
અમેરિકાની મદદ બંધ થઈ એટલે પાકિસ્તાનને નિરાશ્રિતો બોજરૂપ લાગવા માંડ્યા. આ કારણે છેલ્લા બે વર્ષથી પાકિસ્તાન તેમને તગેડી મૂકવા માગે છે. 2023માં તો પાકિસ્તાને પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાનોને 1 નવેમ્બર સુધીમાં અફઘાનિસ્તાન પાછા જતા રહેવા અલ્ટિમેટમ પણ આપી દીધેલું પણ અફઘાનો ચસક્યા જ નહીં ને પાકિસ્તાન તેમને બળજબરીથી ખસેડવા જાય તો અફઘાનિસ્તાન સાથે તો પછી પણ એ પહેલાં અફઘાન નિરાશ્રિતો સાથે જ યુદ્ધ છેડાઈ જાય.
આ યુદ્ધ પાકિસ્તાનને ભારે પડે કેમ કે પાકિસ્તાનમાં લાખોની સંખ્યામાં અફઘાનો રહે છે. આ અફઘાનો પાછા દયામણા ને બિચારા લોકો નથી પણ મશીનગનો ને બંદૂકો લઈને ફરનારા છે તેથી પાકિસ્તાનની ફાટે છે. યુનાઈટેડ નેશન્સના આંકડા પ્રમાણે, અત્યાર સુધીમાં 13 લાખ અફઘાનો પાકિસ્તાનમાં રાજ્યાશ્રય લઈને સત્તાવાર રીતે નિરાશ્રિત તરીકે રહે છે.
આ સિવાય 8.80 લાખ લોકોએ રાજ્યાશ્રય માગ્યો છે પણ એ અંગે પાકિસ્તાન સરકાર દ્વારા નિર્ણય લેવાયો નથી. અલબત્ત યુનાઈટેડ નેશન્સે તેમને પણ નિરાશ્રિત તરીકે માન્યતા આપી હોવાથી કાનૂની રીતે એ લોકોને પણ પાકિસ્તાનમાં રહેવાનો અધિકાર મળેલો છે. તેમાંથી 6 લાખ લોકો એવા છે કે જે અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાન છોડીને ગયું ને તાલિબાનનું શાસન આવ્યું પછી પાકિસ્તાન આવ્યા છે. આ રીતે કુલ લગભગ 22 લાખ અફઘાનો તો પાકિસ્તાનમાં સત્તાવાર રીતે જ રહે છે.
પાકિસ્તાનનું કહેવું છે કે, તાલિબાન ફરી સત્તામાં આવ્યા પછી બીજા 17 લાખ અફઘાન પાકિસ્તાનમાં ઘૂસ્યા છે. આ અફઘાનો બિલકુલ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં ધામા નાખીને પડ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે, આ અફઘાનો તાલિબાનના માણસો છે અને પાકિસ્તાનમાં આતંકવાદને ભડકાવવા માટે ઘૂસ્યા છે. પાકિસ્તાનની વાત કેટલી સાચી છે એ ખબર નથી પણ આ વાત સાચી હોય તો પાકિસ્તાનનો ફફડાટ યોગ્ય કહેવાય.
આતંકવાદને ભડકાવવા ઘૂસેલા લોકો કડછી-તવેથા ને તપેલીઓ લઈને ના જ આવ્યા હોય. એ લોકો બધી રીતે સજજ થઈને આવ્યા જ હોય તેથી પાકિસ્તાન તેમને છંછેડવાની હિંમત ના જ કરે. બીજી તરફ પાકિસ્તાન કોઈ પગલાં ના લે તો આ અફઘાનોને પાછા વતન જવામાં રસ નથી એ જોતાં આસિફ ભલે ગમે તેટલું થૂંક ઉડાડે પણ લગભગ 40 લાખ અફઘાનો પાકિસ્તાનના ગળાનો ઘંટ બનીને પાકિસ્તાનમાં જ રહેવાના છે એ નક્કી છે.
આ અફઘાનો પાકિસ્તાનમાં રહીને છોકરાં પેદા કરશે ને વસતી વધારશે એ જોતાં પાકિસ્તાન પરનો બોજ વધ્યા જ કરશે. તેમાંથી ઘણા તાલિબાન માટે કામ કરતા પણ થશે કેમ કે પાકિસ્તાનમાં તો કોઈ કામ નથી. આ સંજોગોમાં પાકિસ્તાન માટે અફઘાનોથી છુટકારો શક્ય જ નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ગુજરાતમાં ભાજપની નજર સવર્ણો નહીં, ઓબીસી મતબેંક પર