એકસ્ટ્રા અફેર

ઈરાન વર્સીસ પાકિસ્તાન, બંને માટે આબરૂનો સવાલ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

પાકિસ્તાનમાં ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ઈરાને પાકિસ્તાનના દક્ષિણ-પશ્ર્ચિમમાં આવેલા બલૂચિસ્તાનના કોહ-એ-સબ્ઝ એરિયામાં મિસાઈલમારો કરીને પલિતો ચાંપી દીધો. આ હુમલાથી ભડકેલા પાકિસ્તાને એ જ ભાષામાં જવાબ આપવાની ધમકી આપેલી ને તેનો અમલ કરીને ગુરુવારે વહેલી સવારે ઈરાનના સરહદની નજીકના વિસ્તારોમાં મિસાઈલ છોડી દીધાં. પાકિસ્તાને કરેલા મિસાઈલમારામાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો માર્યાં ગયાં હોવાનો ઈરાને દાવો કર્યો છે.

ઈરાને આતંકવાદી સંગઠન જૈશ અલ-અદ્લના આતંકવાદી કેમ્પોને ટાર્ગેટ કરીને પ્રિસિઝન મિસાઈલ અને ડ્રોન એટેક કરેલો કેમ કે જૈશ અલ-અદ્લ ઈરાનમાંથી સુન્ની બલોચ પ્રજા માટે અલગ દેશ બનાવવાની માગણી કરે છે. પાકિસ્તાનમાંથી પણ અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ પ્રજાએ હથિયાર ઉઠાવેલાં છે તેથી પાકિસ્તાને તેમના આતંકવાદી અડ્ડા નાબૂદ કરવાના બહાને ઈરાનમાં મિસાઈલો છોડી દીધાં.

ઈરાને દાવો કરેલો કે, ગયા મહિને જૈશ અલ-અદ્લ સંગઠને ઈરાનના સિસતાન પ્રાંતમાં એક પોલીસ સ્ટેશનમાં હુમલો કરીને ૧૧ પોલીસોની હત્યા કરેલી. હુમલો કર્યા પછી જૈશ અલ-અદ્લના આતંકી પાકિસ્તાન ભાગી આવેલા અને આતંકવાદી કેમ્પમાં ભરાઈ ગયેલા. પાકિસ્તાનને તેમની સામે પગલાં લેવા કહેવાયું છતાં તેમણે કશું ના કરતાં ઈરાને પોતાની રીતે આતંકવાદી કેમ્પોને ટાર્ગેટ કરીને રોકેટ છોડવાં પડ્યાં.

પાકિસ્તાને પણ એ જ બહાનું રજૂ કર્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે, પાકિસ્તાનના ભાગલા પાડવા માગતા બલોચ આતંકવાદીઓને ઈરાને સંઘર્યા છે. ઈરાન તેમને પાકિસ્તાન સામે લડવા માટે તન, મન, ધનથી મદદ કરે છે તેથી તેમના સફાયા માટે અમારે હુમલો કરવો પડ્યો.

હવે ઈરાન પાકિસ્તાનના હુમલાનો શું જવાબ આપે છે એ જોવાનું રહે છે પણ પાકિસ્તાન અને ઈરાન બંને વચ્ચે ખૂલેલો આ નવો મોરચો ઝડપથી બંધ નહીં થાય એ નક્કી છે કેમ કે બંને માટે વટનો સવાલ છે. પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી છે ને આ ચૂંટણીમાં નવાઝ શરીફને જીતાડીને પાકિસ્તાની લશ્કર પોતાનું વર્ચસ્વ જાળવવા પૂરી તાકાત લગાવી રહ્યું છે. પાકિસ્તાની લશ્કરે પહેલાં ઈમરાનને બેસાડેલો પણ ઈમરાન લશ્કરની સામે પડ્યો તેમાં લશ્કરે ઈમરાનને ઘરભેગો કરવો પડ્યો.

ઈમરાનને પછાડવા લશ્કર નવાઝ શરીફને પાછું લઈ આવ્યું પણ શરીફ ના જીતે તો લશ્કરનું નાક વઢાઈ જાય. અત્યારે પાકિસ્તાનનાં લોકોમાં પાકિસ્તાનના લશ્કર સામે અણગમો છે. પાકિસ્તાનીઓને લાગે છે કે, પાકિસ્તાનનું લશ્કર પાકિસ્તાનના આંતરિક રાજકારણમાં ખૂંપેલું રહે છે ને બીજું કશું કરતું નથી. આ માન્યતા દૂર કરવા લશ્કરે પગલાં ભરવાં જરૂરી છે.

પાકિસ્તાનના લશ્કરની આબરુનું ધોવાણ ભારતના કારણે પણ થયું છે. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી તો પણ પાકિસ્તાની લશ્કર બાયલાની જેમ હાથ પર હાથ મૂકીને બેસી રહેલું તેથી સતેની ઈજજતનો કચરો થઈ ગયેલો. હવે ઈરાન પાકિસ્તાનમાં ઘૂસીને મિસાઈલ છોડી જાય ત્યારે પણ લશ્કર કંઈ ના કરે તો મહિના પછી થનારી ચૂંટણીમાં લોકો ઈમરાનખાનને મતો આપીને તેને પાછો ગાદી પર બેસાડી દે ને લશ્કરની આબરુનો પાછો ફાલુદો થઈ જાય. ઈરાન સામે કશું ના કર્યું તેના કારણે ફજેતો થાય એ તો અલગ તેથી પાકિસ્તાન પાસે જવાબ આપ્યા વિના બીજો વિકલ્પ બચ્યો નહોતો.

ઈરાન માટે પણ પ્રતિષ્ઠાનો સવાલ છે કેમ કે ઈઝરાયલ સામે લડવા માટે હમાસને ભરપૂર મદદ કર્યા પછી પણ ઈઝરાયલને નમાવી ના શકાયું. હમાસ પણ પાણીમાં બેસી ગયું ને ઈઝરાયલ સાથે સમજૂતી કરી લીધી. આ સંજોગોમાં હવે ઈરાનના સત્તાધીશીએ લોકોનું ધ્યાન બીજે વાળવા પાકિસ્તાનને ટાર્ગેટ કરવું જ પડે એમ છે તેથી ઈરાન પણ જલદી પાછું નહીં વળે.

પાકિસ્તાને ઈરાન પર હલ્લાબોલ કરીને સુન્ની મુસ્લિમ રાષ્ટ્રોની સહાનુભૂતિ મેળવવાનો દાવ પણ ખેલ્યો છે ને એ બહાને સાઉદી અરેબિયા સહિતના દેશોને ખંખેરી લેશે. દુનિયામાં અત્યારે પાકિસ્તાન અને ઈરાન એ બે જ મુસ્લિમ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવે છે. પાકિસ્તાનમાં સુન્નીઓની બહુમતી છે જ્યારે ઈરાન સંપૂર્ણપણે શિયાઓનો દેશ છે. ઈરાનમા સુન્ની મુસ્લિમો છે પણ તેમની વસતી એક ટકાથી વધારે નથી.

મુસ્લિમોમાં શિયા અને સુન્નીઓને બાપે માર્યાં વેર છે. બંને વચ્ચેની લડાઈનો કોઈ અંત નથી તેથી સતત એકબીજાને પછાડવા મથ્યા કરે છે. સાઉદી અરેબિયા સહિતના ધનિક મુસ્લિમ દેશો સુન્નીઓના દેશ છે. આ દેશો અત્યંત કટ્ટરવાદી છે, ધર્માંધ પણ છે. આ કટ્ટરવાદ એટલો પ્રબળ છે કે સાઉદી અરેબિયા સહિતના ધનિક મુસ્લિમ દેશો સુન્ની સિવાયના તમામ મુસ્લિમોને પોતાના દુશ્મન માને છે. આ કારણે ઈરાન પણ સાઉદી અરેબિયા સહિતના ધનિક મુસ્લિમ દેશોનું દુશ્મન છે.

ઈરાન સામે સાઉદી અરેબિયા સહિતના ધનિક મુસ્લિમ દેશોને એટલો બધો ખાર છે કે, અમેરિકાનાં તળવાં ચાટીને પણ આ દેશો વરસો લગી ઈરાનને ખતમ કરવા મથ્યા કરતા હતા પણ ઈરાન માથાભારે છે તેથી દાદાગીરી કરીને પણ ટકી ગયું છે. પોતાનું અસ્તિત્વ ટકાવવા ઈરાને પરમાણુ સંશોધન કર્યું ને અત્યારે ઈરાન પાસે પણ પરમાણુ બોમ્બ છે. ઈરાનમાં પણ માથાફરેલ અને ધર્માંધ અલી ખામેની સર્વેસર્વા ને સુપ્રીમ લીડર છે.

ખામેની આખા દુનિયાના શિયાઓનું રક્ષણ કરવા મથ્યા કરે છે તેમાં આસપાસના બધા દેશોમાં શિયાઓનાં આત્રમક સંગઠન ઊભા કરી દીધાં છે. તેનું ફટકે તો એ સાઉદી સહિતનાં મુસ્લિમ રાષ્ટ્રો પર પરમાઇ બોમ્બ ઝીંકી દેતાં વિચાર ના કરે તેથી સાઉદી અરેબિયા સહિતના ધનિક મુસ્લિમ દેશો તેનાથી ડરે છે. ઈરાનને દબડાવવા ને માપમાં રાખવા સુન્ની મુસ્લિમોના દેશો પાસે પણ પરમાણુ બોમ્બ જોઈએ. પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તેના કારણે પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્રોમાં સર્વોપરિ ગણાય છે ને મુસ્લિમ રાષ્ટ્રો તેની આગળપાછળ ફરે છે.

પાકિસ્તાન પણ તેના ફાયદો લઈને સાઉદી અરેબિયા, કતાર, યુએઈ વગેરે દેશોને ખંખેર્યા કરે છે. ઈરાને હુમલો કરીને તેને વધુ એક તક આપી દીધી છે. સાઉદી અરેબિયા સહિતના ધનિક મુસ્લિમ દેશો પાસે પેટ્રો ડોલર ખૂટે નહીં એટલા પ્રમાણમાં છે તેથી થોડાક કરોડ ડોલર ફેંકીને પાકિસ્તાનને ખુશ કરી દેશે. પાકિસ્તાનને તો અત્યારે જેટલું આપો એ બધું ખપે છે તેથી પાકિસ્તાન પણ પાછું નહીં વળે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button