એકસ્ટ્રા અફેરઃ ઈન્ડિગોનો ભવાડો, પેસેન્જર્સ લૂંટાઈ ગયા પછી સરકાર જાગી

- ભરત ભારદ્વાજ
ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ એવી ઇન્ડિગો એરલાઇન્સના ભવાડાએ આખા દેશને માથે લીધો છે. ઈન્ડિગો એરલાઈન્સના ભવાડા નવા નથી પણ છેલ્લા એક અઠવાડિયામાં ભવાડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સોમવારથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સ ધડાધડ કેન્સલ થવા માંડી તેમાં પેસેન્જરોનો ખો નીકળી ગયો છે. હજારો પેસેન્જર્સ રઝળી પડ્યા અને અગાઉથી બુકિંગ કરાવ્યું હોવા છતાં નક્કી કરેલા સમયે ના પહોંચી શક્યા તેમાં પૈસાનું પાણી થઈ ગયું એ અલગ.
શનિવારથી સ્થિતિમાં સુધારો થવાની વાતો કરાઈ રહી છે છતાં શનિવારે પણ 400 જેટલી ફ્લાઈટ્સ તો કેન્સલ થઈ જ છે. એરલાઇન્સે દાવો કર્યો છે કે, 95 ટકા રૂટ પર ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે અને 138માંથી 135 ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ્સ રવાના થઈ ગઈ છે. આ દાવા વચ્ચે એ સમાચાર પણ છે કે, શનિવારે જ દેશના ચાર મુખ્ય એરપોર્ટ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતી 400થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. બીજાં એરપોર્ટ પર પણ આ હાલત છે અને અઠવાડિયામાં 3,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે જ્યારે ચાલે છે તેમાંથી પણ દરરોજ સરેરાશ 500 ફ્લાઇટ્સ મોડી પડી રહી છે.
આ સંજોગોમાં ફ્લાઈટ્સ રવાના થાય એ મહત્ત્વનું નથી. ફ્લાઈટ્સ સમયસર દોડે ને પેસેન્જર્સ રઝળી ના પડે એ મહત્ત્વનું છે પણ અત્યારે એવાં કોઈ લખ્ખણ દેખાતાં નથી. અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે, હજારો પેસેન્જર્સ અટવાયેલા છે અને પોતાના ઘરે પહોંચવા માટે અથડાઈ કૂટાઈ રહ્યા છે. ટ્રેન, બસ, ટેક્સી કે બીજી ફ્લાઈટમાંથી જે મળે એ પકડીને ઘરભેગા થવા હવાતિયાં મારી રહ્યા છે પણ મેળ પડતો નથી. કેન્દ્રે સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવા સહિતનાં પગલાં ભરતાં કેટલાક પેસેન્જર્સને રાહત થશે પણ અંધાધૂંધી ખતમ નહીં થઈ જાય. ઈન્ડિગોએ પોતે આ વાત સ્વીકારીને કહ્યું છે કે, ફ્લાઇટ ઓપરેશન સામાન્ય થવામાં 15 ડિસેમ્બર સુધીનો સમય લાગશે.
ઈન્ડિગોનો ભવાડો ભારતમાં પોપાબાઈનું રાજ ચાલે છે તેનો વધુ એક નાદાર નમૂનો છે. આ ભવાડા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએ દ્વારા 1 નવેમ્બરથી પાઇલટ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સંબંધિત નિયમોમાં કરાયેલા ફેરફારોને કારણભૂત ગણાવાય છે. નવા નિયમો પ્રમાણે, કેન્દ્ર સરકારે તમામ પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પૂરતો આરામ મળે એ માટે અઠવાડિયામાં એક રજા ફરજિયાત કરી દીધી છે. તેના કારણે એરલાઇન કંપનીઓમાં પાઇલટો અને ક્રૂ મેમ્બર્સની અચાનક અછત સર્જાઈ. ઈન્ડિગો સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ હોવાથી તેને સૌથી મોટો ફટકો પડી ગયો.
ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં સમસ્યાઓ સર્જાય ને મોડી પડે કે કેન્સલ થાય એ નવી વાત નથી. તેનાં કારણો અલગ અલગ છે પણ સરકારે પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સને પૂરતો આરામ નથી મળતો એ કારણ જ જવાબદાર છે એમ માનીને નિયમો બનાવી દીધા. વાસ્તવમાં ઈન્ડિગો બેફામ ફ્લાઈટ્સ ચલાવે છે તેના કારણે તેનાં પ્લેન્સનું મેન્ટેનન્સ નથી થતું તેથી નાની ટેકિનકલ ખામીઓ સર્જાય છે પણ તેને નજર અંદાજ કરી દેવાઈ છે. આ સંજોગોમાં ક્રૂ મેમ્બર્સને આરામની સાથે સાથે બીજા સેફ્ટી નિયમોનું કડક પાલન પણ જરૂરી છે પણ એ થતું નથી.
બીજું એ કે, સરકારે 1 નવેમ્બરથી નિયમોનું પાલન ફરજિયાત બનાવ્યું પણ ઈન્ડિગો એ દિશામાં કશું કરી રહીં છે કે નહીં તેનું ચેકિંગ ના કર્યું. ઈન્ડિગો ધડાધડ બુકિંગ કરી રહી હતી ને તેને રોકવાની જરૂર હતી પણ એવું કશું કર્યું નહીં તેમાં પેસેન્જર્સની હાલત બગડી ગઈ. અત્યારે પણ ઈન્ડિગોને દંડવાના બદલે નવા નિયમોના પાલનમાં તેને ફેબ્રુઆરી સુધીની છૂટ આપી દેવાઈ છે.
ઈન્ડિગોના ભવાડાનો બીજી એરલાઈન્સે ભરપૂર લાભ લીધો અને બિચારા ગ્રાહકોને વગર સાબુએ મૂંડી નાખ્યા. ગ્રાહકોની ગરજનો લાભ કેવો ઉઠાવાયો તેનો અંદાજ એ વાત પરથી જ આવે કે, અમદાવાદથી મુંબઈની ફ્લાઈટનું ભાડું 35 હજારને પાર થઈ ગયું કે જે સામાન્ય રીતે બે-ત્રણ હજાર રૂપિયા હોય છે ને દિલ્હીનું ભાડું 50 હજારને પાર પહોંચી ગયું કે જે સામાન્ય રીતે ચારેક હજાર હોય છે. ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થઈ તેમાં ભેરવાયેલા લોકોને ઘર પહોંચવા માટે ઉંચાં ભાડાં આપ્યા વિના છૂટકો નહોતો તેથી બધી એરલાઈન્સે ધડાધડ નોટો છાપી લીધી.
આ ઉઘાડી લૂંટ ચાલતી હતી ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઘોરતી હતી અથવા આંખ આડા કાન કરીને બેઠેલી ને હવે સરકારે કેટલાં ભાડાં લઈ શકાય એ માટે ફતવો બહાર પાડ્યો છે. સરકારના ફતવા પ્રમાણે હવે 500 કિમી સુધીના વિમાની મુસાફરી માટે 7,500 રૂપિયાથી વધારે ભાડું નહીં લઈ શકાય જ્યારે 500થી 1,000 કિમી માટે મહત્તમ ભાડું રૂપિયા 12,000 હશે. 1,000થી 1,500 કિમી માટે રૂપિયા 15,000 અને 1,500 કિમીથી વધુની ફ્લાઇટ માટે મહત્તમ રૂપિયા 18,000 ભાડું રહેશે.
કેન્દ્રનો ફતવો અંધેર અને બિનકાર્યક્ષમ વહીવટનો નાદાર નમૂનો છે. અન્ય એરલાઇન્સે કરી લુચ્ચાઈ અને નફાખોરી સામે સરકાર સાવ ચૂપ છે. કેન્દ્રનું પગલું ઘોડા છૂટી ગયા પછી તબેલાંને તાળાં મારવા જેવું છે કેમ કે ખરી જરૂર તો પહેલા દિવસથી જ ભાડાંની મર્યાદા નક્કી કરી દેવાની હતી પણ સરકારમાં બેઠેલા શાણા માણલોને એ ના સૂઝ્યું તો કંઈ નહીં, હજુ મોડું થયું નથી ને સરકાર લાલ આંખ કરીને હજુ દાખલો બેસાડી શકે છે.
સૌથી પહેલાં તો સરકારે ઇન્ડિગોના ગેરવહીવટના કારણે સર્જાયેલી અંધાધૂંધીનો ગેરલાભ લઈને ભાડામાં 10 ગણો વધારો કરી દેનારી અન્ય એરલાઇન્સ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેમણે ચલાવેલી લૂંટનો માલ ઓકાવીને લૂંટાયેલા ગ્રાહકોને વધારાની રકમ પાછી અપાવવી જોઈએ પણ સરકાર નથી બીજી એરલાઈન્સ સામે કોઈ કાર્યવાહી કરી રહી કે નથી આ વધારાની રકમ ગ્રાહકોને પાછી અપાવવા કશું કરી રહી. જે ફતવા બહાર પડાઈ રહ્યા છે એ હવે પછી શું તેના છે પણ અત્યારે જે ચાલી રહ્યું છે એ માટે કશું નથી.
કેન્દ્ર સરકારનું આ વલણ આઘાતજનક કહેવાય. આ વલણ એ વાતનો પુરાવો છે કે, આ દેશમાં મિડલ ક્લાસની કોઈ કિંમત જ નથી ને તેનાં હિતોની જાળવણીની કોઈને પડી નથી. એ લૂંટાતો હોય તો ભલે લૂંટાય ને મરતો હોય તો મરે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હિંદુત્વ ને વિકાસની ગળચટ્ટી વાતો ચાટી ચાટીને માનસિક રીતે નપુંસક થઈ ગયેલો મિડલ ક્લાસ કશું કરી શકવાનો નથી. બહુ બહુ તો સોશ્યલ મીડિયા પર પોતાના નામ વિના બે પોસ્ટ મૂકશે કે પછી કોઈએ પોસ્ટ મૂકી હશે તેને લાઈક કરીને સંતોષ માનીને બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જશે.


