એકસ્ટ્રા અફેર

અતિથિ કટારઃ ઈન્ડિગો: ઈજારાશાહીએ ઉડ્ડયનક્ષેત્રની પાંખો કાપી

પૃથ્વીરાજ ચવાણ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, કૉંગ્રેસના અગ્રણી નેતા

દેશના મુલકી ઉડ્ડયનક્ષેત્રના નિયામક ડીજીસીએએ 2024ના જાન્યુઆરીમાં નવા એફડીટીએલ (ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન્સ) રુલ્સની દરખાસ્ત સૌપ્રથમ વખત રજૂ કરી હતી. તેનો હેતુ વિમાનના પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને પાઇલટ્સને પૂરતો આરામ આપવાનો હતો. ઇન્ડિગોએ આ નવા કાયદાની અવગણના કરી હતી અને નવી ભરતી કે નવા પાઇલટ્સની તાલીમ આપવા માટે કોઇ પગલાં નહોતા લીધા અને તેના (કાયદાનો ભંગ કરવા) માટે રાજકીય વગનો દુરુપયોગ કરાયો હોવાનું કહેવાય છે.

તેણે સુરક્ષાને લગતા નવા નિયમનું પાલન નહોતું કર્યું. પાઇલટ્સ દ્વારા કરાતી સંબંધિત ફરિયાદની અવગણના કરાઇ હતી અને ઇજારાશાહીનો દુરુપયોગ કરાયો હતો. પાઇલટ્સે અનેક અદાલતોમાં કેસ કર્યા હતા. આમ છતાં, ડીજીસીએ દ્વારા ઇન્ડિગોની તરફેણમાં કાયદાના અમલમાંની છૂટછાટ આપવાનું ચાલુ રખાયું હતું. ઇન્ડિગો માટે નવા કાયદાનો અમલ અનેક વખત મુલતવી રખાયો હતો.

આખરે ડીજીસીએ દ્વારા અદાલતના આદેશ મુજબ એફડીટીએલ રુલ્સનો અમલ બે તબક્કામાં 2025ની પહેલી જુલાઇ અને પહેલી નવેમ્બરથી કરવાનો નિર્ણય લેવાયો હતો. ઇન્ડિગો નવા કાયદાને અપનાવવા સરખી તૈયાર ન હોવાથી તેના પરિણામ દેખાવાના ચાલુ થયા. ઇન્ડિગોનું શેડ્યૂલ પડી ભાંગ્યું અને 2025ની પાંચ ડિસેમ્બરે ઇન્ડિગોની 1,000થી વધુ ફ્લાઇટ રદ કરાઇ. ભારતીય વિમાનમથકોએ હજારો મુસાફરો રઝળી પડ્યા.

દેશના મુલકી ઉડ્ડયન ક્ષેત્રની માર્કેટ ઉપર 64 ટકા કબજો હાલમાં ઇન્ડિગોનો છે, જ્યારે 28 ટકાથી ઓછો હિસ્સો ટાટા (ઍર ઇન્ડિયા)નો છે. દેશમાં 2024માં 3.5 કરોડ વાર્ષિક મુસાફર હતા અને સાત ઍરલાઇન્સ હતી. ચાલુ વર્ષે વિમાનના પ્રવાસીઓની સંખ્યા વધીને અંદાજે 21 કરોડ થઇ હતી અને માર્કેટ પર આશરે 90 ટકા હિસ્સો માત્ર બે ઍરલાઇન્સનો હતો. આ ઇજારાશાહીનો દુરુપયોગ અને નિયામક પરની વગનું ઉત્તમ દૃષ્ટાંત છે, જેમાં નિયામક ‘જનતાના હિત’ને બદલે ‘ખાનગી નફા’ને પ્રાધાન્ય આપે છે.

મુલકી ઉડ્ડયન ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય વિકસિત બજારોમાં ઍરલાઇનની પડતીનો કેવો અનુભવ થાય છે? તેના દાખલા માટે આપણે બહુ વર્ષો પહેલાનું ઉદાહરણ જોવાની જરૂર નહિ પડે. અમેરિકામાં 2022ના ડિસેમ્બરમાં સાઉથવેસ્ટ ઍરલાઇનની કટોકટી ઊભી થઇ હતી અને તે સારું દૃષ્ટાંત ગણી શકાય. અમેરિકાના ઍવિયેશન માર્કેટમાં સાઉથવેસ્ટ સહિતની ચાર મોટી ઍરલાઇન હતી અને તે દરેકનો હિસ્સો અંદાજે 18 ટકા હતો.

સાઉથવેસ્ટ ઍરલાઇનની કટોકટી 2022ની 21 ડિસેમ્બરે શરૂ થઇ હતી. તે વખતે શિયાળામાં બરફના તોફાનને લીધે પશ્ચિમ અને મધ્ય અમેરિકામાં મોટા ભાગના વિસ્તારને માઠી અસર થઇ હતી. તેના થોડા દિવસ પછી સાઉથવેસ્ટની અસંખ્ય ફ્લાઇટ રદ કરવી પડી હતી. અઠવાડિયામાં અંદાજે 16,000 ફ્લાઇટ રદ કરાઇ હતી.

અમેરિકાના મુલકી ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસમાં આ સૌથી મોટી કટોકટી હતી. આશરે 20 લાખ મુસાફર રઝળી પડ્યા હતા. બરફના તોફાન અને સંબંધિત વિવિધ સંજોગને કારણે સાઉથવેસ્ટની પડતી શરૂ થઇ હતી. સાઉથવેસ્ટે ફ્લાઇટ્સના મેનેજમેન્ટ માટે જૂની અને અયોગ્ય સિસ્ટમ ચાલુ રાખી હતી. તે સમસ્યાને હાથ ધરવામાં નિષ્ફળ ગઇ હતી. પાઇલટ્સ યુનિયન દ્વારા અપાયેલી ચેતવણીની અવગણના કરાઇ હતી.

સેનેટની સમિતિએ આ કટોકટીની તપાસ હાથ ધરી હતી. તેણે એક વર્ષ તપાસ કર્યા બાદ 2023ના ડિસેમ્બરમાં અમેરિકાના પરિવહન વિભાગે સાઉથવેસ્ટને 14 કરોડ ડૉલરનો દંડ કર્યો હતો. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકાની ઍરલાઇનને થયેલો આ સૌથી મોટી રકમનો દંડ હતો. તેણે આ દંડ ઉપરાંત મુસાફરોને આશરે 60 કરોડ ડૉલરથી વધારાનું વળતર ચૂકવવું પડ્યું હતું.

આ ઍરલાઇન્સે સીધી કે આડકતરી રીતે એક અબજ ડૉલરથી વધુની રકમ ખર્ચવી પડી હતી. બાદમાં, સાઉથવેસ્ટે 2025ના પ્રારંભમાં પોતાની સિસ્ટમ્સ સુધારી હતી અને સમયબદ્ધ કામગીરી શરૂ કરી હતી તેમ જ ફરી પ્રવાસીઓની વિશ્ર્વસનીયતા પ્રાપ્ત કરવા દરેક પ્રયાસ હાથ ધર્યા હતા. અમેરિકામાં સાઉથવેસ્ટ ઍરલાઇનની 2022ની કટોકટી, ખરાબ હવામાન અને નબળી શેડ્યુલિંગ સિસ્ટમ આખા દેશના મુલકી ઉડ્ડયન ક્ષેત્રે કેવી કટોકટી ઊભી કરી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય.

ઇન્ડિગોની પડતી અને તેની કટોકટીના સંબંધમાં હવે શું કરી શકાય? સમસ્યાના સર્જન માટે ‘જવાબદારી’ નક્કી થવી જોઇએ. અસરગ્રસ્ત મુસાફરો ઇચ્છે છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાય અને તેઓને હોદ્દા પરથી દૂર કરાય.

સૌપ્રથમ તો મુલકી ઉડ્ડયન પ્રધાન નાયડુને રાજીનામું આપવાની ફરજ પાડવી જોઇએ. તેમણે જ મુસાફરોની સલામતીની અવગણના કરીને સુરક્ષાને લગતા નવા નિયમના અમલમાં વિલંબ થવા દીધો હતો. તેમને આ કટોકટી માટે જવાબદાર ગણવા જોઇએ અને તેમણે પણ પોતાની સંબંધિત જવાબદારી સ્વીકારવી જોઇએ. બીજું, ડિરેક્ટર જનરલ સિવિલ એવિયેશન અને ડીજીસીએના ઉચ્ચ અધિકારીઓને હોદ્દા પરથી દૂર કરવા જોઇએ.

ત્રીજું, ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સને પાણીચું આપો. ઇન્ડિગોના કામકાજમાંની નિષ્ફળતા બદલ તેઓ સીધા જવાબદાર ગણાય. ઇન્ડિગોના પ્રમોટર સિવાયના બધાએ આ કટોકટી માટે માફી માગી હતી. ડીજીસીએ દ્વારા આ કિસ્સામાં તપાસ કરાવવી જોઇએ અને તેનો અહેવાલ 15 દિવસમાં જ સુપરત થવો જોઇએ.

ફ્લાઈટ કેન્સલને લીધે અસરગ્રસ્ત પેસેન્જર માટે વળતર ભંડોળ ઊભું કરવા ઈન્ડિગો પર નાણાકીય પેનલ્ટી ઠોકો. કોમ્પિટિશન એક્ટની 27મી કલમ સરકારને કંપનીના ટર્નઓવર પર 10 ટકા પેનલ્ટી લાદવાની સત્તા આપે છે. ભારતમાં ઈજારાશાહીનું દૂષણ અટકાવવા સરકાર પાસે આ મજબૂત ઓજાર છે.

ઈન્ડિગોના સ્લોટ બીજી ઍરલાઈનને આપો. ઈન્ડિગો (ઈન્ટરગ્લોબ એવિયેશન)ની રાજકીય કડીની તપાસ કરવા કંપનીએ કરેલા રાજકી પક્ષોને અને મુખ્યત્વે ભાજપને આપેલા 58 કરોડ રૂપિયાના રાજકીય ડોનેશનની તપાસ કરવા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ની રચના કરો. શું આ ડોનેશનને લીધે ઈન્ડિગોએ ડીજીસીએના એફડીટીએલ સલામતી નિયમોની ઉપેક્ષા કરીને નવા પાઈલટને લેવાનું મોકૂફ રાખ્યું હતું જેથી પેસન્જરની સલામતી સામે જોખમ ઊભું થયું હતું.

આમાં સવાલ એ છે કે હવાઈ ભાડા પર નિયંત્રણ રાખવુજોઈએકે નહીં. 31 ઑગસ્ટ 2022એ તત્કાલીન નાગરિક ઉડ્ડ્યન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવાઈ ભાડા પરના અંકુશો ઉઠાવી લીધા હતા અને આને લીધે ઍરલાઈનને બેફામ ચાર્જ લેવાની છૂટ મળી હતી. ઓડિશાના ટ્રેન એક્સિડન્ટ પછી ઍરલાઈને ચેન્નઈ-ભુવનેશ્વર ટિકિટના એક લાખ રૂપિયા લીધા હોવાના અહેવાલ છે. ઈન્ડિગોની કટોકટી પછી સરકારે પાંચ ડિસેમ્બરે હવાઈભાડા પરના અંકુશો ફરી લાદ્યા હતા. અનેક વિકાસશીલ દેશો ભાડા પર અંકુશ રાખે છે.

જોકે નાગરિક ઉડ્ડયન ખાતાએ ગયા અઠવાડિયે સંસદમાં માહિતી આપી હતી કે હવાઈભાડા પર કાયમી અંકુશો એ વ્યવહારુ નથી. કોઈ પણ વ્યક્તિને ગળે આ દલીલ ઉતરે એવી નથી. ઈજારાશાહીની સ્થિતિમાં ભાડા પર અંકુશ હોવો જોઈએ અથવા પ્રાઈઝ બેન્ડ હોવો જોઈએ. સરકારે શા માટે હવાઈભાડા પરના અંકુશો ઉઠાવી લીધા અને એરલાઈન્સને પેસેન્જરને લૂંટવાની છૂટ આપી? સંયુક્ત સંસદીય સમિતિએ આની તપાસ કરવી જોઈએ.

માર્ચ 2025માં નાગરિક ઉડ્ડ્યન પ્રધાન નાયડુએ કહ્યું હતું કે ભારતને આગામી 15 વર્ષમાં 30,000 નવા પાઈલટની જરૂર છે. 25 નવેમ્બર 2025એ અદાણી ગ્રૂપ કંપનીએ ફ્લાઈટ સિમ્યુલેશન ટ્રેનિંગ સેન્ટરનો મેજોરિટી સ્ટેક પ્રાપ્ત કર્યો હતો. આનાથી અદાણીને ભારતની પાઈલટ ટ્રેનિંગ સિસ્ટમ પર મહત્ત્વનો અંકુશ જમાવવાની તક મળી હતી. તેના પાંચ દિવસ બાદ આપણે ઈન્ડિગોની કટોકટી જોઈ. સંસદી સમિતિએ આ કનેકશનની તપાસ કરવી જોઈએ.

ભારતીય એવિયેશન સેક્ટર પરનું નિયમન સુધારવું પડશે. હાલની ડીજીસીએને રદ કરીને આમ કરી શકાય. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રશનની જેમ આપણે સંસદમાં કાયદો ઘડીને સ્વાયત્ત સિવિલ એવિયેશન ઓથોરિટીની રચના કરવી જોઈએ. આમાં ડીજીસીએ, એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા, બ્યૂરો ઑફ સિવિલ એવિએશન સિક્યોરિટી, એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી અને રાજીવ ગાંધી એવિયેશન યુનિવર્સિટીને સામેલ કરવા જોઈએ. મનમોહન સિંહ સરકારે ડિસેમ્બર 2012માં આવી દરખાસ્ત મૂકી હતી.

કમનસીબ વાત એ છે કે ઈન્ડિગો તેની ઈજારાશાહીની સ્થિતિ બનાવી રહી હતી અને તેનો દુરુપયોગ કરી રહી હતી અને કોમ્પિટિશન કમિશન નિદ્રામાં હતું. આ કમિશન પેસેન્જર માટે વળતર ભંડોળ ઊભું કરીને ઈન્ડિગો પર દંડ લાદી શકે. કોમ્પિટિશન એક્ટની 27મી કલમ પ્રમાણે કંપનીના એવરેજ ટર્નઓવર પર દસ ટકા પેનલ્ટી લગાડી શકે. ઈજારાશાહીના દૂષણને અટકાવવા આ સૌથી શક્તિશાળી ઓજાર સરકાર પાસે છે.

સરકાર ઈજારશાહી તોડવા આખા માળખામાં આમૂલ પરિવર્તન કરી શકે. કોમ્પિટિશન ઍક્ટની 28મી કલમ પ્રમાણે સરકાર ઈન્ડિગોનું બે સ્વતંત્ર ઍરલાઈનમાં વિભાજન કરી શકે. અમેરિકામાં 1900ના દાયકાની શરૂઆતમાં આવ કરાયું હતું. જો આમ કરાય તો 33 ટકા માર્કેટ શેર ધરાવતી ત્રણ સરખા કદની કંપની થશે. આનાથી બીજી ઊભરતી ઈજારાશાહીને ચેતવણી મળશે.

આપણ વાંચો:  એકસ્ટ્રા અફેરઃ બાંગ્લાદેશીઓની વસતિ રોકવા સરમાએ પોતે શું કર્યું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button