એકસ્ટ્રા અફેરઃ ભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો: ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું, હવે આફ્રિકાનો વારો

ભરત ભારદ્વાજ
ભારતની પુરૂષોની ક્રિકેટ ટીમે ઓસ્ટે્રલિયા સામેની વન ડે સિરીઝમાં સાવ બકવાસ દેખાવ કરીને ક્રિકેટ ચાહકોને નિરાશ કરી દીધા ત્યારે આપણી દીકરીઓએ લાજ રાખીને ભારતમાં રમાઈ રહેલા વુમન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતનો ફાઈનલ પ્રવેશ એ રીતે યાદગાર છે કે, ભારતની મહિલા ક્રિકેટ ટીમે સેમિ ફાઈનલમાં સાત વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને હરાવી છે.
આ જીત એ રીતે પણ યાદગાર રહી કે ભારતની દીકરીઓએ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટો ચેઝ કરીને જીત મેળવી છે. ગુરુવારે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિ ફાઈનલમાં 339 રનનો પહાડ જેવો ટાર્ગેટ ભારતીય ટીમે 48.3 ઓવરમાં પાંચ વિકેટે ચેઝ કરીને ઈતિહાસ રચી દીધો. લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 331 રન ચેઝ કર્યા હતા તેનો સેમિફાઈનલમાં બદલો લીધો તેમાં આ જીત યાદગાર બની ગઈ છે.
ઓસ્ટ્રેલિયાએ 331 રન ચેઝ કરીને વર્લ્ડ કપમાં સૌથી મોટા ચેઝનો રેકોર્ડ પોતાના નામે કર્યો તેના દિવસોમાં જ ભારતે ઓસ્ટે્રલિયા સામે 339 રન ચેઝ કરીને ઈંટનો જવાબ પથ્થરથી આપી દીધો.
ઓસ્ટ્રેલિયાની ટીમે આપણને 339 રનનો ટાર્ગેટ આપેલો ત્યારે જ મોટા ભાગના ક્રિકેટ ચાહકોએ આશા છોડી દીધેલ. વિશ્વ ક્રિકેટમાં સૌથી બળૂકી મનાતી ઓસ્ટ્રેલિયન ટીમ સામે આપણે 300 રન પણ નહીં કરી શકીએ ને ભૂંડી રીતે હારીશું એવું લાગતું હતું પણ આપણી દીકરીઓ જીવ પર આવીને લડી અને ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપના ઇતિહાસનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરી નાખ્યો.
ભારતની જીત ટીમ સ્પિરિટની જીત છે પણ રન ચેઝમાં સૌથી મહત્ત્વની ભૂમિકા જેમિમા રોડ્રિગ્ઝે ભજવી. ભારતીય ટીમે 59 રન પર બે વિકેટ ગુમાવી દીધેલી ત્યારે ભારત નહીં જીતે એવું લાગતું હતું પણ જેમિમા રોડ્રિગ્ઝે મોરચો સંભાળ્યો અને માત્ર એક છેડો સાચવ્યો જ નહીં પણ આક્રમક બેટિગ પણ કરીને અવિસ્મરણિય જીત અપાવી.
જેમિમા 134 બોલમાં 14 ચોગ્ગામાં 127 રન બનાવીને અણનમ રહી તેના પરથી જ તેણે કેવી સેન્સિબલ બેટિગ કરી હશે તેનો અંદાજ આવી જાય. મોટા શોટ મારવાના બદલે જેમિમાએ સિંગલ, ડબલ લઈને સ્કોર બોર્ડને ફરતું રાખ્યું. આપણી કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ યાદગાર ઈનિંગ રમીને 87 બોલમાં 89 રન ફટકાર્યા.
જેમિમા નસીબની પણ બળુકી સાબિત થઈ કેમ કે તેની યાદગાર ઈનિંગમાં બે વાર તેનો કેચ ડ્રોપ થયો હતો. ભારતીય ઈનિંગની 33મી ઓવરમાં જેમિમા રોડ્રિગ્ઝનો પહેલો કેચ છૂટ્યો હતો. જેમિમાએ અલાના કિગની ઓવરના ત્રીજા બોલે સ્વીપ શોટ મારવાનો પ્રયત્ન કર્યો પણ બોલ વિકેટની પાસે જ ઉછળી ગયો. વિકેટકીપર એલિસા હીલી બોલની નીચે આવી ગયેલી પણ કેચ પકડી ના શકી તેથી જેમિમા બચી ગયેલી.
એલિસા હીલી ઘાંઘી ના થઈ હોત તો સરળતાથી કેચ પકડી શકી હોત પણ જેમિમાના નસીબે સાથ આપ્યો તેમાં કેચ છૂટી ગયો. એ વખતે જેમિમા 82 રનના સ્કોરે હતી. 44મી ઓવરમાં ભારતીય બેટર જેમિમા રોડ્રિગ્ઝનો કેચ ફરી છૂટ્યો અને જેમિમાને જીવતદાન મળ્યું. એનાબેલ સધરલેન્ડની ઓવરના બીજા બોલે તાહલિયા મેક્ગ્રાએ જેમિમાનો કેચ છોડી દેતાં જેમિમા બચી ગઈ.
આ પહેલાં 35મી ઓવરમાં જેમિમાહ રોડ્રિગ્ઝને અલાના કિગની ઓવરના ચોથા બોલે એલબીડબલ્યુની અપીલમાં પણ આઉટ થવાથી બચી ગઈ હતી. થર્ડ અંપાયરે શંકાનો લાભ જેમિમાને આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ જેમિમાને જીવતદાન ના આપ્યાં હોત તો સ્થિતિ અલગ હોત તેમાં શંકા નથી પણ આ બધું પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ગેઈમ છે. જીતવા માટે સારી બેટિગ અને સારી બોલિંગની સાથે સારી ફિલ્ડિંગ પણ કરવી જરૂરી છે. કેચીઝ વિન મેચીઝ એવું કહેવાય જ છે એ જોતાં ઓસ્ટ્રેલિયન છોકરીઓએ તેમની ભૂલોની કિમત ચૂકવી ને જેમિમાએ તેને મળેલી તકોનો ભરપૂર લાભ ઉઠાવ્યો.
જેમિમા અને હરમીનપ્રિતની સાથે બીજી ત્રણ દીકરીના યોગદાનનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. જેમિમાએ 14 કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે 167 રનની ભાગીદારી કરી હતી. બંનેએ ટીમના સ્કોરને 226 રને પહોંચાડ્યો ત્યારે 36મી ઓવર ચાલતી હતી. ભારતે જીત માટે 88 બોલમાં 113 રન કરવાના હતા તેથી જીત સરળ જરાય નહોતી. જામેલી જોડી તૂટી તેથી ઓસ્ટ્રેલિયન ટીમ પણ જોશમાં આવી ગયેલી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સરકારમાં પગાર વધવાની સાથે એકાઉન્ટિબિલિટી પણ નક્કી થવી જોઈએ
ઓસ્ટ્રેલિયા પાસે સારી બોલર્સ છે ને દબાણમાં ભારતીય ટીમનું પતન થાય એવો ખતરો હતો જ પણ દીપ્તિ શર્મા, રિચા ઘોષ અને અમનજોત કૌરે તોફાની બેટિગ કરીને ઓસ્ટ્રેલિયાને ચિત્ત કરી દીધું. ભારતને જીત માટે જરૂરી 113 રનમાંથી 65 રન આ ત્રણેયે કર્યા પણ બોલ 41 જ લીધા તેથી જેમિમા પર દબાણ ના રહ્યું.
દીપ્તિ શર્માએ 17 બોલમાં 3 બાઉન્ડ્રી સાથે 24 અને રિચા ઘોષે 16 બોલમાં બે ચોગ્ગા ને બે સિક્સર સાથે 26 રન ઝીંકીને ઓસ્ટ્રેલિયનોની હવા કાઢી નાખી. બાકી હતું એ અમનજોત કૌરે આઠ બોલમાં બે ચોગ્ગા સાથે 15 રન કરીને પૂરું કરી નાખ્યું. દીપ્તિ, રિચા અને અમનજોતની ઈનિંગ્સ સ્કોરની રીતે બહુ મોટી નથી પણ ભારતની જીતમાં નિર્ણાયક છે. જેમિમાએ સાવ ઓછા બોલમાં દીપ્તિ શર્મા સાથે 38, રિચા ઘોષ સાથે 46 અને અમનજોત કૌર સાથે અણનમ 31 રનની ભાગીદારીઓ કરીને ભારતની જીત પાકી કરી નાખી.
ભારતની જીતમાં રેણુકા સિંહ અને શ્રી ચારણીએ બોલિંગમાં ભજવેલી ભૂમિકાનો ઉલ્લેખ પણ જરૂરી છે. ઓસ્ટે્રલિયાની ફોબ લિચફિલ્ડે 93 બોલમાં 117 રનની તોફાની ઈનિંગ રમીને ભારતીય ટીમનાં છોતરાં કાઢી નાખેલાં. રેણુકા સિંહે લિચફિલ્ડના ઝંઝાવાત સામે ઝીંક ઝીલીને આઠ ઓવરમાં માત્ર 39 રન આપ્યા. શ્રી ચારણીએ પણ 10 ઓવરમાં 49 રન જ આપ્યા અને ઓસ્ટ્રેલિયન મિડલ ઓર્ડરની બે વિકેટો ઝડપીને બેટિગને ધીમી કરી નાખી. બાકી ઓસ્ટે્રલિયા રમતાં રમતાં 375 રન કરી જશે એવું લાગતું હતું.
હવે ફાઈનલમાં ભારતની ટક્કર દક્ષિણ આફ્રિકા સામે છે. બે નવેમ્બર, 2025 ને રવિવારે રમાનારી ફાઈનલમાં ભારતની ટીમ પૂરા જોશ સાથે ઉતરશે તેમાં શંકા નથી પણ સામે આફ્રિકાની ટીમ પણ જોશમાં છે. ભારત અને સાઉથ આફ્રિકાની છેલ્લી પાંચ મેચમાંથી ભારત 4 મેચ જીત્યું છે પણ આ વર્લ્ડ કપમાં આફ્રિકાએ ભારતને હરાવેલું તેથી આફ્રિકન છોકરીઓને પણ કમ આંકી શકાય તેમ નથી.
ભારતીય ટીમ ત્રીજી વખત વુમન્સ વન-ડે વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં 2017 અને 2005માં ભારતની ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી પણ આ વખતે એવું ના થાય એવી આશા છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: આપણાથી ક્લાઉડ સીડિંગ પણ સફળતાથી થતું નથી!


