એકસ્ટ્રા અફેરઃ રૂપિયાનું સતત ધોવાણ, દેશને મજબૂત આર્થિક નેતાગીરીની જરૂર

ભરત ભારદ્વાજ
અમેરિકાના ડૉલર સામે રૂપિયાએ અંતે 91 રૂપિયાની સપાટી તોડી દીધી અને નવું તળિયું દેખાડી દીધું. રૂપિયો 90ને પાર તો ગયા અઠવાડિયે જ થઈ ગયેલો પણ મંગળવારે પહેલી વાર એક ડૉલરનો ભાવ 91 રૂપિયાને પાર થઈને 91.18 રૂપિયાના નવા તળિયે પહોંચી ગયો. રૂપિયાના પતન માટે ચાપલૂસ મીડિયા અને ફૂટકણિયા અર્થશાસ્ત્રીઓ દ્વારા ચિત્ર-વિચિત્ર કારણો અપાઈ રહ્યાં છે.
અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી ટ્રેડ ડીલની વાતો થઈ રહી છે પણ કંઈ ને કંઈ ડખા આવીને ઊભા રહી જાય છે તેમાં ટ્રેડ ડીલ નથી થઈ રહ્યું તેને મુખ્ય કારણ ગણાવાઈ રહ્યું છે. ટ્રેડ ડીલ અનિશ્ચિતતાના વમળમાં ફસાયું છે તેના કારણે રૂપિયો તૂટી રહ્યો છે એવું કહેવાય છે.
આ વાત અંશત: સાચી છે કેમ કે કોઈ પણ દેશનું ચલણ ગગડે તેનું મુખ્ય કારણ વ્યાપારી ખાધ હોય છે. જે દેશની નિકાસ વધારે હોય તેનું ચલણ મજબૂત થાય એ અર્થશાસ્ત્રનો બહુ સાદો નિયમ છે પણ આપણી નિકાસ વધી નથી રહી તેના કારણે રૂપિયો તૂટી રહ્યો છે. અમેરિકાએ ટૅરિફ લાદ્યા તેના કારણે નિકાસને ફટકો પડ્યો છે ને તેની અસર છે. બાકી હતું તે મેક્સિકોએ પણ આપણા માલ પર 50 ટકા ટેરિફ લાદવાનું એલાન કરી દીધું તેમાં આપણી હાલત બગડી ગઈ છે.
કમનસીબે આપણી નેતાગીરી આ વાત સ્વીકારવા તૈયાર નથી. ઉલટાનું એવા ખોટેખોટ્ટા દાવા કરાય છે કે, અમેરિકાએ ટૅરિફ લાદ્યા તેની આપણા અર્થતંત્ર પર કોઈ અસર પડી નથી. બલ્કે આપણા અર્થતંત્રે છેલ્લા ક્વાર્ટરમાં જીડીપીમાં 8.2 ટકાનો જોરદાર વિકાસ દર હાંસલ કર્યો છે. આ વાતનો જોરશોરથી પ્રચાર કરાયો અને મીડિયાએ આ વાતને જોરશોરથી ચગાવી પણ કોઈએ સવાલ કર્યો ખરો કે, આ વિકાસ દર કેટલા સમયનો હાઈએસ્ટ છે? છેલ્લાં છ અઠવાડિયાંનો, મતલબ કે, મોદી સરકારના શાસનમાં જ દોઢ વર્ષ પહેલાં જીડીપી વિકાસ દર 8.2 ટકાથી વધારે થયેલો.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ સિડનીમાં આતંકી હુમલો, મુસ્લિમો માટેની નફરત ઘેરી બનશે
આપણને વોટ્સએપ પર પિરસાતું ચૂરણ ચાટી જવાની ટેવ છે એટલે કોઈ આંકડા ચકાસવાની તસદી લેતું નથી. બાકી આ જ મોદી સરકારના શાસનમાં બે વર્ષ પહેલાં એક ક્વાર્ટરમાં 10.2 ટકાનો વિકાસ દર નોંધાયો હતો. આ આંકડો પણ સરકારે જ આપેલો ને તેનો અર્થ એ થયો કે, બે વર્ષમાં આપણા જીડીપીનો વિકાસ દર મંદ થયો છે. તો પછી આપણું અર્થતંત્ર જબરદસ્ત વિકાસ કરી રહ્યું છે એવું કઈ રીતે કહી શકાય?
રૂપિયાના કિસ્સામાં તો આવો દાવો કરી શકાય એવો મોકો પણ નથી આવતો કેમ કે જીડીપીની જેમ ડોલર સામે રૂપિયાના ભાવ સરકારે નક્કી નથી કરવાના પણ બજાર નક્કી કરે છે. તેના કારણે રૂપિયો સતત તૂટ્યા જ કરે છે. વચ્ચે ક્યારેક પાંચ-દસ પૈસા સુધરી જાય એ અલગ વાત છે, બાકી લાંબા સમયથી રૂપિયાની ગતિ અધોગતિની જ છે.
આપણી કમનસીબી એ છે કે, આ અધોગતિને રોકવાની આપણી નેતાગીરીમાં તાકાત નથી ને આર્થિક મોરચે તો અસલી સેનાપતિઓના બદલે ચાપલૂસી કરી ખાનારા લોકોને બેસાડી દેવાયા છે. નિર્મલા સીતારામન આપણાં નાણાં મંત્રી છે ને રૂપિયાના રમખાણમાં નિર્મલા મેડમ ક્યાં ખોવાઈ ગયાં છે એ જ કોઈને ખબર નથી. નિર્મલા સીતારામને દેશના અર્થતંત્ર વિશે કે ગગડતા રૂપિયા વિશે છેલ્લે ક્યારે કશું કહેલું એ યાદ જ નથી આવતું. ખેર, કશું ના બોલે તો પણ વાંધો નથી પણ રૂપિયાને ગગડતો રોકવા કશું તો કરે કે નહીં ? નિર્મલા મેડમ કશું કરી રહ્યાં નથી કેમ કે તેમને શું કરવું એ ખબર પણ પડતી હશે કે કેમ તેમાં શંકા છે.
રિઝર્વ બેંકના ગવર્નર તરીકે હમણાં સંજય મલ્હોત્રા છે અને મલ્હોત્રા સાહેબ તો નિર્મલા મેડમને સારા કહેવડાવે એવા છે. મલ્હોત્રા આઈએસ ઓફિસર હતા ને મોદી સરકારની રહેમ નજર ના પડી ત્યાં લગી આર્થિક બાબતો સાથે તેમને નાહવા-નિચોવવાનો સંબંધ નહોતો. 2022માં અચાનક મલ્હોત્રાને નાણાં મંત્રાલયમાં મૂકીને રિઝર્વ બેંકમાં ગોઠવી દેવાનો તખ્તો ઘડાયો એ પહેલાં સુધી તેમનો કદી આર્થિક નીતિ વિષયક બાબતો સાથે પનારો જ નહોતો પડ્યો.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ કેરળની જીત ભાજપ માટે ઐતિહાસિક, ડાબેરીઓનાં વળતાં પાણી
મલ્હોત્રા સાહેબના પુરોગામી શશિકાન્ત દાસ પણ અર્થશાસ્ત્રી નહોતા પણ ન્યાયે ખાતર કહેવું જોઈએ કે, દાસ સક્રિય હતા ને ડૉલર વેચવા સહિતનાં પગલાં ભરીને રૂપિયાનું ધોવાણ રોકવા દિલથી પ્રયત્નો કરેલો. મલ્હોત્રા પીએમઓમાં કુરનિશ બજાવીને ‘ઓલ ઈઝ વેલ’ની આલબેલ પોકારવા સિવાય કશું નથી કરી રહ્યા.
રૂપિયાના પતન સાથે બે વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતના વીડિયો છે. વીડિયોમાં મોદી સાહેબ કહી રહ્યા છે કે, જે રીતે ડૉલર મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે એ જોતાં વિશ્વ વ્યાપારમાં ભારત ટકી નહીં શકે. આપણા વિદેશ માલ મોકલતા અને વિદેશથી માલ મંગાવતા વેપારીઓ આ ફટકાને સહન નહીં કરી શકે.
ભારત સરકાર જે વસ્તુઓ લાવે છે તેના ભાવ અસહ્ય થઈ જશે અને દિલ્હીની સરકાર જવાબ નથી આપી રહી. નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકાના ચલણને કોઈ સમસ્યા નથી. આપણા પાડોશી નાના નાના દેશોને ડૉલર સામે કોઈ નુકસાન નથી થઈ રહ્યું ત્યારે એકલા ભારતનો રૂપિયો સતત તૂટી રહ્યો છે. આ માત્ર આર્થિક કારણોસર નથી થયું પણ યુપીએ સરકારના ભ્રષ્ટ રાજકારણનું આ પરિણામ છે. આ આક્ષેપ હું એકદમ ગંભીરતાથી મૂકી રહ્યો છું.
મોદી સાહેબે આપેલાં આ પ્રકારનાં બીજાં નિવેદનોની ટ્વિટ અને ન્યૂઝના અહેવાલ પણ વાઈરલ થઈ રહ્યા છે. મોદીએ તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ પર કટાક્ષ પણ કરેલો કે, આપણા વડા પ્રધાનની ઉંમર વધે તેના કરતાં વધારે ઝડપથી રૂપિયો ડૉલર સામે વધી રહ્યો છે એ જોતાં બહુ જલદી મનમોહનસિંહની ઉંમરને પાર કરી જશે. ભારતમાં લોકશાહી છે એટલે આ બધા વીડિયો, ટ્વિટ વગેરે અત્યારે તો સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ છે, કાલની ખબર નથી.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ જ્ઞાતિ આધારિત વસતિગણતરી, દેશ પાછો અંગ્રેજોના યુગમાં
મોદી સાહેબ વડા પ્રધાન બન્યા ત્યારે ડોલર સામે રૂપિયાની કિંમત તેમની ઉંમર કરતાં ઓછી હતી. મોદી 64 વર્ષના હતા ને ડૉલર સામે રૂપિયો 58ના સ્તરે હતો. અત્યારે મોદી સાહેબ 75 વર્ષના છે ને રૂપિયો 91ને પાર થઈ ગયો છે ત્યારે નથી એ કટાક્ષ યાદ આવતા કે નથી દિલ્લીની સરકાર જવાબ આપી રહી. આપણને જવાબ પણ નથી જોઈતા પણ રૂપિયાનું ધોવાણ અટકે તો પણ ઘણું કેમ કે તેની અસર આપણા ખિસ્સા પર પડી રહી છે.


