એકસ્ટ્રા અફેર

પાકિસ્તાન નમે તો નાક કપાય ને ના નમે તો માથું…

એકસ્ટ્રા અફેરઃભરત ભારદ્વાજ

ભારતમાં ટી-20 વર્લ્ડ કપ ચાલુ થઈ ગયો છે પણ ભારત અને પાકિસ્તાન ટકરાશે કે નહીં એ મુદ્દે હજુ અવઢવ છે ને કોકડું વધારે ને વધારે ગૂંચવાતું જાય છે. પાકિસ્તાને શૂરમાં ને શૂરમાં બાંગ્લાદેશને ટેકો આપીને ભારત સામે નહીં રમવા એલાન તો કરી દીધું પણ ભારતે તેને ના ગણકારતાં આઈસીસીના પોતાના ગોઠિયાઓને સાધીને પાકિસ્તાન તેની આબરૂ સચવાય એવો રસ્તો શોધવા ફાંફાં મારે છે પણ આ ફાંફાંમાં આડીતેડી શરતો મૂકવા જતાં પાકિસ્તાન વધારે ભેરવાયું છે એ જોતાં અત્યારે તો ભારત-પાકિસ્તાનની મેચ રમાય એવી શક્યતા ઓછી છે જ પણ ભવિષ્યમાં પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હાકલપટ્ટી જ થઈ જાય એવી પણ પૂરેપૂરી શક્યતા છે.

વર્લ્ડ કપના કાર્યક્રમ પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર ને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મેચ રમાવાની છે પણ પાકિસ્તાને બાંગ્લાદેશને રવાડે ચડીને ભારત સામે રમવાનો ઈન્કાર કર્યો તેમાં કોકડું ગૂંચવાવાની શરૂઆત થઈ. પાકિસ્તાન અત્યાર લગી ભારત સામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની સ્પર્ધાઓમાં રમતું હતું પણ બાંગ્લાદેશે નાગાઈ કરીને ભારતમાં રમવાનો ઈન્કાર કર્યો એટલે હળાહળ ભારત વિરોધી પાકિસ્તાનને મોકો મળી ગયો. બાંગ્લાદેશને ટેકાના બહાને પાકિસ્તાને પણ ભારત સામે નહીં રમવાનું એલાન કરીને જાતે જ પગ પર કુહાડો મારી દીધો છે.

ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષી સિરીઝ રમતાં નથી એટલે ક્રિકેટ ચાહકોને આઈસીસીની સ્પર્ધાઓમાં ભારતને પાકિસ્તાનની ટક્કરમાં રસ હોય છે તેથી કંપનીઓ જાહેરખબરો આપવા પડાપડી કરે છે. આ કારણે આઈસીસી માટે ભારત-પાકિસ્તાનની મેચ સોનાનાં ઈંડાં આપતી મરઘી છે તેથી પાકિસ્તાને ભારત સામે રમવાનો ઈનકાર કર્યો તેમાં આઈસીસીના કારભારીઓ દોડતા થઈ ગયા છે.

આઈસીસીના કારભારીઓએ પહેલાં પાકિસ્તાનને દાટી આપી કે, ભારત સામે નહીં રમો તો ક્રિકેટમાંથી ન્યાત બહાર કરી દઈશું પણ પાકિસ્તાન ના માન્યું એટલે હવે મનામણા શરૂ થયાં છે. તેના ભાગરૂપે આઈસીસીના પ્રતિનિધિઓએ પાકિસ્તાન જઈને મનામણાં કરવા માંડ્યાં છે. પાકિસ્તાને પણ તકનો લાભ લઈને ત્રણ શરતો મૂકી દીધી છે પણ આઈસીસી આ શરતો સ્વીકારી શકે તેમ નથી તેથી કોકડું વધારે ગૂંચવાયું છે.

આઈસીસીએ સત્તાવાર રીતે કશું કહ્યું નથી પણ બિનસત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) સાથેની મડાગાંઠને ઉકેલવા માટે તૈયાર છે પણ એ માટે ત્રણ માગણીઓ મૂકી છે. પીસીબીના કારભારીઓએ રવિવારે લાહોરમાં આઈસીસી અધિકારીઓ સાથે બેઠક દકરી તેમાં બાંગ્લાદેશ માટેના વળતરમાં વધારો કરવો, બાંગ્લાદેશ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયું હોવા છતાં તેને ભાગીદારી ફી આપવી અને ભવિષ્યમાં આઈસીસીની સ્પર્ધા યોજવાના અધિકારીઓ આપવા એ ત્રણ માગણીઓ મૂકી છે.

આઈસીસી આ માગણીઓ અંગે વિચાર કરીને પછી શું કરવું એ નક્કી કરશે પણ અત્યારે જે સ્થિતિ છે તેમાં આ માગણીઓ સ્વીકારાય તેમ નથી. આઈસીસીને વર્લ્ડ કપની રોમાંચકતા જળવાય ને નોટો પણ છપાય તેથી ભારત પાકિસ્તાનની મેચ રમાય તેમાં રસ છે પણ તેના માટે થઈને પાકિસ્તાન મૂકે એ શરતો માની લે તો આઈસીસીની આબરૂનો ફજેતો થઈ જાય તેથી આ માગણીઓ સ્વીકારાય એવી શક્યતા નહિવત છે. આઈસીસી પર ભારતનું વર્ચસ્વ છે તેના કારણે પણ આઈસીસી પાકિસ્તાનની જોહુકમી સ્વીકારે એવી શક્યતા નથી એ જોતાં પાકિસ્તાનની હાલત કફોડી છે.

પાકિસ્તાન બહાર આવવા ફાંફાં મારે છે કેમ કે ભારતના વલણના કારણે પાકિસ્તાનની હાલત નમે તો નાક કપાય ને ના નમે તો માથું કપાય એવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના કારભારીઓએ શૂરાતનમાં આવીને ભારત સામે નહીં રમવાનું નક્કી કરી નાંખ્યું ને તેમાં બાંગ્લાદેશીઓની વાહવાહી મેળવી લીધી ને પાકિસ્તાનમાં તો હીરો બની ગયા. શેખ હસીનાની વિદાય પછી બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓનો દબદબો વધ્યો છે ને પાકિસ્તાન કટ્ટરવાદીઓને જોરે બાંગ્લાદેશમાં ઘૂસી જવા માગે છે. આ મહિને જ બાંગ્લાદેશમાં ચૂંટણી છે તેથી હવે પાકિસ્તાન નમતું જોખે તો બાંગ્લાદેશમાં તો પાકિસ્તાનીઓના નામ પર લોકો થૂ થૂ કરે જ પણ પાકિસ્તાનમાં તો જૂતાં ફટકારે તેથી પાકિસ્તાન પીછેહઠ કરી શકે તેમ નથી.

બીજી તરફ પોતાના નિર્ણયનું પૂંછડું ના છોડે તો ભવિષ્યમાં આઈસીસી તેને બહાર ફેંકી દે ને પાકિસ્તાનમાં ક્રિકેટનું અચ્યુતમ કેશવમ થઈ જાય. આઈસીસી ભારતની તાબેદાર છે ને ભારત કહે એ જ થાય છે એ વાતની પાકિસ્તાનને પાકા પાયે ખબર છે. પાકિસ્તાન ભારતને નીચાજોણું કરાવવા માટે વર્લ્ડ કપમાં ભારત સામે ના રમે ને ભારત તેને છોડી દે એ વાતમાં માલ નથી. વર્લ્ડ કપ પતે કે તરત પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કાયમ માટે પેકિંગ થઈ જાય ને ભવિષ્યમાં ફરી આઈસીસીમાં એન્ટ્રી પણ ના મળે તેથી પાકિસ્તાન બરાબરનું ભેરવાયેલું છે.

આ સ્થિતિનો એક જ ઉકેલ પાકિસ્તાનની પીછેહઠ છે. પાકિસ્તાન કશું બોલ્યા વિના 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે રમી નાંખે તો ઘીના ઠામમાં ઘી પડી જાય. ભારતને પણ વાંધો ના રહે ને આઈસીસીને પણ તકલીફ ના રહે. ભવિષ્યમાં પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી કરવાની પણ ના થાય. બાકી પાકિસ્તાન ભારત સામે નહીં રમે તો તેના કારણે વર્લ્ડ કપને પણ કોઈ ફરક નથી પડવાનો ને ભારતને તો ફાયદો જ ફાયદો છે કેમ કે પાકિસ્તાન સામે રમ્યા વિના પોઈન્ટ્સ મળી જશે ને ભવિષ્યમાં પાકિસ્તાનને આઈસીસીમાંથી બહાર ફેંકવા માટે મોટો મુદ્દો મળી જશે.

પાકિસ્તાનને પોતે લીધેલા નિર્ણયમાં પીછેહઠ કરે તો નીચાજોણું થાય તેની ચિંતા છે પણ પાકિસ્તાને વાસ્તવિકતાને સમજવાની જરૂર છે. એક સમયે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાવર હાઉસ હતું તેનો ઈનકાર ના કરી શકાય. ઈમરાન ખાનના સમયમાં તો પાકિસ્તાન સામે દુનિયાની ભલભલી ટીમોનુ પાણી ઊતરી જતું પણ એ પછી પણ લાંબા સમય સુધી પાકિસ્તાનનો વટ હતો જ. વસિમ અકરમ ને વકાર યુનુસ પછી આવેલા બોલરોએ પાકિસ્તાનનો દબદબો જાળવેલો પણ છેલ્લાં પાંચ-સાત વરસમાં પાકિસ્તાન ક્રિકેટની હાલત એ હદે કથળી છે કે, તેમનો કોઈ ભાવ જ નથી પૂછતું.

એક સમયે ભારત-પાકિસ્તાનની દરેક મેચ રીયલ થ્રીલર બની જતી ને ક્રિકેટ ચાહકોને જલસો થઈ જતો. છેલ્લાં કેટલાંક વરસોમાં પાકિસ્તાન ભારત સામે હારી જ જાય છે ને આ હાર પણ શરણાગતિ સ્વીકારતી હોય છે. કોઈ રોમાંચ જ નથી જોવા મળતો તેથી પાકિસ્તાન નહીં રમે તો ક્રિકેટ ચાહકો બહુ વધારે નહીં ગુમાવે પણ પાકિસ્તાન સર્વસ્વ ગુમાવી દેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button