અમેરિકા સાથેના દ્વિપક્ષી વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો હશે?

એકસ્ટ્રા અફેરઃભરત ભારદ્વાજ
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના ટ્રેડ ડીલ અંગે બંને દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડી દીધું પણ આ નિવેદનમાં ટે્રડ ડીલ વિશે ઉપરછલ્લી વાતો જ છે. ડીલ વચગાળાનું છે અને હજુ ફાઈનલ ડીલ બાકી છે તેથી એવું કરાયું હશે પણ આ ઉપરછલ્લી વાતોના કારણે પણ આ ટ્રેડ ડીલ ખરેખર ભારતના ફાયદામાં હોવા વિશે શંકાઓ ઊભી થઈ જ ગઈ છે.
આપણા વ્યાપાર પ્રધાન પીયૂષ ગોયલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર નિવેદન આપીને દાવો કર્યો છે કે, આ ડીલથી ભારતના નિકાસકારો અને ખાસ તો એમએસએએમઈ, ખેડૂતો અને માછીમારો માટે 30 ટ્રિલિયન ડૉલરનું અમેરિકન બજાર ખૂલી ગયું છે. જો કે ગોયલની વાતો અને સંયુક્ત નિવેદનને જોયા પછી લાગે કે, આ ડીલ ભારતના નહીં પણ અમેરિકાના ફાયદામાં છે.
ગોયલના કહેવા પ્રમાણે, ભારત અને અમેરિકા એક દાયકામાં દ્વિપક્ષી વ્યાપાર 500 અબજ ડૉલર પર લઈ જવા માટે સંમત થયાં છે. સવાલ એ છે કે, આ 500 અબજ ડૉલરના દ્વિપક્ષી વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો હશે ? ગોયલે આ વાતનો ફોડ પાડ્યો નથી કેમ કે સરકાર પારદર્શક નથી. દ્વિપક્ષી વ્યાપાર છેતરામણો શબ્દ છે ને તેમાં આયાત-નિકાસ બંને આવી જાય.
ભારતને દ્વિપક્ષી વ્યાપારમાં નિકાસ વધે તો જ ફાયદો થાય પણ આ ડીલમાં એવી કોઈ જોગવાઈ નથી. અમેરિકા ભારતમાં વરસે 400 અબજ ડૉલરનો માલ ખડકે ને ભારતનો 100 અબજ ડૉલરનો માલ અમેરિકા જાય તો પણ દ્વિપક્ષી વ્યાપાર 500 અબજ ડૉલર થઈ જાય પણ તેમાં ભારતે કમાવાનું કંઈ નથી.
ટૅરિફ લદાયા એ પહેલાં સુધી અમેરિકામાં ભારતની નિકાસ વધારે હતી ને આયાત ઓછી હતી તેથી ભારત ફાયદામાં હતું. ટ્રમ્પે ટૅરિફ લાદ્યા પછી નિકાસ ઘટી તેથી આપણે ટ્રેડ ડીલ કરવા પડ્યા એ સંજોગોમાં ભારત નિકાસ વધારે હોય ને આયાત ઓછી હોય એવી શરત ના મૂકી શકે પણ કમ સે કમ ફિફ્ટી-ફિફ્ટી શેર તો માગી જ શકે તેથી ભારતે સ્પષ્ટ શરત મૂકવી જોઈએ કે, દ્વિપક્ષી વ્યાપારમાં બંનેનો હિસ્સો ફિફ્ટી-ફિફ્ટી હશે. મતલબ કે, દર વરસે અમેરિકા ભારતને 250 અબજ ડૉલરનો માલ આપે તો તેની સામે અમેરિકાએ પણ ભારતનો 250 અબજ ડૉલરનો માલ લેવાની ખાતરી આપવી પડે.
આ કરારમાં અમેરિકા ભારત પાસેથી દર વરસે કેટલો માલ લેશે તેની કોઈ ખાતરી નથી, સામે ભારતે અમેરિકા પાસેથી પાંચ વર્ષમાં 500 અબજ ડૉલરનો માલ લેવો પડશે એવી જોગવાઈ છે. મતલબ કે, અમેરિકા ભારતને વરસે 100 અબજ ડૉલરનો માલ તો આપશે જ. આ એકપક્ષીય ને અમેરિકાને ફાયદો થાય એવી શરત છે તો પછી ડીલથી ભારતને કઈ રીતે ફાયદો થયો કહેવાય ?
પીયૂષ ગોયલ અને ભાજપના બીજા નેતા એક રેકર્ડ સતત વગાડ્યા કરે છે કે, ટ્રેડ ડીલ ખેડૂતોનાં હિતોને નુકસાન પહોંચાડતી નથી કેમ કે નિકાસની તકોનો વિસ્તાર કરીને ભારત સરકારે તેમનાં હિતોનું ધ્યાન રાખ્યું છે અને તેમની આજીવિકાનું રક્ષણ કર્યું છે. ગોયલના કહેવાનો અર્થ એ છે કે, ભારતનાં ઘણાં કૃષિ ઉત્પાદનોને અમેરિકામાં ડ્યૂટી ફ્રી અથવા ઓછા કર સાથે નિકાસની મંજૂરી મળી છે તેથી ભારતીય ખેડૂતો માટે પોતાનો માલ અમેરિકામાં નિકાસ કરવાની તક ઊભી થઈ છે તેથી ખેડૂતો માલામાલ થઈ જશે.
વાત સાચી છે કે, કેટલાંક ભારતીય કૃષિ ઉત્પાદનોને ડયૂટી વિના અમેરિકાના નિકાસ કરવાની છૂટ મળી છે પણ સામે અમેરિકાનાં કૃષિ ઉત્પાદનોને પણ ભારતમાં કોઈ પણ ટેક્સ વિના માલ ઠાલવવાની છૂટ મળી જ છે. એ લોકો અહીં સસ્તા ભાવે માલ આપશે તો ભારતીય માલ કોણ લેશે ?
ગોયલે પોતે જ કહ્યું છે ને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ છે કે, શાકભાજીના બી, અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, કોકો ઉત્પાદનો, તલ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસને પારસ્પરિક ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે. મતલબ કે, ભારતીય ઉત્પાદનો અમેરિકન બજારમાં ડ્યૂટી-ફ્રી પ્રવેશ કરશે પણ સામે અમેરિકાનો માલ પણ ભારતમાં કોઈ પણ ડ્યૂટી વિના ઠલવાશે.
ભારતીય ખેડૂતોનો મોટો વર્ગ અનાજ અને શાકભાજી વાવીને ગુજરાન ચલાવે છે પણ અમેરિકાનાં અનાજ ને શાકભાજીનાં બિયારણ આવશે પછી ભારતીય ખેડૂતોની સીધી ટક્કર તેમની સાથે છે ને તેમાં ભારતીય ખેડૂતો ઝીંક નહીં ઝીલી શકે કેમ કે અમેરિકન કંપનીઓ ભારતીય બજાર પર કબજો કરવા શરૂઆતમાં ખોટ ખાઈને પણ માલ પધરાવશે. ગ્રાહક તો સસ્તો માલ જ ખરીદવાનો તેથી અમેરિકન કંપનીઓનો માલ જ ખપવાનો. બજાર પર કબજો થાય પછી કંપનીઓ ખેડૂતોને પોતાને સસ્તા ભાવે માલ આપવા ફરજ પાડશે તેથી ખેડૂતોની તબાહી નક્કી છે.
અમેરિકાનાં જે કૃષિ ઉત્પદનો પર ટૅરિફ નહીં લાગે કે સાવ ઘટાડી દેવામાં આવશે તેમાં ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ, પશુ આહાર માટેનો લાલ બાજરો. ટ્રી નટ્સ, પ્રોસેસ્ડ ફળ, સોયાબીન તેલ પણ છે. આ ચીજોમાં સૌથી મહત્વનાં ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ છે. મોટા ભાગના ભારતીયોને ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ શું છે એ ખબર નથી.
અમેરિકા અને યુરોપના દેશોમાં વાઈન, બિયર વગેરે બનાવતી ડિસ્ટિલરીઝમાં પ્રોસેસ પછી જે કૂચો રહે તેને ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ કહે છે. તેનો ઉપયોગ પશુ આહાર તરીકે કરાય છે. બિયર બનાવવામાં જવ મુખ્ય છે પણ એ સિવાય ઘઉં, મકાઈ, ચોખા અને બીજાં અનાજનો ઉપયોગ પણ ડિસ્ટિલરીઝમાં થાય છે.
અમેરિકામાં વરસે લાખો ટન ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ બને છે કે જેનું કોઈ લેવાલ નથી. આ કચરો અમેરિકા ભારતને પધરાવશે ને તેમાંથી અબજોની કમાણી કરશે. ભારતમાં અત્યારે પશુઓને લીલું ઘાસ સહિતનો ખોરાક વધારે અપાય છે પણ ભવિષ્યમાં સસ્તા ભાવે મળતાં ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ અપાશે તેના કારણે ખેડૂતોને નુકસાન જશે કે બીજા કોઈને ?
ભૂતકાળમાં ચીનનો સસ્તો માલ ભારતમાં ઠલવાતો તેના કારણે ભારતના નાના-કારીગરો તબાહ થઈ ગયા. હવે અત્યારે સ્વદેશીનાં નાટકો કરીને આપણા કારીગરોને ઉગારવાના તાયફા થાય છે. અમેરિકાનાં સસ્તાં કૃષિ ઉત્પાદનો ભારતમાં ખડકાશે એટલે એ જ હાલત ખેડૂતોની થશે ને પાંચ-દસ વર્ષ પછી ખેડૂતોને બચાવવાના નામે નાટકો થશે.
અમેરિકા ક્યા પ્રકારના ભારતીય માલ પર ટેક્સ નથી લેવાનું એ પણ સમજવા જેવું છે. ચા, મસાલા, નાળિયેર તેલ, વનસ્પતિ મીણ, સોપારી, બ્રાઝિલ બદામ, ચેસ્ટનટ અને કેટલાંક ફળો અને શાકભાજી પર ટેક્સ નહીં લાગે. હવે ભારતના કુલ કૃષિ ઉત્પાદનમાં આ બધી પ્રોડક્ટનો હિસ્સો માંડ બે ટકા છે. ભારતને અસલી ફાયદો તો કપાસ, શેરડી, કઠોળ વગેરેની ડ્યૂટી ફ્રી નિકાસની અમેરિકામાં મંજૂરી મળે તો થાય પણ એવું કશું કરારમાં છે નહીં.


