એકસ્ટ્રા અફેર: ભારતે ટેરર નેટવર્કનો ખાતમો કરીને જંપ લેવો જોઈએ

-ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી અંતે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં હવાઈ હુમલા કરી દીધા. ઈન્ડિયન આર્મી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત કુમાર ડોભાલે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, બુધવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે ઈન્ડિયન આર્મી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પીઓકેમાં બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં હુમલા કર્યા છે. 9 આતંકવાદી ઠેકાણાં પર કરાયેલા હુમલામાં 30 લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે.
જો કે મોતનો આંકડો બહુ મહત્ત્વનો નથી, મહત્ત્વનું ભારતે પહલગામ હુમલાનો બદલો લેવા કરેલું આક્રમણ છે. આ હુમલા દ્વારા ભારતે પાકિસ્તાનના શાસકોને, પાકિસ્તાનની આર્મી અને આઈએસઆઈને તથા તેમના પાલતુ આતંકવાદીઓને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, તમે અમારા નિર્દોષ નાગરિકોને માર્યા ને અમે ચૂપ બેસી રહીશું એવી આશા ના રાખતા.
ભારતે હુમલા કર્યા તેમાં બહાવલપુર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક છે અને આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર છે. ભારતના સામ્બાથી 30 કિ.મી. દૂર આવેલા મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનો કેમ્પ છે. બીજાં સ્થળે પણ આતંકવાદી કેમ્પ આવેલા છે ને ભારતે ચોક્કસ ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે આ હુમલા કર્યાનું કહેવાય છે. ભારત પર આતંકવાદી હુમલાનાં કાવતરાં ઘડાય છે એ સ્થળો પર હુમલા કરીને ભારતે આતંકવાદીએના સફાયાની દિશામાં પહેલું કદમ ઉઠાવ્યું છે.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર: બાંગ્લાદેશમાં ધર્માંધતા હાવી, ભારત માટે ખતરાની નિશાની
પાકિસ્તાને ભારતે હુમલો કર્યાનું સ્વીકાર્યું છે પણ પાકિસ્તાન ભારતની કાર્યવાહીને આતંકવાદીઓ સામેની કાર્યવાહી નહીં પણ પાકિસ્તાન લશ્કર અને નાગરિકો પર કરાયેલા હુમલા સાબિત કરવા મચી પડ્યું છે. સાથે સાથે ધાર્મિક ઉન્માદ પેદા કરવા એવો દાવો પણ કરાયો છે કે, ભારતીય હુમલામાં મસ્જિદોને પણ નિશાન બનાવવામાં આવી છે. વાસ્તવમાં એ બધી મસ્જિદો ધર્મસ્થાન નથી પણ આતંકવાદી કેમ્પોનો હિસ્સો છે. મસ્જિદોને આતંકવાદી કેમ્પો બનાવી દેવાઈ તેમાં હુમલા કરાયા છે.
બહાવલપુરમાં 4 હુમલા થયા પણ તેમાં કોઈ મસ્જિદ પર હુમલો થયો નથી. મુઝફ્ફરાબાદમાં 7 હુમલા કરાયા તેમાં બિલાલ મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. કોટલીમાં 5 હુમલા થયા તેમાં અબ્બત મસ્જિદ ટાર્ગેટ હતી. મુરિદકેમાં 4 હુમલા થયા તેમાં ઉમાલાકુરા મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. અહમદપુર પૂર્વમાં સુભાન મસ્જિદને નિશાન બનાવવામાં આવી કેમ કે આ બધી મસ્જિદોને ટેરર કેમ્પમાં ફેરવી દેવાઈ છે.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની પાંખ એવા ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)ના ડિરેક્ટર અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો છે કે, ભારતીય હવાઈ હુમલામાં 8 નાગરિકો માર્યા ગયા છે 35 ઘાયલ થયા છે અને 2 લોકો ગુમ છે. ભારતે 6 વિસ્તારોમાં 24 મિસાઇલો છોડી હોવાનો દાવો પણ કરાયો છે.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેર: કાશ્મીર-પંજાબના આતંકવાદ માટે પણ અમેરિકા જવાબદાર?
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જિયો ટીવીને કહ્યું કે ભારતે પોતાના એર સ્પેસમાંથી પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યા હતા અને આ મિસાઈલો સીધી નાગરિક વિસ્તારો પર પડી હતી. ખ્વાજા આસિફે તો પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો પણ કર્યો કે, પાકિસ્તાન આર્મી દ્વારા કેટલાક ભારતીય સૈનિકોને ઝડપી લેવાયા છે.
પાકિસ્તાનની સરકારી ન્યૂઝ ચેનલ પીટીવી ન્યૂઝે ફડાકો માર્યો છે કે, પાકિસ્તાની આર્મીએ 2 ભારતીય જેટ ફાઈટરને તોડી પાડ્યા છે, પાકિસ્તાને એલઓસી નજીક ભારતીય ચેકપોસ્ટનો નાશ કર્યો છે. પાકિસ્તાન ભારતના હુમલા અંગે સતત ગુલાંટબાજી કરતું રહ્યું છે પણ તેણે હુમલો થયાનું સ્વીકાર્યું એ મોટી વાત છે. જનરલ ચૌધરીએ ફિશિયારી મારી છે કે, પાકિસ્તાન આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાકિસ્તાનની સીધી લડવાની તૈયારી નથી એટલે તેનો યોગ્ય જવાબ એટલે આતંકવાદ એમ સમજવું.
પાકિસ્તાનના ભારતનાં વિમાનો તોડી પાડ્યાના દાવામાં દમ નથી અને પાકિસ્તાન આબરૂ બચાવવા માટે હવાતિયાં મારી રહ્યું હોવાથી જૂઠાણાં ફેલાવી રહ્યું છે એ દેખાય જ છે. પાકિસ્તાને ભારતના રાફેલ વિમાનને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે. પુરાવા તરીકે એક ફોટો પણ શેર કર્યો છે પણ આ ફોટો રાફેલનો નહીં પણ મિગ-29નો છે.
ભારતીય વાયુસેનાનું મિગ-29 ફાઇટર પ્લેન 3 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનમાં ક્રેશ થયું હતું. તેનો ફોટો મૂકીને પાકિસ્તાન ડંફાશ મારી રહ્યું છે કે તેણે રાફેલને તોડી પાડ્યું છે. પાકિસ્તાને ભટિંડા, અખનૂર અને જમ્મુમાં જેટ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો છે એ પણ આવાં જ જૂઠાણાં છે.
પાકિસ્તાન જૂઠું બોલવામાં માહિર છે પણ માનો કે, ભારતને થોડું ઘણું નુકસાન થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. શાંતિ માટે યુદ્ધ કરવું પડે છે ને યુદ્ધની થોડી ઘણી કિંમત ચૂકવવી જ પડે. આપણે કશું કર્યું નહોતું છતાં પહલગામમાં પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ 28 લોકોની હત્યા કરી નાખી હતી ત્યારે અહીં તો આપણે આક્રમણ કરી રહ્યા છીએ એટલે થોડું ઘણું ભોગવવાની તૈયારી રાખવી જ પડે.
ચૂપ રહીને લોકોને મરવા દેવાં કાયરતા કહેવાય જ્યારે આપણને નુકસાન કરનાર પર આક્રમણ કરવું મર્દાનગી કહેવાય. ભારત એ મર્દાનગી બતાવી રહ્યું છે ત્યારે નુકસાન ભોગવવાની તૈયારી છે જ.
પાકિસ્તાને ભારત તેના નિર્દોષ નાગરિકોને મારી રહ્યું છે અને પાકિસ્તાન પર આક્રમણ કરી રહ્યું છે એવો દાવો પણ કર્યો છે. તેની સામે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે, પાકિસ્તાની લશ્કરી છાવણીઓને નિશાન બનાવવામાં આવી નથી પણ આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યાં છે. આર્મી અને એરફોર્સની સંયુક્ત લશ્કરી કાર્યવાહીમાં માત્ર ને માત્ર ટેરર કેમ્પ્સને નિશાન બનાવાયા છે.
વ્યૂહાત્મક રીતે ભારતની વાત બરાબર છે કેમ કે કોઈ પણ દેશની લશ્કરી છાવણી પર હુમલો કરવાનો મતલબ એ દેશ પર હુમલો કરવો એવો થાય. ભારત પોતે આક્રમણખોર નથી અને પાકિસ્તાન પર હુમલો કર્યો નથી પણ આતંકવાદીઓ પર હુમલો કરી રહ્યું છે એવું ચિત્ર ઊભું કરી રહ્યું છે એ વ્યૂહાત્મક રીતે યોગ્ય છે પણ વાસ્તવિક રીતે ભારત પાકિસ્તાનની લશ્કરી છાવણીઓ પર હુમલો કરે તો તેમાં કશું ખોટું નથી.
અસલી જરૂર તો પાકિસ્તાનના લશ્કરને જ ખોખરું કરી નાંખવાની છે તેથી પાકિસ્તાનની વાત સાચી હોય તો સારું છે. આતંકવાદીઓના બહાને પાકિસ્તાન આર્મીને પાઠ ભણાવી જ દેવાની જરૂર છે કેમ કે આતંકવાદ અંતે તો પાકિસ્તાન આર્મીનું જ પાપ છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ચાલતા આતંકવાદી કેમ્પ પાકિસ્તાન આર્મીની જ દેન છે.
ભારતે હુમલો કરીને યોગ્ય કર્યું છે પણ જરૂર આ આક્રમણને ચાલુ રાખવાની છે. આતંકવાદ આપણા માટે પથરીના દુ:ખાવા જેવું બની ગયું છે. થોડા થોડા સમયે દુ:ખાવો થયા કરે એટલે આપણે દવા લઈને દર્દ હળવું કરીએ. વાસ્તવમાં જરૂર ઓપરેશનની છે. હવે ભારતે ઓપરેશન શરૂ કર્યું છે તો આ પથરીનો કાયમ માટે નિકાલ કરી જ નાખવો જોઈએ.