પાકિસ્તાન માટે ભારત દુશ્મન મુલ્ક જ રહેવાનો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધોની ગમે તેટલી વાતો થાય પણ પાકિસ્તાનની માનસિકતા શું છે? પાકિસ્તાન ભારતને પોતાનો દુશ્મન જ માને છે અને બંને દેશ અસ્તિત્વમાં આવ્યાના ૭૫ વર્ષ પછી પણ પાકિસ્તાનની આ માનસિકતા નથી બદલાઈ. પાકિસ્તાનની આ માનસિકતા વારંવાર છતી થાય જ છે ને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચૅરમૅન ઝાકા અશરફે આપેલાં નિવેદનમાં પાછી છતી થઈ ગઈ છે.
ભારતમાં પાંચ ઓક્ટોબરથી વન-ડે મેચોનો ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે ને તેમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત આવી ચૂકી છે. બાબર આઝમની પાકિસ્તાન ક્રિકેટ ટીમે હૈદરાબાદમાં પગ મૂક્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરાયું બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચૅરમૅન ઝાકા અશરફે ભારતને દુશ્મન દેશ ગણાવીને ઝેર ઓકી દીધું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન ઝાકા અશરફે પાકિસ્તાનમાં બેઠાં બેઠાં નિવેદન ફટકારી દીધું કે, અમે અમારા ક્રિકેટરોને નવા કોન્ટ્રાક્ટ આપીને તેમના તરફ મોહબ્બત બતાવી છે. મારો ઉદ્દેશ એ જ છે કે, અમારા ખેલાડીઓનું મોરલ ઊંચું રહેવું જોઈએ. આપણા ખેલાડીઓ દુશ્મન દેશમાં રમતા હો કે બીજે જ્યાં પણ ટૂર્નામેન્ટ ચાલતી હોય ત્યાં રમવા જાય, તેમનો જુસ્સો બુંલદ રહેવો જોઈએ.
ઝાકા અશરફે આ વાત ઉર્દૂમાં કહી છે ને તેમણે દુશ્મન મુલ્ક શબ્દ વાપર્યા છે. ક્રિકેટ રમતા દેશોમાં પાકિસ્તાનનો દુશ્મન હોય એવો બીજો કોઈ દેશ નથી ને અત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ-કપ રમવા માટે ભારત આવેલી છે તેથી ઝાકા અશરફે ભારત માટે જ આ દુશ્મન મુલ્ક’ શબ્દ વાપર્યા છે એ કહેવાની જરૂર નથી.
પાકિસ્તાન સામે આપણને આતંકવાદ સહિતના મુદ્દે સૌથી મોટો વાંધો છે. જેમને પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો સામે વાંધો છે એ લોકોની દલીલ એ જ છે કે, તમારા દેશના નાગરિકોની લાશો ઢાળતા કે તમારા સૈનિકોનાં માથાં વાઢતા દેશ સાથે ક્રિકેટ ક્રિકેટ ના રમવાનું હોય પણ તેમને એ જ ભાષામાં જવાબ આપવાનો હોય. પાકિસ્તાન સામે આપણે ક્રિકેટ નહી રમીશું તો તેમાં દૂબળા નથી પડી જવાના તેથી પાકિસ્તાન આપણા સૈનિકોની લાશો પાડે ને આપણે બેશરમ બનીને ક્રિકેટ ક્રિકેટ રમીએ એ એમને જોઈતું જ નથી.
આ વાત સો ટકા સાચી છે કેમ કે દેશના ગૌરવથી વધારે મહત્ત્વનું કંઈ છે જ નહીં પણ એ છતાં ભારતમાં એક વર્ગ એવો છે કે જે પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધો સુધારવાની દલાલી કર્યા કરે છે. એ લોકો ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો રમાડવાની તરફેણ કરે ત્યારે ખેલદિલીની ને એવી પત્તર ખાંડવા બેસી જાય છે. દરેક વાર ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની વાત આવે એટલે એ લોકો એક જ બકવાસ કરતા હોય છે કે, ક્રિકેટમાં રાજકારણ ના ઘૂસાડવું જોઈએ. રમતગમતને રાજકારણથી પર રાખવું જોઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધોની વાતો કરનારા લોકો એવો પણ બકવાસ કર્યા કરે છે કે, સત્તામાં બેઠેલા રાજકારણીઓ પોતાના સ્વાર્થને ખાતર દુશ્મની પેદા કરે છે, બાકી બંને દેશનાં લોકો વચ્ચે તો કોઈ દુશ્મનાવટ નથી, બંને દેશના લોકો તો એકબીજા સાથે સારા સંબંધો ઈચ્છે છે.
પાકિસ્તાનમાં સામાન્ય લોકોને તો ભારત સાથે શાંતિમાં રસ છે ને પાકિસ્તાનીઓ તો સારા સંબંધો જ ઈચ્છે છે એ બધી વાતો સાચી છે કે ખોટી એ ખબર નથી કેમ કે સામાન્ય લોકોના મનની વાત કદી બહાર આવતી નથી. બહાર તો ઝાકા અશરફ જેવા હલકા જે ઝેર ઓકે છે તે જ દેખાય છે. આ માનસિકતાને અવગણી પણ ના શકાય કેમ કે ભારત અને પાકિસ્તાન એ બે દેશો વચ્ચેના સંબંધો સામાન્ય લોકો નક્કી નથી કરતા પણ સત્તામાં બેઠેલા લોકો કરે છે ને તેમના પર ઝાકા અશરફ જેવા લોકોના અભિપ્રાયની બહુ અસર થતી હોય છે. ઝાકા અશરફ રાજકારણી છે ને તેમનો અભિપ્રાય મહત્તવનો છે તેથી તેને જ પાકિસ્તાનનો અભિપ્રાય ગણવો પડે, પાકિસ્તાન ભારતને દુશ્મન માને છે એ સ્વીકારવું પડે.
ઝાકા અશરફની વાત સાંભળ્યા પછી તો લાગે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જ નહીં પણ કોઈ પણ પ્રકારના સંબંધો શક્ય નથી કેમ કે જે દેશ આપણને દુશ્મન જ માનતો હોય તેની સાથે તો કઈ પણ પ્રકારના સંબંધો રાખી જ કઈ રીતે શકાય? જેને જાહેરમાં આપણને દુશ્મન દેશ ગણાવતાં શરમ નથી આવતી એવા લોકો સાથે સંબધો રાખવા જેવા નમાલા ને કરોડરજજુ વિનાના આપણે થઈ જ ના શકીએ કેમ કે આ મામલો રાજકારણનો નથી પણ દેશપ્રેમનો છે. આપણે એવા લવારા સાંભળીએ છીએ કે સ્પોર્ટ્સમાં ને આર્ટ્સમાં બંને દેશોના સંબંધોની અસર ના પડવી જોઈએ પણ ઝાકા અશરફ જેવા લોકો તેની ભેળસેળ કરે છે ને ભારતને દુશ્મન ગણાવે છે તેનું શું?
ઝાકા અશરફની વાત સાંભળ્યા પછી પાકિસ્તાનમાં ખેલદિલી સાવ નેવે મૂકાઈ ગઈ છે તેનો પણ અહેસાસ થાય. ઝાકા અશરફ રાજકારણી છે ને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્ય છે પણ પીસીબીના વડા તરીકે તેમનામાં ખેલદિલીની અપેક્ષા હોય. એ પોતે તો રમતગમત અને રાજકારણને અલગ રાખીને વર્તે એવી અપેક્ષા રખાય જ પણ અહીં તો ક્રિકેટનો કારભાર જેના હાથમાં છે એ જ ભારતને દુશ્મન ગણાવે છે. ક્રિકેટના મેદાન પર રમવા ઉતરનારા દેશો પણ એકબીજાને હરીફ માનતા હોય છે, દુશ્મન નથી માનતા ત્યારે અહીં તો ક્રિકેટના કારભારી જ ભારતને દુશ્મન કહે છે.
ઝાકા અશરફનો લવારો પાકિસ્તાનમાં કહેવાતા મોટા માણસો કઈ હદે ભારતદ્વેષથી પિડાય છે તેના પુરાવારૂપ છે. આપણે ગમે તે કરીએ પણ પાકિસ્તાન માટે ભારત દુશ્મન મુલ્ક જ રહેવાનો. પાકિસ્તાન કરોડરજજુ વિનાનું છે તેનો પણ આ પુરાવો છે. પાકિસ્તાનને ભારત સામે એટલો જ દ્વેષ છે તો તેણે પોતાની ટીમને ભારત ના મોકલવી જોઈએ, દુશ્મન મુલ્કમાં ના રમવા દેવી જોઈએ.
હજુ મોડું થયું નથી, વર્લ્ડ-કપ શરૂ થાય એ પહેલાં ટીમને પાછી પાકિસ્તાન બોલાવી લો.