એકસ્ટ્રા અફેર : ભારતે મુનિરની નહીં અમેરિકાની ચિંતા કરવાની જરૂર છે

-ભરત ભારદ્વાજ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરમાં ભારતના લશ્કરે પાકિસ્તાનનાં કેટલાં ફાઈટર જેટ તોડી પાડ્યાં એ મુદ્દે ચાલી રહેલા વાક્યુદ્ધ વચ્ચે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનિરે ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. ગંભીર બાબત એ છે કે, મુનિરે અમેરિકાની ધરતી પરથી આ ધમકી આપી છે છતાં અમેરિકા સાવ ચૂપ છે. આસીમ મુનિરે પાકિસ્તાની ઉદ્યોગપતિ અદનાન અસદે ટામ્પાની ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાયેલા ડિનરમાં પાકિસ્તાની મૂળના અમેરિકામાં રહેતા 120 સભ્યોની હાજરીમાં આ ધમકી આપી છે.
અસીમ મુનિરે ધમકી આપી છે કે, ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય નહીં બદલે તો 10 મિસાઇલોથી હુમલો કરીને પતાવી દઈશું. મુનિરના કહેવા પ્રમાણે, સિંધુ જળ સંધિ મુલતવી રાખવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરાનો ભોગ બની શકે છે. પણ ભારતે એ ના ભૂલવું જોઈએ કે, પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોથી સજજ રાષ્ટ્ર છે. પાકિસ્તાનને લાગશે કે, આપણે ડૂબી રહ્યા છીએ તો ભારત પણ નહીં બચે અને આપણે અડધી દુનિયાને આપણી સાથે લઈને ડૂબીશું.
મુનિરે ભારતને ચમકતી મર્સિડીઝ ગણાવીને પાકિસ્તાનની સરખામણી રેતીથી ભરેલા ડમ્પર ટ્રક સાથે કરીને સવાલ પણ કર્યો કે, ડમ્પર મર્સિડીઝ કાર સાથે અથડાય તો નુકસાન કોને થશે? મુનિરે પોતના બદઈરાદામાં બાંગ્લાદેશનો પણ સાથ હોવાનું ચિત્ર ઊભું કરવા એવો દાવો પણ કર્યો કે, પાકિસ્તાન ભારતના પૂર્વથી શરૂઆત કરશે કેમ કે પૂર્વ ભારતમાં ભારત પાસે કિંમતી સ્રોત છે, પૂર્વને ખેદાનમેદાન કર્યા પછી પાકિસ્તાન પશ્ર્ચિમ તરફ આગળ વધશે.
મુનિરે બીજા ઘણા લવારા કર્યા છે ને એ બધાની વાત કરવાનો મતલબ નથી પણ મુનિર અમેરિકાની ધરતી પરથી ભારતને ધમકી આપે અને અમેરિકા ચૂપચાપ તમાશો જોયા કરે તેનો અર્થ શું થાય ? એ જ કે પાકિસ્તાનના આ બદઈરાદાઓને અમેરિકાનું સમર્થન છે. ભારતે મુનિરની ધમકીનો જવાબ આપ્યો પણ અમેરિકાએ મુનિરને માપમાં રહેવાની શીખ સુધ્ધા નથી આપી તેના પરથી સ્પષ્ટ છે કે, અમેરિકા પાકિસ્તાનને ચાવી માર્યા કરે છે તેમાં મુનિર ચગ્યા છે. અમેરિકા મુનિરને કેમ ચાવી મારી રહ્યું છે એ કહેવાની જરૂર નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ટ્રમ્પનો ટૅરિફ વાર નહીં, પાકિસ્તાન સાથેની દોસ્તી વધારે ખતરનાક-ભરત ભારદ્વાજ
અમેરિકા ભારતને કોઈ પણ પ્રકારની ડ્યૂટી વિના ભારતને પોતાનો માલ ધાબડવા માગે છે. અમેરિકાનાં કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે ભારત પોતાના દરવાજા ખોલી નાખે એવી ડોનલ્ડ ટ્રમ્પની ઈચ્છા છે પણ ભારતની નરેન્દ્ર મોદી સરકાર તેને માટે તૈયાર નથી. ટ્રમ્પે મોદી સરકારનો હાથ આમળવા માટે બહુ મથામણ કરી જોઈ પણ મોદી સરકારે મચક નથી આપી તેથી ટ્રમ્પ પાકિસ્તાનને ચાવી મારીને ભારત પર દબાણ ઊભું કરવાની હલકટાઈ પર ઊતર્યા છે. તેના ભાગરૂપે પહેલાં અમેરિકાએ પાકિસ્તાનને પડખામાં લઈને તેની સાથે ક્રૂડ ઓઈલનો કરાર કર્યો પણ ભારતે તેને ના ગણકારતાં હવે ટ્રમ્પ નવો દાવ ખેલી રહ્યા છે. મુનિર જેવા તેમના પગોમાં આળોટવા માટે તૈયાર કરોડરજજુ વિનાના પાકિસ્તાનીઓને પંપાળી રહ્યા છે.
ભારતે પાકિસ્તાનના નેતાઓ દ્વારા અપાતી ધમકીઓ માટે તૈયાર રહેવું પડશે ને તેને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાની આદત પણ પાડવી પડશે કેમ કે પાકિસ્તાનના લશ્કરી વડા કે બીજા નેતા જે કંઈ બોલે તેની કોઈ કિંમત નથી. પાકિસ્તાનીઓ ગમે તેટલા ફૂંફાડા મારે, ભારત સામે કશું કરવાની તેની હૈસિયત નથી. પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે તો ભારત પાસે પણ પરમાણુ શસ્ત્રો છે જ. પાકિસ્તાનના નેતાઓને પણ આ વાતની ખબર છે ને એ પણ ખબર છે કે, ભારત સામે કોઈ પણ ગુસ્તાખી કરી તો પાકિસ્તાનને ચપટીમાં મસળી નાખવાની ભારત પાસે તાકાત છે. ઝેરનાં પારખાં ના હોય એ વાત ના સમજે એટલું પાકિસ્તાન નાદાન નથી જ.
ભારતથી પાકિસ્તાનની કેટલી ફાટે છે તેનો પુરાવો એ છે કે, મુનિરે જે કાર્યક્રમમાં આ લવારો કર્યો એ કાર્યક્રમમાં મહેમાનોને મોબાઇલ ફોન કે બીજાં ડિજિટલ ઉપકરણો લાવવાની મંજૂરી નહોતી. મુનિરને પોતે શું લવારો કરશે તેની પહેલેથી ખબર હતી પણ ભારતનો ફફડાટ એવો છે કે પોતે કરેલા લવારાનો સત્તાવાર રેકોર્ડ ના રહે એટલે રેકોર્ડંગ જ ના થવા દીધું.
આ સંજોગોમાં ભારતે પાકિસ્તાનની બહુ ચિંતા કરવાની જરૂર નથી પણ ભારતે અમેરિકાથી સાબદા રહેવાની જરૂર છે. તેનું કારણ એ કે, મુનિરે ભલે ભાષણનો કોઈ સત્તાવાર રેકોર્ડ ના રહેવા દીધો પણ આ ધમકીની વાત ભારત સુધી પહોંચે તેનું અમેરિકાએ બરાબર ધ્યાન રાખ્યું છે. મુનિરની ધમકીની વાત પ્રિન્ટ મીડિયામાં છપાય તેનો પાકો બંદોબસ્ત અમેરિકાએ કર્યો ને પાકિસ્તાન તેનો ઈન્કાર ના કરે તેની ગોઠવણ પણ કરી નાખી.
ભારત પોતાને ગણકારતું નથી એ વાતની ટ્રમ્પને બરાબરની ચાટી ગઈ છે તેથી ટ્રમ્પ સખણા રહેવાના નથી. અત્યારે મુનિર જેવા પાલતુઓ પાસે ધમકીઓ અપાવે છે, કાલે બીજા આડાઅવળા ધંધા પણ કરાવી શકે છે. પાકિસ્તાનને તો ભારતની કોઈ પણ રીતે બજાવવામાં રસ છે જ તેથી પાકિસ્તાન હોંશે હોંશે બધું જ કરશે તેથી ભારતે વધારે સાબદા થવાની જરૂર છે.
અમેરિકા પોતાની સાથે ના ફાવે એવા દેશોને સુખથી રહેવા નથી દેતું ને કોઈ ને કોઈ રીતે ઘૂંટણિયા પાડવા માટે દાવપેચ રમ્યા જ કરે છે. ભારત સાથે પણ એ ખેલ કરી રહ્યું છે ને એ વાસ્તે પાકિસ્તાન સાથેનો જૂનો પ્રેમ પાછો પ્રજ્વલિત કરી દીધો છે. પાકિસ્તાન પર અમેરિકાને અચાનક કેવું હેત ઉભરાયું છે તેનો પુરાવો એ છે કે, મુનિરની બે મહિનામાં અમેરિકાની આ બીજી મુલાકાત છે. આ પહેલાં 14 જૂને મુનિરે વોશિંગ્ટન ડીસીમાં યુએસ આર્મીની 250મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપી હતી.
મુનીરે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બે કલાકની બેઠક કરી હતી અને ટ્રમ્પે મુનિરને જમાડ્યા પણ હતા. કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના આર્મી ચીફનું સ્વાગત કર્યું હોય ને એવું પહેલી વાર બન્યું હતું. પાકિસ્તાને પણ વળતો વ્યવહાર કરીને યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ માઈકલ કુરિલાને દેશના સર્વોચ્ચ લશ્કરી સન્માન, નિશાન-એ-ઇમ્તિયાઝથી નવાજ્યા છે ને ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે.
પાકિસ્તાન-અમેરિકાની આ મોહબ્બત ભારત સામે સારી નિશાની નથી. અમેરિકા પાસે રાક્ષસી તાકાત છે અને દુનિયાભરમાં ફેલાયેલું જાસૂસી નેટવર્ક છે. એક ઈશારે કંઈ પણ કરવા તૈયાર પ્યાદાં પણ છે તેથી ભારતે એક નવા જંગ માટે તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : મૌલાના રશીદી અને અનિરુદ્ધાચાર્ય: મહિલાઓને આ નમૂના સમજે છે શું?