એકસ્ટ્રા અફેરઃ માદુરો અમેરિકાની જેલમાં, ઘરમાં ઘૂસી માર્યા આને કહેવાય

ભરત ભારદ્વાજ
અમેરિકાએ અંતે રૂપસુંદરીના દેશ તરીકે જાણતા વેનેઝુએલા પર આક્રમણ કરી દીધું. અમેરિકા સામે શિંગડાં ભેરવીને બેઠેલા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ સાથે અમેરિકાએ ઉઠાવી લીધા અને શનિવારે એટલે કે 4 જાન્યુઆરીની મધ્યરાતે અમેરિકા લઈ જવાયા. અમેરિકાએ શનિવારે માદુરોની ધરપકડ કરી હોવાનું એલાન કર્યું ત્યારે વેનેઝુએલાની સરકારે આ વાતને ખોટી ગણાવીને પુરાવા માગેલા. અમેરિકાએ શનિવારે રાત્રે એ પુરાવા પણ આપી દીધા.
પહેલાં અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર માદુરોની એક તસવીર પોસ્ટ કરી કે જેમાં ગ્રે રંગનો નાઇકી સ્વેટસૂટ પહેરેલા માદુરો બેઠા હતા. તેમના હાથમાં હાથકડી પહેરાવી હતી અને એક હાથમાં પાણીની એક બોટલ પકડી હતી. આંખો પર કાળી પટ્ટી બાંધેલી હતી જ્યારે કાનમાં હેડફોન લગાવેલા હતા. શનિવારે રાત્રે અમેરિકાએ બીજો પુરાવો પણ આપ્યો.
ટ્રમ્પે માદુરોને કઈ રીતે ફિલ્મી સ્ટાઈલમાં ઝડપી લેવાયા તેની વિગતો પણ આપી છે. આ વિગતો પ્રમાણે, માદુરોએ કિલ્લા દેવા પ્રેસિડેન્ટ હાઉસમાં ખાસ સેફ રૂમ બનાવ્યો હતો કે જેની દીવાલો સ્ટીલની બનેલી છે. અમેરિકાના સૈનિકો પ્રેસિડેન્ટ હાઉસમાં ઘૂસ્યા પછી માદુરો આ રૂમમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ અમેરિકી સૈનિકોએ તક જ ના આપી. અમેરિકી સૈનિકો એ ઝડપે અંદર પહોંચ્યા કે માદુરો દરવાજો બંધ જ ન કરી શક્યા અને ઝડપાઈ ગયા.
શનિવારે ન્યૂયોર્કના સ્ટુઅર્ટ એર નેશનલ ગાર્ડ બેઝ પર માદુરોને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા ત્યારે તેમનો ચહેરો ઢાંકેલો હતો પણ નીચે ઉતારીને તેમની તસવીરો લેવાની છૂટ અપાઈ. એ પછી માદુરો અને તેમની પત્નીને બેઝ પર બનેલા હેંગરમાં લઈ જવામાં આવ્યાં કે જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી.
એ પછી માદુરોને ન્યૂયોર્ક સિટીના મેનહટન લઈ જવામાં આવ્યા અને માદુરો સામે ડ્રગ ટ્રાફિકિગનો કેસ નોંધવામાં આવ્યો. તેને લગતી કાનૂની કાર્યવાહી પૂરી કર્યા પછી માદુરોને બ્રુકલિન લઈ જવાયા છે અને મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે. હવે આવતા અઠવાડિયે મેનહટનની ફેડરલ કોર્ટમાં માદુરો સામે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીનો કેસ ચલાવવામાં આવશે.
માદુરોને અમેરિકા કેમ ઉઠાવી લાવ્યું એ વિશે ઝાઝું કહેવાની જરૂર નથી. દુનિયામાં ક્રુડ ઓઈલનો સૌથી મોટો ભંડાર વેનેઝુએલા પાસે છે. એક સમયે આ ભંડાર પર અમેરિકન કંપનીઓનો કબજો હતો પણ હ્યુગો શાવેઝ વેનેઝુએલાના પ્રમુખ બન્યા પછી તેમણે અમેરિકન કંપનીઓને તગેડી મૂકી હતી.
શાવેઝે અમેરિકન કંપનીઓની સંપત્તિઓ જપ્ત કરી લીધી હોવાનો આક્ષેપ અમેરિકાએ મૂકેલો જ્યારે શાવેઝનું કહેવું હતું કે, કંપનીઓને વેનેઝુએલામાંથી ઉચાળા ભરવા માટે પૂરતું વતર આપી દેવાયું હતું. અમેરિકન કંપનીઓ આ દાવાને નકારીને કોર્ટમાં ગઈ છે ને તેનો કેસ ચાલે છે પણ વેનેઝુએ મચક નથી આપતું.
શાવેઝ 2013માં ગુજરી ગયા પછી પ્રમુખ બનેલા નિકોલસ માદુરોને મનાવવા માટે અમેરિકાએ બહુ મથામણ કરી પણ માદુરો પણ શાવેઝની જેમ અમેરિકા સામે લડવાના મિજાજમાં જ હતા તેથી અમેરિકાની દાળ ના ગળી.
અમેરિકાનો ડોળો ક્રૂડ ઓઈલના ભંડાર પર છે તેથી અલગ અલગ સ્કીમો દ્વારા અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસવાની કોશિશ કરી પણ એ પણ ના ફળી તેથી છેવટે વેનેઝુએલા અમેરિકામાં ડ્રગ્સ ઘૂસાડે છે, હથિયારો ઘૂસાડે છે અને અમેરિકન યુવાધનને બરબાદ કરે છે એવા આક્ષેપો શરૂ થયા. માદુરો સામે એ બદલ કેસ નોંધાયા ને છેવટે તેને ઉઠાવી લાવીને તેનું બોર્ડ પૂરું કરી દેવાયું.
ટ્રમ્પે કહી દીધું જ છે કે, વેનેઝુએલાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી વેનેઝુએલાનો વહીવટ અમેરિકા જ ચલાવશે અને બીજા દેશો સાથે વેનેઝુએલા ક્રૂડ ઓઈલનો વ્યાપાર કરશે. મતલબ કે, અમેરિકાને મુખ્ય રસ ક્રૂડની કમાણીમાં જ છે. વેનેઝુએલાનો વહીવટ કરવા માટે ટ્રમ્પે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો બિયો, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ અને અન્ય ટોચના અધિકારીઓની એક ટીમ પણ બનાવી છે કે જે વેનેઝુએલાને કઈ રીતે ચૂસી લેવું તેની સ્કીમ અમલમાં મૂકશે.
માદુરો અમેરિકાના કબજામાં છે તેથી હાલ પૂરતા છૂટે એવી શક્યતા નથી પણ અમેરિકાના પગ પકડી લે તો ભવિષ્યમાં છૂટી જાય એ શક્ય છે. અમેરિકા માદુરોને છોડી દે તો પણ તેમને ફરી વેનેઝુએલા જવા દે એવી શક્યતા નથી એ જોતાં તેમની બાકીની જિંદગી ગુમનામીમાં જ વિતશે.
માદુરોને વેનેઝુએલામાં ઘૂસીને ઉઠાવી લાવીને અમેરિકાએ સાબિત કર્યું છે કે, આજે પણ દુનિયામાં દાદાની જેમ વર્તવાની તાકાત માત્ર અમેરિકામાં છે અને પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે અમેરિકા કોઈની ચિંતા કે પરવા કર્યા વિના વર્તવામાં માને છે. ટ્રમ્પ વેનેઝુએલા પર હુમલાની વાત કરતા હતા ત્યારે રશિયા અને ચીન માદુરોની પડખે ઊભા રહેવાની કસમો ખાતાં હતાં.
અમેરિકા હુમલો કરશે તો પોતે ચૂપ નહીં બેસે એવી ગર્ભિત ધમકી પણ બંનેએ આપી હતી પણ અમેરિકા બહુ પહેલાં જ આ ધમકીને ઘોળીને પી ગયું હતું. અમેરિકાના જોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના પ્રમુખ જનરલ ડેન કેને આપેલી માહિતી પરથી સ્પષ્ટ છે કે, અમેરિકાએ બહુ પહેલાં જ માદુરોને ઠેકાણે પાડવાનું નક્કી કરી નાંખેલું.
જનરલ ડેન કેને આપેલી માહિતી પ્રમાણે, અમેરિકન આર્મી અને ગુપ્તચરો મહિનાઓથી માદુરો પર નજર રાખીને બેઠાં હતાં. માદુરો શું ખાય છે, કોને મળે છે, કેટલા વાગ્યે શું કરે છે, ક્યા સમયે ક્યાં રહે છે, માદુરો પાસે ક્યાં ક્યાં પાલતુ પ્રાણીઓ છે સહિતની માહિતી લાંબા સમય પહેલાં મેળવી લેવાઈ હતી. એ પછી માદુરોના ઘર જેવું નકલી ભવન બનાવીને કમાન્ડોને ટે્રનિંગ શરૂ કરાઈ હતી અને મહિનાઓ સુધી માદુરોને ઉઠાવી લેવા માટેના ઓપરેશનનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
માદુરોએ ગોઠવેલી સિક્યુરિટી સિસ્ટમ બંધ કરી દેવા માટે કારાકાસ શહેરની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને આખું ઑપરેશન અંધારામાં કરવામાં આવ્યું હતું. અમેરિકી સૈનિકોએ પહેલાં ધડાકા કર્યા તેથી વેનેઝુએલાની આર્મીનું ધ્યાન એ તરફ ગયું. તેનો લાભ લઈને અમેરિકાના સૈનિકો પ્રેસિડેન્ટ હાઉસમાં ઘૂસી ગયા અને 30 મિનિટમાં ખેલ ખતમ કરીને માદુરોને ઉઠાવીને પાછા પણ આવી ગયા.
અમેરિકાની દાદાગીરી જોયા પછી એક સવાલ થાય છે કે, ભારત આ પ્રકારનું ઓપરેશન કરી શકે? ભારતમાં આતંકવાદ ફેલાવનારા દાઉદ ઈબ્રાહીમથી માંડીને હફીઝ સઈદ સુધીના આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહે છે પણ આપણે તેમનો વાળ પણ વાંકો કરી શકતા નથી.
નવું ભારત હવે ઘરમાં ઘૂસીને મારે છે એવા ફડાકા થાય છે પણ આતંકવાદી આકાઓ તો સલામત જ છે ત્યારે આપણે ઘરમાં ઘૂસીને કોને મારીએ છીએ એ જ ખબર નથી પડતી. અમેરિકાએ વેનેઝુએલાના ઓપરેશન દ્વારા ઘરમાં ઘૂસીને મારવું કોને કહેવાય એ બતાવી આપ્યું છે ત્યારે આપણે પણ આવું એકાદ ઓપરેશન તો કરવું જ જોઈએ.
આ પણ વાંચો…વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ: ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું? જાણો નિયમ



