ભાજપના કેટલા નેતા-કાર્યકરોને આખું ‘વંદે માતરમ્’ આવડે છે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
‘વંદે માતરમ્’ મુદ્દે ઘમાસાણ મચ્યું છે. સંસદમાં આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ ને સંસદની બહાર પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. સંસદની અંદર અને બહારની એમ બંને ચર્ચામાં જવાહરલાલ નહેરુએ ‘વંદે માતરમ્’ ગીતમાંથી મા સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મીના ઉલ્લેખ ધરાવતા અંતરા મુસ્લિમોને ખુશ કરવા કાઢી નખાવેલા એ મુખ્ય મુદ્દો છે અને નહેરુને મુસ્લિમ તુષ્ટિકરણના ચેમ્પિયન સાબિત કરવા એ મુખ્ય એજન્ડા છે. નહેરુ-ગાંધી ખાનદાન હિંદુ વિરોધી માનસિકતા ધરાવે છે તેથી હિંદુ દેવીઓનાં ગુણગાન સહન ના થયાં એવો પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે.
સંસદની ચર્ચામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ભાજપના નેતાઓએ જવાહરલાલ નહેરુએ સુભાષચંદ્ર બોઝને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને નહેરુના માથે માછલાં ધોવામાં કોઈ કસર બાકી ના રાખી. નહેરુએ બોઝને લખેલા પત્રમાં મુસ્લિમો મા સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મીના ઉલ્લેખથી નારાજ થઈ જશે એવું લખાયું છે એ વાતને ભાજપે પકડી લીધી છે.
સામે કૉંગ્રેસે નહેરુનો બચાવ કર્યો અને ભાજપ પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કોમી માહોલ ઊભો કરવા ‘વંદે માતરમ્’નો મુદ્દો ઊભો કરી રહ્યો છે એવો બચાવ કર્યો. નહેરુએ મુસ્લિમ લીગ અને મોહમ્મદઅલી ઝીણા સહિતના કોમવાદીઓ ના ફાવે એવો ઉલ્લેખ કરેલો એ વાતનો ભાજપે છેદ ઉડાવી દીધો છે એવો આક્ષેપ પણ કૉંગ્રેસે કર્યો. આ મુદ્દે સોશ્યલ મીડિયા પર પણ ઘમાસાણ મચ્યું છે. ને આખો દેશ ‘વંદે માતરમ્’મય બની ગયો છે.
‘વંદે માતરમ્’ મુદ્દે મચેલું રમખાણ ભારતમાં બુદ્ધિહીનતા વધી રહી છે તેનો વધુ એક પુરાવો છે. લોકો બુદ્ધિ ચલાવ્યા વિના નેતાઓ ગળાવે એ ગોળી ગળીને ગાળાગાળી પર ઊતરી આવે છે તેનો આ વિવાદ નાદાર નમૂનો છે.
ભાજપ પોતાના રાજકીય સ્વાર્થ ખાતર નહેરુને ટાર્ગેટ કરી રહ્યો છે અને દોષનો આખો ટોપલો નહેરુ પર ઢોળી રહ્યો છે પણ ‘વંદે માતરમ્’માંથી મા સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મીના ઉલ્લેખ ધરાવતા અંતરા નીકળી ગયા એ માટે માત્ર નહેરુ જવાબદાર નથી. 1937માં મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માગણી કરાઈ રહી હતી ત્યારે કૉંગ્રેસનું અધિવેશન મહારાષ્ટ્રના ફૈઝપુરમાં મળેલું. એ વખતે હિંદુ દેવીઓના કારણે મુસ્લિમો વંદે માતરમ નહીં ગાય એવો ડર વ્યક્ત કરાયો હતો તેથી કૉંગ્રેસે આ અંતરા કાઢી નાખેલા.
ભાજપ જેને મુસ્લિમ તુષ્ટિકરણ કહે છે એ તુષ્ટિકરણનું પાપ કૉંગ્રેસે કરેલું. આ પાપમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ સહિતના બધા મહાન લોકો ભાગીદાર હતા કેમ કે આ નિર્ણય કૉંગ્રેસે સામૂહિક રીતે લીધેલો. નહેરુ પ્રમુખ હતા પણ કૉંગ્રેસ નહેરુ-ગાંધી ખાનદાનની બાપીકી પેઢી નહોતી કે નહેરુનું કહ્યું જ થાય તેથી માત્ર નહેરુને દોષિત ના ગણી શકાય પણ ભાજપમાં બીજા કોઈની વિરુદ્ધ બોલવાની હિંમત નથી તેથી નહેરુને ગાળાગાળી કરી રહ્યો છે.
ભાજપના નેતા વંદે માતરમ મુદ્દે આક્રમક બનીને બોલે છે ત્યારે એક બીજી વાત વિચારવાની જરૂર છે. ભાજપના નેતાઓ કે કાર્યકરોમાંથી આખેઆખું વંદે માતરમ આવડતું હોય એવા કેટલા હશે? વંદે માતરમ્માં કુલ છ અંતરા છે પણ સંસદ પર કલાકોની ચર્ચા દરમિયાન કોઈ નેતાએ આખેઆખું વંદે માતરમ્ ના ગાયું. ટીવી પરની ચર્ચાઓ દરમિયાન ભાજપના નેતા કરાંજી કરાંજીને જવાહરલાલ નહેરુએ મુસ્લિમ તુષ્ટિકરણ માટે વંદે માતરમ્નો ચોક્કસ અંતરો કાઢી નાખ્યો એવું કહે છે પણ તેમાંથી કોઈ કાઢી નખાયેલો અંતરો ગાઈને નથી બતાવતું.
નહેરુએ ‘વંદે માતરમ્’માંથી મા સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મીના ઉલ્લેખ ધરાવતા અંતરા મુસ્લિમોને ખરાબ લાગશે એ ડરે કાઢી નાખીને મુસ્લિમોના પગમાં આળોટી ગયેલા એવું કહેનારાંને પણ એ અંતરો આખો નહીં આવડતો હોય. તેનો અર્થ શો થાય છે તેની ભાજપના નેતાઓને ખબર હોય એવી તો આપણે આશા જ નથી રાખતા. બીજું એ કે, ભાજપને હવે અચાનક જ ‘વંદે માતરમ્’ પર ઉમળકો જાગ્યો છે.
કેન્દ્રમાં ભાજપ 11 વર્ષથી સત્તામાં છે પણ ભાજપની સરકારે આખેઆખું ‘વંદે માતરમ્’ ગાવાનું ફરજિયાત કર્યું નથી. ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી સત્તામાં છે પણ ગુજરાતમાં સ્કૂલ-કોલેજોમાં કે સરકારી કાર્યક્રમોમાં પણ આખું ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત નથી. નહેરુએ કાઢી નાંખેલા અંતરા સાથેનું ‘વંદે માતરમ્’ જ ગવાય છે.
ભાજપના કોઈ કાર્યક્રમમાં આખેઆખું ‘વંદે માતરમ્’ ગવાતું નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા કેટલાક સમયથી કાર્યક્રમોમાં આખું ‘વંદે માતરમ્’ ગવડાવે છે પણ એ જૂના પાપનું પ્રાયશ્ર્ચિત્ત છે. સંઘની શાખાઓમાં નમસ્તે સદા વત્સલે ગવાય છે પણ કદી વંદે માતરમ ગવાયું નથી. વંદે માતરમ અને નમસ્તે સદા વત્સલેનો અર્થ લગભગ સરખો જ છે પણ સંઘે વંદે માતરમને અપનાવવાના બદલે પોતાના માટે નવું ગીત બનાવડાવ્યું. તેના પરથી જ ભાજપ કે તેના પિતૃ સંગઠન આરએસએસને ‘વંદે માતરમ’ માટે કેટલો પ્રેમભાવ છે એ સ્પષ્ટ થઈ જાય.
સંઘના સ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારે સ્કૂલમાં અંગ્રેજોના ફરમાનની ઐસીતૈસી કરીને ‘વંદે માતરમ’ ગીત ગાયું હતું અને આ ગુસ્તાખી બદલ હેડગેવારને સ્કૂલમાંથી કાઢી મુકાયેલા એવી કથાઓ સંઘનું મીડિયા ફરતી કરે છે પણ તેના કોઈ નક્કર પુરાવા નથી. ડો. હેડગેવાર પાછળથી એ જ અંગ્રેજી સિસ્ટમનું શિક્ષણ લઈને ડોક્ટર બનેલા જોતાં આ કિસ્સો ભરોસાપાત્ર પણ નથી લાગતો.
‘વંદે માતરમ્’ આપણા ઈતિહાસનું એક ગૌરવવંતુ પ્રકરણ છે. આ ગૌરવને કૉંગ્રેસે ભૂલાવી દીધેલું પણ ભાજપે પણ આ ગૌરવના પુન:સ્થાપન માટે કશું કર્યું નથી એ વાસ્તવિકતા છે. ભાજપને અચાનક ‘વંદે માતરમ્’ પર ઉમળકો આવી ગયો તેનું કારણ રાજકીય લાભની ગણતરી જ છે. એવી ગણતરી ના હોત તો ભાજપે બહુ પહેલાં ‘વંદે માતરમ’નો મુદ્દો ઉઠાવ્યો હોત, ‘વંદે માતરમ્’ આખેઆખું ગવાય એ માટે અભિયાન છેડ્યું હોત.
બીજું કંઈ નહીં તો કમ સે કમ પોતાના તમામ કાર્યકરોને આખું ‘વંદે માતરમ્’ આવડે એવું તો કર્યું જ હોત. ભાજપના તમામ નેતા-કાર્યકરો આખું ‘વંદે માતરમ’ ના ગાય એવો કાયદો તો નહેરુ બનાવીને નથી ગયા ને ? ભાજપે પહેલાં એવું કશું કર્યું નહીં કેમ કે ‘વંદે માતરમ’ના નામે ચરી ખવાય છે એવો વિચાર પહેલાં નહીં આવ્યો હોય.
વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર સમજીને ભાજપ હવે ‘વંદે માતરમ’ના ગૌરવ માટે મચ્યો છે તો તેમાં કશું નુકસાન નથી પણ ભાજપે કોરી વાતો કરવાના બદલે દિલથી પ્રયત્ન કરવા જોઈએ. ‘વંદે માતરમ્’ની રચનાનાં દોઢસો વર્ષની ઉજવણી કરીને કે સંસદમાં ચર્ચા કરીને સંતોષ માનવાના બદલે સૌથી પહેલાં તો પોતાના તમામ નેતાઓ અને કાર્યકરોને આખું ‘વંદે માતરમ’ શીખવવું જોઈએ.
ભાજપના નેતા-કાર્યકરો દેઠોક દલીલો કરીને નહેરુને ગાળો દેવાના બદલે જાહેરમાં આખું ‘વંદે માતરમ’ ગાઈ શકે એટલા સજજ હોવા જોઈએ. ભાજપમાં એ સજ્જતા આવશે તો લોકોમાં આપોઆપ ‘વંદે માતરમ’ માટે માન પેદા થશે, ‘વંદે માતરમ્’નું ગૌરવ વધશે.
આ પણ વાંચો…ઓસ્ટ્રેલિયાની જેમ સોશ્યલ મીડિયા પ્રતિબંધિત થઈ શકે?



