એકસ્ટ્રા અફેર: ટ્રમ્પ ક્યાં સુધી મોદીના નામે જૂઠાણાં ચલાવશે?

- ભરત ભારદ્વાજ
ભારતની મેથી મારવામાં અભૂતપૂર્વ ઉત્સાહ બતાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદે એવું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મને વચન આપ્યું છે. ટ્રમ્પે બુધવારે વાઇટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં એમ પણ કહ્યું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડવાનું રાતોરાત બંધ ના કરી શકે કેમ કે પહેલાંથી ઓર્ડર અપાયા હોય તેનાં શિપમેન્ટ રવાના થયાં ને હોય હમણાં ઓર્ડર અપાયાં હોય એ ક્રૂડ પણ આવશે જ તેથી રશિયા અને ભારત વચ્ચે ક્રૂડનો વ્યાપાર બંધ થવામાં સમય લાગશે, પણ ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે નવા ઓર્ડર નહીં આપે.
ટ્રમ્પે એ સ્પષ્ટતા પણ કરી કે, ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તેનાથી હું ખુશ નહોતો પણ આજે એટલે કે બુધવારે મોદીએ મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. ટ્રમ્પે મોદીનો હવાલો આપીને ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે એવું તો કહી દીધું, પણ ટ્રમ્પની વાત કેટલી સાચી તેમાં ખરેખર શંકા છે. કેમ કે, ટ્રમ્પ ગમે તેના નામે જૂઠાણાં ચલાવી દેવામાં માહિર છે.
ભારત-પાકિસ્તાનનું યુદ્ધ રોકવાથી માંડીને ભારત અમેરિકાના માલ પર કોઈ જ ટેરિફ નહીં લગાવવા તૈયાર થઈ ગયું છે સહિતનાં જૂઠાણાં ટ્રમ્પ બહુ સફાઈથી ચલાવી ચૂક્યા છે. આ તો બે ઉદાહરણ આપ્યાં પણ ટ્રમ્પનાં જૂઠાણાંની વાત માંડીએ તો આખો ચોપડો ભરાય એટલાં નિકળે. મોદીનું કહેવાતું વચન પણ એવું જૂઠાણું હોઈ શકે કેમ કે ભારત સરકારે સત્તાવાર રીતે હવે પછી રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદીએ એવું કહ્યું નથી.
સર્જિયો ગોરની ભારત યાત્રા પછી બહાર પડાયેલાં સત્તાવાર નિવેદનોમાં આ વાતનો ઉલ્લેખ નથી. ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ પછી વિદેશી મીડિયાએ વોશિંગ્ટનમાં ભારતના દૂતાવાસને સવાલ કર્યા તો તેમણે મૌન સેવ્યું છે એ જોતાં મોદી સરકારે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ અને એ કરી પણ છે. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરાય તો ભારતની વિદેશી નીતિમાં બહુ મોટો ફેરફાર થયો ગણાય.
સ્વાભાવિક રીતે જ મોદી ટ્રમ્પ સાથેની વાતચીતમાં કુલડીમાં ગોળ ભાંગીને એવો નિર્ણય ના જ લે, પણ ટ્રમ્પ 150 કરોડની વસતી ધરાવતા ભારતના વડા પ્રધાનના નામે જૂઠાણું ચલાવે એ પણ ના ચલાવી લેવાય. મોદી સરકારે ટ્રમ્પ જૂઠાણું ચલાવતા હોય તો ટ્રમ્પને મોંઢા પર જૂઠા કહેવાની હિંમત બતાવવી પડે કેમ કે સવાલ દેશના હિતનો છે, દેશના આત્મગૌરવનો છે.
ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વખતે પણ એવું ચિત્ર ઉભું કરવા પ્રયત્ન કરેલો કે, અમેરિકાના દબાણથી ભારતે પાકિસ્તાન પર હુમલા બંધ કર્યા છે. મોદી સરકારે ત્યારે ટ્રમ્પની વાતને ખોટી ગણાવીને ચોખવટ કરેલી ને અત્યારે પણ એવી ચોખવટ જરૂરી છે. મોદીએ ખરેખર હવેથી ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે એવી ખાતરી આપી હોય તો એ અત્યંત શરમજનક કહેવાય કેમ કે દેશનાં હિત અંગે લેવાતા કોઈ પણ નિર્ણય અંગે તેમણે સૌથી પહેલાં લોકોને જાણ કરવાની હોય. મોદી પોતે દેશનાં લોકોને અંધારામાં રાખે ને ટ્રમ્પ આ વાતની જાહેરાત કરે એ દેશનાં લોકો સાથેનો દ્રોહ કહેવાય. આશા રાખીએ કે, મોદીએ દેશનાં લોકો સાથે દ્રોહ ના કર્યો હોય.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ જનરલ નારવણેના પુસ્તકને મંજૂરી નહીં આપવાનો કેન્દ્રને અધિકાર
માનો કે, મોદીએ એવી ખાતરી આપી હોય તો પણ તેના બદલામાં ભારતને અમેરિકા શું આપશે તેની સ્પષ્ટતા પણ સરકારે કરવી જોઈએ. અમેરિકાએ ઑગસ્ટ 2025માં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર 25 ટકા વધારાનો ટૅરિફ લાદ્યો છે.
અમેરિકાએ પહેલાં ભારત બહુ ટૅરિફ લગાવે છે એવું કહીને 25 ટકા ટિટ-ફોર-ટેટ લાદ્યો હતો. આ વધારાના ટૅરિફ સાથે અમેરિકા મોકલાતા ભારતના માલ પર કુલ ટૅરિફ 50 ટકા થઈ ગયો છે. ટ્રમ્પે એચ-વન બી વિઝા માટે વાર્ષિક 1 લાખ ડૉલર ફી લેવા સહિતના બીજા પણ નિર્ણયો લઈને ભારતની બજાવવામાં કોઈ કસર છોડી નથી. ભારત રશિયા પાસેથી ક્રૂડ ના ખરીદે તેના બદલામાં અમેરિકા એ બધાં પગલાં પાછાં લેવાનું છે કે નહીં તેની સ્પષ્ટતા પણ જરૂરી છે.
અત્યારે રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ છે. રશિયા દરરોજ સરેરાશ 16.70 લાખ બેરલ ક્રૂડ ભારતને આપે છે. ભારતની કુલ ઓઈલ જરૂરિયાતોના આશરે 37 ટકા ક્રૂડ રશિયામાંથી આવે છે. વૈશ્વિક ભાવો કરતાં ભારતને રશિયાનું ક્રૂડ પહેલાં 30 ડોલર સસ્તું પડતું એ જોતાં ભારતને રોજના 5 કરોડ ડોલરનો ફાયદો છે. મતલબ કે, વરસે લગભગ 1800 કરોડ ડોલર એટલે કે લગભગ 1.60 લાખ કરોડ રૂપિયાનો ફાયદો છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે તેના કારણે ક્રૂડના ભાવ પણ નથી વધતા તેથી ભારતે ક્રૂડની વધઘટના કારણે વેઠવું પડતું નુકસાન પણ સહન કરવું પડતું નથી. ભારત રશિયા પાસેથી ક્રૂડ ના ખરીદે તો અમેરિકા આ બધા ફાયદા ભારતને આપશે ખરું ? આ સવાલોના જવાબ જાણવાનો પણ આ દેશનાં લોકોને અધિકાર છે.
ટ્રમ્પે મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા છે ને તેમના ગાઢ સંબંધોની દુહાઈ પણ આપી છે પણ ભારત કે ભારતીયો માટે એ વાત મહત્વની નથી. ટ્રમ્પ કે મોદી ગોઠિયા હોય તેનાથી ભારતને શું ફાયદો થાય છે એ મહત્ત્વનું છે ને અત્યાર લગીનો અનુભવ કહે છે કે, મોદી-ટ્રમ્પની કહેવાતી દોસ્તી ભારત માટે નુકસાનીનો સોદો છે.
એક તરફ, ટ્રમ્પ અને મોદી એકબીજાને ડિયર ફ્રેન્ડ ને બેસ્ટ ફ્રેન્ડ ગણાવીને ઓવરણાં લીધા કરે છે ને બીજી બાજુ ટ્રમ્પ ભારતને પરેશાન કરવાની એક તક છોડતા નથી એ જોતાં બંનેની દોસ્તીની વાતો હાસ્યાસ્પદ લાગે છે. મોદીને આવી દોસ્તીની જરૂર હશે પણ ભારતને આવી દોસ્તીની જરૂર નથી. ટ્રમ્પ મોદીને ડીયર ફ્રેન્ડ ના ગણાવે કે ગ્રેટ મેન ના ગણાવે તો ચાલશે પણ ભારતનાં આર્થિક હિતોને નુકસાન ના કરે એ જ બહુ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સ્ટાલિન તમિળનાડુમાં હિન્દી પર પ્રતિબંધ ના મૂકી શકે