એકસ્ટ્રા અફેર : આતંકવાદ સામે લડવા હિંદુઓએ યહૂદીઓની જેમ લડાયક બનવું પડે

- ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારતની આતંકવાદ સામે લડવાની વ્યૂહરચના સામે એક તરફ સવાલ પેદા કરી દીધો છે ત્યારે બીજી તરફ હિંદુ સમાજ માટે પણ એક પડકાર ઊભો કરી દીધો છે. આતંકવાદને ધર્મ નથી હોતો એવી સુફિયાણી વાતો આપણે સાંભળીએ છીએ.
આ વાત સાચી છે પણ હુમલા ધર્મ નથી કરતો પણ ધર્મ સાથે સંકળાયેલાં લોકો કરે છે ને આતંકવાદીઓને ધર્મ હોય છે. તેમના માનસમાં ઝેર પણ ધર્મના નામે ભરાય છે તેથી આતંકવાદી હુમલા ધર્મને આધારે જ થાય છે. મોટા ભાગના આતંકવાદી હુમલા એક ચોક્કસ ધર્મનાં લોકો બીજાં ધર્મનાં લોકોને ટાર્ગેટ કરીને કરે છે એ ઈતિહાસ છે. પહલગામમાં આતંકવાદીઓ એક ડગલું આગળ વધ્યા અને લોકોનો ધર્મ પૂછી પૂછીને માર્યાં અને મરનારા બધા હિંદુ છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : માનસરોવર યાત્રાને મંજૂરી: લાલો લાભ વિના લોટે નહીં
આ હત્યાઓ ટ્રેન્ડ બની જાય એ પહેલાં હિંદુઓએ જાગવાની જરૂર છે અને આતંકવાદ સામે લડવા શું કરવું એ વિચારવાની જરૂર છે. એ માટે હિંદુઓએ ઈઝરાયલ પાસેથી બોધપાઠ લેવાની જરૂર છે અને ઈઝરાયલ મોડલ અપનાવવાની જરૂર છે કેમ કે ભારત અને ઈઝરાયલના સંજોગો સરખા છે. ઈઝરાયલને સીધા યુદ્ધમાં હરાવવામાં આરબો સફળ ના થયા એટલે આતંકવાદનો આશરો લઈને પ્રોક્સી વોર લડે છે. ભારત સામે પણ પાકિસ્તાન સીધા યુદ્ધમાં ચાર વાર હાર્યું એટલે હવે સીધા આક્રમણની હિંમત નથી કરતું પણ આતંકવાદનો સહારો લઈને લડે છે. અલબત્ત ઈઝરાયલ સામેના જંગમાં આતંકવાદીઓ નુકસાનમાં છે જ્યારે ભારતમાં આપણે નુકસાનમાં છીએ. તેનું કારણ ઈઝરાયલના શાસકો અને આપણા શાસકો તથા યહૂદી પ્રજા અને હિંદુઓનો મિજાજ છે.
જર્મનીમાં હિટલરે યહૂદીઓ પર કરેલા અત્યાચારો અને તેમનું નિકંદન કાઢી નાખવા ચલાવેલા નરસંહારના પગલે બીજું વિશ્વયુદ્ધ થયું. બીજા વિશ્વયુદ્ધના અંતે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા સહિતના વિજેતા દેશોએ યુદ્ધમાં સૌથી વધારે તારાજી ભોગવનારા અને સૌથી વધારે ભોગ બનેલા યહૂદીઓ માટે અલગ રાષ્ટ્ર સ્થાપવાનું નક્કી કર્યું. યહૂદીઓ મૂળ પેલેસ્ટાઈનના હતા તેથી 1948માં પેલેસ્ટાઈનમાંથી યહૂદીઓ માટે અલગ રાષ્ટ્ર બનાવાયું. આરબ રાષ્ટ્રોને તેની સામે વાંધો હતો તેથી આરબ રાષ્ટ્રવાદનો નારો બુલંદ થયો ને 1948માં જોર્ડન સહિતનાં આરબ રાષ્ટ્રોએ પેલેસ્ટાઈન પર આક્રમણ કરેલું.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : હિંદુઓની એકતા અને મરદાના મિજાજ આતંકવાદનો ખાતમો કરી શકે
અમેરિકા સહિતના દેશોએ ઈઝરાયલને મદદ કરેલી તેથી એ યુદ્ધમાં ઈઝરાયલે આરબોને નાની યાદ કરાવીને ધૂળ ચાટતા કરી દીધા હતા. આરબોએ ઈઝરાયલને નમાવવાના બહુ પ્રયત્નો કર્યા પણ એ પ્રયત્નો સફળ ના થયા. આ રીતે 1948માં ઈઝરાયલ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી સતત યુદ્ધો લડ્યા જ કરે છે. અત્યારે હમાસ સામેનું ઈઝરાયલનું યુદ્ધ નાનું છે પણ એ પહેલાં ઈઝરાયલે મોટાં યુદ્ધો લડ્યાં છે. આરબ રાષ્ટ્રોએ 1967માં ઈઝરાયલને પછાડવા પૂરી તાકાત સાથે ફરી હુમલો કર્યો હતો. છ દિવસ ચાલેલા આ યુદ્ધમાં આરબોની કારમી હાર થઈ ને ઈઝરાયલે પૂર્વ જેરૂસલેમ પાછું લઈને આખા જેરૂસલેમ પર કબજો કરી લીધો હતો. આરબોએ પછી ઈઝરાયલ પર સીધા આક્રમણની હિંમત ના કરી પણ આતંકવાદના કદી ખતમ નહીં થનારા જંગનો પ્રારંભ થયો.
ઈઝરાયલે આ યુદ્ધમાં અલગ જ સ્ટ્રેટેજી અપનાવી છે. ઈઝરાયલ યહૂદીઓનો દેશ છે તેથી આખી દુનિયાના યહૂદીઓ માટે તેના દ્વાર ખુલ્લા છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો યહૂદી ઈઝરાયલમાં આવીને રહે તો સરકાર તેને રહેવા માટે ઘર આપે છે અને નોકરી પણ આપે છે. બહારથી આવીને રહેતા યહૂદી પરિવારની સંપૂર્ણ જવાબદારી સરકાર ઉઠાવે છે. આ કારણે દુનિયાભરના યહૂદી ઈઝરાયલ આવી રહ્યા છે અને ઈઝરાયલની તાકાત સતત વધતી જ જાય છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સિંધુ જળ સંધિ સ્થગિત, ભારત પીછેહઠ ના કરે તો સારું
ઈઝરાયલમાં દરેક વ્યક્તિ માટે આર્મી ટ્રેઈનિંગ પણ ફરજિયાત છે તેથી અચાનક આતંકવાદી હુમલો કરે તો પણ યહૂદીઓ ભાગતા નથી પણ મુકાબલો કરે છે. ઈઝરાયલ આ રીતે તાલીમબદ્ધ યહૂદીઓને ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક સહિતના મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોમાં વસાવે છે કે જેથી આતંકવાદીઓને પનાહ આપનારાંમાં ડર રહે.
ભારત સરકાર આ જ વ્યૂહરચના જમ્મુ અને કાશ્મીરમાં અને ખાસ તો કાશ્મીર ખીણમાં અપનાવી શકે. કાશ્મીર ખીણમાં આતંકવાદ વકરવાનું એક કારણ સ્થાનિક લોકોનો સપોર્ટ છે. કાશ્મીર ખીણમાં 99 ટકા વસતી મુસ્લિમોની છે તેથી આતંકવાદીઓના આકા મુસ્લિમ નેતાઓ, મુસ્લિમ ધર્મગુરુઓ વગેરેને સાધીને સમર્થન મેળવે છે. કાશ્મીર ખીણની 100 ટકા પ્રજા આતંકવાદના સમર્થનમાં નથી પણ આ પાવરફુલ લોકો સામે પડવાની કોઈની હિંમત નથી તેથી સૌ ચૂપ રહે છે. તેના કારણે આતંકવાદીઓને મોકળું મેદાન મળે છે.
આ સ્થિતિ બદલવી હોય તો કાશ્મીર ખીણની ડેમોગ્રાફી બદલવી પડે અને હિંદુઓને બહારથી લાવીને વસાવવા પડે. શરૂઆત દસેક હજાર પરિવારોથી કરીને ધીરે ધીરે એકાદ લાખ હિંદુ પરિવારો કાશ્મીર ખીણમાં વસાવી દેવાય તો હિંદુ-મુસ્લિમ વસતીનું સંતુલન થઈ જાય. આતંકવાદ વિરોધી વસતી મોટા પ્રમાણમાં હોય તેથી મુસ્લિમોમાં પણ આતંકવાદને પસંદ નહીં કરનારાં લોકો હિંદુઓ સાથે જોડાય અને આતંકવાદને સ્થાનિક સ્તરેથી સપોર્ટ મળતો બંધ થાય. આર્મીને આતંકવાદીઓ વિશે ચોક્કસ બાતમીઓ મળે તો તેમનો સફાયો પણ સરળ બને.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : પહલગામમાં હુમલો, હવે પાકિસ્તાનને જવાબ આપવો પડે
આ સ્કીમ કાગળ પર સારી લાગે પણ વાસ્તવિક રીતે તેનો અમલ જોખમી છે કેમ કે કાશ્મીર ખીણમાં જઈને વસવાનો મતલબ યુદ્ધના મોરચે જવાનો જ થાય છે. કાશ્મીર ખીણમાં જવું તેનો મતલબ અમેરિકા કે યુકે જઈને રહેવું એવો નથી પણ મોતના મોંમાં જવું એવો છે. યહૂદીઓ મર્દાના મિજાજ ધરાવતી પ્રજા છે એટલે મરવાનું છે તેની ખબર હોવા છતાં 1950ના દાયકામાં ઈઝરાયલ જઈને રહ્યા અને વરસોથી આતંકવાદ સામે લડે છે. તેમાં ખુવારી પણ ભારે થઈ પણ એક મહાન રાષ્ટ્રનું નિર્માણ પણ થયું.
યહૂદીઓએ બહુ ઓછી વસતી હોવા છતાં એવા રાષ્ટ્રનું નિર્માણ કર્યું કે જેના મર્દાના મિજાજનાં ઉદાહરણ આખી દુનિયા આપે છે. યહૂદીઓના મર્દાના મિજાજના કારણે તેમના શાસકો પણ એવા આપ્યા કે જે ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં માને છે.
હિંદુઓમાં એવો મર્દાના મિજાજ છે ખરો ?
અત્યાર સુધી કદી દેખાયો નથી પણ આ સ્થિતિ બદલવી પડે. સોશિયલ મીડિયા પર નહીં પણ મેદાનમાં મર્દાનગી બતાવવી પડે. આતંકવાદીઓ હુમલો કરે ત્યારે ભાગવાના બદલે યહૂદીઓની જેમ મુકાબલો કરવાની સજજતા કેળવવી પડે. આ માટે હિંદુ સંગઠનો અને ધર્મસ્થાનોએ મેદાનમાં આવવું પડે, સરકાર બધું ના કરે. કાશ્મીરમાં હિંદુઓને વસાવવાથી માંડીને આર્મી ટ્રેઈનિંગ સુધીનો ખર્ચ કરવો પડે. મંદિરોમાં આવતો રૂપિયો બેંકોની એફડીમાં જાય ને વ્યાજ ખવાય તેના બદલે હિંદુઓ માટે વપરાવો જોઈએ કેમ કે હિંદુઓ હશે તો હિંદુ ધર્મ ટકશે, બેંકોમાં કરેલી એફડીઓથી હિંદુત્વ ટકવાનું નથી.