એકસ્ટ્રા અફેર

અમેરિકાથી નાણાં કોને મળ્યાં એ સરકારે જાહેર કરવું જોઈએ


એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અમેરિકા ભારતની ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરે છે એ મુદ્દો ભાજપે જોરશોરથી ચગાવ્યો છે. ભાજપના નેતાઓનો આક્ષેપ છે કે, કૉંગ્રેસની ભારતવિરોધી જ્યોર્જ સોરોસ સાથે સાંઠગાંઠ છે અને નરેન્દ્ર મોદીને હરાવવા માટે જ્યોર્જ સોરોસના ઈશારે અમેરિકાથી કૉંગ્રેસને ફંડ મોકલાયું હતું. અમેરિકા સરકારની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (ઞજઅઈંઉ) દ્વારા ભારતમાં સહાયના નામે ચૂંટણીમાં દખલ કરાય છે અને અમેરિકાથી મોકલાતું ફંડ ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં વપરાય છે એવો પણ આક્ષેપ ભાજપ કરી રહ્યો છે ત્યાં ટ્રમ્પે લગાવેલી ગુલાંટના કારણે ભાજપની બકરી ડબ્બામાં આવી ગઈ છે.

અત્યાર લગી અમેરિકાથી મોદીને હટાવવા માટે નાણાં મોકલાતાં હતાં એવું કહેનારા ટ્રમ્પ એવું બોલવા માંડ્યા છે કે, અમેરિકાથી 182 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીને જ મોકલાયા હતા. ટ્રમ્પ આમ મહાજૂઠો માણસ છે ને મટકું પણ માર્યા વિના ગમે તેવું જૂઠાણું ચલાવી શકે છે, પણ આ કેસમાં ટ્રમ્પની વાત ટેક્નિકલી સાચી પણ છે. અમેરિકા સરકારની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (ઞજઅઈંઉ) દ્વારા ભારતમાં જે પણ સહાય મોકલાય એ ભારત સરકારના નાણાં મંત્રાલયના તાબા હેઠળના ડીપાર્ટમેન્ટ ઑફ ઈકોનોમિક અફેર્સ મારફતે મોકલાય છે.

દ્વિપક્ષીય નાણાકીય બાબતો માટે ડીપાર્ટમેન્ટ ઑફ ઈકોનોમિક અફેર્સ નોડલ એજન્સી છે અને પછી જે સંસ્થાને કે સરકારના વિભાગને મોકલવાનાં હોય તેને મોકલી દેવાય છે. આ સંજોગોમાં આ નાણાં અંગત રીતે નરેન્દ્ર મોદીને ભલે ના મોકલાયાં હોય, પણ તેમની સરકારને જ મોકલાયાં હોય તેથી ટ્રમ્પ ટેક્નિકલી સાચા છે. ભાજપના નેતા કૉંગ્રેસને નાણાં મળતાં હોવાની વાતો કરે છે, પણ કૉંગ્રેસમાંથી ખરેખર કોને નાણાં મળ્યાં, કૉંગ્રેસ સાથે સંકળાયેલી કઈ સંસ્થાને નાણાં મળ્યાં તેનાં નામ પણ આપતા નથી ને હવે ટ્રમ્પે સીધું મોદીનું નામ લેવા માંડ્યું તેમાં ભાજપ ભેરવાયો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસ મનાતા એલન મસ્કે સૌથી પહેલાં આ મુદ્દો ઉઠાવેલો ને બહુ મોટો ધડાકો કરતા હોય એમ જાહેર કરેલું કે, અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ઉઘૠઊ)એ શોધી કાઢ્યું છે કે, જો બિડેન સરકાર દ્વારા ભારતમાં વોટર ટર્નઆઉટ માટે 2.10 કરોડ ડોલર (લગભગ રૂપિયા 200 કરોડ)ની સહાય અપાતી હતી. મસ્કે આ સહાય બંધ કરવાની જાહેરાત કરી પછી ભાજપે જાહેર કર્યું કે, આ નાણાં સત્તાધારી પાર્ટી એટલે કે પોતાને નથી મળ્યાં, પણ કૉંગ્રેસને મળ્યાં છે. નહેરુ-ગાંધી ખાનદાનના ખાસ મનાતા સામ પિત્રોડાનું નામ પણ ભાજપે આપ્યું ને બીજા આક્ષેપો પણ કર્યા છે.

ભાજપની જેમ ડોનાલ્ડ ટ્રમ્પની પિન પણ આ મુદ્દા પર ચોંટેલી છે તેથી છેલ્લા ચાર દિવસથી રોજ ભારતીય ચૂંટણીઓ માટે યુએસથી નાણાં અપાતાં તેનો મુદ્દો ઉઠાવ્યા કરે છે. પહેલાં ભાજપને લાગતું હતું કે, ટ્રમ્પ આ મુદ્દો ઉઠાવીને આપણને ફાયદો કરાવી રહ્યા છે, પણ ધીરે ધીરે ટ્રમ્પની ગન મોદી તરફ તકાઈ રહી છે તેથી ભાજપની હાલત કફોડી થવા માંડી છે.

ટ્રમ્પે પહેલાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જો બાઇડન સામે ભારતની સામાન્ય ચૂંટણીમાં દખલ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, જો બાઇડનની યોજના ભારતમાં નરેન્દ્ર મોદી સિવાય કોઈ બીજા નેતાને ચૂંટણી જિતાડવાની હતી. આ કારણે બાઇડન વહીવટીતંત્રે ભારતમાં વોટર ટર્નઆઉટ વધારવા માટે 182 કરોડ રૂપિયાનું ફંડિંગ પૂરું પાડ્યું. આ બહુ ચોંકાવનારી વાત છે અને અમે ભારત સરકારને આ અંગે જાણ કરીશું.

ભાજપના નેતાઓની પિન લાંબા સમયથી જ્યોર્જ સોરોસ પર ચોંટેલી છે ને બાઈડનના સમયમાં સોરોસનો દબદબો હતો તેથી ભાજપને લાગ્યું કે, કૉંગ્રેસને ભિડાવવા માટે મોટો મુદ્દો મળી ગયો, પણ હવે ટ્રમ્પ સીધું મોદીનું નામ લઈ રહ્યા છે. હવે ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે, અમેરિકા સરકારની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (ઞજઅઈંઉ) દ્વારા મારા મિત્ર મોદીને 182 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પે ચારમાંથી બે વાર તો અમેરિકા સરકારની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (ઞજઅઈંઉ) દ્વારા મોદીને નાણાં મોકલવામાં આવ્યાં એવું કહ્યું છે. ટ્રમ્પ તો આ બહાને ભારત દ્વારા અમેરિકાના માલ પર લગાવાતા ટેરિફનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે તેથી ભાજપની બકરી ડબ્બામાં આવી ગઈ છે.

ટ્રમ્પના કહેવા પ્રમાણે, યુએસએઈડ દ્વારા ફંડિંગ ભારતમાં વોટર ટર્નઆઉટ વધારવા માટે આપવામાં આવ્યું હતું ને તેમને એ સમજાતું નથી કે, અમેરિકા ભારતને 21 મિલિયન યુએસ ડોલર કેમ આપી રહ્યું છે? ટ્રમ્પના કહેવા પ્રમાણે, ભારત પાસે પુષ્કળ નાણાં છે કેમ કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. અમેરિકાના માલ પર તો ભારત 100 ટકા ટેરિફ લાદે છે એટલે તેમને નાણાંની જરૂર જ નથી.

ટ્રમ્પની વાતો એકદમ વિરોધાભાસી છે અને ટ્રમ્પ આ મુદ્દે નિવેદનો બદલી રહ્યાં છે, પણ ભાજપે આ મુદ્દો પકડી લીધો છે એટલે આપણા વિદેશ મંત્રાલયે આ માહિતીને ચિંતાજનક ગણાવીને તપાસ ચાલી રહી છે એવી રેકર્ડ વગાડવી પડી રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના કહેવા પ્રમાણે, ભારતીય ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપ અંગે ચિંતા વધી છે તેથી અમે આ મુદ્દાની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે આ બાબતે કંઈ પણ કહેવું વહેલું ગણાશે, પણ ટૂંક સમયમાં બીજી માહિતી મળશે એવી આશા છે.

વિદેશ મંત્રાલયે હાલ પૂરતી વાત ટાળી દીધી, પણ વાસ્તવમાં ભવિષ્યમાં બીજી કોઈ માહિતી જ મળવાની નથી. જે માહિતી છે એ અત્યારે જ સરકાર પાસે છે ને હમણાં નાણાં મંત્રાલયે યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (ઞજઅઈંઉ) દ્વારા અત્યાર સુધીમાં ભારતને કેટલી સહાય મળી તેનો રિપોર્ટ બહાર પાડ્યો જ છે. ભારતમાં 555 પ્રોજેક્ટ્સને અમેરિકા દ્વારા સહાય અપાઈ હોવાનો તેમાં ઉલ્લેખ છે. આ પૈકી ક્યો પ્રોજેક્ટ ભારતની ચૂંટણીમાં દખલ કરવા માટે હતો તેની જાણ મોદી સરકારે લોકોને કરવી જોઈએ, પણ નરેન્દ્ર મોદી સરકાર એ જવાબ આપતી નથી. આ જવાબ કેમ નથી અપાતો એ મોદી સરકાર જ કહી શકે.

યુએસએઈડ અમેરિકા સરકારની સંસ્થા છે. આ સંસ્થાએ કરેલી સહાયના સત્તાવાર પુરાવા હોય જ કેમ કે નાણાં અમેરિકન સરકારની તિજોરીમાંથી ગયાં છે. અમેરિકાની સરકાર ભારતીય સંસ્થાઓને મદદ કરે તેની વિગતો ભારત સરકારના નાણાં મંત્રાલય પાસે હોય જ. ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ, 2010 હેઠળ વિદેશથી નાણાંની મંજૂરી કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય આપે છે. વિદેશમાંથી સહાય મેળવતી સંસ્થાઓએ દર વર્ષે કેન્દ્ર સરકારને ક્યાંથી કેટલું ફંડ મળ્યું તેની વિગતો ફરજિયાતપણે આપવી પડે છે તેથી સરકાર પાસે તો બધી માહિતી છે જ. બીજું એ કે, બિડેન 2021થી 2025 સુધી ચાર વર્ષ પ્રમુખ રહ્યા એ વખતે ભારતમાં મોદી સરકાર હતી. તેથી તેના મારફતે ફંડ આવ્યું હોય છતાં કેમ વિગતો બહાર નથી પડાતી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button