એકસ્ટ્રા અફેર

ભૂતકાળ ગમે તેવો હોય, મમતાને સુધરવાની તક મળવી જોઈએ



એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

હિન્દી ફિલ્મોની એક જમાનાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી ક્નિનર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ તેના કારણે વિવાદ સર્જાઈ ગયો છે. મમતા કુલકર્ણીએ શુક્રવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંગમના કિનારે સંન્યાસ લીધો હતો અને ક્નિનર અખાડાના પ્રમુખ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતાને દીક્ષા આપીને શ્રીયામાઈ મમતા નંદગિરિ એવું નવું નામ આપ્યું છે. ક્નિનર અખાડામાં મહામંડલેશ્વર બનાવતી વખતે મમતા કુલકર્ણીના વાળ કાપવામાં આવ્યા હતા અને મમતા કુલકર્ણીને દૂધનો અભિષેક કરાયો હતો. મમતા હવે ભગવાં વસ્ત્રો પણ ધારણ કરે છે એ જોતાં એ હવે સંપૂર્ણપણે સંન્યાસિનીના સ્વરૂપમાં આવી ગઈ છે.

મમતા કુલકર્ણીની દીક્ષાએ લોકોમાં તો ઉત્સુકતા જગાવી જ છે પણ મમતાને ક્નિનર અખાડા દ્વારા અપાયેલી મહામંડલેશ્વરની ઉપાધિને કારણે સાધુ-સંતોમાં પણ ભાગલા પડી ગયા છે. મહાકુંભમાં ભાગ લઈ રહેલા અખાડા સાથે સંકળાયેલા સાધુ-સંતોના એક વર્ગનું કહેવું છે કે, મહામંડલેશ્વરની ઉપાધિ સંત કક્ષાની વ્યક્તિને અપાય છે અને કોઈને પણ ઉઠાવીને સીધા સંત ના બનાવી શકાય. મહામંડલેશ્વરની ઉપાધિ આપતાં પહેલાં વ્યકિતનું ચારિત્ર્ય જોવું પડે જ્યારે મમતાનું ચારિત્ર્ય શંકાસ્પદ છે એ જોતાં. કિન્નર અખાડાએ મમતાને મહામંડલેશ્વરની ઉપાધિ આપીને માન્યતા આપીને મહાપાપ કર્યું છે.

સાધુ-સંતોનો બીજો વર્ગ માને છે કે, મમતા પર જે આરોપ લાગ્યા હતા એ સાબિત થયા નહોતા અને ડ્રગ્સના કેસમાં તેને નિર્દોષ છોડી દેવાઈ છે. મમતા પર લાગેલા બીજા આક્ષેપો પણ સાબિત થયા નથી એ જોતાં મમતા સામે આંગળી ચીંધી ના શકાય. સંન્યાસ લેવાનો અધિકાર બધાને છે અને હિંદુ પરંપરામાં તો દેહવ્યાપાર કરનારી એક વેશ્યાને પણ ગુરુ બનાવવામાં આવી હતી એ જોતાં મમતાને પણ મહામંડલેશ્વરની ઉપાધિ આપવામાં કશું ખોટું નથી. યોગ્યતા હોય તો કોઈને પણ મહામંડલેશ્વર બનાવી શકાય છે અને ભૂતકાળમાં કોઈ શું કરતું હતું એ મહત્ત્વનું નથી. મમતા કુલકર્ણીને ક્નિનર અખાડાએ મહામંડલેશ્વર બનાવી તેની સામે શાંભવી પીઠાધીશ્વર શ્રી સ્વામી આનંદસ્વરૂૂપ મહારાજનો સૌથી મોટો વિરોધ છે. આ મહારાજે તો ચાર વર્ષ પહેલાં કુંભમાં કિન્નર અખાડાને માન્યતા આપી તેને જ મહાપાપ ગણાવી દીધું છે. તેમના મતે તો કિન્નર અખાડાને માન્યતા સનાતન ધર્મ સાથે કપટ છે.

આનંદસ્વરૂૂપ મહારાજના કહેવા પ્રમાણે તો સંન્યાસ સ્ત્રીઓ માટે છે જ નહીં અને મમતાને મહામંડલેશ્વર બનાવાઈ પછી ક્નિનર અખાડાને લોકો મજાકમાં લઈ રહ્યા છે. મમતાનું નામ ખૂબ જ મોટું છે અને ક્નિનર અખાડાના લોકો તેના નામ પર વેપાર કરશે. નિરંજની આનંદ અખાડાના મહામંડલેશ્વર બાલકાનંદજી મહારાજે પણ આ વાતમાં સૂર પુરાવીને કહ્યું છે કે, મહામંડલેશ્વર બનાવવા માટે ધારાધોરણો છે ને કોઈને પણ ઊંચકીને મહામંડલેશ્વરપદે બેસાડી શકાય નહીં. પંચ દશનામ અગ્નિ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર રામકૃષ્ણાનંદગિરિએ પણ આ વાતમાં સૂર પુરાવ્યો છે.

આ સાધુ-સંતોની સામે બીજા ઘણા સાધુ-સંતોનું વલણ એકદમ લોજિકલ અને તાર્િકક છે. શ્રી પંચદશનમ જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિમ્હાનંદગિરિ તેમાંથી એક છે. તેમના કહેવા પ્રમાણે, મમતા કુલકર્ણી તેના માર્ગ પરથી ભટકી ગઈ હતી અને ગુનાખોરીના દાયરામાં આવી ગઇ હતી પણ હું તેના પર કોઈ શંકા કરતો નથી. જો કે તેમણે કહ્યું છે કે, હું વિનંતી કરીશ કે જે લોકો મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવી રહ્યા છે તે થોડી ધીરજ રાખે. કેટલાક દિવસ મમતા સાધુ તરીકે જીવે ત્યારે તેના જીવન પર નજર રાખવી જોઈએ અને પછી નિર્ણય લેવાય. અખાડા પરિષદના પ્રમુખ રવીન્દ્ર પુરીએ પણ મમતાનું ઘણા આશીર્વાદ સાથે સ્વાગત કર્યું છે. તેમણે તો કહ્યું છે કે, આપણી પરંપરામાં અપરાધી હતા એ પછીથી મહાન ઋષિઓ થયા છે, જેઓ ડાકુ હતા તે મહાન સંત થયા છે. મમતા કુલકર્ણી ભૂતકાળમાં ડ્રગ્સના આરોપોમાં ઘેરાયેલી હતી એ અંગે પણ રવીન્દ્ર પુરીએ કહ્યું કે, મમતા પહેલા કેવી હતી એ જાણવાની જરૂર નથી કેમ કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ધર્મના માર્ગે ચાલી શકે છે. જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા નારાયણગિરિજી મહારાજે પણ આ જ વાત કરી છે.

મમતા વિરોધી સૂરનાં કારણો સમજી શકાય એવાં છે. મમતા પોતે ફિલ્મ અભિનેત્રી હતી ત્યારે અત્યંત સફળ હતી પણ સાથે સાથે બોલ્ડ પણ હતી. મમતાના છોટા રાજન અને વિકી ગોસ્વામી જેવા ગેંગસ્ટર સાથે સંબધો હતા એવું કહેવાય છે. મમતાએ પબ્લિસિટી માટે ન્યુડ ફોટો સેશન કરાવીને ચકચાર જગાવી દીધી હતી. મમતાએ ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કરેલાં ને લગ્ન કરવા માટે એ મુસ્લિમ બની ગયેલી એવું પણ કહેવાય છે. મમતાને 2000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું એ કેસમાં આરોપી પણ બનાવાઈ હતી. આ કેસમાંથી તેને કોર્ટે નિર્દોષ છોડી દીધી છે પણ તેની છાપ વંઠી ગયેલી સ્ત્રી તરીકેની પડી છે એ સ્પષ્ટ છે. આ છાપ ઊભી થઈ તેમાં મમતાનું પણ યોગદાન છે ને મીડિયાનું પણ યોગદાન છે તેથી બધી વાતો સાચી જ છે એવું ના કહી શકાય. અલબત્ત બધી વાતો ખોટી છે એ પણ ના કહી શકાય.

જો કે મમતા સંન્યાસિની બની તેને આ બધી વાતો સાથે કોઈ લેવાદેવા નથી. બલ્કે એક સારી વાત કહેવાય કે, ગુનાખોરી ને ગ્લેમર સાથે સંકળાયેલી અભિનેત્રી બધું છોડીને ધર્મનો માર્ગ પકડી રહી છે. મમતા ખરેખર ધર્મના માર્ગે જવા માગે છે કે નહીં એ તો સમય કહેશે પણ તેને એક તક તો મળવી જોઈએ કે નહીં ? તેનાં ભૂતકાળનાં કહેવાતાં પાપ, અપરાધ કે ખરાબ કૃત્યોના કારણે મમતા સંન્યાસિની બનવા લાયક નથી કે મહામંડલેશ્વર બનવાને યોગ્ય નથી એવી વાત હળાહળ સંકુચિતતાની નિશાની છે અને હિંદુ ધર્મનું પણ અપમાન છે.

હિંદુ પરંપરા તો મહાપાપીઓને પણ માફી આપીને ધર્મના નામે ચાલવાની છૂટ આપે છે ત્યારે મમતાનો તો કોઈ અપરાધ સાબિત થયો નથી. આ સંજોગોમાં મમતાનો વિરોધ કરનારા ખોટા છે અને મમતાને ધર્મના માર્ગે ચાલવાનો અધિકાર હોવાની વાત કરનારા સાચા છે. મમતાને ધર્મના માર્ગ પર ચાલવાની તક મળી છે ત્યારે તેણે પણ પોતાનો વિરોધ કરનારાંને ખોટા સાબિત કરવાની જરૂર છે. મમતા પોતાના ભૂતકાળને લોકો ભૂલી જાય અને એક સતમાર્ગી તરીકે યાદ કરે એવી ઈમેજ ઊભી કરવામાં સફળ થાય તો તેનો સંન્યાસ લેખે લાગશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button