એકસ્ટ્રા અફેરઃ જીત પાકી છે એ ચૂંટણીમાં ભાજપ 200 કરોડ કેમ ખર્ચે? | મુંબઈ સમાચાર
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ જીત પાકી છે એ ચૂંટણીમાં ભાજપ 200 કરોડ કેમ ખર્ચે?

  • ભરત ભારદ્વાજ

ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણને ઈન્ડિયા મોરચાના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને સરળતાથી હરાવી દીધા એ વાત વિપક્ષી નેતાઓને હજમ થઈ નથી તેથી ભાજપે રૂપિયા વેરીને અને બ્લેકમેઈલિંગ કરીને વિપક્ષો સાંસદોને તોડ્યા હોવાના આક્ષેપો શરૂ થઈ ગયા છે. તૃણમૂલ કૉંગ્રેસથી માંડીને એનસીપી સુધીના નેતા મચી પડ્યા છે અને ક્રોસ વોટિંગની તપાસ કરવાનું કોરસ પણ શરૂ થઈ ગયું છે.

પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ભત્રીજા અને તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અભિષેક બેનરજીએ દાવો કર્યો છે કે, ભાજપે દરેક વિપક્ષી સાંસદને ખરીદવા માટે 15-20 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાની મને ખબર પડી છે. બેનરજીએ પોતાને આ વાતની ખબર ક્યાંથી પડી તેની ચોખવટ નથી કરી પણ તેમનું કહેવું છે કે, દરેક પાર્ટીએ ક્રોસ વોટિંગ કોણે કર્યું તેની તપાસ કરીને બિકાઉ સાંસદોને ઉઘાડા પાડવા જોઈએ.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અરવિંદ સાવંતે તો વળી ભાજપે બ્લેકમેઈલિંગ કર્યું હોવાનો આક્ષેપ કરી નાખ્યો છે. અરવિંદ સાવંતે સવાલ કર્યો છે કે, જેમના મતો અમાન્ય ઠર્યા છે તેમણે પોતાના અંતરાત્માથી મતદાન કર્યું હોય એવું લાગતું નથી પણ લાગે છે કે, તેમના મત ખરીદવામાં આવ્યા હતા. કેન્દ્રની બધી એજન્સીઓ ભાજપની ગુલામ છે અને ભાજપે આ એજન્સીઓની મદદથી બ્લેકમેલ કર્યું હશે.

કૉંગ્રેસના મનીષ તિવારીએ બેનરજીની વાતમાં હાજીયો પુરાવીને કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હોય તો ઈન્ડિયા મોરચાના દરેક પક્ષે તેની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ કેમ કે આ ખૂબ જ ગંભીર બાબત છે. ક્રોસ વોટિંગ કરનારાને ભાજપે ખરીદ્યા હોવાની વાતમાં થોડી પણ સચ્ચાઈ હોય તો વ્યવસ્થિત અને નિષ્પક્ષ તપાસ જરૂરી છે.

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું છે તેમાં બેમત નથી કેમ કે વિપક્ષ ઉમેદવાર સુદર્શન રેડ્ડીને બધા વિપક્ષી સાંસદોના મત નથી મળ્યા. મંગળવારે થયેલા મતદાનમાં મતદાન કરવા માટે માન્ય 788 સાંસદમાંથી 767 એટલે કે 98.2 ટકા સાંસદોએ મતદાન કર્યું હતું.

એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણનને 452 મત મળ્યા અને સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા જયારે, 15 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. રાધાકૃષ્ણને સુદર્શન રેડ્ડીને 152 મતોના જંગી માર્જિનથી હરાવ્યા પણ સંસદનાં બંને ગૃહોનાં સમીકરણો પર નજર નાખો તો સમજાય કે એનડીએ અને ઈન્ડિયા મોરચા વચ્ચે આટલો મોટો તફાવત જ નથી.

એનડીએ પાસે લોકસભામાં 293 સાંસદો અને રાજ્યસભામાં 129 સભ્યો મળીને કુલ ચાર સાંસદ થાય છે. જ્યારે વિપક્ષી ઈન્ડિયા મોરચા પાસે લગભગ 325 સાંસદ છે. શિરોમણિ અકાલી દળ, બિજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિએ મતદાનથી અલિપ્ત રહેવાની જાહેરાત કરેલી પણ વાયએસઆર કૉંગ્રેસના 11 સાંસદે રાધાકૃષ્ણનને મત આપવાની જાહેરાત કરી હતી તેથી એનડીએ પાસે બધા મળીને 433 મત થાય. તેની સામે તેમને 452 મત મળ્યા તેથી રાધાકૃષ્ણનને 19 વધુ મત મળ્યા છે.

આ વધારાના મત ઉપરથી તો ટપક્યા નથી જ કેમ કે વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડીને વિપક્ષો પાસે છે તેના કરતાં લગભગ 25 મત ઓછા મળ્યા છે. કુલ 15 મત અમાન્ય ઠર્યા તેને ધ્યાનમાં લઈએ તો પણ રેડ્ડીને મળેલા 300 મત વિપક્ષી તાકાતથી ઓછા છે તેથી ક્રોસ વોટિંગ તો થયું જ છે.

અત્યારે ચાલી રહેલી અટકળો પ્રમાણે, વિપક્ષોના પક્ષમાં ઓછામાં ઓછા 14 સાંસદે ક્રોસ વોટિંગ કર્યું છે. ભાજપનો દાવો છે કે વિપક્ષના 15 સાંસદે ક્રોસ વોટિંગ કરીને રેડીના બદલે રાધાકૃષ્ણનને મત આપ્યા અને કેટલાક વિપક્ષી સાંસદોએ જાણી જોઈને અમાન્ય મત આપ્યા હતા. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ તો કટાક્ષ કર્યો કે, ઈન્ડિયા મોરચાના કેટલાક સાંસદોનો આભાર કે જેમણે ‘અંતરાત્માનો અવાજ’ સાંભળીને એનડીએ ઉમેદવાર સી.પી.રાધાકૃષ્ણનને મત આપ્યો. તેના જવાબમાં જ ભાજપે સાંસદો ખરીદ્યા હોવાના આક્ષેપો શરૂ થઈ ગયા છે.

આ આક્ષેપો ગળે ઊતરે એવા નથી કેમ કે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ભાજપ શું કરવા આટલા રૂપિયાની લહાણી કરે ? મમતાના ભત્રીજા અભિષેક બેનરજીનો આક્ષેપ છે કે, ભાજપે દરેક વિપક્ષી સાંસદને ખરીદવા માટે 15-20 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાની મને ખબર પડી છે. આ આંકડાને ધ્યાનમાં લઈએ તો ભાજપે વિપક્ષી સાંસદોને 200 કરોડ રૂપિયા આપ્યા હશે. આ વાત જ કહેતા બી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી છે.

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી ભાજપ માટે મહત્ત્વની હતી તેમાં બેમત નથી કેમ કે તેના આધારે ભાજપની સંસદમાં તાકાતનાં પારખાં થવાનાં હતાં પણ આ ચૂંટણીમાં રાધાકૃષ્ણનની જીત થશે એ પણ સામી ભીંતે લખાયેલું સત્ય હતું. ભાજપના નેતા એટલા મૂરખ છે કે, જે ચૂંટણીમાં ભાજપની જીત પાકી જ હોય એ ચૂંટણી માટે 200 કરોડ રૂપિયા વિપક્ષી સાંસદોને આપી દે ? ભાજપ પાસે વધારાના રૂપિયા હોય તો પણ તેનો અર્થ ગમે ત્યાં ઉડાવી દેવા એવો તો નથી જ થતો.

બેનરજી કરતાં તો તાર્કિક લાગે એવી વાત શિવસેનાના અરવિંદ સાવંતે કરી છે કે ભાજપે એજન્સીઓનો ઉપયોગ કરીને વિપક્ષી સાંસદોને બ્લેકમેઈલ કરીને પોતાની તરફેણમાં મત આપવા માટે મજબૂર કર્યા હશે. આ વાતનો પણ કોઈ આધાર નથી પણ થોડા ઘણા અંશે આ વાત ગળે ઊતરી શકે. ભાજપનો ટ્રેક રેકોર્ડ જોતાં પણ આ વાત ગળે ઊતરે ખરી પણ ભાજપે સાંસદોને ખરીદ્યા એ વાત તો કોઈ રીતે હજમ થાય એવી નથી.

ભાજપે રૂપિયા વેરીને સાંસદો ખરીદ્યા હોય તો વિપક્ષો માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કહેવાય. પોતે આવા બિકાઉ સાંસદોને સંઘરીને બેઠા છે તેના માટે શરમ આવવી જોઈએ પણ તેના બદલે એ લોકો ભાજપ પર દોષનો ટોપલો ઢોળીને બેઠા છે.

વિપક્ષી સાંસદો તપાસનું ડહાપણ ડહોળી રહ્યા છે એ પણ હાસ્યાસ્પદ છે કેમ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટી વ્હીપ લાગુ પડતો નથી અને મતદાન ગુપ્ત મતપત્રક દ્વારા થાય છે. ક્યા સાંસદે કોને મત આપ્યો તેની કોઈને ખબર નથી હોતી એ સંજોગોમાં ખરેખર કોણે ક્રોસ વોટિંગ કર્યું તેની ખબર કઈ રીતે પડે? વિપક્ષો કંઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં મતપત્રકો તપાસીને કોણે ક્રોસ વોટિંગ કર્યું એ નક્કી થોડા કરી શકવાના છે?

આપણ વાંચો:  ક્વિક ફિલ્મી ક્વિઝ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button