એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : વક્ફ ઍક્ટમાં સુધારાથી મૂળભૂત અધિકારોના ભંગની વાત વાહિયાત…

-ભરત ભારદ્વાજ

સંસદનાં બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં વક્ફ એક્ટમાં સુધારો કરતો ખરડો પસાર થઈ ગયો છે અને હવે રાષ્ટ્રપતિની મંજૂરી જ બાકી છે. 2 એપ્રિલે લોકસભામાં 14 કલાકની અને 3 એપ્રિલે રાજ્યસભામાં 12 કલાકની ચર્ચા પછી આ બિલ પસાર થયું હતું. હવે સંસદનાં બંને ગૃહે પસાર કરેલા ખરડાને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ આ ખરડો કાયદો બની જશે.

વિપક્ષોએ આ ખરડાનો વિરોધ કરેલો પણ સંસદમાં બહુમતી સામે કંઈ ના ચાલતાં વિપક્ષના કેટલાક સાંસદો અને ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. ગુરુવારે રાજ્યસભામાં બિલ પસાર થયા પછી બીજા જ દિવસે એટલે કે શુક્રવારે જ સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા બિલ સામે બે અરજી દાખલ કરવામાં આવી હતી. બિહારના કિશનગંજથી કૉંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં વક્ફ એક્ટમાં કરાયેલો સુધારો ગેરબંધારણીય હોવાનો દાવો કરાયો છે.

શનિવારે દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને પણ અરજી કરી અને એસોસિએશન ફોર ધ પ્રોટેક્શન ઈન ધ મેટર્સ ઓફ સિવિલ રાઈટ્સ નામની સંસ્થાએ પણ અરજી કરી છે તેથી અત્યાર સુધીમાં વક્ફ એક્ટમાં સુધારા સામે કુલ 4 અરજી થઈ છે. ગુરુવારે રાજ્યસભામાં બિલ પસાર થયા પછી કૉંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે કૉંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે. તામિલનાડુના ડીએમકેએ પણ અરજી દાખલ કરવાની જાહેરાત કરી હતી. હજુ બંને સત્તાવાર રીતે કોર્ટમાં ગયા નથી પણ બંને કોર્ટમાં જશે જ. ભારતમાં ધર્મના નામે ચાલતાં તૂતની વાત આવે એટલે બધાંની લાગણીઓ દુભાઈ જતી હોય છે તેથી બીજા પણ ઘણા આ ખરડાને પડકારવા માટે ઊભા થશે એ જોતાં સુપ્રીમ કોર્ટમાં આ ખરડા સામેની અરજીઓની સંખ્યા હજુ વધશે એ નક્કી છે.

વક્ફ એક્ટમાં સુધારાને પડકારતી અરજીઓમાં દલીલ કરાઈ છે કે, આ સુધારો બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે અને કલમ 300એ હેઠળના સંપત્તિના બંધારણીય અધિકારનો પણ ભંગ કરે છે. બધા અરજદારોની અરજીઓ એકસરખી નથી તેથી બધી અરજીઓમાં બંધારણની અલગ અલગ કલમોના ભંગના દાવા કરાયા છે પણ બધી અરજીઓનો સાર કઢાય તો બંધારણની કલમો 14, 15, 21, 25, 26, 29, 30 અને 300એનો આ સુધારા દ્વારા ભંગ થાય છે એવો અરજદારોનો દાવો છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સાંસદોના ભ્રષ્ટાચાર સામે મેદાને પડો, પગારા વધારા સામે નહીં

હવે આપણે બંધારણની આ કલમોમાં જે જોગવાઈ પર નજર નાખીએ તો સમજાય કે, વક્ફ એક્ટમાં સુધારાનો વિરોધ કરનારા કાં ગમાર છે કાં કોમેડી કરી રહ્યા છે કાં પોતાનો કક્કો ખરો સાબિત કરવા માટે સાવ બકવાસ વાતો કરવા પર ઊતરી રહ્યા છે. સુધારાને પડકારનારામાં અસદુદ્દીન ઓવૈસી જેવા બંધારણના જાણકાર પણ છે તેથી બધાંને ગમાર ના ગણી શકાય પણ આ બધાંનો ઉદ્દેશ મુસ્લિમ સમાજમાં પોતાનું વર્ચસ્વ જાળવવાનો છે જ. એ વાસ્તે થઈને એ લોકો કોમિક સિચ્યુએશન તો ઊભી કરી જ રહ્યા છે કેમ કે વાસ્તવમાં વક્ફનો કાયદો અને વક્ફની જોગવાઈ જ કાં બંધારણે આપેલા મૂળભૂત અધિકારનો ભંગ કરે છે કાં તેને મૂળભૂત અધિકાર સાથે કંઈ લેવાદેવા નથી. આપણે એક પછી એક કલમને લગતી જોગવાઈ પર નજર નાખીશું તો આ વાત સમજાશે.

ભારતના બંધારણની કલમ 14 ભારતમાં તમામ લોકોને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની ખાતરી આપે છે. આ એક મૂળભૂત અધિકાર છે કે જે દેશના તમામ નાગરિકો, વિદેશીઓ અને કાનૂની સંસ્થાઓને લાગુ પડે છે. વક્ફના કાયદામાં સુધારા દ્વારા કોની સમાનતા કે કાયદા દ્વારા સમાન રક્ષણના અધિકારનો ભંગ થયો ? ઉલટાનું વક્ફના કાયદામાં ટ્રિબ્યુનલના ચુકાદાને કોઈ કોર્ટમાં ના પડકારી શકાય એ જોગવાઈના કારણે કલમ 14નો ભંગ થતો હતો. ભારતીય બંધારણની કલમ 15 ધર્મ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે, જાહેર સ્થળો અને સેવાઓમાં સમાન પ્રવેશ સુનિશ્ર્ચિત કરે છે. રાજ્યને મહિલાઓ, બાળકો અને વંચિત જૂથો માટે વિશેષ જોગવાઈઓ કરવાની સત્તા આપે છે. વક્ફ એક્ટ વાસ્તવમાં ધર્મના આધારે ભેદભાવ કરનારો કાયદો છે કેમ કે બીજાં કોઈ ધર્મ માટે નહીં પણ મુસ્લિમો માટે જ આવો કાયદો બનાવાયો. આ ભેદભાવ શા માટે?

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાણા સાંગા મહાન હતા, છે અને રહેશે રામજીલાલના બકવાસથી શું ફરક પડે છે?

ભારતીય બંધારણની કલમ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણના મૂળભૂત અધિકારની ખાતરી આપે છે, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈપણ વ્યક્તિને તેમના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખી શકાય નહીં. વક્ફ એક્ટમાં સુધારાના કારણે આ અધિકારનો ભંગ કઈ રીતે થાય છે? આ દલીલ કોમિક છે તેથી તેના વિશે નહીં બોલવામાં જ સાર છે. ભારતીય બંધારણની કલમ 25 જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્ય અને બંધારણની અન્ય જોગવાઈઓને આધીન રહીને અંતરાત્માની સ્વતંત્રતા અને મુક્તપણે ધર્મ સ્વીકારવા, તેનું પાલન કરવા અને પ્રચાર કરવાના અધિકારની ખાતરી આપે છે. એ જ રીતે ભારતીય બંધારણની કલમ 26 ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતાની બાંયધરી આપે છે.

ધાર્મિક સંપ્રદાયોને સંસ્થાઓ સ્થાપિત કરવા અને જાળવવા, પોતાનાં કાર્યોનું સંચાલન કરવા, મિલકતની માલિકી અને સંપાદન કરવા અને કાયદા અનુસાર તેનું સંચાલન કરવાની મંજૂરી આપે છે, આ બધું જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યને આધીન છે. ટૂંકમાં ધાર્મિક સ્વાતંત્ર્યને લગતો આ કાયદો છે ને વક્ફ એક્ટમાં સુધારા દ્વારા કોઈની ધાર્મિક સ્વતંત્રતા છિનવાતી નથી. વક્ફ ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ નથી. એ તો સ્વૈચ્છિક રીતે દાનમાં મળેલી સંપત્તિનો વહીવટ કરવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા પણ કોઈ છિનવી નથી રહ્યું, બલ્કે તેને બહેતર બનાવાઈ રહી છે.

ભારતીય બંધારણની કલમ 29 લઘુમતીઓનાં હિતોનું રક્ષણ કરે છે. કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, લિપિ અથવા સંસ્કૃતિના સંરક્ષણનો અધિકાર છે. રાજ્ય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી અથવા સહાયિત શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ, જાતિ, જાતિ અથવા ભાષાના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરવામાં આવે છે. અરજદારો વક્ફ બોર્ડમાં મુસ્લિમોની ઈજારાશાહી ઈચ્છે છે તો આ અધિકારનો ભંગ કોણ કરી રહ્યું છે. કલમ 30 હેઠળ લઘુમતીઓના શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલનનો અધિકાર અપાયો છે. વક્ફ બોર્ડ શૈક્ષણિક સંસ્થા છે? તો પછી આ અધિકારનો ભંગ કઈ રીતે થયો ?

કલમ 300અ હેઠળ સરકાર યોગ્ય કાનૂની પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના મનસ્વી રીતે કોઈ વ્યક્તિની મિલકત છીનવી ન શકે. આ બંધારણીય અધિકાર છે. સમાનતા અથવા સ્વતંત્રતાના અધિકાર જેવો મૂળભૂત અધિકાર નથી તેથી કાયદા દ્વારા તેને રદ કરી શકાય કે અમલ મોકૂફ કરી શકાય.

સવાલ એ છે કે, કોની સંપત્તિ છિનવાઈ રહી છે ? વક્ફ બોર્ડ વક્ફના નામે લોકોની સંપત્તિ છિનવી રહ્યા છે એટલે વાસ્તવમાં એ લોકો આ અધિકારનો ભંગ કરી રહ્યા છે. આ દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોમાં બંધારણની સમજ આપણા બધા કરતાં વધારે છે તેથી આ અરજીઓનું શું થશે એ કહેવાની જરૂર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button