એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પનો ડ્રગ્સ રિપોર્ટ, ભારત માટે ખતરાની ઘંટડી

ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકન કૉંગ્રેસ એટલે કે યુએસ સંસદમાં ‘પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’ રજૂ કર્યો છે અને ભારત માટે આ રિપોર્ટ ચોંકાવનારો છે. ‘પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’માં ડ્રગ્સની હેરફેર અને ગેરકાયદેસર ડ્રગ્સ ઉત્પાદન કરતા 23 દેશોની યાદી છે.
આ યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે તેનો મતલબ એ કે અમેરિકા માને છે કે ભારત પણ વિશ્વમાં ડ્રગ હબ તરીકે ઊભરી રહ્યું છે. ટ્રમ્પ માને છે કે, ભારત સહિતના આ 23 દેશો ગેરકાયદેસર ડ્રગ્સ અને કેમિકલ્સ બનાવીને કે પછી તેની હેરફેરમાં ભાગીદાર બનીને અમેરિકા તથા તેના નાગરિકોની સલામતી માટે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે.
ડોનલ્ડ ટ્રમ્પ અત્યારે ભારતની મેથી મારવામાં મશગૂલ છે તેથી ઘણાંને આ ‘પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’ ટ્રમ્પે ભારતની મેથી મારવા શોધી કાઢવા નવું બહાનું લાગી રહ્યું છે પણ ટ્રમ્પને ન્યાય કરવા ખાતર પણ કહેવું જોઈએ કે, કમ સે કમ ડ્રગ્સ અંગેના ’પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’માં તો ટ્રમ્પનો એવો કોઈ બદઈરાદો નથી.
ટ્રમ્પે ‘પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’ દ્વારા આપણે જેનાથી અજાણ છીએ અથવા અજાણ હોવાનો ડોળ કરી રહ્યા છીએ એ ખતરા તરફ આપણું ધ્યાન દોર્યું છે. ટ્રમ્પે પોતાના રિપોર્ટમાં અમેરિકા તથા અમેરિકાના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરી છે પણ વાસ્તવમાં ડ્રગ્સના કારણે આપણને પણ એટલો જ ખતરો છે તેથી ‘પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’ ભારત માટે ખતરાની ઘંટડી જ છે.
ટ્રમ્પના ‘પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’માં ડ્રગ્સના મામલે ક્યો દેશ કઈ રીતે ખરાબ ભૂમિકા ભજવી રહ્યો છે તેની વિગતો અપાઈ છે. આ વિગતો પર નજર નાખશો તો સમજાશે કે આ રિપોર્ટની વાતો સો ટકા સાચી છે અને તેની પાછળ કોઈ બદઈરાદો નથી. આ લિસ્ટમાં અફઘાનિસ્તાન, બોલિવિયા, બર્મા, કોલંબિયા અને વેનેઝુએલા એ પાંચ દેશ એવા છે કે જેમને ડ્રગ્સના દૂષણને નાથવા માટે વારંવાર કહેવાયું છતાં નોંધપાત્ર કામગીરી કરી નથી.
તેનું કારણ સ્પષ્ટ છે કે, આ દેશોની સરકારો પોતે જ ડ્રગ્સના ઉત્પાદનમાં સામેલ છે. અફઘાનિસ્તાન, બર્મા અને કોલંબિયાની તો કમાણી જ ડ્રગ્સના ધંધામાંથી છે એ જગજાહેર છે તેથી આ દેશો ડ્રગ્સના દૂષણને નાથવા માટે કંઈ પણ કરે એવી આશા જ ના રખાય.
બહામાસ, બેલીઝ, બોલિવિયા, કોલંબિયા, કોસ્ટા રિકા, ડોમિનિકન રિપબ્લિક, ઇક્વાડોર, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હૈતી, હોન્ડુરાસ, જમૈકા, લાઓસ, મેક્સિકો, નિકારાગુઆ, પનામા, પેરુ અને વેનેઝુએલા સહિતના દેશોનો પણ ડ્રગ્સની હેરફેરમાં સામેલ દેશોમાં સમાવેશ કરાયો છે.
આ પૈકી મોટા ભાગના દેશો લેટિન અમેરિકા અને કેરેબિયન ટાપુઓ છે. લેટિન અમેરિકન દેશો તો ડ્રગ્સની હેરફેર માટે કુખ્યાત છે જ તેથી તેમનો યાદીમાં સમાવેશ આશ્ચર્યજનક નથી. કેરેબિયન દેશોનો ઉપયોગ લેટિન અમેરિકાના દેશો અમેરિકામાં ડ્રગ્સ ઘુસાડવા કરે છે તેથી તેમનો યાદીમાં સમાવેશ આશ્ચર્યજનક નથી.
‘પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’માં ડ્રગ્સ અને ખાસ કરીને ફેન્ટાનાઇલ જેવાં જીવલેણ કેમિકલ્સ યુનાઇટેડ સ્ટેટ્સ માટે રાષ્ટ્રીય કટોકટી બની ગઈ છે અને જાહેર આરોગ્ય માટે સંકટનું કારણ બની ગયાં છે એવો ઉલ્લેખ કરાયો છે.
આ રિપોર્ટ પ્રમાણે, 18 થી 44 વર્ષની વયના અમેરિકનોમાં મૃત્યુનું મુખ્ય કારણ ડ્રગ્સ અને ખાસ કરીને ફેન્ટાનાઇલ છે. ચીન ફેન્ટાનાઇલ દવાઓનું સૌથી મોટું કેન્દ્ર હોવાનું કહેવાય છે અને ટ્રમ્પે સીધો આક્ષેપ જ મૂક્યો છે કે ફેન્ટાનાઇલ જેવા ખતરનાક ડ્રગ્સ બનાવવા માટે વપરાતા રસાયણોનો સૌથી મોટો સ્ત્રોત ચીન છે.
ચીન મેથામ્ફેટામાઇન જેવા અન્ય ડ્રગ્સના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. ચીન ડ્રગ્સના ધંધામાં સામેલ હોવાની વાત નવી નથી અને ટ્રમ્પ આ પહેલાં પણ આ વાત કહી ચૂક્યા છે. ટ્રમ્પની વાત પર ભરોસો કરવા માટે નક્કર કારણો પણ છે.
ચીન નાણાં કમાવવા માટે ગમે તે હદે જઈ શકે છે તેથી ડ્રગ્સ બનાવીને અમેરિકામાં ઠાલવે એ વાત ગળે ઊતરે એવી છે જ. ભારતમાં પણ ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ચીન દ્વારા ડ્રગ્સ ઠલવાય જ છે તેથી ચીન મોટો ખતરો હોવાની વાતમાં દમ છે.
ભારતનો સમાવેશ એવા દેશોની યાદીમાં કરાયો છે કે જ્યાં ડ્રગ્સનું ઉત્પાદન પણ થાય છે અને બીજા દેશોમાં બનાવાતા ડ્રગ્સની હેરફેર માટે તેનો ઉપયોગ થાય છે. ગેરકાયદેસર ડ્રગ્સ અને ખતરનાક કેમિકલ્સની હેરફેરમાં સંડોવાયેલા દેશોમાં એશિયામાં અફઘાનિસ્તાન, બર્મા, ચીન, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
આપણે ભારતની વાત પછી કરીશું પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બર્મા ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા છે એ સામી દીવાલે લખાયેલું સત્ય છે તેથી તેનો કોઈ ઈનકાર ના કરી શકે. ટ્રમ્પે અફઘાનિસ્તાન સામે ગંભીર આક્ષેપ મૂક્યો છે કે, તાલિબાને ગેરકાયદેસર ડ્રગ્સ પર પ્રતિબંધ જાહેર કર્યો છે પણ અફીણ અને મેથામ્ફેટામાઇનનું ઉત્પાદન ખાનગીમાં ધમધોકાર ચાલી રહ્યું છે.
પાકિસ્તાન અને બર્મા મારફતે આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહ્યું છે અને તેમાંથી થતી આવક આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ગેંગ્સને મળે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે કેટલાક તાલિબાન સભ્યો આ ડ્રગ્સના વેપલામાંથી ધૂમ નફો કમાઈ રહ્યા છે તેથી અફઘાનિસ્તાન ડ્રગ્સ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે.
આ વાત સો ટકા સાચી છે કેમ તે અફઘાનિસ્તાનના તાલિબાન અને પાકિસ્તાની આર્મી તથા આઈએસઆઈના અધિકારીઓ સાથે મળીને ડ્રગ્સનો વેપલો કરે છે. અફઘાનિસ્તાન દુનિયામાં અફીણનું સૌથી મોટું ઉત્પાદક છે. તેમાંથી બનતાં અલગ અલગ ડ્રગ્સ પાકિસ્તાન આવે છે ને પાકિસ્તાનથી બીજા દેશોમાં પહોંચે છે.
ભારતના દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સની હેરફેર માટે થાય જ છે તેથી ટ્રમ્પના રિપોર્ટમાં સત્ય છે જ. ભારતમાંથી છેલ્લાં કેટલાંક વરસોમાં જે પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે તેના આંકડા પર પણ નજર નાંખીએ તો પણ આ વાત સમજાશે. ભારતમાં દવાઓ અને કેમિકલ્સ બનાવતી નાની નાની ફેક્ટરીઓ ડ્રગ્સ બનાવીને ઈઝી મની કમાવી લેવાની લાલચમાં પડી ગઈ છે એ પણ આપણી નજર સામે જ છે તેથી ટ્રમ્પનો રિપોર્ટ આપણને આયનો બતાવનારો છે.
ભારતે ટ્રમ્પના રિપોર્ટને ગંભીરતાથી લેવો જોઈએ અને ડ્રગ્સના દૂષણને નાથવા પૂરી તાકાત લગાવી દેવી જોઈએ. ભારતમાં પંજાબ સહિતનાં રાજ્યોમાં ડ્રગ્સનાં દૂષણે કઈ હદે યુવાઓને બરબાદ કરી નાખ્યા છે એ આપણે નજર સામે જોયું છે. પંજાબ હજુય ડ્રગ્સની લતમાંથી બહાર નથી આવી શકતું.
પંજાબ દેશનું નાનકડું રાજ્ય છે પણ દેશનાં મોટાં રાજ્યોમાં આ દૂષણ ફેલાય તો શું થાય એ આપણે સમજવું જોઈએ. અમેરિકા જેવો સધ્ધર દેશ ડ્રગ્સને બરબાદીનું કારણ માનતો હોય ને તેનાથી દૂર ભાગતો હોય તો ભારતને તો આર્થિક રીતે પણ ડ્રગ્સનું દૂષણ પરવડે તેમ નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પને કાંડાં કાપી આપવા કરતાં ચીન પર ભરોસો કરવો બહેતર…