એકસ્ટ્રા અફેર : ટ્રમ્પને ભારતને નુકસાન કરવામાં જ રસ

- ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર તેમની હળાહળ ભારત વિરોધી માનસિકતા છતી કરીને એપલને ભારતમાં પોતાની ફેક્ટરીઓ નાખવા સામે ચીમકી આપી છે. ડોનલ્ડ ટ્રમ્પે પોતે જ કહ્યું છે કે, પોતે એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ટિમ કૂકને કહ્યું હતું કે, એપલના આઈફોન બનાવવા માટે ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાની કોઈ જરૂર નથી અને હું નથી ઇચ્છતો કે એપલનાં ઉત્પાદનો ભારતમાં બને. ટ્રમ્પે એવો દાવો પણ કર્યો કે એપલે ભારતની ચિંતા કરવાની જરૂર નથી ને ભારત પોતાનું ફોડી લેશે.
કતારની રાજધાની દોહામાં બિઝનેસ લીડર્સને સંબોધતાં ટ્રમ્પે એપલના સીઈઓ કૂક સાથેની પોતાની વાતચીત વિશે ડંફાશો મારવાની સાથે સાથે આડકતરી ધમકી પણ આપી કે, એપલે હવે અમેરિકામાં ઉત્પાદન વધારવું પડશે. ટ્રમ્પે એવો દાવો પણ કર્યો છે કે, ભારતે અમેરિકાના માલ પર ઝીરો ટેરિફ ડીલ કરવા તૈયારી બતાવી છે અને ભારત અમેરિકાના માલ પર એક પણ પૈસો ડ્યુટી લીધા વિના પણ વ્યાપાર કરવા તૈયાર છે.
ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને આડકતરી ધમકી આપી છે. આ ધમકીના જવાબમાં શું કરવું એ ટિમ કૂક અને એપલના બોર્ડે નક્કી કરવાનું છે પણ ભારત માટે એપલ ટેસ્ટ કેસ છે. ભારત માટે એપલ શું નક્કી કરે છે એ મહત્ત્વનું છે કેમ કે એપલ ડરી જશે તો ભારતમાં આવવા માગતી બીજી અમેરિકન કંપનીઓમાં પણ ડર પેદા થશે. ચીનમાંથી એપલ સહિતની ઘણી અમેરિકન તથા બીજા દેશોની કંપનીઓ પોતાના પ્લાન્ટ ખસેડવા માગે છે અને ભારતમાં લાવવા માગે છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : કર્નલ સોફિયા દેશ કી બેટી કે આતંકવાદીઓની બહેન?
એપલ સહિતની વિદેશી કંપનીઓ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તેનાં ઘણાં કારણ છે. સૌથી મોટું કારણ ચીનનું સામ્યવાદી શાસન અને નકલ કરી લેવાની માનસિકતા છે. ચીન નકલખોરીમાં નિષ્ણાત છે તેથી ગમે તેની કોપી કરી નાખે છે. એપલના આઈફોન જેવા જ ફોન બનાવીને ચીને બજારમાં વેચવા માંડ્યા છે. એપલ જ નહીં પણ બીજી પ્રોડક્ટ્સની પણ ચીન નકલ કરે છે. તેના કારણે એપલ સહિતની મોનોપોલી બિઝનેસ ધરાવતી કંપનીઓની મોનોપોલી સામે ખતરો ઊભો થયો છે તેથી ભવિષ્યમાં તેની અસર તેમના વેચાણ અને આવક પર પડી શકે છે. ભારતમાં એવો કોઈ ખતરો નથી તેથી કંપનીએ ભારતમાં આવી રહી છે.
ચીનથી પ્લાન્ટ ખસેડવા માટેનાં બીજાં પણ કારણ છે. એપલ સહિતની વિદેશી કંપનીઓ ચીન પરની નિર્ભરતા ઘટાડવા માગે છે. ચીન અને અમેરિકા વચ્ચે વારંવાર તણાવ થયા કરે છે તેની અસર આ કંપનીઓ પર પડે છે. ચીનમાં કોવિડ-19નો રોગચાળો ફેલાયો અને લાંબું લોકડાઉન લદાયું તેના કારણે કંપનીઓએ પરાણે ઉત્પાદન બંધ કરવું પડેલું, એ પછી કંપનીઓને લાગ્યું કે ઉત્પાદન માટે ચીન પર વધુ પડતો મદાર રાખવો કે નિર્ભર રહેવું યોગ્ય નથી. આ કારણે કંપનીઓ ઓછા જોખમવાળા વિકલ્પો તરફ વળી રહી છે. વિયેતનામ, ભારત, થાઈલેન્ડ વગેરે ઓછા જોખમવાળા પ્રદેશો હોવાથી કંપનીઓને ભારતમાં રસ છે.
બીજું એ કે, ભારત પાસે જંગી માર્કેટ છે તેથી ભારતમાં બનાવેલો માલ મોટા પ્રમાણમાં ભારતમાં પણ ખપી જાય છે. ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્માર્ટફોન સહિતની ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ્સ માટેનું બજાર છે. ચીનમાં ચીનની કંપનીઓ અમેરિકા કરતાં બહેતર પ્રોડક્ટ્સ બનાવે છે તેથી સ્થાનિક માલની ડીમાન્ડ વધારે છે. ભારતમાં સ્થાનિક કંપનીઓ તરફથી કોઈ સ્પર્ધા નથી. સ્થાનિક ઉત્પાદન કરવાથી કંપનીઓને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો ભારતમાં મોટા પ્રમાણમાં ખપાવવામાં મદદ મળે છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ભારતને ટેસ્ટમાં વિરાટ-રોહિતની ખોટ નહીં વર્તાય
ભારતમાં ચીન કરતાં ઓછો લેબર ખર્ચ છે અને તેના કારણે પ્રોડક્ટની પડતર કિમત ઓછી પડે છે. ભારતમાં સરકારી પ્રોત્સાહનો પણ વધારે છે. ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલ અને પ્રોડક્શન લિંક્ડ ઇનિશિયેટિવ (PLI) યોજનાઓ સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માટે કંપનીઓને નાણાકીય સહાય આપે છે. તેના કારણે ફોક્સકોન અને ટાટા જેવી એપલની ભાગીદાર કંપનીઓ ભારતમાં વધુ રોકાણ કરી રહી છે.
એપલ સહિતની કંપનીઓના પ્લાન્ટ ભારતમાં આવે તો ભારતમાં રોજગારી વધે, ભારતને કરવેરાની આવક થાય અને નિકાસ થાય એટલે વિદેશી હૂંડિયામણની પણ આવક થાય. એપલ ભારતમાં બનેલા તેના 70 ટકા આઇફોનની નિકાસ કરે છે. 2024માં ભારતમાંથી આઇફોન નિકાસ 12.8 અબજ ડોલર (લગભગ 1.10 લાખ કરોડ) હતી. એપલ ભારતમાં બનતી પ્રોડક્ટનો સૌથી મોટો નિકાસકાર દેશ છે તેથી તેની વાત કરી પણ આવી બીજી ઘણી પ્રોડક્ટ્સ છે. આ બધી પ્રોડક્ટ્સના કારણે ભારતનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે પણ એપલ ફસકે ને તેના પગલે બીજી કંપનીએ પણ ફસકે તો ભારતને મોટો ફટકો પડે.
ભારતને એક નુકસાન એ પણ થાય કે, ભારતની વિશ્વનું ભાવિ મેન્યુફેક્ચરિગ હબ બનવાની મહત્વાકાંક્ષા પૂરી ના થાય. અત્યારે ચીનની સ્થિતી, ભારત સરકારની પ્રોત્સાહક નીતિઓ સહિતનાં પરિબળોના કારણે ચીન કરતાં ભારત પાસે ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા સ્કીલ્ડ વર્કર્સ ઓછા હોવા છતાં વિદેશી કંપનીઓ ભારત આવી રહી છે. ફોક્સકોન જેવા એપલના ભાગીદારો તો પોતાની ઉત્પાદન જરૂરિયાતોને પહોંચી વળવા માટે કામદારોને તાલીમ પણ આપી
રહ્યા છે. તેના કારણે એક મોમેન્ટમ ઊભી થઈ છે એ તૂટી જાય.
જોકે અમેરિકાની કંપનીઓ પણ ગાંજી જાય એવી નથી. ટ્રમ્પ પોતાનો ફાયદો જુએ છે એમ આ કંપનીઓ પણ પોતાનો ફાયદો જ જોતી હોય છે ને ભારતમાં પ્લાન્ટ નાખવામાં તેમનો વધારે ફાયદો છે. આ સંજોગોમાં ટ્રમ્પની ધમકીની એપલ કે બીજી કંપની પર અસર પડવાની શક્યતા ઓછી છે.
જો કે ભારતે ટ્રમ્પની ભારત વિરોધી માનસિકતાને સમજવાની જરૂર છે. ટ્રમ્પ ભારતના દોસ્ત છે ને ભારતના વડા પ્રધાનના દોસ્ત છે એવી વાતો આપણે સાંભળ્યા કરીએ છીએ પણ ટ્રમ્પનો એક પણ નિર્ણય ભારતની તરફેણનો નથી. ઊલટાનું ટ્રમ્પ ભારતની મેથી મારવાની કોઈ તક છોડતા નથી. આ સંજોગોમાં ભારતે ટ્રમ્પને મહત્ત્વ આપવાના બદલે પોતાનાં હિતો વિશે વિચારીને નવા દોસ્ત શોધવા જોઈએ. ટ્રમ્પ ભારતના દોસ્ત બની શકે તેમ નથી એ વાસ્તવિકતાને સ્વીકારીને ટ્રમ્પ સિવાય બીજા ક્યા વિકલ્પો છે એ વિશે વિચારવું જોઈએ.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ભારતે ટેરર નેટવર્કનો ખાતમો કરીને જંપ લેવો જોઈએ